You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગીતાંજલિ શ્રીના પુસ્તક 'રેત સમાધિ'ને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ, કહ્યું, 'કલ્પના નહોતી કરી'
- લેેખક, અંજુમ શર્મા
- પદ, બીબીસી માટે
એક કહાણી પોતે જ પોતાને કહેશે. એ પૂર્ણ કહાણી હશે કે અધૂરી પણ. જેવું કહાણીઓમાં ચલણ છે, દિલચસ્પ કહાણી છે.
બુકર પ્રાઇઝ જીતનારાં પહેલાં હિંદી લેખિકા ગીતાંજલિ શ્રીની નવલકથા 'રેત સમાધિ'ના આ પહેલા બે વાક્ય છે.
હિંદીમાં બુકર પ્રાઇઝ સુધી પહોંચવાની જે કહાણી અધૂરી હતી, તેને ગીતાંજલી શ્રીએ પૂર્ણ કરી દીધી છે.
આ નવલકથાના અંગ્રેજી અનુવાદ 'ટૉમ્બ ઑફ સેન્ડ'ને 2022માં આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મળ્યો છે.
પુરસ્કારને સ્વીકાર્યા બાદ આપેલી સ્પીચમાં ગીતાંજલિએ કહ્યું, "મેં ક્યારેય બુકર પુરસ્કાર જીતવાની કલ્પના નહોતી કરી. એ વિચાર્યું પણ ન હતું કે હું તે જીતી શકું છું. આ ખૂબ જ મોટો પુરસ્કાર છે. હું સ્તબ્ધ, ખુશ, સન્માનિત તથા વિનમ્રતા અનુભવું છું."
ગીતાંજલિએ ઉમેર્યું, "દક્ષિણ એશિયાઈ ભાષાઓ સમૃદ્ધ સાહિત્ય પરંપરા સાથે જોડાયેલી છે. વિશ્વ સાહિત્ય આ ભાષાઓના સારા લેખકોથી પરિચિત થઈને સમૃદ્ધ બનશે."
રાજકમલ પ્રકાશન દ્વારા પ્રકાશિત "રેત સમાધિ" પહેલું એવું પુસ્તક છે કે જે આંતરરાષ્ટ્રીય પુરસ્કારના લૉંગલિસ્ટ અને શૉર્ટલિસ્ટ સુધી માત્ર પહોંચ્યું જ નહીં, પરંતુ પુરસ્કાર જીત્યો પણ ખરો."
આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ ડેઝી રૉકવેલે કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પુસ્તક માટે 50 હજાર પાઉન્ડનો પુરસ્કાર મળશે, જે લગભગ 50 લાખ રૂપિયા જેટલો થાય છે.
આ પુરસ્કાર માટે પાંચ અન્ય પુસ્તકો સાથે સ્પર્ધા થઈ હતી. ઇનામની રકમ લેખક તથા અનુવાદક વચ્ચે અડધી-અડધી વેંચવામાં આવશે.
રેત સમાધી : એક અનોખી નવલકથા
ગીતાંજલિ શ્રીની આ નવલકથાને નિર્ણયાક મંડળે 'અનોખી' ગણાવી છે.
હકીકતમાં આ નવલકથામાં વાર્તાના તાંતણા સાથે કેટલાય દોરા બંધાયેલા છે. 80 વર્ષની એક દાદી છે, જે પથારી ઉપરથી ઊભી થવા નથી માગતી અને જ્યારે ઊભી થાય છે ત્યારે બધું જ બદલાઈ જાય છે. નવું થઈ જાય છે, ત્યાં સુધી કે દાદી પણ નવી જ બની જાય છે. એ સરહદને નિરર્થક ગણાવી દે છે.
આ નવલકથામાં બધું જ છે. મહિલા છે, મહિલાઓનું મન છે, પુરુષ છે, થર્ડ જેન્ડર છે, પ્રેમ છે, સંબંધ છે, સમય છે અને સમયને બાંધનારી દોરી પણ છે.
અવિભાજિત ભારત છે અને વિભાજન બાદની તસવીર છે.
જીવનનો અંતિમ તબક્કો છે અને એ તબક્કામાં અનિચ્છાથી લઈને ઇચ્છાનો સંસાર છે. મનોવિજ્ઞાન છે, સરહદ છે, હાસ્ય છે, ભારે લાંબા વાક્યો છે. ખૂબ નાના વાક્યો પણ છે. જીવન છે, મૃત્યુ છે, વિમર્શ છે અને જેમાં ભારે ઊંડાણ છે એ 'વાતોનું સત્ય' પણ છે.
કોણ છે ગીતાંજલિ શ્રી તથા ડેઝી રૉકવેલ?
ગીતાંજલિ શ્રી છેલ્લા ત્રણ દાયકાથી લેખનકાર્યમાં સક્રિય છે. તેમની પ્રથમ નવલકથા 'માઈ' અને એ પછી 'હમારા શહર ઉસ બરસ' 1990ના દાયકામાં પ્રકાશિત થઈ હતી.
તે પછી 'તિરોહિત' અને 'ખાલી જગહ' આવી. તેમના અનેક વાર્તાસંગ્રહ પણ પ્રકાશિત થયા છે, જે મહિલાના મનમાં, સમાજની અંદર, સમાજ આવરણોમાં ધીમે-ધીમ પ્રવેશે છે અને તેને ખૂબ જ કાળજીપૂર્વક ખોલે છે અને સમજે છે.
ગીતાંજલિનાં પુસ્તકોનો અનુવાદ ભારતીય ભાષાઓ ઉપરાંત અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન સહિત અનેક આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં પણ થયો છે. તેમના પ્રથમ પુસ્તક 'માઈ'ને 'ક્રૉસવર્ડ ઍવોર્ડ' માટે નૉમિનેશન મળ્યું હતું.
ગીતાંજલિના સર્જનજગત અંગે વરિષ્ઠ લેખિકા અનામિકા કહે છે, "ગીતાંજલિ શ્રીની પાસે જે પ્રકારનું સર્જનશિલ્પ છે, તે જ્વલ્લે જ જોવા મળે છે. તેમની અલગ-અલગ નવલકથાઓમાં અલગ-અલગ શિલ્પ જોવા મળે છે, એવું કવચિત્ જ બનતું હોય છે કે કોઈ અનુવાદિત કૃત્તિમાં મૂળ ભાવ
ઝિલાયો હોય. આ પુસ્તક માટે એવું થયું છે. આ એ બાબતનો સંકેત છે કે જો હિંદી સર્જનોને જો સારા અનુવાદક મળે તો તે પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ હાંસલ કરી શકે છે."
અનામિકાના મતે, અજ્ઞેય તથા નિર્મલ વર્મા જેવા કેટલાક હિંદી લેખકોને સારો તરજૂમો કરનાર ન મળ્યા, જેના કારણે તેમનું ઉત્કૃષ્ટ લેખનકાર્ય આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ન પહોંચી શક્યું.
'રેત સમાધિ'નો અનુવાદ 'ટૉમ્બ ઑફ સૅન્ડ'ના નામથી ડેઝી રૉકવેલે કર્યો છે તથા 'ટિલ્ટેડ ઍક્સિસ'એ તેનું પ્રકાશનકાર્ય કર્યું છે. અમેરિકામાં રહેતાં ડેઝી હિંદી સાહિત્ય ઉપરાંત અનેક ભાષાસાહિત્ય પર પ્રભુત્વ ધરાવે છે. તેમણે પોતાનો મહાશોધ નિબંધ ઉપેન્દ્રનાથ 'અશ્ક'ના ઉપન્યાસ 'ગીરતી દિવારે' પર લખ્યો છે.
ડેઝીએ ગીતાંજલી શ્રી ઉપરાંત ખાદિજા મસ્તૂર, ભીષ્મ સહાની, ઉષા પ્રિયંવદા તથા કૃષ્ણ સોબતીની નવલકથાઓનું પણ ભાષાંતરકાર્ય કર્યું છે.
બીબીસી સાથેની વાતચીતમાં ગીતાંજલિએ કહ્યું કે તેમને બુકર પ્રાઇઝ માટેના સંભવિતોની યાદીમાં પણ નામાંકિત થવાની આશા ન હતી, કારણ કે 'હું મૌન તથા એકાંતમાં રહેનારી લેખિકા છું. '
ગીતાંજલિના મતે પુસ્તકનો અંગ્રેજી અનુવાદ અને પછી બુક પ્રાઇઝ સુધી પહોંચવું સંયોગમાત્ર હતો.
તેઓ ડેઝીને વ્યક્તિગત રીતે જાણતાં નહોતાં, પરંતુ જ્યારે ડેઝીએ ઈમેલ ઉપર નવલકથાના અમુક અંશ અનુવાદ કરીને મોકલ્યા તો ગીતાંજલિને તેમાં એવા દૃશ્યરંગ દેખાયા, જે કદાચ તેમણે મૂળ કૃતિમાં શોધવા પડ્યા હોત. બુકર માટે શૉર્ટલિસ્ટ થવાનો શ્રેય તેઓ ડેઝીને આપે છે.
હિંદી પ્રકાશન જગત માટે મહત્ત્વપૂર્ણ ઘટના
રાજકમલ પ્રકાશન સમૂહના પ્રબંધ નિર્દેશક અશોક મહેશ્વરીના કહેવા પ્રમાણે, આ પુસ્તકના બુકર સુધીના પ્રવાસને પગલે પ્રકાશકોનું ધ્યાન લોકરંજ સાહિત્યના બદલે ગંભીર સાહિત્ય તરફ વધશે.
જે લેખકો 'દેખાવા અને વેંચાવા' પર ધ્યાન આપે છે, તેમણે ટકી રહેવા ઉપર ધ્યાન આપવું પડશે. ભાષા તથા ભાવનું મહત્ત્વ સમજશે.
મહેશ્વરીનું કહેવું છે કે આને કારણે હિંદીમાંથી અંગ્રેજી ભાષામાં અનુવાદને ન કેવળ પ્રોત્સાહન મળશે, પરંતુ અંગ્રેજીમાંથી હિંદીમાં ભાષાંતરનું વલણ પણ વધશે. એટલું જ નહીં અન્ય ભારતીય ભાષાઓમાંથી હિંદીમાં અનુવાદની ઉપર ભાર વધશે.
બીજી બાજુ, તરજૂમાકારોને ફૅલોશિપ આપતી સંસ્થા 'ન્યૂ ઇન્ડિયા ફાઉન્ડેશન'નાં ઍસોસિયેટ ડાયરેક્ટર યૌવનિકા ચોપરાનું માનવું છે કે તેનાથી ભારતમાં અનુવાદ તથા અનુવાદકો પ્રત્યેના નજરિયામાં પણ પરિવર્તન આવશે.
ચોપરાનું કહેવું છે કે સાહિત્યિક અનુવાદ માટે મોટાં ભાગનાં હિંદી પ્રકાશન સંસ્થાનો પ્રમાણમાં ઓછું મહેનતાણું આપે છે, એટલે સુધી કે મુખપૃષ્ઠ પર તેમનું નામ પણ નથી હોતું. આ સંજોગોમાં ડેઝી રૉકવેલ તથા ગીતાંજલિ શ્રીની જુગલબંદી ભારતમાં અનુવાદ તથા અનુવાદકોની દિશા બદલવામાં મદદરૂપ નિવડી શકે છે.
આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર દર વર્ષે એનાયત કરવામાં આવે છે. તેનો અંગ્રેજીમાં અનુવાદ થયો હોય તથા આયર્લૅન્ડ કે બ્રિટનમાં પ્રકાશન થયું હોય, તે જરૂરી છે.
ગીતાંજલિ શ્રીના કહેવા પ્રમાણે, "મૂળ વાત એ છે કે બુક પુરસ્કરાની ચર્ચાની વચ્ચે આપણે પોતાની આજુબાજુ હિંદીનાં એવાં સર્જનોને જોઈએ, જે લાયક તો હતાં, પરંતુ આપણે ક્યારેય તેના પર ધ્યાન નહોતું આપ્યું, જો આપણે એવું કરી શકીએ, તો અહીં સુધી પહોંચવાની મારી યાત્રા સાર્થક રહેશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો