જે કચ્છી કલાકારે એ.આર. રહેમાન સાથે કાર્યક્રમો કર્યા એ પરિવારના ભરણપોષણ માટે ચલાવે છે છકડો રિક્ષા

ઇમેજ સ્રોત, Getty Images
"મુંબઈના માટીબાની ગ્રૂપ સાથે આખા દેશમાં કાર્યક્રમો કર્યા. 2007માં અબુધાબી, દુબઈ, જકાર્તા ગયો. અમેરિકા અને સિંગાપુરમાં કાર્યક્રમો કર્યા."
"ત્રણ પ્રોગ્રામ તો એ. આર. રહેમાન સાથે કર્યા. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા અને દિલ્હી ગયા ત્યારે ઇન્ડિયા ગેટ પર માટીબાની ગ્રૂપ સાથે વડા પ્રધાનની સામે બેસીને અમે જોડિયા પાવા વગાડ્યા હતા."
આ શબ્દો એ કચ્છી કલાકારના છે, જેઓ જોડિયા પાવા વગાડવા માટે જાણીતા છે.
વિખ્યાત સંગીતકાર એ. આર. રહેમાન સાથે તેમણે ત્રણ કાર્યક્રમો કર્યા છે, આ કલાકારની કલાનો ઉપયોગ રણબીર કપૂરની ફિલ્મ 'રોકસ્ટાર'ના ગીતોમાં રહેમાને કર્યો છે અને તેઓ છેલ્લાં 20 વર્ષમાં દેશ-વિદેશમાં સંખ્યાબંધ કાર્યક્રમ આપી ચૂક્યા છે.
એ કલાકારનું નામ છે નૂર મોહમ્મદ સોઢા અને તેઓ કચ્છના લોકવાદ્ય જોડિયા પાવાના ઉસ્તાદ વાદક છે. નૂર મોહમ્મદની કથા જાણતા પહેલાં એ જાણી લો કે જોડિયા પાવા એટલે શું?

જોડિયા પાવા શું છે?

જોડિયા પાવા બે વાંસળી જેવું વાંસમાંથી બનાવવામાં આવતું, ફૂંક મારીને વગાડી શકાય તેવું વાદ્ય છે.
માલધારીઓનું માનીતું આ વાદ્ય 20થી 22 ઇંચ લાંબું હોય છે. તેમાં એક વાંસળીને નર કહેવાય છે અને બીજીને માદા.
કુશળ કળાકાર જોડિયા પાવા વગાડે ત્યારે તેમાંથી નીકળતા મીઠા સૂર સાંભળનારને મંત્રમુગ્ધ કરી દે છે. આ વાદ્યને વગાડનારા પણ ઘટતા જાય છે અને તેને બનાવતા કારીગરો પણ કચ્છમાં જૂજ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નર અને માદા પાવાને એક સાથે વગાડવામાં આવે છે એટલે તેનું નામ જોડિયા પાવા પડ્યું છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં પાવા વગાડનારાઓ મળી રહે પરંતુ જોડિયા પાવા એ કચ્છની ખાસિયત છે.

નૂર મોહમ્મદ કેવી રીતે જોડિયા પાવા શીખ્યા?

જોડિયા પાવા વગાડવાની પ્રેરણા ક્યાંથી મળી અને તે વગાડતાં કઈ રીતે શીખ્યા તેની વાત કરતાં નૂર મોહમ્મદ કહે છે, "અમે માલધારી. પહેલાં અમારી પાસે માલ હતો. માલ એટલે કે ઘેટાં અને બકરાં. અમે ઘેટાં-બકરાં ચરાવતાં અને રેડિયો સાંભળતા."
"ઓલ ઇન્ડિયા રેડિયો પરથી બપોરે રોજ પોણા વાગ્યે એક ધૂન પ્રસારિત થતી હતી. એ સાંભળીને મેં મારા પિતાજીને પૂછ્યું કે 'આ ક્યું વાદ્ય છે?"
"પિતાજીએ કહ્યું કે 'એ જોડિયા પાવા છે.' મેં તેમને કહ્યું કે 'જોડિયા પાવા મેં જોયા નથી, પણ તેનો અવાજ બહુ મીઠો છે.' આ રીતે જોડિયા પાવા સાથે માયા બંધાઈ ગઈ."

નૂર મોહમ્મદ એ વિચારતા થયા કે જોડિયા પાવા મળે ક્યાંથી?
તેમનો એક પિતરાઈ ભાઈ કચ્છના અબડાસા તાલુકાના ખરોડા ગામમાં જોડિયા પાવા બનાવતો અને વગાડતો પણ હતો. નૂર મોહમ્મદના પિતાએ તેમનો સંપર્ક સાધીને એક જોડી જોડિયા પાવા મેળવી આપ્યા હતા.
રોજ બપોરે ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત થતી ધૂન સાંભળી-સાંભળીને નૂર મોહમ્મદ જોડિયા પાવા વગાડતા શીખ્યા હતા.

કચ્છના ભૂકંપ બાદ મળી નામના

2001ની 26 જાન્યુઆરીએ થયેલા વિનાશક ધરતીકંપે કચ્છને પાયમાલ કરી નાખ્યું હતું, પણ એ ભૂકંપ નૂર મોહમ્મદ માટે ઉપકારક સાબિત થયો હતો.
કચ્છના ભૂકંપગ્રસ્તોની સહાય માટે મુંબઈમાં કચ્છના કલાકારોનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એ નૂર મોહમ્મદનો પહેલો સ્ટેજ પ્રોગ્રામ.
નૂર મોહમ્મદ લોકોની નજરમાં આવ્યા પછી ધીમેધીમે તેમના કાર્યક્રમો થવા લાગ્યા.
નૂર મોહમ્મદ કહે છે, "મુંબઈના માટીબાની ગ્રૂપ સાથે આખા દેશમાં કાર્યક્રમો કર્યા."
"2007માં અબુધાબી, દુબઈ, જકાર્તા ગયો. અમેરિકા અને સિંગાપુરમાં કાર્યક્રમો કર્યા. ત્રણ પ્રોગ્રામ તો એ.આર. રહેમાન સાથે કર્યા.
"નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા અને દિલ્હી ગયા ત્યારે ઇન્ડિયા ગેટ પર માટીબાની ગ્રૂપ સાથે વડા પ્રધાનની સામે બેસીને અમે જોડિયા પાવા વગાડ્યા હતા."
છેલ્લાં ઘણાં વર્ષોથી આપણે ત્યાં પશ્ચિમી વાદ્યોનો વધારે પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. આપણાં સૂરીલાં, દેશી વાદ્યો સાંભળવાનું ચલણ ઘટતું જાય છે. પરિણામે એવા વાદ્યોના વાદકોની હાલત કથળી રહી છે.

ઘર ચલાવવા રિક્ષા ચલાવે છે નૂર મોહમ્મદ

નૂર મોહમ્મદ સોઢાની આર્થિક હાલત પણ ખરાબ છે. અત્યારે તેઓ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે.
કચ્છના કલાકાર શૈલેષ જાની કહે છે, "નૂર મોહમ્મદ સોઢાની કળાનો હું વર્ષોથી સાક્ષી રહ્યો છું."
"તેમણે અનેક કાર્યક્રમો કર્યા છે. એમણે ટોચના સંગીતકારો સાથે કામ કર્યું છે, પણ આજે શું?"
"તેઓ છકડો રિક્ષા ચલાવીને પરિવારનું પેટ ભરતા હોય તો તેમના પછીની પેઢીનું શું? તેમની કલાનું શું? તેમની ખ્યાતિથી તેમના બાળકોને કોઈ ફાયદો થવાનો નથી. સરકારી સાહેબો આવે, એમની વાહવાહ કરે, સન્માન કરે, પણ એનાથી તો કશું નથી થવાનું."
જોડિયા પાવા વગાડવાની કળા લુપ્ત થવા જઈ રહી છે ત્યારે નૂર મોહમ્મદ સોઢા બે હાથ જોડીને વિનંતી કરે છે, "આ કળાને જાળવી રાખો. કોઈને શિખવાડો જેથી વારસો જળવાઈ રહે. કલાકારો માટે કંઈક કરવા અમારી સરકારને પણ વિનંતી છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












