You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND Vs NZ : ભારત-ન્યૂઝીલૅન્ડ પ્રથમ ટેસ્ટ શરૂ, સ્પિનર્સની ભૂમિકા કેટલી મહત્ત્વની?
એક તરફ સંયુક્તપણે 700 વિકેટના અનુભવી અશ્વિન-જાડેજા છે તો બીજી તરફ 41 વિકેટનો અનુભવ ધરાવતાં એૈજાઝ પટેલ અને સોમરવિલ્લ છે.
સતત ક્રિકેટને કારણે થાકની ફરિયાદ કરી રહેલી પ્રવાસી ન્યૂઝીલૅન્ડની ટીમ ભારત સામે ગુરુવારે પ્રથમ ટેસ્ટ રમતા પહેલાં જ તેઓ માનસિક રીતે હતાશ જણાઈ રહ્યા હતા, તો બીજી તરફ ભારતીય ટીમની સમસ્યા પણ કમ નથી.
તેમ છતાં સ્પિનર્સને હંમેશાં યારી આપવાનો ઇતિહાસ ધરાવતી કાનપુરના ગ્રીન પાર્કની પીચ પર બંને ટીમ મેદાનમાં સામ-સામે ટકરાય ત્યારે ભારતીય ટીમને જીતવા માટે ફેવરિટ માનવામાં આવી રહી છે.
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ગુરુવારથી કાનપુર ખાતે બે ટેસ્ટની સિરીઝનો પ્રારંભ થઈ ગયો છે. સિરીઝની બીજી ટેસ્ટ ત્રીજી ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે.
ભારતમાં ટેસ્ટ રમાતી હોય ત્યારે તેનો દારોમદાર સ્પિનર પર જ રહેતો હોય છે અને આ વખતની સિરીઝ પણ તેમાંથી અપવાદ નહીં હોય, કેમ કે ભારત પાસે રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ જેવા સ્પિનર છે.
તેમાંય અશ્વિન અને જાડેજા ભેગા મળીને અત્યાર સુધીમાં 700 જેટલી વિકેટ ખેરવી ચૂક્યા છે, જેની સરખામણીએ ન્યૂઝીલૅન્ડ તેના બે સર્વશ્રેષ્ઠ સ્પિનર સાથે રમવાનું છે.
ભારત-ન્યૂઝીલૅન્ડની ટીમ
એજાઝ પટેલ લૅફ્ટ-આર્મ સ્પિનર છે, તો વિલિયમ સોમરવિલ્લ ઑફ-સ્પિનર છે અને આ બંનેની ટેસ્ટ વિકેટનો કુલ આંક માંડ 41 છે.
રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલે હજી ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ઇંગ્લૅન્ડ સામેની અમદાવાદ ખાતે રમાયેલી બે ટેસ્ટમાં કુલ 40માંથી 35 વિકેટ ઝડપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બાબત ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસન અને કોચ ગેરી સ્ટેડના પ્લાનિંગમાં હશે જ. અને તેથી જ તેઓ આ ટેસ્ટમાં બે સ્પિનર રમાડવાની યોજના હોય તે સ્વાભાવિક છે.
જોકે ભારતીય ટીમ માત્ર તેની સ્પિન બૉલિંગના જોરે જ ફેવરિટ છે. એ સિવાયની વાત કરીએ તો ટીમમાંથી હકાલપટ્ટીને આરે આવીને ઊભેલા કૅપ્ટન રહાણે, કારકિર્દીના લગભગ અંત તરફ આગળ ધપી રહેલા ઝડપી બૉલર ઇશાન્ત શર્મા અને લિમિટેડ ઓવરના નિષ્ણાત પરંતુ પાંચ દિવસીય ક્રિકેટમાં સ્થાન જમાવવા પ્રયાસ કરી રહેલા (મોહમ્મદ સિરાઝ સહિત) કેટલાક ખેલાડીઓ ધરાવતી ભારતની બીજા દરજ્જાની ટીમ આ ટેસ્ટમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ વિજેતા ન્યૂઝીલૅન્ડ સામે ટકરાઈ રહી છે.
ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાક સમયથી સતત રમતી આવી છે, જેને કારણે આ મૅચમાંથી તેના નિયમિત સુકાની વિરાટ કોહલી, ટી20ના સુકાની અને ઓપનર રોહિત શર્મા, ઝડપી બૉલર જસપ્રીત બુમરાહ અને વિકેટકીપર ઋષભ પંતને આરામ આપવામાં આવ્યો છે.
આ સંજોગોમાં ગૃહટીમ લગભગ બીજા દરજ્જાની બની ગઈ છે. જોકે ભારત તેની ધરતી પર ખાસ કરીને સ્પિનર્સને મદદ કરતી પીચો પર હંમેશાં ખતરનાક રહ્યું છે અને બે ટેસ્ટની આ સિરીઝમાં પણ કેટલાક યુવાનો ઉપરાંત અશ્વિન, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા પર જ ટીમની બૉલિંગનો આધાર રહેશે.
કૅપ્ટન અજિંક્ય રહાણે ખુદ સારા ફૉર્મમાં નથી અને તેમની કારકિર્દી જોખમમાં આવી પડી છે તો તેમની સાથે 100 ટેસ્ટના અનુભવી અને કારકિર્દીના અંતિમ ચરણમાં પહોંચી ગયેલા ઝડપી બૉલર ઇશાન્ત શર્મા રમવાના છે જે આ મૅચમાં સામે છેડેથી મોહમ્મદ સિરાઝના સહકારની અપેક્ષા રાખશે, જેને ટેસ્ટ કરતાં લિમિટેડ ઓવર્સના ક્રિકેટમાં વધારે ફાવટ છે.
મોખરાના ખેલાડીની ગેરહાજરી
ભારત માટે આ મૅચ સાથે શ્રેયસ અય્યર તેમની ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કરશે તે લગભગ નક્કી થઈ ગયું છે. અય્યરે પણ હવે લાંબા ફૉર્મેટના ક્રિકેટમાં સેટ થવું પડશે, કેમ કે તેમને અત્યાર સુધી આઈપીએલનો શ્રેષ્ઠ ક્રિકેટર માનવામાં આવતા હતા.
ગુરુવારની મૅચ અગાઉ અજિંક્ય રહાણએ સ્પષ્ટતા કરી હતી કે શ્રેયસ અય્યરને આ મૅચની અંતિમ ઇલેવનમાં સામેલ કરાયા છે. આમ અય્યરની ટેસ્ટ કારકીર્દિનો પ્રારંભ થઈ ગયો છે.
વર્તમાન ક્રિકેટમાં ભારતીય ટીમ ટેસ્ટ રમતી હોય અને તેમાં કોહલી, રોહિત શર્મા, બુમરાહ, ઋષભ પંત કે લોકેશ રાહુલની ગેરહાજરી હોય તેમ ભાગ્યે જ બન્યું છે.
જોકે આ બાબત નવા કોચ રાહુલ દ્રવિડને ભારતીય ટીમના ભવિષ્ય માટે સારી બૅન્ચ સ્ટ્રેન્થ તૈયાર કરવાની તક આપશે.
આ ઉપરાંત ભારતીય ટીમ આ સિરીઝ બાદ તરત જ સાઉથ આફ્રિકાના પ્રવાસે જનારી છે.
આમ આ બે ટેસ્ટ આગામી કપરા પ્રવાસ માટેની તૈયારી સમાન બની રહેશે.
ન્યૂઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં રમનારી ભારતીય ટીમમાં માત્ર રહાણે, ચેતેશ્વર પૂજારા અને મયંક અગ્રવાલ જ એવા બૅટ્સમૅન છે જે દસથી વધારે ટેસ્ટ રમ્યા છે.
આ સંજોગોમાં મયંક અગ્રવાલ આ સિરીઝમાં સારો દેખાવ કરે તો તેઓ અને શુભમન ગિલ સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે લોકેશ રાહુલ માટે પડકારજનક બની રહેશે. ગિલને આ મૅચમાં મિડલ ઑર્ડરમાં મોકલાય તેવી સંભાવના છે.
ભારત માટે વિચિત્ર બાબત એ છે કે કોઈ પણ ટેસ્ટ ટીમનો કૅપ્ટન તેની ટીમમાં નિશ્ચિત સ્થાન ધરાવતો હોય છે પરંતુ અહીં અજિંક્ય રહાણે તેમના સ્થાન માટે ઝઝૂમી રહ્યા છે.
તેમાં મોખરાના સ્ટાર ખેલાડીઓનું પુનરાગમન થશે ત્યારે તેમની હકાલપટ્ટી થઈ શકે છે. આ સિરીઝ રહાણેનું ભાવિ નિશ્ચિત કરશે.
બીજી તરફ ન્યૂઝીલૅન્ડની ટીમ ભારતીય હવામાનમાં કદાચ અંડરડૉગ્સ હશે પરંતુ હકીકત એ છે કે કેન વિલિયમસનની આ જ ટીમે જૂન મહિનામાં લગભગ ડ્રૉ તરફ જઈ રહેલી મૅચમાં ભારતને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ જીતી હતી.
આ ટીમ ભલે ગયા સપ્તાહે ટી20 સિરીઝ હારી ગઈ હોય પણ તેના પાંચેક દિવસ અગાઉ કિવિ ટીમ ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં રમી હતી.
ટ્રેન્ટ બોલ્ટ રમી રહ્યા નથી પરંતુ સાઉથી, જેમિસન, નીલ વેગનર જેવા બૉલર ભારતને પડકાર આપી શકે તેમ છે.ન્યૂઝીલૅન્ડ સામે ભારત ઘરઆંગણે ક્યારેય ટેસ્ટ સિરીઝ હાર્યું નથીન્યૂઝીલૅન્ડની ટીમે 1955માં પહેલી વાર ભારતનો પ્રવાસ ખેડ્યો હતો અને તેમાં તેનો 2-0થી પરાજય થયો હતો. આ એ જ સિરીઝ હતી જેમાં પોલી ઉમરીગરે એક અને વિનુ માંકડે બે બેવડી સદી ફટકારી હતી.
ત્યારથી અત્યાર સુધીમાં ભારતની ટીમ ઘરઆંગણે ન્યૂઝીલૅન્ડ સામે એકેય સિરીઝ હારી નથી. બંને વચ્ચે અત્યાર સુધીમાં ભારતમાં 11 સિરીઝ રમાઈ છે અને તેમાંથી 1969 (1-1થી ડ્રૉ) અને 2003 (0-0થી ડ્રૉ)ને બાદ કરતાં ભારતે તમામ સિરીઝ જીતી છે.
એટલું જ નહીં પણ 1969 અને 1988માં એક એક ટેસ્ટ જીતવા સિવાય ન્યૂઝીલૅન્ડની ટીમ ભારતમાં સિરીઝ તો જવા દો ટેસ્ટ પણ જીતી શકી નથી.
કાનપુરની વાત કરીએ તો બંને ટીમ આ મેદાન પર ત્રણ વાર સામસામે ટેસ્ટ રમી છે, જેમાંથી ભારતે બે ટેસ્ટ જીતી છે અને એક ટેસ્ટ ડ્રૉ રહી છે.
છેલ્લે 2016ના સપ્ટેમ્બરમાં રમાયેલી ટેસ્ટમાં ભારતનો 197 રનના વિશાળ માર્જીનથી વિજય થયો હતો, જેમાં રવિચંદ્રન અશ્વિને મૅચમાં દસ અને રવીન્દ્ર જાડેજાએ પ્રથમ દાવની પાંચ સહિત મૅચમાં છ વિકેટ ઝડપી હતી.
ઘરઆંગણે ભારતનું વર્ચસ્વ
માત્ર ન્યૂઝીલૅન્ડ સામે જ નહીં પરંતુ કોઈ પણ દેશની ટીમ સામે ભારત તેના ઘરઆંગણે મજબૂત દેખાવ કરતું આવ્યું છે. 2012 બાદ ભારત તેનાં પોતાનાં મેદાનો પર એકેય ટેસ્ટ સિરીઝ હાર્યું નથી.
ન્યૂઝીલૅન્ડની ટીમ છેલ્લે ભારતમાં નવેમ્બર 1988માં ટેસ્ટ મૅચ જીતી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી એ ટેસ્ટમાં મહાન ઝડપી બૉલર રિચાર્ડ હેડલીએ દસ વિકેટ ઝડપી હતી.
જોકે આ વાતને 33 વર્ષ થયાં છે અને એ વખતે કિવિ ટીમના વર્તમાન કૅપ્ટન કેન વિલિયમસનનો જન્મ પણ થયો ન હતો.
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ભારતમાં રમાયેલી કુલ 34 ટેસ્ટમાંથી 16 મૅચમાં ભારત અને બે મૅચમાં ન્યૂઝીલૅન્ડનો વિજય થયો છે જ્યારે બાકીની મૅચો ડ્રૉ રહી છે.
બંને વચ્ચે કુલ 60 મૅચ રમાઈ છે, જેમાંથી 21 ભારતે અને 13 ન્યૂઝીલૅન્ડે જીતી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો