IN- SPACe : PM મોદીએ અમદાવાદમાં જે એજન્સીનું ઉદ્ઘાટન કર્યું તે શું છે? કેવી રીતે કામ કરશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં બોપલસ્થિત IN-SPACeના મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.

IN-SPACeએ અવકાશ વિભાગ હેઠળની નોડલ એજન્સી છે, હેતુ અવકાશી સંસોધન અને વેપારક્ષેત્રે ખાનગી ઉદ્યમીઓને પ્રવેશવાની તથા આગળ વધવાની તક પૂરી પાડશે તથા તેમની સાથે સંકલન સાધશે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, IN-SPACeએ અવકાશ વિભાગ હેઠળની નોડલ એજન્સી છે, જે અવકાશી સંસોધન અને વેપારક્ષેત્રે ખાનગી ઉદ્યમીઓને પ્રવેશવાની તથા આગળ વધવાની તક પૂરી પાડશે તથા તેમની સાથે સંકલન સાધશે

IN-SPACeએ અવકાશ વિભાગ હેઠળની નોડલ એજન્સી છે, જે અવકાશી સંશોધન અને વેપારક્ષેત્રે ખાનગી ઉદ્યમીઓને પ્રવેશવાની તથા આગળ વધવાની તક પૂરી પાડશે તથા તેમની સાથે સંકલન સાધશે.

જૂન-2020માં કોરોનાકાળ દરમિયાન કેન્દ્રીય કૅબિનેટ દ્વારા નવા સ્વાયત્ત એકમની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી હતી. એપ્રિલ-2022થી તેણે કામગીરી શરૂ કરી છે.

આ પહેલાં અંતરિક્ષ કૉર્પોરેશન ઈસરોના વ્યવસાયિક અંગ તરીકે સક્રિય હતું, ત્યારે નવી વ્યવસ્થામાં તેની શું ભૂમિકા હશે તે પણ એક સવાલ રહેશે.

IN-SPACe, ઉડ્ડાણ અને ઉદ્યમ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ભારત સરકારના અવકાશ વિભાગ હેઠળ આવતા IN-SPACeનો (ઇન્ડિયન નેશનલ સ્પૅસ પ્રમૉશન ઍન્ડ ઑથૉરાઇઝેશન સેન્ટર) હેતુ સરકાર તથા ખાનગીક્ષેત્રની કંપનીઓ વચ્ચે જોડાણકર્તા બનવાનો તથા આ ક્ષેત્રનું નિયમન કરવાનો છે.

તે સિંગલ વિન્ડો ક્લિયરન્સની કામગીરી કરશે અને ખાનગીક્ષેત્રના ઉદ્યમીઓએ મંજૂરી માટે અલગ-અલગ વિભાગોની પાસે જવું નહીં પડે. ઈસરોની માહિતી અને પ્રૌદ્યોગિકી ઉપરાંત તેની માળખાકીય સુવિધાઓનો ઉપયોગ પણ ખાનગીક્ષેત્ર કરી શકશે.

મિકેનિકલ ઍન્જિનિયર પવન ગોયન્કાને તેના ચૅરમૅન બનાવવામાં આવ્યા છે, જેઓ આ પહેલાં મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં સીઈઓ (ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર) હતા અને કારઉદ્યોગક્ષેત્રે 40 વર્ષ કરતાં વધુ વર્ષથી કામગીરી કરી છે. તેઓ ભારત ઉપરાંત અમેરિકામાં પણ કામ કરી ચૂક્યા છે.

એક ઇન્ટરવ્યૂમાં (ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, મુંબઈ, 15 સપ્ટેમ્બર-2021 ) ઇન-સ્પેસના ચૅરમૅન પવન ગોયન્કાએ કહ્યું, "આંતરરાષ્ટ્રીય સ્પેસ બજાર 400 અબજ ડૉલરનું છે, જેમાં ભારતનો હિસ્સો સાત-આઠ અબજ ડૉલર છે. ભારત તેનો 'વ્યાજબી હિસ્સો' મેળવવા માગે છે, તે પાંચ ટકા હશે, આઠ ટકા કે 10 ટકા એ હું નથી કહેવા માગતો, પરંતુ ભારતે તેનો હિસ્સો વધારવાનો છે."

"જેનો મતલબ છે કે આજે ભારત જ્યાં છે, ત્યાંથી પાંચગણું આગળ વધવાનું છે. ભારત પાસે તક છે, પરંતુ કોઈએ 'થઈ જશે' એવી ખોટી ભ્રમણામાં ન રાચવું જોઈએ. આ બધું જાતે નહીં થાય. ઈસરો તેનું મૂળ સવલતપ્રદાતા હશે. ઈસરોની પાસે ટેકનૉલૉજીની ઊંડાણપૂર્વકની જાણકારી છે અને માળખું છે."

એપ્રિલ-2022માં IN-SPACeની પ્રથમ બેઠક મળી તે સમયની તસવીર

ઇમેજ સ્રોત, CMPR/ISRO HQ

ઇમેજ કૅપ્શન, એપ્રિલ-2022માં IN-SPACeની પ્રથમ બેઠક મળી તે સમયની તસવીર

બીજી બાજુ, ભારત સરકાર દ્વારા ન્યૂસ્પૅસ ઇન્ડિયા લિમિટેડને હાલમાં કાર્યરત 10 ઉપગ્રહોનું વહીવટીનિયંત્રણ આપવામાં આવ્યું છે, જેનું ભંડોળ એક હજાર કરોડ રૂપિયાથી વધારીને સાત હજાર 500 કરોડ રૂપિયા કરી આપવામાં આવ્યું છે. તે 'ઍન્ડ-ટુ-ઍન્ડ' અવકાશી પ્રવૃત્તિઓ માટે જવાબદાર હશે. આંતરરાષ્ટ્રીય બજારને ધ્યાનમાં લઈને તે ટ્રાન્સપૉન્ડરોનું ભાડું વસૂલી શકશે તથા નિયમો અને નીતિઓને આધીન ફાળવણી પણ કરી શકશે.

તેના બોર્ડમાં ઉદ્યોગજગત, સરકાર તથા શૈક્ષણિકજગતના પ્રતિનિધિઓ હશે. હાલમાં લાર્સન ઍન્ડ ટૂબ્રો, વાલચંદનગર, ભારતી ઍરટેલનું વનવેબ, ટાટાનું નેલકો, મૅપમાય ઇન્ડિયા સહિતનાં ખાનગી એકમો સક્રિય છે.

ફેબ્રુઆરી-2022માં જીતેન્દ્રસિંહે આપેલી માહિતી પ્રમાણે, ભારત સરકારના પૉર્ટલ પર 75 સ્ટાર્ટ-અપ્સે સ્પૅસ કૅટેગરીમાં નોંધણી કરાવી છે.

ઇનસ્પૅસ સામેના પડકારો

ઈસરોના નવા ચૅરમૅન એસ. સોમનાથ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈસરોના નવા ચૅરમૅન એસ. સોમનાથ

ભારતના અવકાશકાર્યક્રમોમાં ખાનગી કંપનીઓની ભૂમિકા નવી નથી, પરંતુ તે અત્યારસુધી 'વિક્રેતા'ની હતી, જેને હવે ખાનગી કંપનીઓને 'ભાગીદાર' બનાવવાની દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ઇનસ્પૅસ અગાઉથી જ ઉપલબ્ધ ઉત્પાદનો અને સેવાઓને ઇન્ડસ્ટ્રીવપરાશમાં કેવી રીતે લાવી શકાય, તેના માટેના પ્રયાસ કરશે.

હાલમાં લૉન્ચિંગને લગતી તમામ કામગીરી ઈસરો દ્વારા કરવામાં આવશે, પરંતુ ભવિષ્યમાં ખાનગીક્ષેત્રના, સ્ટાર્ટ-અપ્સના લૉન્ચ, રૉકેટ, સૅટેલાઇટ તથા તેના પેલૉડને મંજૂરી આપવાનું કામ 'ઇન-સ્પૅસ' કરશે. તેની સામે દરવર્ષે GSLV (જિયો સિન્ક્રૉનસ સૅટેલાઇટ લૉન્ચ વ્હીકલ) તથા PSLVના (પોલર સૅટેલાઇટ લૉન્ચ વ્હીકલ) ડઝન જેટલા લૉન્ચ કરવાનો પડકાર હશે, જેથી કરીને વિશ્વભરમાં તેને ગંભીરતાથી લેવામાં આવે.

આ સિવાય લિયોમાં (લૉ-અર્થ ઑર્બિટ) પ્રસ્થાપિત કરવાના સૅટેલાઇટ માટેની SSLV (સ્મૉલ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ) પ્રૌદ્યોગિકીને સંપૂર્ણપણે ખાનગીક્ષેત્ર માટે ઉપલબ્ધ કરાવવાનો પડકાર હશે, જેથી કરીને તે પોતાની અનુકૂળતા મુજબ રૉકેટ લૉન્ચ કરી શકે અને જરૂરિયાતના આધારે ઉપગ્રહોને પ્રસ્થાપિત કરી શકે.

ઇનસ્પૅસે અવકાશવેપાર માટે નીતિનિર્ધારણ કરવાનું રહેશે, અગાઉ અવકાશક્ષેત્ર માટે સાત-આઠ નીતિઓ હતી, જેને ઘટાડીને એક નીતિ કરવામાં આવી છે, ઉદ્યોગજગતની સાથે પરામર્શ બાદ સ્પૅસ કમિશનની મંજૂરીની મહોર મારશે. ૉ

આ સિવાય એક વખત નીતિનિર્ધારણ બાદ તેના માટે જરૂરી કાયદા ઘડવાની કામગીરી પણ ઇન-સ્પૅસ અને ઈસરો સાથે મળીને કરશે. જે મોટો પડકાર હશે.

અવકાશક્ષેત્રે એક મોટી મુશ્કેલી જવાબદારીની હોય છે. આંતરરાષ્ટ્રીય મંચ ઉપર નજર કરીએ તો સામાન્ય રીતે એક મર્યાદા સુધી ખાનગીક્ષેત્ર જવાબદારી લે અને એ પછી વધારાની જવાબદારી સરકાર લેતી હોય છે. ભારતમાં પણ એમ જ થશે એમ જણાય રહ્યું છે.

ભારત માનવસહિતનું અવકાશમિશન 'ગગનયાન' હાથ ધરવા માગે છે. એ પહેલાં બે માનવરહિત મિશન અવકાશમાં મોકલવામાં આવશે, તે પણ મંજૂરી માટે ઇન-સ્પૅસ સામે પ્રાથમિક્તામાં હશે.

અંતરિક્ષ કૉર્પોરેશન

મહિન્દ્રાની ફનસ્ટર ઇલેક્ટ્રિક કન્સૅપ્ટ કાર રજૂ કરતી વેળાએ ગોયેન્કા (ફેબ્રુઆરી-2020)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહિન્દ્રાની ફનસ્ટર ઇલેક્ટ્રિક કન્સૅપ્ટ કાર રજૂ કરતી વેળાએ ગોયેન્કા (ફેબ્રુઆરી-2020)

સપ્ટેમ્બર-1992માં ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન)ના વ્યવસાયિક એકમ તરીકે અંતરિક્ષ કૉર્પોરેશનની સ્થાપના કરવામાં આવી હતી. જેનું સ્વરૂપ સરકાર હસ્તકની ખાનગી કંપનીનું હતું.

કંપનીની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે, ભારતના અવકાશ કાર્યક્રમોના વ્યવસાયિક ઉત્પાદનો તથા સેવાઓને વેચવાનું કામ આ સંગઠનને સોંપવામાં આવ્યું છે.

કંપની તેના 'મિશન સ્ટેટમેન્ટ'માં 'આંતરરાષ્ટ્રીય અવકાશવ્યાપારમાં ભારતને નોંધપાત્ર સ્થાન અપાવવાનું જેનું માર્કેટિંગ થઈ શકે તેવી ટેકનૉલૉજી તથા પ્રૉડક્ટને પિછાણવા, પ્રોજેક્ટ્સમાં આર્થિક દક્ષતા લાવવી તથા દેશના અવકાશ કાર્યક્રમના પૂરક બનવા' જેવી વાતો કહેવામાં આવી છે.

આ સિવાય 'વિઝન સ્ટેટમેન્ટ'માં ભારતમાં 'સર્વાંગી સ્પેસ ઇકૉસિસ્ટમ' તૈયાર કરવાની વાત કહી છે. ત્યારે અંતરિક્ષ અને ઇન-સ્પેસ એકબીજાના પૂરક બનશે કે હરીફ તે એક સવાલ છે.

ઉલ્લેખનીય છે કે આ કંપની એક મોટા વિવાદમાં પણ ફસાઈ હતી. 2005માં ઈસરોના અધિકારીઓની મિલિભગતથી આંતરરાષ્ટ્રીય કંપની દેવાસ (ડિજિટલી એનહાન્સ્ડ વીડિયો ઑડિયો સર્વિસીઝ) મલ્ટીમીડિયાએ રૂ. 766 કરોડના ખર્ચે બે સૅટેલાઇટ લૉન્ચ કરવાના કરાર કર્યા હતા. જેનો હેતુ સૅલેટાઇટ દ્વારા મોબાઇલ ડિવાઇસ ઉપર સેવાઓ પૂરી પાડવાનો હતો.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

2011માં ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડ સાર્વજનિક થયા બાદ અંતરિક્ષ કૉર્પોરશને આ ડીલને રદ્દ કરી નાખી હતી.

સરકારી એકમ દ્વારા કરારને રદ કરી નાખવાને ઇન્ટરનેશનલ ચૅમ્બર કૉમર્સ તથા દ્વી-પક્ષીય સંધિ રદ્દ કરવા બદલ ઑક્ટોબર-2020માં લગભગ એક અબજ 30 કરોડ ડૉલરનું વળતર આપવાનું ઠેરવ્યું, જે આજના સમય પ્રમાણે લગભગ 11 હજાર કરોડ જેટલું થવા જાય છે.

2018માં સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવામાં આવ્યો અને અંતરિક્ષ કૉર્પોરેશનની "ભ્રષ્ટાચાર આચરવાના હેતુ સબબ સ્થપાયેલ" દેવાસની નોંધણીને રદ્દ કરવાની ભલામણનો સ્વીકાર કર્યો હતો. નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલે તેની ઉપર મંજૂરીની મહોર મારી હતી.

જાન્યુઆરી-2022માં સુપ્રીમ કોર્ટે પણ દેવાસ કંપનીની સ્થાપના છેતરપીંડી આચરવાના હેતુથી થઈ હોવાનું ઠેરવ્યું હતું. દેવાસે કૅનેડામાં ભારતના વિમાન તથા પેરિસમાં ભારતની સંપત્તિને જપ્ત કરવાના આદેશ મેળવીને વળતર મેળવવા માટે ભારત સરકાર પર દબાણ લાવવા પ્રયાસ કર્યા હતા.

હવે, ભારત સુપ્રીમ કોર્ટના આદેશને આધાર બનાવીને આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યૂનલોના વળતરના દાવાને પડકારશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે તત્કાલીન યુપીએ સરકારની ઉપર સવાલ ઉઠાવ્યા હતા.