દિશા રવિની ધરપકડને લઈ દિલ્હી પોલીસ અને ન્યાયતંત્રની ટીકા કેમ થઈ રહી છે?

દિશા રવિ

ઇમેજ સ્રોત, FACEBOOK/DISHARAVII

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા
તમારી ફેવરિટ ભારતીય મહિલા ખેલાડીને વોટ આપવા માટે CLICK HERE

દિલ્હી પોલીસ દ્વારા શનિવારે બેંગ્લુરુ ખાતેથી ખેડૂત આંદોલન સાથે કથિત રીતે સંકળાયેલ 'ટૂલકિટ' મામલે 21 વર્ષીય પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિની ધરપકડ કરી હતી.

નોંધનીય છે કે અમુક દિવસ પહેલાં ખ્યાતનામ ઇન્ટરનૅશનલ ક્લાઇમેટ ચૅન્જ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ દ્વારા ટ્વિટર પર ખેડૂત આંદોલનને મદદ કરવાના દસ્તાવેજ તરીકે 'ટૂલકિટ' મૂકી હતી. જેને દિલ્હી પોલીસે 'લોકોમાં બળવો કરાવનાર દસ્તાવેજ' તરીકે ઓળખાવી તેને તપાસના દાયરામાં લઈ લીધી હતી.

દિલ્હી પોલીસના સાયબર ક્રાઇમ સેલ દ્વારા ચાર ફેબ્રુઆરીના રોજ 'ટૂલકિટ'ના નિર્માતાઓ સામે 'રાજદ્રોહ', 'ગુનાહિત ષડ્યંત્ર' અને 'નફરત ફેલાવવા'ના આરોપસર FIR નોંધી હતી. પોલીસનો દાવો છે કે 26 જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રૅક્ટર માર્ચ દરમિયાન ફાટી નીકળેલી હિંસા ટૂલકિટમાં દર્શાવાયેલ આયોજન અનુસાર થઈ હતી.

દિલ્હી મહિલા પંચે દિશા રવિની ધરપકડ મામલે સુઓમોટો દાખલ કરી છે.

દિશા રવિની ધરપકડને લઈને અનેક લોકો દિલ્હી પોલીસની અને ન્યાયતંત્રની કાર્યવાહી પર સવાલ કરે છે તો અનેક લોકો તેને યોગ્ય પણ ઠેરવે છે.

બીબીસીએ આ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ દીપક ગુપ્તા, વિધિ સેન્ટર ફૉર લીગલ પૉલિસીના નિવાસી ફૅલો આલોક પ્રસન્ના અને હૈદરાબાદની નૈલસોર લો યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ફૈઝાન મુસ્તફા સાથે વાત કરી. વાંચો આ ત્રણ લોકોનું અવલોકન.

line

જસ્ટિસ દીપક ગુપ્તા, ભૂતપૂર્વ જજ, સુપ્રીમ કોર્ટ

જસ્ટિસ દીપક ગુપ્તા, ભૂતપૂર્વ જજ, સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, TWITTER/ANI

ઇમેજ કૅપ્શન, જસ્ટિસ દીપક ગુપ્તા, ભૂતપૂર્વ જજ, સુપ્રીમ કોર્ટ

બીબીસી સાથે ફોન પર વાત કરતાં તેમણે કહ્યું, "લોકશાહીમાં દેશદ્રોહના કાયદાનો કોઈ અર્થ જ નથી, જ્યાં સુધી હિંસા ભડકાવવા માટે કોઈએ કોઈ કૃત્ય ન કર્યું હોય ત્યાં સુધી. ભારતમાં દેશદ્રોહનો કાયદો અંગ્રેજો લઈને આવ્યા હતા, જ્યારે ભારત તેમના અધીન હતું, ત્યારે પણ બ્રિટનમાં દેશદ્રોહનો કાયદો વધુ કડક નહોતો, પરંતુ ભારતમાં તેના માટે આજીવન કારાવાસની સજા હતી. ભારતમાં એક ધારણા હતી કે આઝાદી બાદ આ પ્રકારના કાયદા હઠાવવામાં આવશે. પરંતુ ઇંદિરા ગાંધીએ ઇમર્જન્સી સમયે આ કાયદાને ન હઠાવ્યો, બલકે તેને કોગ્નિઝિબલ ગુનો બનાવી દીધો, જેનો અર્થ એ થયો કે દેશદ્રોહના અપરાધમાં વૉરંટ વગર પણ ધરપકડ કરી શકાય છે."

લોકશાહીમાં દરેક નાગરિકનો હક છે કે તે સરકારની નીતિઓ વિરુદ્ધ બોલી શકે. લોકશાહીની સુંદરતા મતભેદમાં જ છે. જો મતભેદ જ ન હોય તો લોકશાહીનો કોઈ અર્થ જ નથી. બધા એક અવાજમાં બોલે તો તે લોકશાહી જ નથી. અલગ અલગ અવાજોને સાંભળવું એ લોકશાહીનું મહત્ત્વપૂર્ણ પાસું છે.

પાછલાં બે-ચાર વર્ષોથી દેશદ્રોહના કાયદાનો લોકોનો અવાજ દબાવવા માટે ઘણો દુરુપયોગ થઈ રહ્યો છે. મે ટૂલકિટ સંપૂર્ણપણે તો નથી જોઈ, પરંતુ જે કાંઈ પબ્લિક ડોમેઇનમાં સામે છે, તેમાં મને દેશદ્રોહ જેવી કોઈ વાત નથી લાગી.

દિશા વિરુદ્ધ એક કલમ 153એ લગાવવામાં આવી છે. જેનો અર્થ એ થાય છે કે બે સમુદાયો વચ્ચે અમુક વિવાદ ઊભો કરવા માગે છે. પબ્લિક ડોમેઇનમાં જે ટૂલકિટ છે, તેમાં એવી કોઈ વાત નથી દેખાતી, જેના કારણે આપણે દિશા રવિ પર આ કલમ લગાવવામાં આવે તેવું કહી શકીએ.

આપણા દેશનો કાયદો કહે છે કે આપણે જામીન આપવા જોઈએ ન કે જેલ. તપાસ માટે જે કાગળ માગવામાં આવ્યા, દિશાએ એ બધા ઉપલબ્ધ કરાવ્યા, ફોન કે કૉમ્પ્યૂટરની તપાસ માટે પણ દિશાએ ના નથી પાડી. અંડરટ્રાયલ સ્ટેજ પર સજા ન થઈ શકે.

ધરપકડ ત્યારે જ જરૂરી છે, જ્યારે તપાસમાં આરોપી સહયોગ ન કરી રહ્યો હોય. તમારા પ્રશ્નોના જવાબ ન આપી રહ્યો હોય. શનિવારે અરેસ્ટ અને રવિવારે કોર્ટમાં રજૂ, પોલીસ ઘણી વાર કરે છે, જ્યારે આરોપીને રેગ્યુલર કોર્ટમાં તેને રજૂ નથી કરવા માગતી."

line

આલોક પ્રસન્ના, સિનિયર રેસિડેન્ટ ફેલો, વિધિ સેન્ટર ફૉર લીગલ પૉલિસી

દિશા રવિ

ઇમેજ સ્રોત, DISHA RAVI

"સુપ્રીમ કોર્ટે ખાલિસ્તાન સાથે જોડાયેલા એક મામલામાં સ્પષ્ટપણે કહ્યું છે કે માત્ર 'ખાલિસ્તાન જિંદાબાદ' અને 'ખાલિસ્તાન જ્ય હો'ના નારા લગાવવા માત્રથી દેશદ્રોહનો મામલો નથી બની જતો."

પરંતુ એવું લાગે છે કે દિલ્હી પોલીસ આ તમામ નિર્ણયોને નથી માનતી. પોલીસને પણ ખબર છે કે આ મામલાઓમાં કોઈ દોષ સિદ્ધ નહીં થઈ શકે, તેથી આવું કરીને લોકોને ડરાવવામાં આવી રહ્યા છે. આ મામલો એક રીતે એ બતાવવાની કોશિશ છે કે પોલીસ ગેરકાયદેસર કામ કરશે અને કોઈ તેમને રોકી નહીં શકે.

દિલ્હી પોલીસે બેંગ્લુરુ જઈને દિશાની ધરપકડ કરી. કાયદા પ્રમાણે દિશાને સૌથી પહેલાં નજીકના મૅજિસ્ટ્રેટ સામે રજૂ કરવી જોઈતી હતી. પરંતુ એવું ન કરાયું. તેમને દિલ્હીમાં રજૂ કરાયાં. આ ખોટું છે.

કાયદા અનુસાર દિલ્હી પોલીસે પહેલાં દિશાના ટ્રાઝિટ રિમાન્ડ માગવા જોઈતા હતા. એ પણ ન કરાયું. દિશાને ટ્રાંઝિટ જામીન માગવાની તક આપવી જોઈતી હતી. એ પણ ન કરાયું.

સુપ્રીમ કોર્ટે વર્ષ 2014માં અરુણેશ કુમાર મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે માત્ર FIR થવાથી પોલીસ કોઈની ધરપકડ કરી શકતી નથી. તેના માટે નક્કી નિયમ ઘડવામાં આવ્યા છે. સીઆરપીસીની કલમ 41એ હેઠળ પોલીસે એ જણાવવાનું રહેશે કે કોઈ પણ શખ્સની ધરપકડ કેમ કરાઈ રહી છે?

શું તમે તેમને તપાસમાં સહયોગ માટે બોલાવ્યા અને તેમણે સહયોગ ન કર્યો? શું તેઓ એવું કોઈ ખતરનાક કામ કરી રહ્યા છે, જે તેમણે તરત રોકવું જોઈએ. આવી કોઈ પણ વાત પોલીસે અત્યાર સુધી નથી જણાવી.

જ્યારે દિશા રવિને દિલ્હી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં, એ સમયે તેમના વકીલને અપીલ કરવાનો અધિકાર અપાયો કે નહીં, એ વાતની પણ ખબર નથી પડી શકી. કોર્ટના ઑર્ડરની કૉપીમાં એ નથી દેખાઈ રહ્યું કે દિશાના વકીલે શું દલીલો મૂકી, દિશાએ સુનાવણી દરમિયાન શું કહ્યું? ઑર્ડરની કૉપીમાં માત્ર એટલું જ દેખાઈ રહ્યું છે કે પોલીસને મૅજિસ્ટ્રેટે અમુક પ્રશ્નો કર્યા અને દિશાને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં."

line

ફૈઝાન મુસ્તફા, વાઇરસ ચાન્સેલર, હૈદરાબાદસ્થિત લૉ યુનિવર્સિટી

ફૈઝાન મુસ્તફા

ઇમેજ સ્રોત, Facebook/Faizan Mustfa

ઇમેજ કૅપ્શન, ફૈઝાન મુસ્તફા

દિશા રવિની ધરપકડ પર કોઈ નિર્ણય સંભળાવવો હાલ ઉતાવળ છે, હજુ તપાસ ચાલી રહી છે.

પરંતુ આ ધરપકડને લઈને પ્રશ્નો જરૂર ખડા થઈ રહ્યા છે. આ પ્રશ્ન ત્રણ મુદ્દા સાથે જોડાયેલા છે - અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, આપરાધિક ન્યાયતંત્રની રીતરસમો પર અને ન્યાયતંત્રની નિષ્પક્ષતા પર.

અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય આપણો મૂળભૂત અધિકાર છે. જનતાને કોઈ પણ મુદ્દે વૈકલ્પિક મત વિશે પણ ખબર હોવી જોઈએ. નવા કૃષિકાયદા પર એક મત એ હોઈ શકે છે કે આ કાયદા ખેડૂતો માટે ઘણા સારા છ અને બીજો મત એ હોઈ શકે છે કે નવા કાયદા આવવાથી કૉર્પોરેટ જગતવાળા ખેડૂતો પર છવાઈ જશે. ખેડૂતોનું આનાથી ઘણું નુકસાન થશે.

એક કાયદા પર જેટલા પણ મત છે, બધા સામે આવવા જોઈએ અને જનતંત્રમાં જનતા પર છોડી દેવું જોઈએ કે તેઓ કયા મતને યોગ્ય માને છે. કોઈ પણ મતને જો દબાવવાની કોશિશ કરવામાં આવે છે, તો તેનાથી એક શંકા પેદા થાય છે કે ક્યાંક એ મત યોગ્ય તો નથી.

ભારતના બંધારણના આર્ટિકલ 19માં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે. તેમાં દેશદ્રોહનો ઉલ્લેખ નથી. તેમાં ભારતનું સાર્વભૌમત્વ, એકતા, કોર્ટની અવમાનના, અપરાધ માટે ઉશ્કેરણી, અવમાનના જેવી વાતોનો ઉલ્લેખ તો છે, પરંતુ દેશદ્રોહવાળી વાત સંવિધાનનિર્માતાઓએ નથી મૂકી.

સુપ્રીમ કોર્ટનો એક નિર્ણય છે કેદાર નાથ સિંહ વિરુદ્ધ બિહાર સરકારનો. તે અનુસાર દેશદ્રોહનો ચાર્જ ત્યારે જ લગાવી શકાય છે, જ્યારે તમે જે કહ્યું તેના પરિણામ સ્વરૂપે હિંસા થઈ. ટૂલ કિટ કોઈ ઓજાર તો છે નહીં કે તેમાં બૉમ્બ છે, તેમાં ચપ્પુ છે. ટૂલ કિટ તો એક ડૉક્યૂમેન્ટ છે. આવામાં પ્રશ્ન ઊઠે છે કે ટૂલ કિટથી હિંસા કેવી રીતે થઈ? આ તપાસનો વિષય હોઈ શકે છે.

પરંતુ દરમિયાન દિશાની ધરપકડમાં કાયદાની પ્રક્રિયાનું પાલન કરાયું કે નહીં, તેના પર પ્રશ્નો ઊઠી રહ્યા છે. શું દિલ્હી પોલીસ પાસે દિશાને બેંગલુરુથી દિલ્હી લાવવા માટે ટ્રાંઝિટ રિમાંડ હતો કે નહીં? તે બંધારણના આર્ટિંકલ 22નું ઉલ્લંઘન છે. દિશાના વકીલ ન આવી શક્યા અને મૅજિસ્ટ્રેટે જલદીમાં દિશાને પોલીસ રિમાંડમાં મોકલી આપ્યાં.

અહીં આરોપીના અધિકારોનો મામલો છે. જ્યાં સુધી દોષ સિદ્ધ ન થઈ જાય, ત્યાં સુધી દરેક આરોપીને નિર્દોષ જ માનવામાં આવે છે અને આ વાતનું સન્માન ન્યાયપ્રક્રિયામાં થવું જોઈએ. કોર્ટ હંમેશાંથી કહેતી રહી છે કે શાંતિપૂર્ણ ધરણાંપ્રદર્શન જનતાનો અધિકાર છે.

ટૂલ કિટમાં જો ક્યાંય એવું લખ્યું છે કે હિંસા કરો, તો પોલીસ જે કરી રહી છે તે યોગ્ય છે. જો એવું નથી લખ્યું, તો આ ધરપકડ પર પ્રશ્ન ચિહ્ન લાગે છે.

જે વસ્તુઓ આપણને નથી ખબર, તે ઘણી વખત પોલીસને ખબર હોય છે, તેથી આ મામલે આપણે કોઈ નિર્ણય ન આપવો જોઈએ.

line
ફૂટર
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો