ઓમિક્રૉન વૅરિયન્ટ : ગુજરાતમાં ઓમિક્રૉનના કુલ કેસ 11 થયા, દેશમાં આંકડો 150ને પાર - BBC Top News

રવિવારના દિવસે ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના નવા ચાર કેસ નોંધાયા છે.

દેશમાં નવા 10 કેસ સાથે રવિવારના રોજ ભારતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસની સંખ્યા 150ને પાર પહોંચી છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં રવિવારના રોજ કોરોના વાઇરસના ઓમિક્રૉન વૅરિયન્ટના નવા ચાર કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં ઓમિક્રૉનના કેસની સંખ્યા વધીને 11 પર પહોંચી છે.

નવા ચાર કેસોમાં યુકેથી ગાંધીનગર આવેલો 15 વર્ષીય સગીર, યુકેથી આણંદ આવેલા 48 વર્ષીય યુવાન, દુબઈથી સુરત પરત આવેલાં 39 વર્ષીય મહિલા અને તાન્ઝાનિયાથી રાજકોટ આવેલા 23 વર્ષીય વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, રવિવારના રોજ ભારતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના નવા 10 કેસ નોંધાયા હતા. જેની સાથે ભારતમાં આ વૅરિયન્ટના કુલ કેસોની સંખ્યા 150ને પાર કરીને 155 પર પહોંચી છે.

રવિવારના રોજ દેશમાં નોંધાયેલા નવા દસ કેસોમાંથી છ કેસ મહારાષ્ટ્રમાં અને ચાર કેસ ગુજરાતમાં નોંધાયા છે.

બીબીસી ઇન્વેસ્ટિગેશન: મ્યાનમાર સેનાએ કરી નાગરિકોની સામૂહિક હત્યા

બીબીસીના ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે કે મ્યાનમારની સેનાએ જુલાઈમાં નાગરિકોની સામૂહિક હત્યા કરી હતી. આ નરસંહારમાં 40થી વધુ લોકો માર્યા ગયા હતા.

પ્રત્યક્ષદર્શીઓ અને બચી નીકળેલા લોકોએ બીબીસીને જણાવ્યું કે સેનાના સૈનિકો કે જેમાં 17 વર્ષ સુધીના યુવકો પણ સામેલા હતા, તેઓએ પહેલાં ગામને ચારેબાજુથી ઘેરી લીધું અને બાદમાં પુરુષોને પરિવારથી અલગ કરીને તેમની હત્યા કરી દીધી.

હત્યાઓના વીડિયો અને તસવીરો આ વાતની પુષ્ટિ કરે છે કે હત્યા કરતાં પહેલાં તેમને યાતનાઓ આપવામાં આવી હતી અને હત્યા બાદ સાંકડી કબરો બનાવીને તેમને દફનાવી દેવામાં આવ્યા હતા.

આ હત્યાઓ જુલાઈમાં કાની ટાઉનશિપની ચાર અલગ-અલગ ઘટનાઓ દરમિયાન કરવામાં આવી હતી.

કાની મધ્ય મ્યાનમારના સાગિંગ જિલ્લાનો એક નાનકડો વિસ્તાર છે. જે સત્તારૂઢ સેનાનો વિપક્ષી ગઢ માનવામાં આવે છે.

મ્યાનમારમાં સેનાએ ફેબ્રુઆરી મહિનામાં બળજબરીથી સત્તા આંચકી લીધી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો