મહારાષ્ટ્ર : જલગાંવમાં હૉસ્ટેલમાં છોકરીઓને નિર્વસ્ત્ર કરી ડાન્સ કરવા મજબૂર કરાતી હોવાનો મામલો શું છે?

મહારાષ્ટ્રના જલગાંવમાં એક સનસનીભર્યો મામલો સામે આવ્યો છે, જે પ્રમાણે કેટલાંક સામાજિક કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે સરકારી ગર્લ્સ હૉસ્ટેલની છોકરીઓને કપડાં ઉતારીને પુરુષોની સામે ડાન્સ કરવા માટે મજબૂર કરવામાં આવે છે.

સામાજિક કાર્યકર્તા ફિરોઝ પિંજરીએ કહ્યું, "અમે લોકો કોઈ બીજા કામથી હૉસ્ટેલ ગયા હતા પરંતુ ત્યાં જઈને અમને આ વાતની જાણકારી મળી છે. આ છોકરીઓએ અમને કહ્યું કે, તેમને 'કપડાં વિના ડાન્સ કરવા માટે મજબૂર કરવામાં આવે છે', અમને હૉસ્ટેલમાં જવાની પરવાનગી ન મળી હતી, પરંતુ અમે લોકોએ દૂરથી વીડિયો બનાવ્યો અને જિલ્લાધિકારીને સોંપ્યો છે."

જલગાંવ જિલ્લાધિકારી અભિજીત રાઉતે આ કેસમાં તપાસના આદેશ આપ્યા છે. જે વીડિયોમાં છોકરીઓ કપડાં ઉતારીને ડાન્સ કરી રહી છે તે વીડિયો વાઇરલ થઈ ગયો, આ વાઇરલ વીડિયોની ક્લિપ બીબીસી મરાઠી પાસે પણ છે.

વીડિયો પ્રમાણે એક છોકરી સીડીની બારીમાંથી સામાજિક કાર્યકર્તા સાથે વાત કરી રહી છે. તે આ સામાજિક કાર્યકર્તાઓને કહે છે, "મારો ચહેરો ન દેખાવવો જોઈએ"

જે પછી સામાજિક કાર્યકર્તા આ વીડિયોમાં કહે છે, "નહીં દેખાડીએ. તમે બોલો. તમારા કેસને અમે જિલ્લાધિકારી પાસે મૂકીશું."

હૉસ્ટેલ વહીવટીતંત્રની ટીકા

વળી વીડિયોમાં છોકરીનો ચહેરો નથી દેખાતો, પરંતુ તે એમ કહેતાં નજર આવી રહી છે, "અમને લગભગ કપડાં વિના ડાન્સ કરવા માટે મજબૂર કરવામાં આવે છે. અમને એવું ખાવાનું મળે છે કે આ વિશે હું કહી પણ નથી શકતી. સરકાર તરફથી રૅશન લાવીને અહીં અમને ખાવાનું નથી ખવડાવતા. આ લોકો(હૉસ્ટેલના સંચાલક) છોકરીઓ પાસેથી પૈસા લઈને અને પોતાના બૉયફ્રેન્ડને બોલાવે છે."

આ વીડિયોમાં છોકરી હૉસ્ટેલના વહીવટીતંત્રની ટીકા કરતી જોવા મળે છે.

જ્યારે બીજી છોકરીઓની ટીકા સાંભળી રહેલાં મહિલા હૉસ્ટેલ અધિકારી રંજના જોપેએ મીડિયામાં કહ્યું, "સંસ્થાનમાં કોઈ પ્રકારનું ખોટું કામ ચાલી રહ્યું નથી. જે છોકરીનો આ વીડિયો વાઇરલ થયો છે, તેની માનસિક સ્થિતિ ઠીક નથી. તે અહીં ગર્ભવતી છોકરીઓની પિટાઈ કરી ચૂકી છે."

રંજના જોપેએ એ પણ કહ્યું કે વીડિયો રેકૉર્ડિંગની વાત સામે આવ્યા પછી તે લોકોએ સામાજિક કાર્યકર્તાઓને હૉસ્ટેલમાં આવવાની અનુમતિ ન આપી.

જિલ્લાના મહિલા અને બાળ કલ્યાણ અધિકારી વિજય સિંહ પરદેશીએ કહ્યું, "જાણકારી મળતા જ અમે લોકોએ હૉસ્ટેલની મુલાકાત લીધી. અમે છોકરીઓ સાથે વાત કરી. છોકરીની સુરક્ષા પર કોઈ જોખમ નથી. જિલ્લા અધિકારીએ આ મામલે તપાસ સમિતિ બનાવી છે."

જિલ્લા અધિકારી સમક્ષ ફરિયાદ

જલગાંવના સામાજિક કાર્યકર્તા ફરીદ ખાને બીબીસીને કહ્યું, "મંગળવારની સાંજે જિલ્લાધિકારી સામે ફરિયાદ નોંધાવવામાં આવી. અમે લોકો હૉસ્ટેલ ગયા હતા, જ્યારે અમે લોકો બહાર નીકળી રહ્યા હતા ત્યારે છોકરીઓએ અમને બોલાવીને પોતાનું દુ:ખ જણાવ્યું. તેમણે એમ પણ કહ્યું કે અનેક છોકરીઓના બૉયફ્રેન્ડ રાત્રે હૉસ્ટેલમાં રહે છે. અમે લોકો આ મામલે જલદી કાર્યવાહીની માગ કરીએ છીએ."

જલગાંવની એક અન્ય સામાજિક કાર્યકર્તા મંગલા સોનવાનેએ એક મહિલાની માનસિક સ્થિતિ પર સવાલ ઉઠાવવા અંગે કહ્યું, "બની શકે છે કે એક છોકરીની માનસિક સ્થિતિ યોગ્ય નથી, પરંતુ બીજી છોકરીઓની શું સ્થિતિ છે? તે હૉસ્ટેલના બીજા માળે એકલા વાત કરી રહી ન હતી, આ પછી બીજી છોકરીઓએ પણ આ મામલે ફરિયાદ કરી હતી."

વીડિયો વાઇરલ થયા પછી આ ઘટના પર ઘણી પ્રતિક્રિયા જોવા મળી કહી છે. રાજ્યના હાલના બજેટ સત્ર દરમિયાન પણ આ મુદ્દાએ તૂલ પકડ્યો.

વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં પોતાના સંબોધનમાં કહ્યું, "આ ઘટનાના સમાચાર મળ્યા, પછી વીડિયો પણ સામે આવ્યો છે. આ કેસમાં પોલીસવાળા છોકરીઓને કપડા વગર ડાન્સ કરવા પર મજબૂર કરી રહ્યા છે. આપણે આ કેસમાં સંવેદનશીલતાથી જોવાની જરૂરિયાત છે. આ કેસમાં દોષિતોની જલદી ધરપકડ કરવામાં આવે. "

આ કેસ પર રાજ્યની મહિલા અને બાળ વિકાસ મંત્રી યશોમતિ ઠાકુરે કહ્યું, "જલગાંવની ઘટનાનો ઉલ્લેખ વિધાનસભામાં થયો છે. આ ઘણો ગંભીર મામલો છે."

ગૃહમંત્રી અનિલ દેશમુખે સંસદની અંદરની આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

તેમણે કહ્યું, "હું ખુદ આ કેસ પર નજર રાખી રહ્યો છું. જો આરોપ સાબિત થશે તો દોષિતો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. અમે કોઈને નહીં છોડીએ. નિષ્પક્ષતાની સાથે સંપૂર્ણ કાર્યવાહી થશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો