'શાહીન' વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાથી દૂર જઈ રહ્યું છે, પણ ગુજરાતને શું અસર થશે?

'ગુલાબ' વાવાઝોડાની સિસ્ટમ ગુજરાત પાસે પહોંચતા વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોટા ભાગના પ્રાંતોમાં અતિભારે વરસાદ નોંધાયો હતો.

એ વચ્ચે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત પાસે અરબી સમુદ્રમાં શાહીન વાવાઝોડું આવશે.

ગુજરાતના દરિયાકાંઠા પાસે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું હતું, હવામાન વિભાગ દ્વારા મધરાત્રે જારી કરાયેલા બુલેટિન પ્રમાણે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે.

અંતિમ સ્થિતિ પ્રમાણે ડીપ ડિપ્રેશન દેવભૂમિ દ્વારકાથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં 255 કિલોમિટર દૂર અરબી સમુદ્રમાં હતું અને પાકિસ્તાનના કરાચીથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં 180 કિલોમિટર દૂર હતું.

બુલેટિનમાં નોંધ્યું છે કે આગામી 12 કલાક દરમિયાન આ ડીપ ડિપ્રેશન સાઇક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઈ શકે છે, જે બાદ તેને શાહીન નામ આપવામાં આવશે. શાહીન નામ કતાર દ્વારા સૂચવાયું હતું.

જોકે આ વાવાઝોડાથી ગુજરાતને ઓછું નુકસાન થશે એવો અંદાજ છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વાવાઝોડાની સિસ્ટમ ભારતીય દરિયાકાંઠાથી દૂર જઈ રહી છે અને તે ભારતીય દરિયાકાંઠા પર ત્રાટકે તેવી શક્યતા નથી.

આ દરમિયાન ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસે, એવી શક્યતા હવામાન વિભાગે પ્રગટ કરી છે.

દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસે, એવી પણ શક્યતા છે.

ગુજરાતમાં વરસાદ

ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં આગામી બે દિવસ દરમિયાન વરસાદ રહેવાની સંભાવના છે.

ગુલાબ વાવાઝોડાની સિસ્ટમ નબળી પડીને હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને આ સિસ્ટમ હજુ પણ નબળી પડી શકે છે, પરંતુ તે અરબી સમુદ્ર પાસે પહોંચીને ફરીથી તીવ્ર બને એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતાં આઈએમડીમાં ઇનચાર્જ ઑફ સાઇક્લોન સુનિતા દેવીએ જણાવ્યું કે, ભલે સંભાવના ઓછી હોય પણ આપણે ફરી ચક્રવાત બનવાની સંભાવનાને નકારી શકતાં નથી.

લૉ પ્રેશર સિસ્ટમ તરીકે તે મહારાષ્ટ્ર અને ગુજરાતને પાર કરશે. અરબી સમુદ્રમાંથી ભેજ આવવાના કારણે સિસ્ટમમાં ફરીથી સક્રિય થશે.

લૉ-પ્રેશર સિસ્ટમની ઝડપી તીવ્રતાને નકારી શકાય નહીં કારણ કે સમુદ્ર અને વાતાવરણીય પરિસ્થિતિઓ અનુકૂળ છે.

ચક્રવાત અથવા ડિપ્રેશન અરબી સમુદ્રના ઉત્તર ભાગ તરફ આગળ વધશે.

હાલની સ્થિતિ પ્રમાણે તે ગુજરાત, સૌરાષ્ટ્ર કે કચ્છના વિસ્તારોને કોઈ અસર નહીં કરે તેવી શક્યતા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો