You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#BoycottNetflix મંદિરમાં ચુંબનના દૃશ્યને લઈને નેટફ્લિક્સ સામે વિરોધ
ભારતમાં રવિવારે ઑનલાઇન સ્ટ્રીમિંગ વેબસાઇટ નેટફ્લિક્સના બહિષ્કારની માગ કરતા ઘણા લોકો ટ્વીટ કરી રહ્યા છે.
જેને લઈને ઘણા કલાકો સુધી #BoycottNetflix ટ્વિટર પર ટૉપ ટ્રેન્ડમાં રહ્યો.
તેનું એક કારણ નેટફ્લિક્સની એક સિરીઝ 'અ સ્યૂટેબલ બૉય'નાં કેટલાંક દૃશ્યો છે. જેનો લોકો હાલ વિરોધ કરી રહ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમમાં એક દૃશ્યમાં એક યુવક અને યુવતી મંદિરના પ્રાંગણમાં ચુંબન કરી રહ્યાં છે અને પાછળ ભજન ચાલી રહ્યું છે.
આપત્તિ એ વાત પર પણ દર્શાવવામાં આવી છે કે આ કાર્યક્રમની પટકથા અનુસાર એક હિંદુ યુવતી એક મુસ્લિમ યુવકને પ્રેમ કરે છે.
આ સમાચાર લખવા સુધી 80 હજાર જેટલાં ટ્વીટ સાથે નેટફ્લિક્સના બહિષ્કારવાળો હૅશટૅગ ભારતમાં ટ્વિટર પર સૌથી ઉપર ટ્રેન્ડ કરતો રહ્યો હતો.
ગૌરવ તિવારી નામના એક ટ્વિટર યૂઝરે દાવો કર્યો છે કે તેમણે આ મામલામાં મધ્ય પ્રદેશના રીવામાં એફઆઈઆર દાખલ કરાવી છે. ગૌરવ તિવારીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટર પર ફૉલો કરે છે.
મધ્ય પ્રદેશના ગૃહમંત્રીએ આપ્યા તપાસના આદેશ
આ દરમિયાન મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ આ કથિત આપત્તિજનક દૃશ્યોને એક ધર્મ વિશેષની ભાવનાઓને ઠેસ પહોંચાડનારાં ગણાવ્યાં છે અને પોલીસ અધિકારીઓને આ વિવાદાસ્પદ કન્ટેન્ટના તપાસના આદેશ આપી દીધા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતાના ટ્વિટર પર એક વીડિયો જારી કરતાં નરોત્તમ મિશ્રાએ કહ્યું, "એટ ઓટીટી મીડિયા પ્લેટફૉર્મ પર 'અ સ્યૂટેબલ બૉય' કાર્યક્રમ જારી કરવામાં આવ્યો છે. જેને હું આપત્તિજનક માનું છું."
"એક મંદિરની અંદર એક વ્યક્તિ ચુંબન જેવાં દૃશ્યો ફિલ્માવી રહી છે અને પાછળ ભજન જેવું ચાલી રહ્યું છે. સતત બે ત્રણ વખત આવું કરવામાં આવ્યું છે. જે મને લાગે છે કે લાગણીઓને ઠેસ પહોંચાડનારું છે. "
"મેં અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે આની તપાસ કરે."
ટ્વિટર પર લોકો શું કહી રહ્યા છે?
#BoycottNetflix સાથે લોકો સતત ટ્વીટ કરી રહ્યા છે.
કેટલાક લોકો નેટફ્લિક્સ પર લવ જેહાદનાં ગુણગાન ગાવાનો આરોપ લગાવી રહ્યા છે.
રાષ્ટ્રવાદી કૅપ્ટન જેક નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું, "નેટફ્લિક્સને મંદિરની બાઉન્ડ્રીની અંદર ચુંબનનું દૃશ્ય ફિલ્માવીને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. જેના કારણે આજે જ તેને અનઇન્સ્ટૉલ કરો."
વિક્રાંત નામના ટ્વિટર યૂઝરે લખ્યું, "#BoycottNetflix કરીને કંઈ નહીં થાય. દરેક પ્લેટફૉર્મ હિદુંફોબિયા કન્ટેન્ટને જગ્યા આપી રહ્યા છે. સીધા જ આ ડિરેક્ટર/અભિનેતાની હાલની કે ભવિષ્યની કોઈ સિરીઝ જોવાનું બંધ કરી દો. તેમને કોઈ વ્યૂઝ નહીં મળે તો તેઓ રોકાઈ જશે. મેં ક્યારેય આવી કોઈ સિરીઝ નથી જોઈએ."
પ્રિયા નામનાં યૂઝરે લખ્યું, "નેટફ્લિક્સ ફક્ત એક ઓટીટી પ્લેટફૉર્મ છે. આપણે સિરીઝ અને ડિરેક્ટરનો બહિષ્કાર કરવો પડશે. તેમના સામે કાયદાકીય કાર્યવાહી કરવી પડશે."
પોતાને ટ્વિટર પર વકીલ અને પંજાબ ભાજપના પ્રવક્તા બતાવનારા ગૌરવ ગોયલે ટ્વીટ કરીને લખ્યું કે જો કોઈ ઓટીટી પ્લેટફૉર્મ જાણી જોઈને હિંદું દેવી-દેવતાઓનું અપમાન કરે છે, તો મહેરબાની કરી આઈપીસીની કલમ 295A અંતર્ગત સ્થાનિક કોર્ટમાં અથવા પોલીસમાં ફરિયાદ કરો.
કેટલાક લોકો હૅશટૅગની વિરુદ્ધમાં
પરંતુ કેટલાક લોકો #BoycottNetflixના આ ટ્રેન્ડથી હેરાન પણ છે.
અક્ષય બેનરજી નામના ટ્વિટર યૂઝરે કટાક્ષ કરતાં ખજૂરાહોના મંદિરની મૂર્તિઓની તસવીરો સાથે લખ્યું, "તેઓ કેવી રીતે મંદિરની અંદર ચુંબનનું દૃશ્ય દેખાડી શકે. આ મારી સંસ્કૃતિ નથી."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો