ભારતીય અર્થવ્યવસ્થા મંદીમાંથી બહાર આવી, 0.4 ટકા વિકાસ દરનું અનુમાન

શુક્રવારે નાણાકીય વર્ષ 20-21ના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન દેશના જી.ડી.પી.માં થયેલી વૃદ્ધિના આંકડા બહાર પાડવામાં આવ્યા હતા.

ન્યૂઝ એજન્સી પી.ટી.આઈ.ના રિપોર્ટ મુજબ આ ગાળા દરમિયાન દેશનું અર્થતંત્ર 0.4 ટકાના દરે વૃદ્ધિ પામ્યું હતું, જે અનુમાન કરતાં ઓછું રહ્યું હતું.

સરકારના અનુમાન મુજબ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અર્થતંત્રમાં આઠ ટકાનો ઘટાડો અંદાજવામાં આવ્યો છે.

ડિસેમ્બર મહિનામાં કોવિડ-19ના કેસોમાં ઘટાડો તથા તહેવારોને કારણે બજારમાં નીકળેલી લેવાલીને આ વૃદ્ધિદર માટે જવાબદાર માનવામાં આવે છે.

આ ગાળા દરમિયાન જી.એસ.ટી.ની વસૂલાત એક લાખ કરોડની સપાટીને પાર કરી ગઈ હતી અને ગાડીઓના વેચાણના આંકડા પણ પ્રોત્સાહનજનક રહ્યા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કોવિડ-19 તથા લૉકડાઉનના ઓછાયા હેઠળ પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન 24 ટકા જેટલો 40 વર્ષનો સર્વાધિક ઘટાડો જોવાયો હતો.

બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર 2020) દરમિયાન 7.5 ટકાનો નકારાત્મક વૃદ્ધિદર જોવાયો હતો. આથી આ વૃદ્ધિને સકારાત્મક રીતે પણ જોવાય છે અને 'ટેકનિકલી દૃષ્ટિ'એ તે મંદીમાંથી બહાર આવ્યું છે.

શૅરબજારમાં કડાકો

શૅરબજારમાં સપ્તાહના છેલ્લા ટ્રૅડિંગ દિવસે, અમેરિકાના 10 વર્ષના બૉન્ડ યિલ્ડ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચતા નકારાત્મક અસર જોવા મળી હતી.

નિફ્ટીએ તેની 14 હજાર 750ની ટેકાની સપાટી ગુમાવી હતી. 50 શૅરનો સૂચકાંક 568 (3.76 ટકા)ના ઘટાડા સાથે 14,529 ઉપર બંધ આવ્યો હતો.

બૉમ્બે સ્ટૉક ઍક્સ્ચેન્જના 30 શૅરના સૂચકાંકમાં 1,939 પૉઇન્ટનો રેકર્ડ ઘટાડો જોવા મળ્યો હતો. 3.8 ટકાના ઘટાડા સાથે તે 49 હજાર 99 પૉઇન્ટ ઉપર બંધ આવ્યો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો