ભીમા-કોરેગાંવ : સુધા ભારદ્વાજનું જેલમાં જીવન કેવું હતું?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

ત્રણ વર્ષના જેલવાસ બાદ ભારતનાં જાણીતાં સામાજિક કાર્યકર એક નવા શહેરમાં ઘર વસાવવા અને કામની શોધમાં લાગી ગયાં છે.

જામીનની શરતો મુજબ સુધા ભારદ્વાજ ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી મુંબઈ છોડી નહીં શકે.

તેમના પર 2018નાં રમખાણોમાં સંડોવણી અને માઓવાદીઓ સાથે કથિત સંબંધોનો આરોપ છે. કોર્ટે તેમને આ કેસ વિશે વાત કરવાની પણ મંજૂરી નથી આપી.

સુધા ભારદ્વાજ

ઇમેજ સ્રોત, KJ MUKHERJEE

જૂન 2018થી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવની હિંસાના સંબંધમાં 16 લોકોને જેલમાં ધકેલ્યા હતા.

તેમાં ભારતના કેટલાક પ્રતિષ્ઠિત વિદ્વાનો, વકીલો, શિક્ષણશાસ્ત્રીઓ, સામાજિક કાર્યકરો અને પ્રૌઢ કટ્ટરપંથી કવિઓનો સમાવેશ થાય છે. (જૈ પૈકી આદિવાસીઓના અધિકારી માટે લડનારા 84 વર્ષના સ્ટેન સ્વામી ગયા વર્ષે હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા.)

આ બધાના આતંકવાદવિરોધી કાયદા હેઠળ વારંવાર જામીન નકારી કાઢવામાં આવ્યા છે, જેને લઈને ઘણા નિરીક્ષકોનું માનવું છે કે મોટા ભાગે અસહમતિના અવાજને દાબી દેવા માટે આવું કરાઈ રહ્યું છે.

સુધા ભારદ્વાજ રાજધાની દિલ્હીની અગ્રણી યુનિવર્સિટીમાં કાયદાનાં પ્રોફેસર તરીકેની પોતાની નોકરી પર પરત ફરી શકે એમ નથી અને ફરિદાબાદસ્થિત પોતાના ઘરે પણ જઈ શકે એમ નથી.

તેઓ 1,000 કિલોમીટરથી વધુ દૂરના અંતરે ભિલાઈમાં મનોવિજ્ઞાનનો અભ્યાસ કરતી તેમની પુત્રીને પણ મળી શકે એમ નથી. (10 ડિસેમ્બરે તેમની મુક્તિ બાદ બંને થોડા સમય માટે મળ્યાં હતાં.)

60 વર્ષીય સુધા ભારદ્વાજે જેલમુક્તિ બાદ તેમના પ્રથમ ઇન્ટરવ્યૂમાં સોમવારે મને કહ્યું કે "નાની જેલમાંથી હવે હું એક મોટી જેલમાં રહું છું અને એ જેલ છે મુંબઈ."

તેમણે કહ્યું, "મારે આજીવિકા શોધવાની છે અને પરવડે એવું ઘર પણ શોધવાનું છે." હાલમાં તેઓ એક મિત્ર સાથે રહે છે.

મૅસેચ્યુસેટ્સમાં જન્મેલાં સુધા ભારદ્વાજે તેમનાં માતાપિતા ભારત પરત ફર્યાં એ બાદ પોતાનો અમેરિકન પાસપોર્ટ ત્યજી દીધો હતો.

ગણિતશાસ્ત્રીમાંથી વકીલ બનેલાં સુધા સમય જતાં એક પ્રતિબદ્ધ સામાજિક કાર્યકર અને ટ્રેડ યુનિયનિસ્ટ બની ગયાં અને તેમણે જ્યાં ભારતના સૌથી ગરીબ અને સૌથી વધુ શોષિત લોકો રહે છે તેવા ખનિજ-સમૃદ્ધ રાજ્ય છત્તીસગઢમાં વંચિતોના અધિકારો માટે સતત લડત આપી.

સુધા ભારદ્વાજ

ઇમેજ સ્રોત, AFP

ગરીબોને કાનૂની સહાય પૂરી પાડતી ત્રણ દાયકાની મજલમાં સુધા ન્યાયની લડતમાં ઘણા લોકો માટે આશાનું ચમકતું કિરણ બન્યાં હતાં.

જોકે તેઓ કહે છે કે જેલમાં તેમનો સમય, ખાસ કરીને મહામારી દરમિયાનનો વખત આંખ ઉઘાડનારો રહ્યો.

તેઓ કહે છે, "જેલની સ્થિતિ હવે પહેલાં જેવી નથી. તમારે જેલમાં જતાં જ જે રીતે ગૌરવ ગુમાવી દેવું પડે, એ આઘાતજનક હોય છે."

સુધા ભારદ્વાજની 28 ઑક્ટોબર, 2018ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી ફોન, લૅપટૉપ અને કેટલીક સીડી જપ્ત કરવામાં આવ્યાં હતાં.

તેમને ત્રણ વખત જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને મુક્તિ પહેલાં તેમણે બે જેલમાં જેલવાસ ભોગવવો પડ્યો હતો.

પોતાનો અડધો જેલવાસનો તેમને પુણેની ભારે-સુરક્ષાવાળી યરવડા સૅન્ટ્રલ જેલમાં વિતાવવો પડ્યો હતો. એમને એ કોટડીમાં રાખવામાં આવ્યાં હતાં, જે ક્યારેક મોતની સજા પામેલા કેદીઓ માટે આરક્ષિત રાખવામાં આવતી હતી.

કોટડીઓની એક લાંબી હાર હતી, જ્યાં તેઓ સવાર-સાંજ ચાલવા જઈ શકતાં હતાં. અહીં, કેદીઓને કોટડીમાંથી બહાર ખુલ્લી પરસાળમાં રોજ માત્ર અડધો કલાક જ રહેવા દેવામાં આવે છે.

જેલમાં વારંવાર પાણીની અછત સર્જાતી અને તેમણે નહાવા અને પીવા માટે જાતે પાણીની ડોલ ભરીને કોટડીમાં લઈ જવી પડતી હતી.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ભોજનમાં દાળ, બે રોટલી અને શાક મળતાં. જે કેદીઓને પરવડી શકે તેઓ જેલની કૅન્ટીનમાંથી વધારાનો ખોરાક ખરીદી શકતા હતા. પરિવારજનોને કેદીના જેલખાતામાં દર મહિને મહત્તમ 4,500 રૂપિયા જમા કરવાની મંજૂરી અપાયેલી હતી.

તેઓ અગરબત્તી બનાવતાં, સાદડીઓ વણતાં અને જેલના ખેતરમાં શાકભાજી અને ડાંગર ઉગાડતાં અને બદલામાં તેમને થોડા પૈસા મળતા.

બાદમાં તેમને મુંબઈની ભાયખલા જેલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જે વધારે ગીચ અને વધુ અસ્તવ્યસ્ત હતી. એ જેલ સુનાવણીની રાહ જોઈ રહેલા કેદીઓથી ભરેલી હતી.

સુધાને જે મહિલા વિંગમાં રાખવામાં આવ્યાં હતાં ત્યાં કુલ 75 મહિલા કેદીઓ હતી. આ વિંગ માત્ર 35 કેદીઓને સમાવી શકે એટલી જ ક્ષમતા ધરાવતી હતી. સુધા સહિત સૌ કેદીઓ ભોંય પર એક સાદડી પાથરી એકબીજાની બાજુમાં સૂતાં હતાં.

દરેકને "શબપેટીની સાઇઝ" જેટલી જગ્યા ફાળવવામાં આવી હતી, એમ સુધા ભારદ્વાજે જણાવ્યું હતું.

"વધુ પડતી ભીડને લીધે ઝઘડા અને તણાવ સર્જાતા હોય છે. ખોરાકથી લઈને શૌચાલય, દરેક વસ્તુ માટે કતાર લાગતી હતી."

ગયા ઉનાળામાં મહામારીની ઘાતકી બીજી લહેર દરમિયાન તેમના યુનિટની 55 મહિલાઓમાંથી 13 મહિલાઓને કોવિડ-19નો ચેપ લાગ્યો હતો.

સુધા ભારદ્વાજ કહે છે કે તાવ અને ઝાડા થયા પછી તેમણે જેલની હૉસ્પિટલમાં અને પછી ગીચ "ક્વોરૅન્ટીન બૅરેક"માં મોકલી દેવાયાં હતાં.

"ન્યાયતંત્રે આપણી જેલોની વસ્તીગીચતાને દૂર કરવાનું ગંભીરતાથી વિચારવું જોઈએ. મહામારી દરમિયાન પણ મોટા ભાગના લોકોને તેમના પરિવારો પાસે જવાના વચગાળાના જામીન મળ્યા નહોતા."

ભારતની 1,306 જેલોમાં લગભગ 4,90,000 કેદીઓ બંધ છે, જેમાંથી 69% તેમની ટ્રાયલ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. જેના લીધે સરેરાશ ઑક્યુપન્સી રેટ વધીને 118% થઈ શકે છે.

2020માં સુપ્રીમ કોર્ટે રાજ્યોને કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે ગીચ જેલોમાંથી કેદીઓને મુક્ત કરવા જણાવ્યું હતું.

ભાયખલા જેલમાં સુધા ભારદ્વાજે સાથી મહિલા કેદીઓને વચગાળાના જામીન મળે તે માટે કાનૂની સહાયઅરજીઓ લખવામાં અડધો જેલવાસ વિતાવ્યો હતો. એમની સાથી કેદીઓમાંથી ઘણી મહિલાઓ ટીબી, એચઆઈવી, દમ જેવી બીમારીઓથી પીડાતી હતી. કેટલીક ગર્ભવતી પણ હતી.

"તેમાંથી કોઈને પણ જામીન મળ્યા નથી, કારણ કે અદાલતોમાં જામીન માટે દલીલ કરવા માટે તેમનું કોઈ નહોતું."

મોટાં ભાગની મહિલા કેદીઓઓ વૈશ્યાવૃત્તિ અથવા માનવતસ્કરી કે ડ્રગ્સની હેરફેરના કેસમાં બંધ હતી, જ્યારે બાકીની ભાગેડુ ગુંડાઓની "પત્નીઓ, ગર્લફ્રેન્ડ અને માતાઓ" હોવાનું તેમણે જણાવ્યું.

સુધા ભારદ્વાજ એ સમયને યાદ કરતાં કહે છે, "કેદીઓ માટે (બીજી લહેર) ખરેખર મુશ્કેલ સમય હતો. અદાલતોએ કામ બંધ કરી દીધું હતું. કેદીઓને કુટુંબની મુલાકાત લેવાની મંજૂરી નહોતી. ટ્રાયલ અટકી ગઈ હતી. એ દર્દનાક સમય હતો."

"વૃદ્ધો અને ગંભીર બીમારીઓથી પીડાતા લોકોને વ્યક્તિગત બૉન્ડ પર જામીન આપવા જોઈએ. ગીચ જેલોની અંદર ક્વોરૅન્ટીન કરવાનો કોઈ અર્થ નથી."

સુધા ભારદ્વાજ

ઇમેજ સ્રોત, PRESS TRUST OF INDIA

સુધા ભારદ્વાજે જણાવ્યું હતું કે તેઓ ટ્રાયલમાં ગરીબ કેદીઓ માટે કાનૂની સહાયની સ્થિતિથી ચોંકી ગયાં હતાં. જેલ મોટા ભાગે આવા કેદીઓથી જ ભરેલી હતી.

"ઘણા કેદીઓ તો પોતાના વકીલનાં નામ અથવા ફોનનંબર પણ જાણતા નથી. ઓછી ફીવાળા વકીલો તો જેલમાં તેમના અસીલને મળવા પણ આવતા નહોતા. કેદીઓને લાગે છે કે તેમને કાનૂની સહાય આપતા વકીલો કોઈ કામના નથી. માત્ર જૂજ લોકોને જ ખાનગી વકીલ પોષાય છે."

સુધા ભારદ્વાજ કહે છે કે તેમણે જેલમાં એક બેઠકમાં હાજરી આપી હતી જ્યાં તેમણે પ્રસ્તાવ મૂક્યો હતો કે કાનૂની સહાય આપનારા વકીલોએ ત્રણ મહિનામાં એકવાર અસીલની મુલાકાત લેવી જોઈએ, તેમના અસીલને મળવું જોઈએ અને તેમને યોગ્ય વળતર ચૂકવવું જોઈએ.

"જ્યારે તમે જેલમાં જાઓ ત્યારે તમને ઘણા લોકો તમારા કરતાં વધુ દુ:ખી લાગે છે. મને દુઃખી થવાનો સમય મળ્યો નથી. જોકે મારી દીકરીથી અલગ થવાના કારણે મને ચોક્કસપણે દુ:ખ થયું હતું."

સુધા ભારદ્વાજ કહે છે કે તેમણે પોતાનો સમય મહિલા કેદીઓનાં બાળકોને ગીતો સંભળાવવામાં, જેલમાં કામ કરવામાં અને ઍડવર્ડ સ્નોડેન, વિલિયમ ડૅલરીમ્પલ અને નાઓમી ક્લેઈનનાં પુસ્તકો સહિત "પુષ્કળ" વાંચન કરવામાં પસાર કર્યો હતો.

મહામારીના પીક પર તેમને જેલની લાઇબ્રેરીમાંથી આલ્બર્ટ કામુની 'ધ પ્લેગ ઇન ધ પ્રિઝન'ની પ્રત મળી હતી.

વાઇરસને નાથવા માટે ભારતમાં માર્ચ 2020માં લૉકડાઉન લાગુ કરાયું અને એ બાદ જે પણ થયું એ તેઓ ક્યારેય નહીં ભૂલી શકે.

"અચાનક જેલમાં સોંપો પડી ગયો. કેદીઓ નાસ્તો અને ભોજન છોડીને ભૂખ હડતાળ પર ઊતરી ગયા. તેઓ કહેતા હતા, 'અમે અહીં મરવા નથી માગતા. ચાલો ઘરે જઈએ અને ત્યાં જ મરી જઈએ'."

આખરે તેઓ ત્યારે શાંત થયા જ્યારે જેલ સુપરિન્ટેન્ડેન્ટે તેમને કહ્યું કે જેલની બહાર પણ વાઇરસથી કોઈ સુરક્ષિત નથી.

તેમણે કહ્યું કે આનાથી ખબર પડી કે તેમનું જીવન અને અસ્તિત્વ કેટલાં અનિશ્ચિત હતાં.

"મેં ક્યારેય કેદીઓને આનાથી વધુ ડરેલા અને જેલમુક્ત થવા માટે ઉતાવળા થયેલા જોયા નહોતા."

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો