મનીષ સિસોદિયાને ભાજપે ઘેર્યા, 'દિલ્હીની સ્કૂલોની હાલત તો જુઓ' AAPએ પણ આપ્યો જવાબ

દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાની મુલાકાત દરમિયાન અહીંની સ્કૂલોની મુલાકાત લીધી અને 'ગુજરાતની સ્કૂલોની અવદશા' અંગે ટ્વીટ કર્યાં છે. એ ટ્વીટને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ રિટ્વીટ કર્યાં છે. અને પછી ભાજપના નેતાઓનાં કાઉન્ટર ટ્વીટનો મારો પણ શરૂ થઈ ગયો.

આ આખી ચર્ચાના કેન્દ્રમાં છે દિલ્હી અને ગુજરાતની સ્કૂલો અને ગુજરાત મૉડલની સામે દિલ્હીનું મૉડલ. છેલ્લા 24 કલાકમાં જોઈએ તો ટ્વિટર પર આવાં ટ્વીટ્સ છવાયેલાં છે.

આમ આદમી પાર્ટીના નેતાઓએ સ્કૂલોની તસવીરો શૅર કરી એ બાદ ભાજપના ઘણા નેતાઓએ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને ટૅગ કરતાં દેશની રાજધાની અને ત્યાંની હાલત બતાવી.

ભાજપે બતાવી દિલ્હીની હાલત

ભાજપના નેતાઓનું કહેવું છે કે "અરવિંદ કેજરીવાલ કહે છે કે દિલ્હીની સ્કૂલો વર્લ્ડક્લાસ છે, પણ વાસ્તવિકતા એ છે કે તે આજે પણ ટીનના શેડ નીચે ચાલે છે." આ સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે.

ભાજપના નેતા પ્રવેશ સાહિબસિંહ દિલ્હીની સ્કૂલે જ પહોંચી ગયા અને એક સ્કૂલની સ્થિતિ દર્શાવી.

તેમણે ટ્વીટમાં કહ્યું કે ‘એક ગુજરાત ફરે છે, એક પંજાબ ફરે છે પણ દિલ્હીની સ્કૂલોની દીવાલોમાં તિરાડો છે અને છત ગમે ત્યારે પડી શકે છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા બાળકોના જીવ સાથે રમી રહ્યા છે.’

તો બીજી તરફ ભાજપના નેતા કુલજિતસિંહ ચહલે એક ટ્વીટ કર્યું અને કચરાના ઢગલા પાસે એક મોહલ્લા ક્લિનિકની સ્થિતિ દર્શાવી અને કહ્યું કે મનીષ સિસોદિયાજી, ગુજરાત પ્રવાસ પહેલાં તમારી વિધાનસભાનો વિકાસ LIVE.

કુલજિતસિંહ ચહલે જ વધુ એક ટ્વીટ કરીને સ્કૂલોની હાલત દર્શાવતા કહ્યું કે ‘બાળકો તમારી પાસે શિક્ષણ માગી રહ્યાં છે.’

ભાજપના સાંસદ રમેશ બિધુડી પણ એક સ્કૂલે ગયા અને ત્યાંની સ્થિતિ શૅર કરી.

આ બધા પ્રતિભાવોને જોતાં મનીષ સિસોદિયાએ ફરી એક વખત ટ્વીટ કરીને ભાજપના નેતાઓને જવાબ આપ્યો.

તેમણે લખ્યું, “આજે મેં ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનમાં સરકારી સ્કૂલોના બરબાદ થવાની પોલ ખોલી તો ભાજપ ગભરાઈ ગયો છે."

"આજે દિલ્હીના બધા સાંસદો દિલ્હીની સરકારી સ્કૂલોમાં ખામીઓ શોધવા ઊતર્યા. પણ અફસોસ કે ભાજપના નેતાઓ એક પણ સ્કૂલ શોધી ન શક્યા, જ્યાં કરોળિયાના જાળા શોધી શકે. બાળકોના બેસવા માટે ડેસ્ક ન હોય, ભણાવવા માટે બાકી સુવિધાઓ ન હોય."

"બીચારા ભાજપના નેતા એ સ્કૂલોના ઓરડાની તસવીરો બતાવી રહ્યા છે, જ્યાં ટાઇલ્સ તૂટી ગઈ છે, ક્યાંક વ્હાઇટ વૉશ જૂનું થઈ ગયું છે અને ક્યાંક પૅઇન્ટિંગ ચાલી રહ્યું છે.”

આ જ મામલે ટ્વિટર પર આપ અને ભાજપના સમર્થકો પણ સામસામે આવી ગયા અને પોતપોતાના પક્ષમાં ટ્વીટ કર્યા હતા.

શું છે આખો મામલો?

સોમવારે દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે હતા. ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના મતવિસ્તાર હેઠળ આવેલી સરકારી શાળાઓની મુલાકાત લઈને તેની સ્થિતિ અંગે તેમણે સમીક્ષા કરી હતી.

સિસોદિયાએ મુલાકાત સમયે મીડિયા સાથે વાત કરીને ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા.

આપ દ્વારા ટ્વિટર પર #GujaratKeSchoolDekho હૅશટૅગ સાથે એક પછી એક ટ્વીટ કરવામાં આવ્યાં હતાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો