IPL CSK vs MI : ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોહિત શર્માની મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે પહેલો મુકાબલો

રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોની

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કોરોના વાઇરસની મહામારી વચ્ચે ક્રિકેટની રમત સાવ નિષ્પ્રાણ બની ગઈ હતી અને ભવિષ્યમાં ક્યારે ક્રિકેટ રમાશે તેની કોઈને સૂઝ પડતી ન હતી.

માર્ચ મહિનામાં ઇન્ડિયન પ્રીમિયર લીગની ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવાની હતી પરંતુ કોરોનાના કહેરને કારણે તે શક્ય બન્યું નહીં. જોકે ભારતીય ક્રિકેટ બૉર્ડ આખરે લીગનું આયોજન કરીને જ માન્યું.

આખરે હવે આજ સાંજથી વિશ્વની સૌથી અમીર ક્રિકેટ લીગ એટલે કે આઈપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે.

53 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં આઠ ટીમ ભાગ લેશે અને 60 મુકાબલાને અંતે તમામનો ટાર્ગેટ એક જ હશે આઈપીએલ ટ્રૉફી.

લૉકડાઉનને કારણે ઘણી સમસ્યાઓ નડી હતી પરંતુ તે તમામનો સામનો કરીને હવે દુનિયાભરના ચુનંદા ક્રિકેટર યુનાઇટેડ આરબ અમિરાત (UAE) પહોંચી ગયા છે, જ્યાં શનિવારે સાંજે રોહિત શર્માની ચૅમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સ પૂર્વ ચૅમ્પિયન અને લોકપ્રિય સુકાની મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે.

line

7.30 કલાકે મૅચનો પ્રારંભ

આગામી 53 દિવસમાં આઠ ટીમ વચ્ચે 60 મુકાબલા ખેલાશે અને તેમાં વિશ્વભરમાંથી શ્રેષ્ઠ બૅટ્સમૅન અને બૉલરો ભાગ લેશે. સંખ્યાબંધ રેકૉર્ડ તૂટશે તો કેટલાય નવાં રેકૉર્ડ સર્જાશે.

એક તરફ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયેલ મહેન્દ્રસિંહ ધોની છે, જે આજે પણ એટલા જ ખતરનાક સુકાની છે.

તો બીજી તરફ આક્રમક સ્વભાવનો વિરાટ કોહલી બૅંગલુરુની ટીમને પહેલી વાર ટાઇટલ અપાવવા આતુર છે.

રોહિત શર્મા મુંબઈની ટીમનું ટાઇટલ ડિફેન્ડ કરવા સજ્જ છે અને તેની પાસે જસપ્રીત બુમરાહ જેવો ખતરકનાક બૉલર છે.

આ ઉપરાંત મુંબઈની ટીમ પાસે પોલાર્ડથી લઈને હાર્દિક પંડ્યા જેવા શક્તિશાળી ખેલાડીઓ છે.

પ્રેક્ષકો વિનાના શેખ જાયેદ સ્ટેડિયમમાં શનિવારે પ્રથમ મુકાબલો યોજાશે ત્યારે તેનું સૌથી મોટું આકર્ષણ સંખ્યાબંધ ક્રિકેટર્સનું પુનરાગમન રહેશે.

આ ઉપરાંત આ વખતની આઈપીએલ માત્ર ટીવી ઇવેન્ટ બનીને રહી જવાની છે, તેમ છતાં બીસીસીઆઈને આર્થિક રીતે જરાય નુકસાન થવાનું નથી.

બીસીસીઆઈને આ ટી-20 ક્રિકેટ લીગથી લગભગ 4000 કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે.

line

આ ખેલાડીઓ પર સૌનીનજર

આગામી 53 દિવસ સુધી ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ, રોહિતની મુંબઈ ઇન્ડિયન્સ, કોહલીની રોયલ ચૅલેન્જર્સ બેંગલુરુ અને લોકેશ રાહુલની કિંગ્સ ઇલેવન પંજાબ તો શ્રેયસ ઐય્યરની દિલ્હી કૅપિટલ્સ આકર્ષણ જમાવશે.

આઈપીએલનું આયોજન પહેલી વાર વિદેશમાં થઈ રહ્યું નથી. અગાઉ 2009 અને 2014માં પણ આ ઇવેન્ટ વિદેશમાં યોજાઈ હતી પરંતુ બંને વખત લોકસભાની ચૂંટણીને કારણે આમ બન્યું હતું જ્યારે આ વખતનું કારણ કોરોનાની મહામારી છે.

આવી જ રીતે આ ટુર્નામેન્ટ રમતની રીતે પણ આકર્ષક છે કેમ કે તેમાં એક સાથે ડેવિડ વૉર્નર અને ક્રિસ ગેઇલની આક્રમક બેટિંગ જોવા મળી શકે છે, તો રોહિત શર્મા, પોલાર્ડ કે હાર્દિક પંડ્યાને સાથે રમતા નિહાળી શકાશે.

અહીં વિરાટ કોહલી અને ડી વિલિયર્સ વચ્ચે જંગી ભાગીદારી પણ નોંધાઈ શકે છે તો વિશ્વના બે મોખરાના બૉલર ટ્રેન્ટ બૉલ્ટ અને જસપ્રીત બુમરાહ સામસામે છેડેથી બૉલિંગ કરતાં હોય એવો નજારો પણ જોવા મળી શકે છે.

ટુર્નામેન્ટના લગભગ એક મહિના અગાઉ અમિરાત પહોંચી ગયેલી વિવિધ ટીમના ખેલાડીઓ હવે રમવા માટે સજ્જ થઈ ગયા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના બે ક્રિકેટર સહિત 13 સદસ્યને કોરોના પૉઝિટિવ આવ્યો હતો. સુરેશ રૈના દુબઈથી પરત આવી ગયા હતા, તો હરભજન સિંઘે તો દુબઈ જવાનું જ ટાળ્યું હતું.

આ તમામ સંજોગો છતાં ધોનીની ટીમ આકરી મહેનત કરી રહી છે અને તેમને આ વખતના ટાઇટલ માટે ફૅવરિટ ટીમમાં ગણવામાં આવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો