You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TRP કૌભાંડ કેસ : #ArnabGoswami સોશિયલ મીડિયામાં ફરીથી કેમ ટ્રૅન્ડ થઈ રહ્યું છે?
કથિત ટીઆરપી કૌભાંડમાં રિપબ્લિક ટીવીના ઍડિટર-ઇન-ચીફ અર્ણવ ગોસ્વામી અને બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)ના ભૂતપૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તા વચ્ચે થયેલી કથિત વૉટ્સઍપ ચેટ શુક્રવારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે.
BARC નામની એજન્સી ટીઆરપી નક્કી કરે છે.
મુંબઈ પોલીસ અનુસાર BARCએ આ કામ 'હંસા' નામની એક એજન્સીને આપ્યું હતું. પોલીસ અનુસાર આ એજન્સીના કેટલાક અધિકારીઓએ કોઈ ચેનલ વિશેષ પાસેથી પૈસા લઈને ટીઆરપી વધારવાનો સોદો કર્યો હતો. આ કેસમાં અર્ણવ ગોસ્વામી તથા અન્યો પર આરોપ મુકવામાં આવેલો છે.
રિપબ્લિક ટીવીના ઍડિટર-ઇન-ચીફ અર્ણવ ગોસ્વામી અને બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)ના ભૂતપૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તા વચ્ચે આ કથિત ચેટને પગલે સોશિયલ મીડિયામાં #ArnabGoswami, #Rajatsharma અને #Navika હૅશટેગ ટ્રૅન્ડ થઈ રહ્યા છે.
કથિત વૉટ્સઍપ ચેટમાં અર્ણવ ગોસ્વામી પાસે પીએમઓની મદદ મેળવી આપવાની માગવામાં આવે છે જેનો તેઓ ભરોસો આપે છે. આની અનેક લોકોએ ટીકા કરી છે.
સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે ટ્વિટ કરીને જણાવ્યું કે, આ અર્ણવ ગોસ્વામી અને બીએઆરસીના સીઈઓ વચ્ચેની લીક થયેલી વૉટ્સૅપ ચૅટના અમુક અંશ છે. આ અનેક કાવતરાં અને આ સરકારમાં સત્તા સુધીના અભૂતપૂર્વ રસ્તાને દર્શાવે છે. સત્તાના દલાલ તરીકે પોતાના મીડિયા અને પોતાના પદનો મોટો દુરઉપયોગ. કાયદાનું શાસન હોય તેવા કોઈ પણ દેશમાં, તેઓ લાંબા સમય સુધી જેલમાં રહેશે.
ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે 25 માર્ચ 2019ના રોજ પાર્થો દાસ દ્વારા બીએઆરસીનો એક ગુપ્ત પત્ર અર્ણવ ગોસ્વામીને શૅર કરવામાં આવ્યો હતો. પાર્થો કહે છે તે તેમણે એનબીએ જામ કરી નાખ્યો છે. દાસ અર્ણવ પાસે પીએમઓની મદદ માગે છે. અર્ણવ મદદ માટેનો ભરોસો આપે છે. આ દાવાઓની બીબીસી સ્વતંત્ર પુષ્ટિ કરતું નથી.
પ્રશાંત ભૂષણના ટ્વિટ પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પત્રકાર અજિત અંજુમે ટ્વિટ કરીને જણાવ્યું કે, ભક્ત સ્વામીની ચેટ વાઇરલ થઈ રહી છે.
વિનોદ કાપરી નામના યુઝર લખે છે, જો કોઈને પણ આ વૉટ્સૅપ ચૅટ પર શંકા છે તેમની માહિતી માટે કે બીએઆરસીના પૂર્વ સીઈઓ - પાર્થો સે સોપારી સંપાદકના 512 પાનાંની વૉટસઍપ ચૅટનો આ રહ્યો પુરાવો.
ધન્યા રાજેન્દ્રન નામનાં યુઝર લખે છે, ન્યૂઝ ચેનલ સેલિબ્રિટી, દેશ-વિરોધીઓ અને નકસલ વિગેરેની વૉટ્સઍપ ચેટ દર્શાવે છે. બાદમાં ન્યૂઝ ઍડિટરની વૉટ્સઍપ ચેટ ફરવા લાગે છે. ધેટ્સ ઑલ.
સબા નકવી લખે છે, #ArnabGoswami દ્વારા જે નકલી ટીઆરપી મૉડલ બનાવવામાં આવ્યું હતું, તે ખુલ્લું પડી ગયું છે. જો અમારા મુક્ત વિશ્વના નેતા પ્રેસ કૉન્ફરન્સ કરતાં હોત તો અમે લીક થયેલી વૉટ્સઍપ ચેટ વિશે તેમને જરૂર પ્રશ્ન પૂછત જેમાં અર્ણવને પીએમથી મદદ મળે છે એવો દાવો કરવામાં આવ્યો.
જાણીતા યુટ્યૂબર ધ્રુવ રાઠીએ પણ આ સમાચાર પર ટ્વીટ કરી. તેમણે લખ્યું કે 500થી વધારે પાનાંની અર્ણવ ગોસ્વામીની ચેટ લીક. આ સત્તાના દુરુપયોગની જ નિશાની નથી પરંતુ એ પણ દર્શાવે છે કે અર્ણવ ગોસ્વામી તેમના ક્ષેત્રના પત્રકારો વિશે શું માને છે.
કથિત વૉટ્સઍપ ચેટમાં અર્ણવ ગોસ્વામી અને પાર્થો દાસ વચ્ચે પત્રકાર રજત શર્મા, નવિકા અને અન્ય જાણીતા લોકો વિશે પણ ટિપ્પણી થઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
શું છે કથિત ટીઆરપી કૌભાંડ?
ઑક્ટોબર 2019માં મુંબઈ પોલીસે એવા રૅકેટનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો હતો, જે અંતર્ગત ન્યૂઝ ચેનલો પૈસા આપીને ચેનલની ટીઆરપી (ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ)ને વધારવાના પ્રયાસ કરતી હતી.
મુંબઈ પોલીસના કમિશનર પરમવીર સિંહે પત્રકારપરિષદનું આયોજન કરીને સંબંધિત જાણકારી આપી હતી.
તેમના મતે પોલીસને આવી ત્રણ ચેનલો અંગે જાણકારી મળી હતી, જે કથિત રીતે આ રૅકેટમાં સંડોવાઈ છે.
પોલીસ કમિશનરે કહ્યું હતું કે આમાં 'રિપબ્લિક ટીવી' પણ સામેલ છે. તેમના મતે રિપબ્લિક ટીવીએ ટીઆરપી સિસ્ટમ સાથે ગેરરીતિ આચરી છે.
જોકે, રિપબ્લિક ટીવીએ સંબંધિત તમામ આરોપો ફગાવી દીધા હતા.
ચેનલના એડિટર-ઇન-ચીફ અર્ણબ ગોસ્વામીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું, "મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહે રિપબ્લિક ટીવી પર ખોટો આરોપ લગાવ્યો છે. કેમ કે અમે સુશાંતસિંહ કેસના મામલે તેમના પર સવાલ ઉઠાવ્યા હતા."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો