You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત બંધ : ખેડૂત આંદોલન સામે મોદી સરકાર ઝૂકશે કે ખેડૂતોને મનાવી લેશે?
- લેેખક, ઝુબેર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
આંદોલન કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે પાંચ તબક્કાની વાતચીતમાં પણ હજુ સુધી કોઈ નીવેડો આવ્યો નથી. 8 ડિસેમ્બરે ભારત બંધનું ખેડૂતોનું આહ્વાન છે અને 9 ડિસેમ્બરે સરકાર સાથે ફરી વાતચીત.
ખેડૂતોએ તો કહી દીધું છે કે તેઓ ત્રણ નવા કૃષિકાયદાને પરત લેવાની પોતાની માગને લઈને પાછળ નહીં હઠે.
તો મોદી સરકાર શું વિચારી રહી છે?
સરકાર અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટીનાં સૂત્રો અનુસાર મોદી સરકાર કાયદો પરત લેવાનો કોઈ ઇરાદો રાખતી નથી.
એક સૂત્રે જણાવ્યું, "સરકારને ખેડૂતોની ચિંતા છે અને તેમની માગ પર ગંભીરતાથી વિચારણા થઈ રહી છે. મંત્રાલયોમાં આંતરિક રીતે ઘણી ફૉર્મ્યૂલા પર ચર્ચા થઈ રહી છે અને એ શક્ય છે કે બુધવારે, 9 ડિસેમ્બરે થનારી આગામી વાતચીતમાં ખેડૂતો સામે એક ઠોસ પ્રસ્તાવ રાખવામાં આવે."
એ સૂત્રનું કહેવું હતું કે ખેડૂતોનાં હિતને ધ્યાનમાં રાખીને જ નવો પ્રસ્તાવ આવશે.
દિલ્હીમાં સરકાર અને ખેડૂતોનેતાઓ વચ્ચે શનિવારની વાતચીત દરમિયાન સરકારે ખેડૂતો સંગઠનો પાસે સમય માગ્યો, જેથી આગળની વાતચીત માટે ઠોસ પ્રસ્તાવ તૈયાર કરી શકાય.
'સરકાર દબાણમાં છે'
સૂત્ર અનુસાર એવું શક્ય છે કે સરકાર નવા કાયદાઓમાં તેમની કેટલીક માગો સામેલ કરી લે, જેના માટે આ કાયદાઓમાં સંશોધનની જરૂર પડશે અને આ સંસદના આગામી સત્રમાં જ શક્ય બનશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુખ્ય ધારાના મીડિયામાં ખેડૂત આંદોલનને યોગ્ય રીતે કવર ન કરાતું હોવાની વાત કરાઈ રહી છે. જોકે સોશિયલ મીડિયામાં તેને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે, જેથી આંદોલનની એક મોટી તસવીર બહાર આવી છે અને કેન્દ્ર સરકાર તેને નજરઅંદાજ ન કરી શકે.
સરકાર સાથેની વાતચીતમાં ખેડૂતનેતાઓને શું સંકેત મળ્યા છે? શું તેમને અનુભવાયું છે કે મોદી સરકાર નવા કાયદાઓને પરત લેશે?
આ પૂછતા ઘણા ખેડૂતોનેતાઓએ કહ્યું કે સરકારને એ અંદાજ આવી ગયો છે કે ખેડૂતો પોતાની માગને લઈને પાછળ હઠવાના નથી.
ભારતીય કિસાન સંઘના પ્રવક્તા ધર્મેન્દ્ર મલિકે કહ્યું કે 'મોદી સરકાર દબાણમાં છે.'
સપ્ટેમ્બરમાં નવા કાયદાઓ પાસ થયાના પહેલાંથી ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે.
છેલ્લા દસ દિવસમાં વિરોધ ઉગ્ર થયો છે. હજારો ખેડૂતો ધરણાં પર છે. તેમનું કહેવું છે કે તેઓ પોતાની માગ પૂરીને કરાવીને જ પરત ફરશે.
ખેડૂતો વચ્ચે ભાગલા પાડવાની કોશિશ પણ કરાઈ અને તેમને રોકવા માટે બળપ્રયોગ પણ કરાયો, પરંતુ હજુ સુધી ખેડૂતોની એકતા યથાવત્ છે.
ગત અઠવાડિયા અર્થશાસ્ત્રી અને લેખક ગુરચરણ દાસે બીબીસી સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે મોદી સરકારે થોડું ઝૂકવું જ પડશે, ખેડૂતોને કંઈક તો આપવું જ પડશે.
ગુરચરણ દાસ નવા કાયદાના પક્ષમાં છે, પરંતુ તેમના અનુસાર વડા પ્રધાને તેનો યોગ્ય રીતે પ્રચાર કર્યો નથી.
તેઓએ કહ્યું હતું, "દુનિયાના સૌથી સારા કૉમ્યુનિકેટર હોવા છતાં મોદીએ ભૂલ કરી કે બિલ લાવતાં પહેલાં તેની ચર્ચા ન કરી. લોકોનો અભિપ્રાય ન માગ્યો."
જોકે ગુરચરણ દાસ નવા કાયદાને ફગાવી દેવાના વિરોધમાં છે. તેમના અનુસાર "જો સરકારે કાયદો પાછો લઈ લીધો તો આપણે 30 વર્ષ પાછા ચાલ્યા જઈશું."
ખેડૂતોનો ડર
ખેડૂતો ખાસ કરીને એ વાત પર ભારે આપે છે કે નવી વ્યવસ્થામાં મંડી અને એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇઝ) પ્રણાલી ખતમ કરી નખાશે અને સરકાર તેમની પાસેથી ઘઉં અને ચોખા ખરીદવાનું બંધ કરી દેશે.
તેમને એ વાતની બીક છે કે તેમણે પોતાનો માલ પ્રાઇવેટ કંપનીઓ અને મોટાં કૉર્પોરેટ સેક્ટરોને વેચવો પડશે, જે તેમનું શોષણ કરી શકે છે. જોકે કેન્દ્ર સરકારે તેમને વિશ્વાસ અપાવ્યો છે કે આ વ્યવસ્થા ચાલુ રહેશે અને ખેડૂતોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કિસાન શક્તિ સંઘના અધ્યક્ષ પુપ્ષેન્દ્રસિંહ ચૌધરીએ બીબીસીને કહ્યું કે દિલ્હીની બહાર બેસેલા ખેડૂતો પોતાના ઘરે જતા રહેશે, જો સરકાર ખાનગી વેપારીઓ અને કૉર્પોરેટ કંપનીઓની ખરીદી પર પણ એમએસપી લગાવે, જેથી તેમની શોષણ થવાની શક્યતા કાયદાકીય રીતે દૂર કરી શકાય.
તેઓએ કહ્યું, "સરકારે એમએસપીને ખાનગી ક્ષેત્રમાં પણ બાધ્ય બનાવવાની ખેડૂતોની મુખ્ય માગને તાત્કાલિક માનવી જોઈએ, જેથી આંદોલનકારી ખેડૂતો પોતાના ઘરે પાછા ફરે."
પુપ્ષેન્દ્રસિંહ ચૌધરીએ આગળ કહ્યું, "તમામ દાવાઓ છતાં ખેડૂતોની આશંકાઓને દૂર કરવામાં સરકાર અત્યાર સુધી નિષ્ફળ રહી છે. અમારું કહેવું છે કે મંડીઓ અને એમએસપી પર પાકોની સરકારી ખરીદીની વ્યવસ્થા આ સુધારાને કારણે કોઈ રીતે નબળી ન પડવી જોઈએ. હાલમાં મંડીઓમાં પાકની ખરીદી પર 8.5 ટકા સુધીનો ટૅક્સ લાગે છે, પરંતુ નવી વ્યવસ્થામાં મંડીઓની બહાર કોઈ ટૅક્સ નહીં લાગે."
સરકાર એમએસપી પર સૌથી મોટી ખરીદદાર છે, તેમનું કહેવું છે કે એમએસપી પર સરકારી ખરીદીની વ્યવસ્થા ખેડૂતો માટે એક મહત્ત્વપૂર્ણ સવાલ છે.
પુપ્ષેન્દ્રસિંહ ચૌધરી કહે છે, "વર્ષ 2019-20માં એમએસપી પર ખરીદેલા પાકોમાંથી ઘઉં અને ચોખા પર બંનેને જોડીને લગભગ 2.15 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની સરકારી ખરીદી એમએસપી પર કરાઈ હતી."
"ચોખાની કુલ 11.84 કરોડ ટન ઉત્પાદનમાંથી 5.14 કરોડ ટન એટલે કે 43 ટકા એમએસપી પર સરકારી ખરીદી થઈ. આ રીતે ઘઉંની 10.76 કરોડ ટન ઉત્પાદનમાંથી 3.90 કરોડ ટન એટલે કે 36 ટકા સરકારી ખરીદી થઈ."
કેટલાક અન્ય ખેડૂતો નવા કાયદામાં ફેરફારની જગ્યાએ તેને પરત લેવાની માગ કરી રહ્યા છે.
ખેડૂતો બુધવારે થનારી વાતચીતની રાહ જોઈ રહ્યા છે, જ્યારે સરકાર નવો પ્રસ્તાવ લઈને આવશે.
તેઓ એ દિવસે અધ્યયન કરશે અને એ દિવસે જ જણાવશે કે તેમને સરકારનો પ્રસ્તાવ મંજૂર છે કે નહીં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો