You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુનવ્વર ફારુકીને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા
ધાર્મિક ભાવનાઓના અપમાન મામલે ઇન્દોરની જેલમાં બંધ કૉમેડિયન મુનવ્વર ફારુકીના વચગાળાના જામીન સુપ્રીમ કોર્ટે મંજૂર કરી દીધા છે.
આ સાથે જ જસ્ટિસ રોહિંટન ફલી નરીમનની બૅન્ચે મધ્ય પ્રદેશ સરકારને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે ફારુકીનું નિવેદન અને તેમના પર લગાવેલા આરોપો અસંગત છે અને અસ્પષ્ટ છે.
સાથે જ કોર્ટે એવું પણ નોંધ્યું કે ધરપકડ માટે સીઆરપીસીની કલમ 41 (વિના વોરંટે ધરપકડ)નું પાલન કરવામાં આવ્યું નથી.
એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારના પ્રૉડક્શન વોરંટને પણ અટકાવી દીધો છે.
મધ્ય પ્રદેશ કોર્ટે શું કહ્યું હતું?
મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈંદૌર ખંડપીઠે ગુજરાતના કૉમેડિયન મુનવ્વર ફારુકીની જામીન અરજી પર આદેશ અનામત રાખ્યો હતો.
જજ રોહિત આર્યની સિંગલ બેન્ચે જણાવ્યું હતું, "તમે બીજા લોકોની ધાર્મિક ભાવનાઓનો અનુચિત લાભ કેમ ઉઠાવો છો? તમારી માનસિકતામાં એવું શું છે? પોતાના વ્યવસાયના હેતુ માટે તમે આ કેવી રીતે કરી શકો?"
જસ્ટિસ રોહિત આર્યે કહ્યું કે, "આવા લોકોને માફ કરવા ન જોઈએ. યોગ્યતાના આધારે હું આ આદેશ સુરક્ષિત રાખીશ."
મુનવ્વર ફારુકીની તરફેણ કરતાં વકીલ વિવેક ટંખાએ કહ્યું કે, "આ કેસમાં તેમણે કોઈ ગુનો કર્યો નથી. તેમને જામીન મળવા જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈંદૌર પોલીસે 1 જાન્યુઆરીના રોજ મુનવ્વર ફારુકીની ધરપકડ કરી હતી. તેમની સાથે બીજા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમનાં નામ છે ઍડવિન ઍન્થોની, પ્રખર વ્યાસ, પ્રીયમ વ્યાસ અને નલીન યાદવ.
બધા પર હિંદુ દેવી-દેવતાઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે.
મુનવ્વર ફારૂકી ઈંદૌરના 'મુનરો કાફે'માં કાર્યક્રમ માટે આવ્યા હતા. તે જ સમયે, 'હિંદ રક્ષક સંગઠન'ના નેતાઓ ત્યાં પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો.
ધરપકડનો મામલો શું છે?
મધ્યપ્રદેશના ઇંદૌરમાં 56 દુકાન વિસ્તારમાં નવા વર્ષની ઉજવણીના સંદર્ભમાં મુનવ્વર ફારૂકીનો એક કૉમેડી શો રાખવામાં આવ્યો હતો.
જેમાં ભાજપનાં ધારાસભ્ય માલિની લક્ષ્મણસિંહ ગૌડના પુત્ર એકલવ્ય ગૌડ અને તેમના મિત્રો સાથે આ શો જોવા ગયા હતા.
અહેવાલ મુજબ કૉમેડી શોમાં હિંદુ દેવતાઓ પર કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીનો એકલવ્યસિંહે વિરોધ કર્યો અને કાર્યક્રમ રોકાવી દીધો. બાદમાં શોના વીડિયો ફૂટેજ સાથે એકલવ્યસિંહે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. જે બાદ પોલીસે તેમની ધરપકડ કરી.
મુનવ્વર ફારુકી મૂળ જૂનાગઢના રહેવાસી છે અને તેઓ સ્ટેન્ડઅપ કૉમેડિયન છે. ફરિયાદ દાખલ થતાંની સાથે જ આ મામલો સોશિયલ મીડિયા પર છવાયો અને તેમના કેટલાક વીડિયો વાઇરલ પણ થવા લાગ્યા.
જોકે મુનવ્વરના સમર્થનમાં અન્ય સ્ટેન્ડઅપ કૉમેડિયન આવ્યા જ્યારે કેટલાક લોકોએ તેમની ટીકા કરી. વરુણ ગ્રૉવર, વીર દાસ અને રોહન જોશી સહિતના હાસ્ય કલાકારો ફારૂકીના સમર્થનમાં આવ્યા. તેમણે ફારૂકીની ધરપકડની ટીકા કરી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો