ગુજરાતમાં ગરબા યોજી શકાશે નહીં, શેરીગરબા અંગે માર્ગદર્શિકામાં શું છે?

ગુજરાત સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર રાજ્યમાં શેરીગરબા સહિત કોઈ પણ પ્રકારના ગરબાનું આયોજન નહીં કરી શકાય.

ગુજરાત સરકારે નવરાત્રી, દશેરા, દિવાળી અને નૂતન વર્ષ વગેરે તહેવારોની ઉજવણી સંદર્ભે માર્ગદર્શિકા બહાર પાડી છે.

નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા-આરતી કરવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદવિતરણ નહીં કરી શકાય.

કાર્યક્રમમાં છ ફૂટના અંતર સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે ફ્લોર-માર્કિંગ કરવું જરૂરી છે. ઉપરાંત કાર્યક્રમમાં હાજર તમામ લોકોને પોતાના ચહેરાને ઢાંકીને રાખવો પડશે.

સરકારે કહ્યું છે કે 200થી વધારે વ્યક્તિઓ એકઠી થઈ શકશે નહીં તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો રહેશે.

સરકારે મેળા, રેલી, પ્રદર્શનો, રાવણદહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે.

આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળમા સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સરકારે કહ્યું છે કે 65થી વધુ ઉંમરના નાગરિકો, 10 વર્ષથી નીચેના બાળકો, સગર્ભા માતાઓ તેમજ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે તે હિતાવહ છે.

રાજ્ય સરકારે જાહેર કરેલી આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી 16મી ઓક્ટોબર, 2020થી કરવાનો રહેશે.

માર્ગદર્શિકામાં બીજું શું લખ્યું છે?

  • કન્ટેઇન્ટમૅન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત-ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે.
  • થર્મલ સ્કેનર, સૅનિટાઇઝર સાથે ઓકઝી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સૅનિટાઇઝ કરવાના રહેશે.
  • હેન્ડવૉશ, સૅનિટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન-મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
  • સરકારે કહ્યું છે કે જો કોઈ પણ સમારોહ હૉલ, હોટલ, બૅન્ક્વેટ હોલ, ઑડિટોરિયમ, જ્ઞાતિ-સમાજોની વાડી, ટાઉનહૉલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કૅપેસિટીના 50 ટકા કે વધુમાં વધુ 200 વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે.
  • લગ્ન અને સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં 100 વ્યક્તિઓ ભાગ લઈ શકશે.
  • અંતિમ ક્રિયા અને ધાર્મિક વિધિમાં મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો