સંજય રાઉતનું ભાજપ પર નિશાન, 'EDએ ગુજરાતમાં ઑફિસ બંધ કરી દીધી લાગે છે' - પ્રેસ રિવ્યૂ

તાજેતરમાં એન્ફૉર્સમૅન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર માધવ પાટણકરની કંપની પર દરોડો પાડ્યો, એ બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે અને ભાજપ પર નિશાન સાધ્યું છે.

ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે 22મી માર્ચે સંજય રાઉતે પત્રકારપરિષદ યોજી હતી. જેમાં જણાવ્યું હતું કે જે રાજ્યોમાં ભાજપ સત્તામાં નથી, ત્યાં ઈડી વધારે કાર્યરત્ છે. લાગે છે ઈડીએ ગુજરાત જેવાં મોટાં રાજ્યોમાં ઑફિસ બંધ કરી દીધી છે.

રાઉતે કહ્યું હતું કે બધી જ કાર્યવાહી મહારાષ્ટ્રમાં અને પશ્ચિમ બંગાળમાં જ થઈ રહી છે. ત્યાં મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીને હેરાન કરવામાં આવી રહ્યાં છે પણ, ના તો બંગાળ ઝૂકશે, ના તો મહારાષ્ટ્ર તૂટશે.

ગુજરાતમાં ઑક્સિજનની અછતથી એક પણ મૃત્યુ થયું નથી

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મંગળવારે વિધાનસભાને જણાવ્યું કે કોરોના દરમિયાન રાજ્યમાં ઑક્સિજનની અછતથી એક પણ મૃત્યુ થયું નથી.

ડેક્કન હેરાલ્ડના અહેવાલ પ્રમાણે આરોગ્ય વિભાગ માટે બજેટ ફાળવણી દરમિયાન આરોગ્યમંત્રીએ આ નિવેદન આપ્યું હતું.

તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે વિશ્વએ અંદાજે 100 વર્ષ પછી મહામારી જોઈ છે. દર્દીઓના શરીરમાં ઑક્સિજનનું પ્રમાણ સતત ઘટતું હતું પરંતુ અમારી પૂરતી તકેદારીના કારણે, હું વિશ્વાસ સાથે કહી શકું છું કે રાજ્યની હૉસ્પિટલોમાં એક પણ દર્દીનું ઑક્સિજનની અછતથી મૃત્યુ થયું નથી.

આ સિવાય આરોગ્યમંત્રીએ કૉંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે તેઓ ભ્રામક માહિતી પ્રસરાવે છે.

રાજ્યમાં કોરોનાના નિદાન અને સારવાર અંગેની માહિતી આપતા કહ્યું હતું કે મહામારી દરમિયાન રાજ્યમાં 15 હજાર આઈસીયુ બેડ, 9700 વૅન્ટિલેટર બેડ અંદાજે 75 હજાર જેટલા સામાન્ય બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.

જ્યારે ટેસ્ટિંગને લઈને તેમણે જણાવ્યું કે રાજ્યમાં હવે આરટીપીસીઆર ટેસ્ટ કરવા માટે 192 લૅબોરેટરી છે. જેમાંથી 111 સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.

એક વર્ષમાં ગુજરાતની બૅન્કોની NPA 45 ટકા વધી

એસએલબીસીના તાજેતરના રિપોર્ટ પ્રમાણે ગુજરાતની બૅન્કોની એનપીએ એક વર્ષના ગાળામાં 45 ટકા જેટલી વધી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ડિસેમ્બર 2020ના ક્વૉર્ટરમાં ગુજરાતની બૅન્કોની એનપીએ 39,423 કરોડ હતી. જે ડિસેમ્બર 2021ના ક્વૉર્ટરમાં વધીને 42,786 કરોડ પર પહોંચી હતી.

2020માં લૉકડાઉનના કારણે સેંકડો લોકોએ રોજગારી ગુમાવી હતી, જેના કારણે તેઓ લૉન ભરવા સક્ષમ ન હતા.

આ કારણથી આરબીઆઈ દ્વારા લૉન ન ભરી શકનારા લોકોને સમય આપવા બૅન્કોને સૂચના આપવામાં આવી હતી. જોકે, તે સમય વીતી ગયા બાદ પણ હજુ સુધી હજારો લોકો લૉન ભરી શક્યા નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો