You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુએઈ: એ મુસ્લિમ દેશ, જ્યાં હવે અવિવાહિત કપલ સાથે રહી શકશે
- લેેખક, રોનક કોટેચા
- પદ, બીબીસી દુબઈ
સંયુક્ત આરબ અમીરાતે હાલમાં પોતાના નાગરિક અને અપરાધિક કાયદામાં કેટલાક બદલાવ કર્યા છે. 84 લાખથી વધુ વસતીવાળા આ દેશમાં (2018માં થયેલા એક સર્વે અનુસાર) અંદાજે 200 પ્રકારની રાષ્ટ્રીયતાવાળા લોકો રહે છે.
નાગરિકો અને ત્યાં રહેતા પ્રવાસીઓનાં જીવનને વધુ સકારાત્મક અને અનુકૂળ બનાવવા માટે આ સંશોધન કરવામાં આવ્યું છે. સંયુક્ત આરબ અમિરાતમાં રહેતા પ્રવાસીઓની એક મોટી સંખ્યા દક્ષિણ એશિયાની છે.
આ સંશોધન હેઠળ જે વિદેશીઓ યુએઈમાં રહે છે, તેમને હવે વ્યક્તિગત મામલામાં પોતાના દેશના કાયદા પ્રમાણે અનુસરવાની પરવાનગી હશે.
જેમ કે તલાક અને અલગાવ મામલે, વસિયત કે પછી સંપત્તિની વહેંચણી, દારૂની ખપતના સંદર્ભે, આત્મહત્યા, સગીર સાથે શારીરિક સંબંધ બનાવવા મામલે, મહિલાસુરક્ષા અને ઑનર-ક્રાઇમ મામલે.
આ અઠવાડિયા પહેલાં જ સંયુક્ત આરબ અમિરાતે ઇઝરાયલ સાથે પોતાના સંબંધો સામાન્ય કરવા માટે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આ પગલા સાથે જ એવી ઉમેદ રખાઈ રહી છે કે દેશમાં ઇઝરાયલી પ્રવાસીઓ અને રોકાણકારો વધશે.
કાયદામાં ફેરફારથી શું થશે?
આ ફેરફારો પર પ્રવાસી સમુદાય અને કાયદા વિશેષજ્ઞોની ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી છે.
આંતરરાષ્ટ્રીય કાયદા ફર્મ બેકર મૅકેન્ઝીના વકીલ આમિર અલખઝાનું કહેવું છે, "નવું સંશોધન રોકાણકારોનો વિશ્વાસ વધારવાની કોશિશમાં ભરેલું પગલું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "હાલના દિવસોમાં સંયુક્ત આરબ અમિરાતની સરકારે ઘણા કાયદામાં સુધારા કર્યા છે, જે સીધી રીતે પ્રવાસીઓની વસતીને અસર કરે છે. તે પછી ગોલ્ડન વિઝા સ્કીમ હેઠળ કરેલું સંશોધન હોય કે પછી ઉદ્યમીઓના રેસિડેન્ટ વિઝાની શરતોમાં કરેલું સંશોધન."
અલખઝાનું કહેવું છે કે સરકારે સંશોધન કરીને એ કાયદામાં છૂટ આપી છે, જેના માટે લોકોને (ભલે નાગરિક હોય કે પ્રવાસી) દંડિત કરવામાં આવે છે.
સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલિફા બિન ઝાયેદે સાત નવેમ્બરે એક ફરમાન કરીને આ ફેરફારની જાહેરાત કરી અને આ સંશોધન તત્કાળથી લાગુ થઈ ગયા.
અલખઝાનું માનવું છે કે "આ એક સંઘીય કાયદો છે. એક વાર પ્રકાશિત થઈ ગયા બાદ બધા નાગરિકોએ તેનું પાલન કરવું પડશે."
અલખઝાનું માનવું છે કે નવા સંશોધનથી દેશમાં પર્યટનને પ્રોત્સાહન મળશે અને બધી મહત્ત્વની ઘટનાઓ પર તેની સકારાત્મક અસર થશે. જેમાં એક બહુપ્રતીક્ષિત આયોજન એક્સ્પો 2021 પણ છે. એવી આશા છે કે આ આંતરરાષ્ટ્રીય આયોજનમાં ઘણા મહત્ત્વપૂર્ણ રોકાણકારો અને લાખો દર્શકો સામેલ થશે.
વસાહતીઓમાં ખુશી
પ્રવાસીઓ મામલે તલાક, અલગાવ અને સંપત્તિ સાથે જોડાયેલા કાયદામાં થનારાં સંશોધન સૌથી વધુ મહત્ત્વનાં છે.
આ કાયદામાં સંશોધન બાદ જો કોઈ કપલ પોતાના દેશમાં લગ્ન કરે, પરંતુ તેમના તલાક સંયુક્ત આરબ અમિરાતમાં થાય તો તેમના માટે એ દેશના કાયદા માન્ય હશે જ્યાં તેમના લગ્ન થયાં હતાં. એટલે કે પોતાના દેશના કાયદા તેમના માટે લાગુ થશે.
અલખઝાને લાગે છે કે આ સંશોધનોને લાગુ કરવું સરળ અને અસરકારક હશે.
તેઓએ કહ્યું, "સંયુક્ત આરબ અમીરાત સમાજ પ્રવાસીઓ અને અહીંના મૂળ નાગરિકોનું એક મિશ્રણ છે. બંને બહુસંખ્યકો વચ્ચે એકબીજાને લઈને સ્વીકાર્યની ભાવના છે અને તેઓ બધી સંસ્કૃતિનું સન્માન કરે છે."
એ કાયદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં ઑનર-ક્રાઇમને અત્યાર સુધી સંરક્ષણ મળેલું હતું. હવે તેને ગુનાની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. સગીર કે માનસિક રીતે ઓછી વિકસિત વ્યક્તિ સાથે રેપના દોષીને હવે મૃત્યુદંડની સજા થઈ શકે છે.
લાઇસન્સ વિના દારૂ પીતા પકડાઈ જવાથી હવે કોઈ પ્રકારની સજા નહીં થાય. જોકે દારૂ પીવા અને ખરીદવા માટે કેટલીક શરતો રાખવામાં આવી છે. જેમાંથી એક એ પણ છે કે દારૂ પીવાની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ.
એક ભારતીય પ્રવાસી કહે છે, "પહેલાં દારૂ પીવાની બીક લાગતી હતી. આ ફેરફારથી ચોક્કસ રીતે અમે થોડું સુરક્ષિત અનુભવી રહ્યા છીએ."
આ તમામ બદલાવોની સાથે સંશોધન હેઠળ હવે અવિવાહિત કપલને સાથે રહેવાની છૂટ મળી ગઈ છે. સંયુક્ત આરબ અમિરાતમાં અગાઉ અવિવાહિત કપલનું એકસાથે રહેવું ગુનો ગણાતું હતું.
આ નવા સંશોધન વિદેશી નાગરિકોને વિરાસત, વિવાહ અને તલાક સહિત વિભિન્ન મુદ્દાઓ પર ઇસ્લામિક શરિયા કોર્ટોથી બચવાની મંજૂરી પણ આપે છે.
પ્રતિક્રિયા
28 વર્ષીય ઝરણા જોશી છેલ્લાં 25 વર્ષથી દુબઈમાં રહે છે. તેઓ ભારતીય મૂળનાં છે. તેમનું માનવું છે કે આ સંશોધન વિભિન્ન રાષ્ટ્રીયતાઓની એક મોટી સ્વીકૃતિ છે.
તેઓે બીબીસીને કહ્યું, "તેનાથી અમે અમારા ઘરની નજીક હોવાનો અનુભવ કરી રહ્યા છીએ.
તેઓ વધુમાં કહે છ કે આ પગલાથી રોકાણની સંભાવનાઓ વધી છે. સાથે જ આ નિર્ણય યુએઈમાં વધુ સમય રહેનારાઓને પ્રોત્સાહિત કરી રહ્યો છે.
ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં પોતાની ખુશી વ્યક્ત કરી છે.
અબુ ધાબીમાં રહેતા અને વ્યવસાયે એન્જિનિયર ગિયુલિયો ઓચીઓનેરોએ ટ્વીટ કરીને આ સંદર્ભે ખુશી વ્યક્ત કરી છે.
તેઓ આ નિર્ણયને એક સિવિલ પ્રૉગ્રેસના ઉદાહરણ તરીકે જોઈ રહ્યા છે.
અન્ય એક ટ્વીટમાં યૂઝર યુસૂફ નઝરનું કહેવું છે કે આ સંશોધનોથી કપલ લગ્ન વિના પણ સાથે રહી શકશે.
સંયુક્ત આરબ અમીરાતની સત્તાવાર સમાચાર એજન્સી ડબલ્યૂએએમ અનુસાર, આ સંશોધન દેશના વૈધાનિક વાતાવરણને વધુ સારા બનાવવા અને લોકોને અહીં રહેવા, કામ કરવા માટે પ્રેરિત કરે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બદલાવ દેશની પ્રગતિને પંથ પર આગળ વધારવા અને વિદેશ રોકાણને આકર્ષવા માટેની દિશામાં પોતાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે છે.
ગલ્ફ ન્યૂઝના એક સંપાદકીયમાં કહેવાયું કે નવો કાયદો વિદેશી રોકાણકારોનાં નાણાકીય હિતોની સ્થિરતાને નક્કી કરશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો