કોરોના વાઇરસ : ભારતમાં ઇલાજ કરનારા ડૉક્ટરો કયા ડરમાં જીવી રહ્યા છે?

દર્દીના સારવાર કરતાં સ્વાસ્થ્યકર્મી

ઇમેજ સ્રોત, REUTERS

ઇમેજ કૅપ્શન, દર્દીના સારવાર કરતાં સ્વાસ્થ્યકર્મી
    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

તેઓ વૅન્ટિલેટર પર હતાં અને કોવિડ-19ના કારણે ઘણા સમય સુધી રહેનારી અસરો સામે ઝઝૂમી રહ્યાં હતાં. વારંવાર તેઓ પોતાના ડૉક્ટરને કહી રહ્યાં હતા કે તેમને વૅન્ટિલેટરથી હઠાવી લેવાય. કારણ કે તેઓ હવે જીવવા નહોતાં માગતાં.

આ મામલો ભારતનો છે.

ગરમીના દિવસોમાં કોરોનાને માત આપી અને લગભગ એક મહિના સુધી ડૉક્ટરોની દેખરેખમાં રહ્યા બાદ તેઓ ઘરે પરત આવી ગયાં હતાં પરંતુ ઑક્સિજનના સહારે.

એક મહિના બાદ, તેમને ફરીવાર રોહતકના પંડિત ભગવત દયાલ શર્મા પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં ભરતી કરવા પડ્યાં. આ જગ્યા ભારતના પાટનગર દિલ્હીથી લગભગ 90 કિલોમીટર દૂર છે. તેઓ લંગ-ફાઇબ્રોસિસ સામે ઝઝૂમી રહ્યાં હતાં. આ કોવિડ-19 સંક્રમણની એક એવી અસર હતી, જેને બદલી નહોતી શકાતી. આવી સ્થિતિમાં સંક્રમણ ખતમ થઈ ગયા બાદ ફેફસાંનો નાજુક ભાગ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે.

બીજી વાર તેઓ ત્રણ મહિના માટે ડૉક્ટરોની દેખરેખમાં રહ્યાં. આ દરમિયાન તેમણે 28 વર્ષનાં એનેસ્થેટિસ્ટ કામના કક્કડને એક સિરીઝ તરીકે ઘણી નોટ્સ લખી.

“હું જીવવા નથી માગતી, મને આ ટ્યૂબ્સથી આઝાદ કરી દો.”

“ગરમીઓમાં જ્યારે મને કોવિડ-19 થયો હતો ત્યારે તમારે મને બચાવવી નહોતી જોઈતી.”

તમામ કોશિશો છતાં તેમને બચાવી ન શકાયાં અને અમુક દિવસો બાદ જ તેમનું નિધન થઈ ગયું.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ICU યુનિટમાં દર્દીઓની દેખરેખ કરનાર ડૉક્ટર અને સ્વાસ્થ્યકર્મીઓ માટે જલ્દી અને ગંભીરપણે બીમાર થવું, કલાકો સુધી કામ કરતા રહેવું અને બીમારીથી મૃત્યુ પામવું એક કડવું સત્ય બની ગયું છે.

ડૉ. કક્કડ અને તેમના સહયોગીઓએ ગરમીના દિવસો બાદ આ હૉસ્પિલમાં જ સેંકડો કોવિડ-19ના દર્દીઓની દેખરેખ કરી છે. તેમની સારસંભાળ રાખી છે. પરંતુ જેમ જેમ આ મહામારી ફેલાતી ગઈ, ક્ષમતા કરતાં વધુ દર્દીઓ હૉસ્પિટલ પહોંચવા લાગ્યા અને ઘણી વાર કેટલાક દર્દીઓ અણધાર્યાં પરિણામો સાથે હૉસ્પિલટલ પહોંચતા, ત્યારે સ્વાસ્થ્યકર્મીઓની સ્થિતિ પણ બગડવા લાગતી. સમય સાથે સ્વાસ્થ્યકર્મીઓમાં હવે શારીરિક થાક અને માનસિક તાણ વધી રહ્યું હતું.

ડૉ. કક્કડે મને કહ્યું, “અહીં એક દર્દી હતા જેમને પોતે ઠીક થઈ જશે એ વાતની ઘણી આશા હતી પરંતુ પછી તેમની આશા ઝાંખી પડવા લાગી અને પછી તેમણે વ્યાકુળ થઈને કહ્યું કે તેઓ જીવવા નથી માગતા. મારા માટે તેમના દરદને અભિવ્યક્ત કરવું અત્યંત મુશ્કેલ છે.”

અહીંથી લગભગ 1400 કિલોમીટર દૂર પશ્વિમમાં મુંબઈ શહેરમાં રહેતા અસીમ ગર્ગવા 31 વર્ષના છે અને તેઓ વ્યવસાયે ડૉક્ટર છે. તેઓ KEM સરકારી હૉસ્પિટલમાં કામ કરે છે. તેમણે પોતાનો અનુભવ શૅર કર્યો. તેમનો અનુભવ પણ ડૉકટર કક્કડના અનુભવ જેવો જ રહ્યો છે.

જે દર્દી વિશે તેમણે જણાવ્યું તેની ઉંમર વધુ નહોતી. પોતાના ઘરમાં કમાનાર તેઓ એકલા જ હતા. પહેલાં તેમને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો. જોકે તેઓ એ બીમારીમાંથી તો બેઠા થઈ ગયા પરંતુ જે દિવસે તેમની હૉસ્પિટલમાંથી રજા મળવાની હતી તેના એક દિવસ પહેલાં જ તેમને હૃદય રોગનો હુમલો આવ્યો.

પોતાના મૃત્યુના બે અઠવાડિયાં પહેલાં સુધી તેઓ લકવાગ્રસ્ત સ્થિતિમાં જ રહ્યા. તેમનાં પક્ષાઘાત અને મૃત્યુનું કારણ હતું તેમનાં ફેફસાંમાં બનેલો એક બ્લડ ક્લૉટ (લોહીની ગાંઠ). તેને મેડિકલની ભાષામાં પલ્મોનરી ઇંબોલિઝ્મ કહે છે. કોરોના સંક્રમિત કેટલાક દર્દીઓમાં આવું થવાની આશંકા હોય છે.

ડૉ. ગર્ગવા કહે છે, “તે એક યુવાન છોકરો હતો. તેમનું શરીર દરેક ઇલાજ અને દવા પ્રત્યે સારી પ્રતિક્રિયા આપી રહ્યું હતું. તેઓ ઠીક પણ થઈ રહ્યા હતા. તેમનું શરીર વાઇરસ સામે ઝઝૂમી રહ્યું હતું અને તેને હાર પણ આપી રહ્યું હતું. તેઓ પોતાના પરિવારમાં પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા. અને ત્યારે જ અનપેક્ષિતપણે એક ઝાટકો લાગ્યો અને બધું ખતમ થઈ ગયું.”

“તેમનાં પત્નીને આ વિશે જણાવવું કોઈ આઘાત કરતાં ઓછું નહોતું. અત્યંત મુશ્કેલ. એ દર્દી અમારી સાથે 45 દિવસ રહ્યા. આ લાચારી તમને અંદરથી હજુ વધારે તોડી નાખે છે. આ એક એવી બીમારી છે જેને લઈને કશું જ નિશ્ચિતપણે ન કહી શકાય.”

line

લાચારી અને ડરનો માહોલ

ગ્લવ્ઝ અને PPE કિટમાં સજ્જ સ્વાસ્થ્યકર્મીઓ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ગ્લવ્ઝ અને PPE કિટમાં સજ્જ સ્વાસ્થ્યકર્મીઓ

કોવિડ-19 મહામારીનો પ્રકોપ સમગ્ર ભારતમાં છે. હૉસ્પિટલોમાં દર્દીઓનું પૂર આવી ગયું છે. આધિકારિક આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી લગભગ એક કરોડ લોકો આ વાઇરસની ઝપેટમાં આવી ચૂક્યા છે અને 1,40,000 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

ભારતમાં કોરોના મહામારીનો સામનો કરવા માટે હૉસ્પિટલોમાં પથારીઓની સંખ્યા તો વધારવામાં આવી પરંતુ એ પણ સત્ય છે કે ગહન ચિકિત્સાને જોતાં સ્વાસ્થ્યકર્મીઓની સંખ્યા એટલી નહોતી કે તેઓ આટલી વધુ સંખ્યામાં આવી રહેલા કોરોના વાઇરસના દર્દીઓની દેખરેખ કરી શકે.

આવી પરિસ્થિતિમાં હૉસ્પિટલોએ દરેક ઉપલબ્ધ ડૉક્ટરોને આના માટે પ્રૅક્ટિકલ ટ્રેનિંગ આપી. તે ભલે પ્લાસ્ટિક સર્જન હોય, ENT ડૉક્ટર હોય કે પછી એનેસ્થિસિયા આપનાર હોય. દરેકને કોવિડ-19 સામે ઝઝૂમવા માટે પ્રૅક્ટિકલ ટ્રેનિગં અપાઈ.

પરંતુ તે પણ પર્યાપ્ત નહોતું. સ્વાસ્થ્યકર્મીઓનું કહેવું છે કે તેઓ સંપૂર્ણપણે થાકી ચૂક્યા છે. તેમની ઊર્જા ખતમ થઈ ચૂકી છે. ઠંડીની ઋતુ શરૂ થવાની સાથે દર્દીઓની સંખ્યા પણ વધી છે. એક દર્દીને જોતાં ડૉ. કક્કડ કહે છે, “વાસ્તવમાં મહામારીએ હૉસ્પિટલને ક્યારેય ન છોડી. બહારના લોકોને આ વાતનો અહેસાસ નથી.”

પરંતુ માત્ર મહામારીના કારણે સ્વાસ્થ્યકર્મીઓની આ હાલત થઈ છે એવું નથી. આની સાથે એક અનપેક્ષિત અને જીવલેણ રોગનો ડર પણ જોડાયેલો છે, જેણે પરિસ્થિતિને આટલી હદ સુધી તણાવપૂર્ણ બનાવી દીધી છે.

ડૉક્ટરોનું કહેવું છે કે ભારતમાં હાલ શ્વાસમાં તકલીફ સાથે જ્યારે કોઈ દર્દી ઇમરજન્સીમાં એડમીટ થાય છે તેને કોવિડ-19નો દર્દી માની લેવાય છે. જોકે એવું બની શકે કે તે હૃદય સંબંધિત કોઈ બીમારી સામે ઝઝૂમી રહી હોય કે પછી તેને ડેન્ગ્યુ કે એસિડ રિફ્લક્સ પણ હોઈ શકે.

પરંતુ હાલની પરિસ્થિતિમાં જ્યારે બધાને કોવિડ-19 થવાની આશંકા છે, ત્યારે ડૉક્ટરો અને નર્સોએ પણ સાવધાની રાખવાની હોય છે. કોરોનાની તપાસ માટે દરેક દર્દીનો સ્વૅબ લેવો, સંદિગ્ધ દર્દીને અલગ વૉર્ડમાં રાખવો અને ત્યાં સુધી અંદર રાખવો જ્યાં સુધી પરિણામ ન આવી જાય.

જ્યારે ગંભીરપણે બીમાર દર્દી ક્રિટિકલ કૅરમાં પહોંચી જાય છે ત્યારે તેમનો ભરોસો મેળવવો મુશ્કેલ બની જાય છે. તેઓ અમને જોઈ નથી શકતા અને ક્યારેક ક્યારેક તેઓ નર્સો અને ડૉક્ટરો સાથે વાત પણ નથી કરી શકતા. ડૉક્ટર ગર્ગવા કહે છે, “આ અત્યંત પરેશાન કરનાર સ્થિતિ હોય છે.”

line

કામ કરતાં કરતાં થાકી ચૂક્યા છે સ્વાસ્થ્યકર્મી

ડૉ. કામના કક્કડ

ઇમેજ સ્રોત, Kamna Kakkar

ઇમેજ કૅપ્શન, ડૉ. કામના કક્કડ

એક ડૉક્ટરે મને જણાવ્યું કે ડૉક્ટર અને નર્સ ઘણા કલાકો સુધી સતત કામ કરી રહ્યાં છે. હાથોમાં ગ્લવ્ઝ અને PPE કિટ પહેરીને કામ કરતી વખતે એવું લાગે છે જાણે દરરોજ તાબૂતમાં પડ્યા હોય.

તેમણે પોતાના મોબાઇલથી પાડેલી કેટલીક તસવીરો પણ મને દેખાડી. જેમાંથી અમુક રાતની શિફ્ટ્સની પણ હતી. જેમાં તેઓ હૉસ્પિટલમાં પડેલ મેઝ પર ‘મડદાની જેમ’ પડેલા દેખાઈ રહ્યા હતા.

જૂન મહિનામાં ડૉ. ગર્ગવાએ કલાકોની શિફ્ટ બાદ પોતાની કરચલીઓવાળી હથેળીનો એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. રબરના ગ્લવ્ઝમાં કલાકો સુધી રહેવાને કારણે તેમની હથેળીની હાલત ખરાબ થઈ ચૂકી હતી. આ દરમિયાન ઘણા સ્વાસ્થ્યકર્મીતો એવા પણ હતા જેઓ મહિનાઓ સુધી પોતાના ઘરે નહોતા જઈ શક્યા.

દિલ્હીસ્થિત એક ડૉક્ટરે જણાવ્યું કે તેઓ પોતાના બાળકને છ મહિના સુધી નહોતું જોઈ શક્યાં. છ મહિના બાદ તેઓ તેમના બાળકને જોઈ શક્યાં.

પરિવાર સુરક્ષિત રહે એ માટે ઘણા સ્વાસ્થ્યકર્મી હૉસ્પિટલમાં જ રહી રહ્યા છે અને કેટલાક હોટલોમાં. ડૉ. કક્કડને પણ ત્યારે જ રજા મળી જ્યારે તેઓ જાતે સંક્રમિત થઈ ગયાં અને તેમણે હોમ-ક્વૉરેન્ટિન રહેવાનો નિર્ણય લીધો.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

નવેમ્બર માસના અંતમાં, દિલ્હીની લોક નાયક જય પ્રકાશ નારાયણ હૉસ્પિટલમાં એનેસ્થેટિસ્ટ તરીકે કામ કરનાર પ્રાચી અગ્રવાલ પોતાની કોવિડ-19ની નવમા રાઉન્ડની ડ્યૂટી શરૂ કરી રહ્યાં હતાં. એક રાઉન્ડ એટલે ICUમાં સતત 15 દિવસ સુધી આઠ કલાકની ડ્યૂટી. જે બાદ તેમને એક સપ્તાહ માટે હોટલમાં ક્વૉરેન્ટિન રહેવું પડે છે. ત્યાર બાદ દર વખત કામ પર પરત ફરતા પહેલાં તેમણે પરીક્ષણ કરાવવાનું હોય છે.

ડૉ. અગ્રવાલે મને કહ્યું, “આ ખૂબ જ અજીબ જીવન છે. દર્દીઓને જોવું, મૃત્યુ જોવાં અને હોટલના રૂમમાં રહેવું અને પોતાની જાતને આખી દુનિયાથી અલગ કરી લેવું.”

બીજાના પ્રાણ બચાવનારાં ડૉકટર અને નર્સોને પોતાના સંબંધીઓ ગુમાવ્યા બાદ શોક મનાવવાનો પણ પૂરતો સમય નથી મળી શકતો. આ સંક્રમણમાં ઘણા સુરક્ષાકર્મીઓએ પોતાની સાથે કામ કરનારા લોકો અને સહયોગીઓને ગુમાવ્યા. ભારતમાં અત્યાર સુધી કોરોનાની મહામારીના કારણે 660 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને તે પૈકી મોટા ભાગના હૉસ્પિટલોમાં જ કામ કરી રહ્યા હતા.

મુંબઈના જ અન્ય એક ડૉકટરે મને કહ્યું કે, “મારા કેટલાક મિત્રો એવા છે જેઓ ડિપ્રેશન માટેની દવા લઈ રહ્યા છે અને થૅરપી કરાવવા માગે છે.”

તેઓ કહે છે કે તેમને ઘણો ગુસ્સો આવે છે અને તકલીફ થાય છે જ્યારે તેઓ પોતાના મિત્રો અને સંબંધીઓને માસ્ક પહેરીને, નિશ્ચિંત થઈને લગ્ન સમારોહમાં જતા જુએ છે. એવી રીતે કે જાણે “મહામારી ખતમ થઈ ચૂકી છે.”

ડૉ. અસીમ ગર્ગવાએ પોતાના આ હાથની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી

ઇમેજ સ્રોત, ASEEM GARGAVA

ઇમેજ કૅપ્શન, ડૉ. અસીમ ગર્ગવાએ પોતાના આ હાથની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતીય

સ્વાસ્થ્યકર્મી પણ એ વાતથી પરેશાન થઈ ચૂક્યા છે કે તેઓને પોતાના કામને લઈને યોદ્ધા તરીકે જોવામાં આવી રહ્યા છે.

ડૉ. કક્કડ કહે છે કે, “હવે આપણે એ તબક્કામાંથી બહાર નીકળી ચૂક્યા છીએ. હવે જો અમને કોઈ હીરો કરે છે, તો હું અંદરોઅંદર જ કહું છું... હવે આ બંધ કરો. હવે આનાથી કશું જ નથી થઈ રહ્યું. મોટિવેશનલ લૅક્ચરોની પણ એક સીમા હોય છે.”

તેઓ કહે છે, “સિનિયરો અમને કહે છે કે આ એક મૅરૅથોન છે ના કે કોઈ નાની રેસ.”

દ્વૈપાયન બનર્જી મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાં એક મેડિકલ એન્થ્રોપોલૉજિસ્ટ છે. તેમના અનુસા, આ કોઈ નવી મહામારીનું પરિણામ નથી બલકે થાક અને પછી તેનાથી બહાર આવવા માટેની કોશિશ ભારતીય સ્વાસ્થ્ય વ્યવસ્થાનો ભાગ બની ચૂક્યાં છે.

તેઓ કહે છે કે, “આવી પરિસ્થિતિમાં ડૉક્ટરો અને તેમના પરિવારોની સહનશક્તિ વધારવાના સ્થાને આપણે એ રીતો વિશે વિચારવાની જરૂર છે જેનાથી તેઓ મોટી આશાઓ ન બાંધે.”

ગરમીમાં કોવિડ-19 સંક્રમણના કારણે બે સાથીઓને ગુમાવ્યા બાદ LNJP હૉસ્પિટલના સ્વાસ્થ્યકર્મી દરરોજ, પ્રાર્થના કરવા લાગ્યા. LNJP ભારતની સૌથી મોટી કોવિડ-19 હૉસ્પિટલ છે.

LNJPના ICU વૉર્ડમાં દર્દીઓની દેખરેખ કરનારાં ફરાહ હુસૈન અનુસાર, “અમે ઈશ્વરથી માત્ર એ જ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આપણને બધાને સુરક્ષિત રાખે અને અમે આશા કરીએ છીએ કે એક દિવસ આપણે બધા આ વાઇરસ પર વિજય મેળવશું.”

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો