અમદાવાદ બૉમ્બબ્લાસ્ટ ચુકાદો : ઇન્ડિયન મુજાહિદ્દીન, એ ઉગ્રવાદી સંગઠન જેણે જવાબદારી સ્વીકારી હતી

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતના અને કદાચ દેશના ન્યાયતંત્ર માટે શુક્રવારનો દિવસ સીમાવર્તી બની રહ્યો. જ્યારે અમદાવાદ બૉમ્બબ્લાસ્ટ કેસના 38 આરોપીઓને એકસાથે ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે. આ સિવાય 11ને જન્મટીપની સજા જાહેર કરવામાં આવી છે.

આ બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુજાહિદ્દીન અને હરકત-ઉલ-જિહાદ-અલ-ઇસ્લામી નામનાં ઉગ્રવાદી સંગઠનોએ સ્વીકારી હતી. સ્ટુડન્ટ્સ ઑફ ઇસ્લામિક મુવમેન્ટ ઑફ ઇન્ડિયાના ઉદ્દામવાદીઓએ તેની સ્થાપના કરી હતી.

અમદાવાદ વિસ્ફોટ

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે, 'જ્વલ્લેથી પણ જ્વલ્લે' જોવા મળતી આપરાધિક પ્રવૃત્તિ માટે ફાંસી અપાવી જોઈએ. આ પહેલાં વિશેષ અદાલતે 28 આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા.

26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં 70 મિનિટના ગાળામાં એક પછી એક 21 બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 200થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.

line

ઇન્ડિયન મુજાહિદ્દીન એટલે...

અમદાવાદ વિસ્ફોટ

ઇમેજ સ્રોત, Getty Images

સ્ટુડન્ટ્સ ઑફ ઇસ્લામિક મુવમેન્ટ ઑફ ઇન્ડિયાના ઉદ્દામવાદીઓએ આ ઉગ્રવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનની સ્થાપના કરી હતી. જેણે ભારતનાં અનેક શહેરોમાં 'સૉફ્ટ ટાર્ગેટ'ને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ બૉમ્બવિસ્ફોટ કર્યા હતા. આમ છતાં તે લૉ-પ્રોફાઇલ રહેવામાં સફળ રહ્યું હતું.

2006માં મુંબઈમાં લોકલ ટ્રેનોમાં થયેલા બૉમ્બબ્લાસ્ટમાં 185 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને તેમાં આઈએમની સંડોવણી બહાર આવી હતી. એ પછી પણ કેટલાક વિસ્ફોટોને અંજામ આપવામાં આવ્યો હતો.

2010માં પુણેની જર્મન બેકરી ખાતે વિસ્ફોટ થયા બાદ ભારત સરકારે તેની પર પ્રતિબંધ લાદ્યો હતો. 2011માં યુએસ તથા 2012માં યુકેએ તેની ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.

ઇન્ડિયન મુજાહિદ્દીનની મૉડસ ઑપરેન્ડી પ્રમાણે, જે-તે શહેરમાં વિસ્ફોટો પહેલાં 'રોક શકો તો રોક લો...' એવા લખાણના પોલીસ, મીડિયા તથા ઉચ્ચ અધિકારીઓને ઈમેઈલ મોકલવામાં આવતા હતા. જે મોટા ભાગે ઓપન વાઈ-ફાઈ દ્વારા મોકલવામાં આવતા.

ઈમેલમાં 'કાફરો'ને ધમકી આપવામાં આવતી અને તેમને ઇસ્લામનો અંગીકાર કરવા અથવા તો મરવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવતું.

line

બૉમ્બની રચના કેવીક રહેતી?

અમદાવાદ વિસ્ફોટ

ઇમેજ સ્રોત, AFP

કેટલાંક ગુપ્તચર સૂત્રોના મતે, ઇન્ડિયન મુજાહિદ્દીન પાકિસ્તાનસ્થિત ઉગ્રવાદી સંગઠનનો 'ચહેરો' હતું. ભારતસ્થિત સંગઠનના ભારતીય સભ્યો દ્વારા જ ભારતમાં ઉગ્રવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવે તે માટે પાકિસ્તાનસ્થિત સંગઠનો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવતો.

આ સિવાય તેના બૉમ્બની રચના ખૂબ જ સામાન્ય હતી. વિસ્ફોટકોમાં ટાઇમિંગ ડિવાઇસ સાથે બૉલ-બેરિંગના છરા મૂકવામાં આવતા, જેથી કરીને મોટા પ્રમાણમાં ઈજાઓ થાય.

ઇન્ડિયન મુજાહિદ્દીન યાસીન ભટકલને ભારત-નેપાળ સરહદ પરથી બિહારના મોતીહારીમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા.

જોકે, કર્ણાટકના ભટકલ શહેરના યાસીનના ભાઈઓ રિયાઝ તથા ઇકબાલ પણ આ સંગઠન સાથે જોડાયેલા છે, પરંતુ તેઓ કાયદાની પહોંચથી દૂર છે.

યાસીન ભટકલને ઝડપી લેવા માટે ઇન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા હાથ ધરવામાં આવેલા ઑપરેશન ઉપરથી 'ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ' નામની ફિલ્મ બની હતી. જેમાં અર્જુન કપૂરે આઈબી ઑફિસરની ભૂમિકા ભજવી હતી.

line

ઇન્ડિયન મુજાહિદ્દીન પર આરોપ

ઇન્ડિયન મુજાહિદ્દીન

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદ બ્લાસ્ટના મુખ્ય આરોપી મનાતા અબ્દુલ સુભાન કુરૈશીની વર્ષ 2018ની શરૂઆતમાં નવી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ધરપકડ કરી હતી.

'ટેકી બૉમ્બર' તરીકે ઓળખાતા કુરૈશી કેટલીક આઈટી કંપનીઓમાં કામ કરી ચૂક્યા હતા અને તેમણે આઈએમની નાણાકીય જવાબદારી સ્વીકારી હતી. તેમને અમદાવાદ બ્લાસ્ટ કેસના 'માસ્ટરમાઇન્ડ' માનવામાં આવે છે.

વિસ્ફોટકોની હેરફેર માટે વપરાયેલી કાર ચોરવાના તથા વિસ્ફોટકો ગોઠવવાના આરોપી અફઝલ ઉસ્માની સપ્ટેમ્બર-2013માં પોલીસના જાપ્તામાંથી નાસી છૂટ્યા હતા, પરંતુ એક મહિના બાદ તેમને ફરી ઝડપી લેવામાં આવ્યા હતા.

ઇન્ડિયન મુજાહિદ્દીન પર અમદાવાદ (56 મૃત્યુ), સુરત (નિષ્ફળ પ્રયાસ) ઉપરાંત પુણે (17 મૃત્યુ), હૈદરાબાદ (42 મૃત્યુ), મુંબઈ (186 અને 27 મૃત્યુ), દિલ્હી (18 મૃત્યુ), બેંગ્લુરુ (બે મૃત્યુ) અને જયપુર (63 મૃત્યુ)માં પણ બૉમ્બ વિસ્ફોટોને અંજામ આપવાનો આરોપ છે.

2008 બાદ તેના અનેક મોટા ઑપરેટિવ સિક્યૉરિટી એજન્સીઓના હાથે ઝડપાઈ ગયા હતા અથવા તો અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. જેના કારણે તેની કમર તૂટી ગઈ. અબ્દુલ સુભાન કુરૈશીએ તેને ઍક્ટિવેટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ પણ ઝડપાઈ ગયા હતા.

ફૂટર
line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો