કોરોના વૅક્સિન રાજ્યો પાસે નથી, તો મોદી સરકારે 1 મેથી કેમ રસીકરણ અભિયાન શરૂ કર્યું?

કોવિડ-19 રસીકરણ અભિયાન અંતર્ગત આજથી 18 વર્ષથી વધારેની ઉંમરના બધા લોકો વૅક્સિન લગાવી શકશે. જોકે, રાજ્યોનું કહેવું છે કે તેમની પાસે પૂરતા પ્રમાણમાં વૅક્સિનનો જથ્થો નથી.

કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે 1 મેથી 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને વૅક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે.

28 એપ્રીલના રોજ તેના માટે રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. જોકે, રજીસ્ટ્રેશનમાં પણ અનેક મુશ્કેલીઓ સામે આવી હતી.

વૅક્સિનની વ્યવસ્થા કરવાની જવાબદારી રાજ્ય સરકારો પર છે અને મોટાભાગનાં રાજ્યો હાલ પોતાના હાથ ઊંચા કરતાં જોવા મળ્યાં છે.

બીબીસીએ અલગઅલગ રાજ્યોમાં રસીકરણની તૈયારીઓની તપાસ કરી અને એ જાણવાની કોશિશ કરી કે શું 1 મેથી સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરૂ કરી શકાશે?

ગુજરાતમાં માત્ર 10 જિલ્લામાં જ અપાશે વૅક્સિન, પૂરતો જથ્થો નથી

ગુજરાત આજથી શરૂ થતા રસીકરણ અભિયાન અંતર્ગત માત્ર 10 જિલ્લામાં જ 18થી ઉપરના તમામ લોકોને રસી આપશે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે જ્યાં સંક્રમણ વધારે છે તે જિલ્લાઓમાં પહેલાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવામાં આવશે.

ગુજરાતે કોવિશિલ્ડ અને કોવૅક્સિન બંને વૅક્સિનના ડોઝ માટે ઑર્ડર આપી દીધા છે. જોકે, આખા ગુજરાતમાં રસીકરણ કરી શકાય એટલો વૅક્સિનનો જથ્થો ન હોવાને કારણે માત્ર 10 જિલ્લામાં જ હાલ પૂરતી રસી અપાશે.

રૂપાણીના કહેવા પ્રમાણે અન્ય જિલ્લાઓમાં પણ જલદીથી જ રસીકરણ શરૂ કરવામાં આવશે.

આ 10 જિલ્લાઓમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ગાંધીનગર અને ભરૂચમાં હાલ પૂરતો વૅક્સિનનો કાર્યક્રમ શરૂ કરાયો છે.

વિજય રૂપાણીએ કહ્યું, "18થી 45 વર્ષના લોકોને વૅક્સિન આપવા મામલે રજિસ્ટ્રેશન ફરજિયાત છે, જેમણે રજિસ્ટ્રેશન કર્યું હશે અને જેમને એસએમએસ મળશે એમને જ વૅક્સિન લેવા જવાનું રહેશે."

દિલ્હી : કેજરીવાલે કહ્યું, 'નહીં શરૂ થઈ શકે રસીકરણ'

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે શનિવારે ત્રીજા તબક્કાનું રસીકરણ શરૂ નહીં થઈ શકે.

તેમણે જનતાને અપીલ કરી કે શનિવારે લોકો રસીકરણકેન્દ્ર સામે લાઇનો ના લગાવે.

તેમણે પોતાના નિવેદનમાં કહ્યું, "અમને અત્યારસુધી વૅક્સિન મળી નથી. અમે કંપનીઓ સાથે સતત સંપર્કમાં છીએ અને આશા છે કે અમને કાલ કે પરમ દિવસ સુધીમાં વૅક્સિન મળી જશે. કંપનીએ અમને ખાતરી આપી છે કે કોવિશિલ્ડનો જથ્થો મળી જશે."

"તમને નિવેદન છે કે કાલ રસીકરણકેન્દ્ર સામે લાઇનો ના લગાવશો. જેવી જ અમને વૅક્સિન મળી જશે અમે તેની જાહેરાત કરીશું. જે બાદ જે લોકોએ અપૉઇન્ટમેન્ટ બુક કરી છે તેઓ રસીકરણકેન્દ્ર પર જઈને વૅક્સિન લગાવી શકે છે."

ઉત્તર પ્રદેશ : 'ના વૅક્સિન મળી છે ના ગાઇડલાઇન'

બીબીસીના સહયોગી પત્રકાર સમીરાત્મજ મિશ્રએ જણાવ્યું કે રાજ્યના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સમીક્ષા બેઠક બાદ કહ્યું કે પર્યાપ્ત પ્રમાણમાં વૅક્સિન માટે વૈશ્વિક સ્તર પર પણ ટેન્ડર જારી કરવામાં આવશે. તાત્કાલિક જ કોરોના વાઇરસની વૅક્સિનના એક કરોડ ડોઝના ઑર્ડર આપી દેવામાં આવ્યા છે.

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી અમિત મોહન પ્રસાદ પ્રમાણે, "સીરમ ઇન્ટસ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને 50-50 લાખ ડોઝ વૅક્સિનના ઑર્ડર આપી દેવામાં આવ્યા છે. એ સિવાય લગભગ પાંચ કરોડ ડોઝ માટે ગ્લોબલ ટેન્ડર જારી કરવામાં આવ્યાં છે. મુખ્ય મંત્રીના નિર્દેશ પર આ કાર્યવાહીને જલ્દી જ આગળ વધારી શકાશે."

જોકે, આ રસીકરણ મામલે શું કાર્યયોજના બનાવવામાં આવી છે, તેને લઈને હજી રાજ્યભરમાં ભ્રમની સ્થિતિ છે.

રાજ્ય સરકાર દ્વારા જારી કરેલી એક પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે 18થી વર્ષથી ઉપરની વયના લોકો માટે કોવિડ રસીકરણનો પ્રારંભ થઈ રહ્યો છે. જેના માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન અનિવાર્ય છે.

સ્વાસ્થ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું, "હજી તો 60 વર્ષ અને 45 વર્ષથી ઉપરની ઉંમરના લોકોનું રસીકરણનું લક્ષ્ય પૂરું નથી થઈ શક્યું. એવામાં 18 વર્ષથી ઉપરના લોકો માટે શરૂઆત કેવી રીતે કરી શકાય"

આ સ્થિતિને જોતાં હાલ તો 1 મેંથી આખા રાજ્યમાં 18 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ શરૂ કરી શકાય તેવી શક્યતા નથી.

બિહાર અને ઝારખંડમાં પણ આવા જ હાલ

બીબીસીના સહયોગી પત્રકાર નીરજ સહાય પ્રમાણે બિહારમાં 1 મેથી 18થી 44ની ઉંમરના લોકોને વૅક્સિન મળી શકશે નહીં.

વૅક્સિન ન મળી શકવાને કારણે આ સ્થિતિ છે, જ્યારે પૂરતો જથ્થો મળી જશે તે બાદ રાજ્ય સરકાર આ માટે તારીખો જાહેર કરશે.

ઝારખંડમાં પણ વૅક્સિન ઉપલબ્ધ ન હોવાને કારણે શનિવારથી રસીકરણ અભિયાન શરૂ થઈ શકશે નહીં.

કર્ણાટક : સરકારે હૉસ્પિટલ ન આવવાની કરી અપીલ

બીબીસીના સહયોગી પત્રકાર ઇમરાન કુરૈશી પ્રમાણે 18 વર્ષથી ઉપરના લોકોને વૅક્સિન મળવાની આશા ખૂબ ઓછી છે.

45 વર્ષથી ઉપરના લોકો માટે કર્ણાટક પાસે માત્ર 6 લાખ ડોઝ છે, જ્યારે કેરળ પાસે માત્ર 2 લાખ.

કર્ણાટકે અધિકારીક રીતે 18થી 44 વર્ષના લોકોને અપીલ કરી છે કે તેઓ સરકારી હૉસ્પિટલોમાં ન આવે કેમ કે તેમને પૂરતા પ્રમાણમાં વૅક્સિન મળી નથી.

કેરળમાં પણ શનિવારથી રસીકરણની શરૂઆત નહીં થઈ શકે કેમ કે રાજ્ય પાસે પૂરતા પ્રમાણમાં વૅક્સિનનો જથ્થો નથી.

પશ્ચિમ બંગાળ - ક્યારથી મળશે વૅક્સિન, હાલ સુધી સ્પષ્ટ નથી

બીબીસીના સહયોગી પત્રકાર પ્રભાકર મણિ તિવારીના કહેવા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં 18થી 45 વર્ષ સુધીના લોકોને કોરોના વાઇરસની વૅક્સિન આપવાનું કામ પહેલી મેથી શરૂ નહીં થાય.

અગાઉ રાજ્ય સરકારે આ ઉંમરના લોકોને પાંચ મેથી વૅક્સિન આપવાની વાત કહી હતી. પરંતુ હાલમાં કોઈ એ કહેવાની સ્થિતિમાં નથી કે આ પ્રક્રિયા ક્યારે શરૂ થશે.

રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને ત્રણ કરોડ વૅક્સિન ખરીદવા માટે પત્ર લખ્યો છે. જોકે બીજા ડોઝ માટે વૅક્સિન સેન્ટરો પર લોકોની ભીડ વધી રહી છે.

વૅક્સિન સેન્ટર પર લોકોનો જમાવડો અને બીજો ડોઝ ન મળવાના કારણે ભીડ પર અંકુશ મૂકવા માટે આરોગ્ય સચિવે પોલીસ મહાનિદેશનક અને કોલકાતાના પોલીસ કમિશનરને પત્ર લખીને વૅક્સિન સેન્ટર પર પોલીસ તહેનાત કરવા કહ્યું છે.

આરોગ્ય ડિરેક્ટર અજય ચક્રવર્તીએ કહ્યું, "રાજ્ય સરકાર, સરકારી અને ખાનગી હૉસ્પિટલ માટે ત્રણ કરોડ વૅક્સિન ખરીદશે. આમાંથી એક કરોડ વૅક્સિન ખાનગી હૉસ્પિટલોને આપશે. રાજ્યમાં 18થી 45 વર્ષના દોઢ કરોડ લોકોને વૅક્સિન આપવાની તૈયારી ચાલી રહી છે."

આંધ્ર પ્રદેશ અને તેલંગણા - અનેક મહિનાઓ સુધી જોવી પડી શકે છે રાહ

તેલંગણામાં સરકારે જાહેરાત કરી છે કે 18 વર્ષની ઉપરના તમામ લોકોને વૅક્સિન આપવાની પ્રક્રિયા શરૂ થવામાં કેટલાક મહિનાઓ લાગી શકે છે. જ્યારે આંધ્રપ્રદેશમાં આ પ્રક્રિયા સપ્ટેમ્બર સુધીમાં શરૂ થશે.

જમ્મુ કાશ્મીર - રસીકરણ શરૂ નથી થયું

બીબીસીના સહયોગી પત્રકાર મોહિત કાંધારીના કહેવા પ્રમાણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની સરકારે શુક્રવારે એક અધિકૃત નિવેદન જાહેર કરીને કહ્યું છે કે સરકાર 18 થી 44 વર્ષના યુવાનો માટેના રસીકરણ અભિયાનને 1 મેથી શરૂ કરી રહી નથી.

એ પણ માહિતી આપવામાં આવી છે કે સરકારે 1.24 કરોડ રસીનો ઑર્ડર આપી દીધો છે અને જેમ તેમની પાસે સપ્લાય આવવાની શરૂ થશે ત્યારે તારીખોની જાહેરાત કરશે.

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ

બીબીસીના સહયોગી પત્રકાર ધ્રુવ મિશ્રાના કહેવા પ્રમાણે ઉત્તરાખંડના આરોગ્ય સચિવ અમિત નેગીના કહેવા પ્રમાણે રાજ્યમાં 18-44 વર્ષની ઉંમરના લોકોને વેક્સિન મળવાની શરૂ થઈ જશે આ કામમાં અંદાજે એક અઠવાડિયાનો સમય લાગી શકે છે. રાજ્ય સરકાર કેન્દ્ર અને વૅક્સિન કંપનીઓના સંપર્કમાં છે.

હિમાચલમાં બીબીસીના સહયોગી અશ્વની શર્માએ કહ્યું કે ત્યાં એક મેથી 18 વર્ષથી ઉપરના લોકોને વૅક્સિન આપવાનું અભિયાન શરૂ થવામાં સમય લાગશે કારણ કે કંપનીએ સ્ટૉક આપવાનું શિડ્યૂલ કર્યું નથી.

પંજાબ અને ઓરિસ્સા

પંજાબના મુખ્ય મંત્રી અમરિંદરસિંહે કહ્યું કે વૅક્સિન ન મળવાના કારણે 18 વર્ષથી વધુના ઉંમરના તમામ લોકોનું રસીકરણ હાલ શરૂ થયું નથી.

26 એપ્રિલે સીરમ ઇન્સ્ટિયૂટથી 30 લાખ ડોઝ માગ્યા હતા, જે આગામી ત્રણ ચાર અઠવાડિયામાં મળશે.

ભુવનેશ્વરમાં બીબીસી સંવાદદાતાના સહયોગી પત્રકાર સંદીપ સાહુ કહે છે કે પરિવાર કલ્યાણ ડૉ. વિજય પાણિગ્રાહના કહેવા પ્રમાણે ઓરિસ્સા રાજ્યની પાસે હાલ કોવિશીલ્ડના માત્ર એક લાખ 6 હજાર ડોઝ છે જ્યારે પહેલા ડોઝ લઈ લીધેલા 45થી 49 વર્ષની ઉંમરના 6 લાખથી વધારે લોકો પોતાના બીજા ડોઝની રાહ જોઈ રહ્યા છે.

જો વૅક્સિન પહોંચશે તો રસીકરણ સોમવારે એટલે ત્રણ મેએ શરૂઆત થઈ શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો