You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઍર ઇન્ડિયાના વિનિવેશ અંગે છપાયેલા સમાચાર ખોટા - સરકાર – BBC Top News
સરકારે ઍર ઇન્ડિયાના વિનિવેશ અંગે મીડિયામાં છપાયેલા સમાચારને ખોટા ગણાવ્યા છે.
કેટલીક મીડિયા વેબસાઇટ્સે સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે ઍર ઇન્ડિયાનું નિયંત્રણ સરકારે દેશના એક મોટા સમૂહને આપવાનો નિર્ણય કર્યો છે.
મીડિયામાં અહેવાલો છપાયા હતા કે "અધિકારીઓની એક પેનલે ઍર ઇન્ડિયા ખરીદવાવાળી કંપનીની પસંદગી કરી લીધી છે અને હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતાવાળા મંત્રીઓના સમૂહ દ્વારા મહોર મારવામાં આવે તેની રાહ જોવાય છે."
જોકે સરકારે આ અંગે સ્પષ્ટતા કરી છે.
રોકાણ અને લોકસંપત્તિ પ્રબંધન વિભાગના સચિવે એક ટ્વીટ કરીને કહ્યું, "મીડિયામાં સમાચાર આવી રહ્યા છે કે સરકારે ઍર ઇન્ડિયાના ફાઇનાન્સિયલ બિડને મંજૂરી આપી છે, પણ તે ખોટું છે. આ અંગે સરકાર નિર્ણય લેશે, તો મીડિયાને માહિતગાર કરશે."
સુપ્રીમ કોર્ટે ખેડૂતોના આંદોલનથી નારાજ
સુપ્રીમ કોર્ટે ખેડૂત મહાપંચાયતની દિલ્હીના જંતર-મંતર પર સત્યાગ્રહ કરવાની પરવાનગી માગતી અરજીની સુનાવણી વખતે કડક વલણ અપનાવ્યું.
કૃષિકાયદાના વિરુદ્ધમાં જંતર-મંતર પર ધરણાં યોજવાની માગ કરતી અરજી અંગે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.
એનડીટીવીના અહેવાલ પ્રમાણે કોર્ટે ખેડૂતોના રસ્તા પર આંદોલન કરવા અંગે નારાજગી વ્યક્ત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અદાલતે કહ્યું કે, "તમને વિરોધ કરવાનો અધિકાર છે, પણ તમે બીજાની સંપત્તિ નષ્ટ ન કરી શકો."
"એક તરફ તમે આખા શહેરનું ગળું રૂંધી રાખ્યું છે અને હવે શહેરમાં ધરણાં કરવાની માગ કરો છો."
"તમે હાઈવે પર જામ કરો છો અને પછી કહો છો કે વિરોધ શાંતિપૂર્ણ છે."
સુપ્રીમે કહ્યું કે "શું શહેરના લોકો બિઝનેસ બંધ કરી દે? શું લોકો શહેરમાં ધરણાંથી ખુશ થશે?"
જસ્ટિસ એ. એમ. ખાનવીલકર અને જસ્ટિસ સી. ટી. રવિકુમારની ખંડપીઠ આગામી સુનાવણી ચોથી ઑક્ટોબરે કરશે.
જ્યારે મહાપંચાયતના વકીલ અજય ચૌધરીએ કહ્યું કે તેમની સંસ્થાના ખેડૂતો ધરણા પર નથી બેઠા તો અદાલતે તેમને એફિડેવિટ દાખલ કરવા કહ્યું જેમાં સ્પષ્ટ લખવું કે તો રાષ્ટ્રીય રાજમાર્ગને જામ નથી કરી રહ્યા.
ખેડૂત મહાપંચાયતના વકીલ અજય ચૌધરીએ કહ્યું કે હાઈવે પર જામ પોલીસને કારણે થાય છે, ખેડૂતોએ રસ્તાઓ નથી રોક્યા.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે કેસ અદાલતમાં છે તો ખેડૂતોના પ્રદર્શનનો કોઈ અર્થ રહેતો નથી.
અદાલતે કહ્યું કે ખેડૂતોને પ્રદર્શનનો અધિકાર છે પરંતુ પ્રૉપર્ટીને નુકસાન પહોંચાડવાનો નથી અને આ બધું હવે રોકાવું જોઈએ.
દિલ્હીની વિભિન્ન બૉર્ડરો પર મોટી સંખ્યામાં ખેડૂતો લગભગ દસ મહિનાથી પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદાઓનો વિરોધ કરી રહ્યા છે.
WHOના 21 કર્મચારીઓ પર બળાત્કારનો આરોપ
મધ્ય આફ્રિકાના કૉંગોમાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન(WHO)ના 21 કર્મચારીઓએ મહિલાઓ અને કિશોરીઓ પર કથિત બળાત્કાર કર્યાનો ઘટસ્ફોટ થયો છે.
'રૉયટર્સ'ના એક અહેવાલ મુજબ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની કામગીરી પર સવાલો ઊઠતાં સંગઠનના પ્રમુખ ટેડ્રોસ એડનોમે પીડિતોને ન્યાય મળશે તેવી ખાતરી આપી હતી.
વાત એમ છે કે કૉંગોમાં ઈબોલા સામે લડતી હૉસ્પિટલોમાં મહિલાઓ સાથે દુષ્કૃત્ય થયું હોવાની ઘટના સામે આવી હતી.
જેમાં કેટલીક મહિલાઓ અને કિશોરીઓને નોકરીની લાલચ આપીને જાતીય શોષણ કરાયું હતું.
તો કેટલાંક આરોગ્યકર્મીનાં પીણામાં નશીલી દવાઓ ભેળવીને તેમના પર બળાત્કાર ગુજારાયો હતો.
પીડિતોમાં કિશોરીઓનો પણ સમાવેશ થાય છે, પ્રાથમિક તપાસમાં 50-60 મહિલાઓ યૌનશોષણનો ભોગ બની હોવાનું જણાયું હતું.
એક તપાસમાં બહાર આવ્યું હતું કે હૉસ્પિટલોમાં કામ કરતા 83 લોકોએ મહિલાઓ અને કિશોરીઓનું જાતીય શોષણ કર્યું હતું અને બળાત્કાર કર્યા હતા.
જેમાં 21 વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના કર્મચારીઓ હતા, હૉસ્પિટલોમાં નોકરી આપવાના બહાને કિશોરીઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. વળી કેટલીક પીડિતાની વય માત્ર 13-14 વર્ષની હતી.
રસીના બંને ડોઝ લઈ ચૂકેલા 28ને કોરોના થયો
મુંબઈની એક મેડિકલ કૉલેજના 30 વિદ્યાર્થીઓને કોરોના થયો છે, જેમાંથી 28 વિદ્યાર્થીઓએ કોરોનાની બંને વૅક્સિન લીધેલી હતી.
'એનડીટીવી'ના રિપોર્ટ અનુસાર મુંબઈના કે.ઈ.એમ હૉસ્પિટલમાં 30 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.
જેને પગલે સમગ્ર હૉસ્પિટલમાં દર્દીઓથી લઈને તબીબોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે, તેમને સારવાર અપાઈ રહી છે.
દરમિયાન દેશભરમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં 4,48,062 લોકોનાં મોત થયાં છે. જેમાં માત્ર મહારાષ્ટ્રના જ 1,39,011 કેસો છે.
બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં કોરોના રસીના 64.1 ટકા ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 35 ટકા ડોઝ આપવામાં આવ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસને કારણે દેશભરમાં કુલ 300થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જેમાં 150થી વધુ કેરળથી છે તથા 49 મોત મહારાષ્ટ્ર રાજ્યનાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો