You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીસીસીઆઈએ કોરોના વચ્ચે પણ કેમ આઈપીએલ કેમ યોજવી પડી?
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર
કોરોના વાઇરસની અસર સમગ્ર વિશ્વ પર ખરાબ રીતે પડેલી છે. માત્ર આર્થિક જ નહીં પરંતુ સામાન્ય જનજીવન પણ ખોરવાઈ ગયું છે અને તેમાંથી બેઠા થવા માટે વિશ્વની મહાસત્તાઓથી માંડીને નાની નાની સરકારો કે સંગઠનો પણ હવાતિયાં મારી રહ્યા છે.
ઘણી સદ્ધર કંપનીઓ નાદારીને આરે આવી ગઈ છે તો બૅન્કો સહિતના સંસ્થાનોને પણ તેની અસર પડી છે પરંતુ આ બધામાં જો કોઈ સંસ્થા ટસની મસ ના થઈ હોય તો તે છે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ.
માર્ચ મહિનામાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મૅચની ટી-20 ક્રિકેટ સિરીઝ રમાનારી હતી જેની પહેલી મૅચ ધરમશાળા ખાતે રમાનારી હતી જે વરસાદે ધોઈ નાખી અને બાકીની બે મૅચને કોરોનાને કારણે રદ કરવી પડી.
સિરીઝ રદ થઈ ગઈ અને તે સાથે સમગ્ર વિશ્વમાં ક્રિકેટ પર માનોને કે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો.
બીસીસીઆઈનું જ સંતાન એટલે ઇન્ડિયન પ્રીમિયર લીગ. આમ તો આ ઇન્ડિયાની લીગ છે પરંતુ તેમાં દુનિયાભરના ખેલાડીઓ ભાગ લે છે અને તેનું આકર્ષણ પણ દુનિયાભરમાં છે.
29મી માર્ચથી આઈપીએલની ટી20 ક્રિકેટ લીગનો પ્રારંભ થનારો હતો જે અનિશ્ચિત મુદત માટે અટકી ગયો.
છેલ્લા પાંચેક મહિનામાં બીસીસીઆઈએ કોઈ કામગીરી કરી હોય તો તે માત્ર અને માત્ર આઈપીએલના આયોજન અંગેની વિચારણા કરવાની અને તે કેવી રીતે પાર પડી શકે તેની હતી.
આખરે ભારતમાં તો કોઈ સંજોગોમાં તેનું આયોજન શક્ય બન્યું નહીં પરંતુ જ્યાં પૈસા હોય ત્યાં બધું જ શક્ય હોય છે તે નાતે યુનાઇટેડ આરબ અમિરાતમાં આઈપીએલ યોજવાનો પ્રસ્તાવ આવ્યો અને તેને સ્વિકારી લેવામાં આવ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત સરકાર અને વિદેશ મંત્રાલયે પણ તે માટે મંજૂરી આપી દીધી. આમ આ વખતની આઈપીએલ 19મી સપ્ટેમ્બરથી દુબઈ, શારજાહ અને અબુધાબીના મેદાનો પર યોજાશે.
દર વખતની માફક તેના આકર્ષણમાં કોઈ ફરક નહીં પડે. વિદેશમાં આ ટુર્નામેન્ટ યોજાશે પરંતુ તેમાં ભાગ લેનારી ટીમો કે ખેલાડીઓ પર કોઈ કાપ મુકાયો નથી.
હાલમાં કોરોનાની પરિસ્થિતિ સામે તમામ પ્રકારનાં પગલાં અને અત્યંત કડક સુરક્ષા વચ્ચે તમામ ફ્રેન્ચાઇઝીના ખેલાડીઓ દુબઈ પહોંચી ગયા છે.
ત્યાં જરૂરી ક્વોરૅન્ટિન થયા બાદ તેમણે મેદાન પર પ્રેક્ટિસનો પણ પ્રારંભ કરી દીધો છે અને હવે તો મેદાન પરના મુકાબલા માટે તમામ ટીમો સજ્જ થઈ ગઈ છે.
કરોડોના નુકસાનને બચાવવા આઈપીએલ યોજાઈ
અહીં સવાલ એ થાય કે જ્યારે દુનિયામાં તમામ ચીજો અટકી પડી છે ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ શા માટે આઈપીએલના આયોજન માટે આટલા બધા પ્રયાસો કરી રહ્યું છે.
તેમણે ધાર્યું હોત તો એક જ દિવસમાં નિર્ણય લઈને કહી શક્યા હોત કે 2020માં આઈપીએલ યોજાશે નહીં તેને બદલે તેમણે આ જ સિઝનમાં તેનું આયોજન કરવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસો કર્યા અને અંતે તેનું આયોજન પાર પાડીને જ જંપ્યા.
હકીકત એવી છે કે બોર્ડ આઈપીએલનું આયોજન કરે નહીં તો તેને કમસે કમ 4,000 કરોડનું નુકસાન જવાનો અંદાજ હતો.
સૌથી મહત્વની બાબત તો પ્રસારણકર્તા સાથેની ડીલની છે. આઈપીએલની મૅચોના પ્રસારણનો અધિકાર સ્ટાર પાસે છે અને આ માટે સ્ટાર દર વર્ષે બીસીસીઆઈને કરોડો રૂપિયાની જંગી રકમ ચૂકવે છે.
આ ઉપરાંત ટાઇટલ સ્પોન્સર તરફથી મળતી કરોડોની રકમ અલગ. મુખ્ય સ્પોન્સર ઉપરાંત બોર્ડને અન્ય પેટા સ્પોન્સર દ્વારા તગડી કમાણી થતી હોય છે.
ક્રિકેટ હવે પ્રોફેશનલ બની ગયું છે અને બીસીસીઆઈ એક ઇંચ જગ્યા પણ મફતમાં છોડતું નથી.
ટિકિટ પર થતી જાહેરાતથી લઈને સ્ટેડિયમમાં મોટાં બેનર્સ અને ઇવન મેદાનની વચ્ચોવચ લાગતા બેનર કે સ્ટેશનરી પરની જાહેરાત અને ક્રિકેટરના યુનિફૉર્મ તો ઠીક પણ સ્ટમ્પ પર લાગતાં સ્ટીકરના પણ સ્પોન્સર હોય છે.
આ તમામમાંથી થતી આવક જો આઈપીએલ રદ થાય તો બોર્ડે ગુમાવવી પડે અને તે રકમ આસાનીથી 3,000થી 4,000 હજાર કરોડ પર પહોંચી જતી હોય છે.
ચીની પ્રોડક્ટના વિરોધમાંથી રસ્તો કાઢ્યો
કોરોનાની સમસ્યા ઓછી હોય તેમ આઈપીએલની વચ્ચે ચીની પ્રોડક્ટની સમસ્યા પણ આવી હતી.
એક સમયે કોરોના સામે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે લદ્દાખ સરહદ પર ભારત અને ચીનના લશ્કર વચ્ચે પણ સંઘર્ષ જારી હતો.
આ દરમિયાન ભારતના 20 જવાનો શહીદ થતાં ભારતમાં ચીન સામે વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો હતો. આવા સંજોગોમાં ભારતભરમાં ચીની પ્રોડક્ટનો વિરોધ થવા લાગ્યો.
આપીએલના ટાઇટલ સ્પોન્સર તરીકેના કરાર ચીની મોબાઇલ કંપની વિવો પાસે હતા.
ભારતમાં વિવોના મોબાઇલનો વિરોધ થતો હોય ત્યાં આઈપીએલના મેઇન સ્પોન્સર તરીકે વિવો દ્વારા બીસીસીઆઈને 400 કરોડ જેવી રકમ આપવામાં આવે તે દેશવાસીઓનો મંજૂર ન હતું.
તેનાથી આખરે તો ચીની કંપનીની પબ્લિસિટી થનારી હતી. આખરે બીસીસીઆઈએ નવા સ્પોન્સરની શોધ કરવાની ફરજ પડી અને વિવો સાથેનો કરાર રદ કરવો પડ્યો.
આમ આઈપીએલનું આયોજન તો અટક્યું નહીં પરંતુ સ્પોન્સર્સ બદલાઈ ગયા અને વિવોનું સ્થાન ડ્રીમ ઇલેવને લઈ લીધું.
વિદેશમાં ખેલાડી ગયા પરંતુ ત્યાં પણ કોરોનાની મુશ્કેલી નડી
સ્પોન્સર્સની સમસ્યા પણ ઉકેલી દેવામાં આવી પરંતુ જેનો સૌથી વધારે ડર હતો તે કોરોના હતો.
વિવિધ ટીમો તો ત્યાં પહોંચી ગઈ પરંતુ તેઓ બાયો સિક્યોર વાતાવરણમાં સલામત છે કે નહીં તેની ખાતરી કરાવવાની હતી.
એવામાં ચેન્નાઈ સુપર કિંગ્સના બે ખેલાડીઓ દીપક ચાહર અને ઋતુરાજ ગાયકવાડ સહિત 13 સદસ્યોનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં ફરીથી આઈપીએલના આયોજન સામે સવાલો પેદા થવા લાગ્યા.
એક તબક્કે તો એવી પણ સલાહ આપવામાં આવી હતી કે હજી પણ આ ટી-20 લીગ પડતી મૂકી શકાય છે અને ખેલાડીઓને જોખમમાં મૂકવાના રહેવા દઈને તેમને વતન પર લઈ આવવા જોઈએ.
જોકે, બીસીસીઆઈએ ખેલાડીઓને પરત બોલાવવાને બદલે પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવાનો નિર્ણય લીધો.
છેલ્લે દસમી સપ્ટેમ્બર (ગુરુવારે) એવા સમાચાર આવ્યા કે દીપક ચાહર સાજો થઈ ગયો છે અને તેનો રિપોર્ટ નેગેટિવ આવતાં તે હવે પ્રેક્ટિસમાં પરત ફર્યો છે.
હવે માત્ર ક્રિકેટની જ વાત થશે
આઈપીએલ રમાશે કે નહીં, સ્પોન્સર્સ બદલાશે કે નહીં, ખેલાડીઓને કોરોના થશે તે તેઓ સલામત રહેશે આ તમામ તબક્કામાંથી હવે આ ધનાઢ્ય ક્રિકેટ લીગ પસાર થઈ ગઈ છે અને હવે માત્ર અને માત્ર ક્રિકેટ જ બાકી રહી ગયું છે.
આઈપીએલની આ ટી20 લીગે છેલ્લાં 12 વર્ષથી મેદાન પર ધૂમ મચાવેલી છે.
અહીં જેટલી ઝડપે રેકૉર્ડ સર્જાય છે તેના કરતાં બમણી ઝડપે રેકૉર્ડ તૂટતા જોવા મળ્યા છે.
અહીં એકાદ બેટ્સમેન 20 ઓવરમાં સદી ફટકારી શકે છે તો ક્યારેક આખી ટીમ મળીને પણ 20 ઓવરમાં 100 રન કરી શકતી નથી.
અહી એક બૉલર એક મૅચમાં પાંચ કે છ વિકેટ ખેરવી શકે છે તો એક બૅટ્સમૅન એક ઇનિંગ્સમાં પાંચ કે છ સિક્સર પણ ફટકારી શકે છે.
અહીં સળંગ બે કે ચાર મૅચમાં એકેય રન નહીં કરનારા બૅટ્સમૅન છે. તો સળંગ દસ દસ મૅચમાં શૂન્યથી દૂર રહેનારા બૅટ્સમૅન પણ છે.
આ બધી કમાલને કારણે જ આઈપીએલ વિશ્વની સૌથી લોકપ્રિય ટી-20 લીગ છે અને તે ફરી એક વાર ધમાકેદાર એન્ટ્રી માટે સજ્જ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો