ઇન્કમટૅક્સ રિટર્ન ભરવાની તારીખ સરકારે લંબાવીને કઈ કરી? - BBC TOP NEWS

કેન્દ્ર સરકારે ઇન્ક્મટૅક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ વધારીને હવે 10 જાન્યુઆરી કરી નાખી છે.

આ પહેલાં નાણાકીય વર્ષ 2019-20ની આઈટી રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર હતી. જોકે હવે આયકરદાતાઓને રાહત આપવા માટે રિટર્ન ભરવાની સમયસીમા વધારી દેવાઈ છે.

સૌથી પહેલાં આયકર રિટર્ન ભરવા માટે 31 જુલાઈ નક્કી કરવામાં આવી હતી.

બાદમાં તેને આગળ વધારીને 30 નવેમ્બર અને પછી 31 ડિસેમ્બર સુધી વધારવામાં આવી અને હવે 31 ડિસેમ્બરની સમયસીમા પૂરી થતા પહેલાં અંતિમ તારીખને લંબાવી દીધી છે.

PM નરેન્દ્ર મોદીએ રાજકોટની AIIMSનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું

રાજકોટમાં બનનાર ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સર્વિસ (AIIMS) માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કૉન્ફરન્સિંગથી ભૂમિપૂજન કરી રહ્યા છે.

આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ હાજર રહ્યા છે.

આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતાં લખ્યું હતું, "31 ડિસેમ્બરે 11 વાગ્યે AIIMS, રાજકોટનું ભૂમિપૂજન થશે. આ પ્રોજેક્ટથી ગુજરાતની આરોગ્યસેવાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરશે."

રૂપાણી સરકારે તમામ પતંગોત્સવ રદ કર્યા, 14 જાન્યુઆરી સુધી નાઇટ કર્ફ્યૂ

ગુજરાત સરકારે બુધવારે કોરોના સંક્રમણની સ્થિતિને જોતાં તમામ પતંગોત્સવ રદ કરવાની જાહેરાત કરી છે.

ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણની ઉજવણી સંદર્ભે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર (SOP)ની જાહેરાત કરાશે.

આ સાથે રાજ્ય સરકારે નાઇટ કર્ફ્યૂના સમયમાં ફેરફારની પણ જાહેરાત કરી છે.

અહેવાલ પ્રમાણે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં પહેલી જાન્યુઆરીથી નાઇટ કર્ફ્યૂના સમયમાં એક કલાકની છૂટ આપવામાં આવી છે.

જે પછી હવે નાઇટ કર્ફ્યૂનો સમય રાત્રિના દસથી સવારના છ વાગ્યા સુધી રહેશે.

ન્યૂ યરના દિવસે મોડી રાત્રે પાર્ટી યોજવા પર પોલીસે પાબંદી લગાવી છે.

મુખ્ય મંત્રીની ઑફિસ દ્વારા જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે પહેલી જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ચાર મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂ રહેશે.

એ દેશ જેણે ગર્ભપાતને કાયદેસર મંજૂરી આપી

આર્જેન્ટિનાની કૉંગ્રેસે ગર્ભાવસ્થાના 14મા અઠવાડિયા સુધી ગર્ભપાત કરવાને કાયદેસરની મંજૂરી આપી દીધી છે.

વિશ્વના સૌથી કડક કાયદાઓ ધરાવતા પ્રદેશ માટે આ નિર્ણયને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે.

'મૅરેથૉન સત્ર'માં 38 મત બિલની તરફેણમાં પડ્યા હતા, જ્યારે 29 મત વિરોધમાં પડ્યા હતા.

અહીં અત્યાર સુધી ગર્ભપાતની મંજૂરી બળાત્કારના કેસમાં અને માતાની સ્થિતિ ગંભીર હોય તો જ આપવામાં આવતી હતી.

આ પગલાનો 'ધ કૅથલિક ચર્ચ' દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, ઉલ્લેખનીય છે કે લેટિન અમેરિકામાં તેઓ ખૂબ વધારે પ્રભાવ ધરાવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો