You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આટલો વરસાદ કેમ પડી રહ્યો છે?
ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી વરસાદી માહોલ જામ્યો છે અને કેટલાક દિવસથી રાજ્યના અલગઅલગ વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે.
ગત સપ્તાહ સુધી રાજ્યના લગભગ 200 કરતાં વધુ ડૅમોમાં 60 ટકા કરતાં વધુ પાણીની આવક થઈ ગઈ છે. જ્યારે 77 ડૅમો એવા પણ છે, જેમાં 90 ટકા કરતાં વધુ પાણીની આવક થઈ ગઈ છે.
આ દરમિયાન કેટલાંય શહેરો અને ગામોમાં ભારે વરસાદને પગલે જનજીવન ઠપ પડી ગયું છે.
પાણી ઘરોમાં ભરાઈ ગયાં છે, ખેતીના પાકને નુકસાન થયું છે. આટલું ઓછું હોય એમ હવામાન વિભાગ દ્વારા હજુ પણ રાજ્યના 15 કરતાં વધુ શહેરોમાં વરસાદ આગહી કરવામાં આવી છે.
ત્યારે એ સવાલ થવો સહજ છે કે ગુજરાતમાં આટલો ભારે વરસાદ કેમ વરસી રહ્યો છે?
ઠેરઠેર ભારે વરસાદ
સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે ખેડૂતો સહિત સામાન્ય લોકોને પણ માઠી અસર પહોંચી છે.
સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં 50 ઈંચથી પણ વધુ વરસાદને લીધે પૂરની સ્થિતિ સર્જાઈ છે. સુરતના ખાડીકાંઠા વિસ્તારમાં લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ સહિત મોટા ભાગના જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી હળવોથી અતિ ભારે વરસાદ વરસ્યો છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, તારીખ 1 જુલાઈ, 2020થી 19 ઑગસ્ટ, 2020 દરમિયાન સમગ્ર ગુજરાતમાં 671.9 મિલિમિટર વરસાદ વરસ્યો છે. આ વરસાદ સામાન્ય કરતાં 10 ટકા વધુ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં મલ્ટિપલ મોનસૂન ઍક્ટિવિટી ચાલી રહી છે.
આને કારણે બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારોમાં સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ગુજરાત હવામાન વિભાગના વડા જયંતા સરકારે જણાવ્યું, "દર વર્ષે જુલાઈ મહિનામાં બેથી ત્રણ લૉ-પ્રેશર સર્જાતાં હોય છે, જેને લીધે સૌથી વધુ વરસાદ પડતો હોય છે. પરંતુ હવે પ્રક્રિયા ઑગસ્ટમાં થઈ રહી છે."
"બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લૉ-પ્રેશરને લીધે ત્યાંની હવા પશ્ચિમ તરફ વહી રહી છે, જેને લીધે અતિ ભારે વરસાદ પડી રહ્યો છે."
જયંતા સરકારના જણાવ્યા પ્રમાણે બંગાળ આ લૉ પ્રેશરને પગલે ગુજરાતમાં હજુ પણ ત્રણ દિવસ વરસાદની આગાહી કરાઈ છે.
આ દિવસો દરમિયાન સોમનાથ અને દ્વારકામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો અને દરિયાકિનારાનાં સ્થળોમાં પણ હજુ વરસાદની શક્યતા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો