કોરોના મહામારી વચ્ચે નરેન્દ્ર મોદી સરકાર સંસદસત્ર કેમ બોલાવતી નથી?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ગુજરાતી
કોરોના મહામારીને લીધે દેશમાં બજેટસત્રને ટૂંકાવવામાં આવ્યું હતું. સંસદીય સમિતિ બે મહિનાથી કાર્યરત્ નથી. સંસદનું ચોમાસુ સત્ર જે જુલાઈના વચગાળાના દિવસોથી શરૂ થવું જોઈતું હતું એ થયું નથી.
નાગરિક સમાજ સંગઠન તેમજ વિવિધ સાક્ષરો દ્વારા 'જનતાસંસદ' નામનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. 16 ઑગષ્ટથી 21 ઑગસ્ટ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં લોકો ઑનલાઈન ભાગ લઈ શકે છે.
કોરોના વાઇરસને કારણે સંસદીય કાર્યપ્રણાલિ લગભગ ઠપ છે, ત્યારે તેને લોકો લોકશાહીની વિરુદ્ધ ગણી રહ્યા છે.
નિષ્ણાતો અનુસાર સંસદ શરૂ કરવાના વૈકલ્પિક માધ્યમો સરકારે શોધવા જોઈએ, જેથી લોકશાહીનું વહન થઈ શકે.
મીડિયા અહેવાલો અનુસાર, સંસદનું બજેટસત્ર ત્રણ એપ્રિલ સુધી નિર્ધારિત હતું, પણ એના પહેલાં જ 23 માર્ચે સત્ર અચોક્કસ સમય માટે સ્થગિત કરી દેવાયું હતું.
શું કોરોનાના સમયમાં સંસદ શરૂ થવાથી કોઈ મુશ્કેલી સર્જાઈ શકે, સરકાર શા માટે સંસદ બોલાવતી નથી, વગેરે જેવા સવાલોને લઈને નિષ્ણાતો સાથે વાત કરીને સમજવાનો પ્રયાસ કર્યો કે આખરે સંસદ કેમ શરૂ થઈ રહી નથી.

'સરકારે બંધારણીય ફરજ બજાવવી જ જોઈએ'

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા સંસદ ન શરૂ કરવાને સરકારની નિષ્ફળતા ઢાંકવા માટે કારણભૂત ગણાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "પરિસ્થિતિ એ છે કે સરકાર જ્યાં ન કરવું જોઈએ ત્યાં બોલબોલ કરે છે અને કરવું જોઈએ ત્યાં ફરજમાંથી ચૂકે છે. આ બંધારણીય ફરજ છે અને એ ફરજ તેમણે બજાવવી જ જોઈએ."
ઉલ્લેખનીય છે કોરોનાની મહામારીમાં પણ કૅનેડા અને બ્રિટનની સંસદમાં તેની કામગીરીમાં ફેરફાર કરીને વીડિયો કૉન્ફરન્સથી સંસદનાં સત્ર યોજ્યાં હતાં.
તો ફ્રાન્સ, ઇટાલી, બ્રાઝિલ, ચિલી જેવા દેશમાં સંસદનું કામકાજ થયું છે. સ્પેન કે જ્યાં કોરોના મહામારીએ ભરડો લીધો હતો ત્યાં પણ સંસદની કાર્યવાહી ચાલુ રહી હતી.
સુરેશ મહેતા કહે છે, "બીજા અનેક રસ્તા નીકળી શકે છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝર વગેરે. આવા સંજોગમાં, આવી આપદામાં સંસદ ન બોલાવે એ યોગ્ય નથી."
"સંસદમાં બોલાવે તો ક્યાંક જરૂર હોય તો સૂચન કરી શકાય, સુધારા કરી શકાય, પણ વડા પ્રધાન તો એકતરફી રીતે પોતાને ઠીક લાગે તેમ બોલબોલ કરે છે. અત્યારે સંસદ બોલાવવાની ખાસ જરૂર છે."
સરકાર કેમ સંસદ બોલાવતી નથી એના સવાલમાં સુરેશ મહેતા કહે છે કે સરકાર ડરે છે, અહીં (સંસદમાં) સવાલ થાય તો જવાબ આપવો પડે. એટલે સરકાર ગભરાય છે.
જાણીતા રાજકીય વિશ્લેષક રમેશ ઓઝા બીબીસી સાથે વાત કરતાં કહે છે કે બધી જગ્યાએ લગભગ ખુલ્લું કરી દેવામાં આવ્યું છે તો સંસદ કેમ બોલાવાતી નથી?
"બીજું કે મધ્ય પ્રદેશમાં જ્યારે વિશ્વાસમત લેવામાં આવ્યો ત્યારે તો લૉકડાઉન પણ હતું. તો ફિઝિકલ ડિસ્ટન્સિંગ રાખીને સંસદ ચાલી શકે. પણ આ સરકારને સંસદ ચલાવામાં રસ નથી. સંસદ કોઈને કોઈ કારણસર ન ચાલે એમાં તેમને રસ છે."

'કોરોના સૂર્યગ્રહણની જેમ નડવો ન જોઈએ'
જાણીતા વકીલ આનંદ યાજ્ઞિક બીબીસી સાથે વાત કરતાં કહે છે કે કોરોના વાઇરસ એ ભારતના બંધારણ અને સંસદીય લોકશાહીને સૂર્યગ્રહણની જેમ નડવો ન જોઈએ.
"જો સરકાર પોતે જાણીજોઈને સત્ર ન બોલાવતી હોય તો પછી 'માનવગ્રહણ' નડે છે એમ કહેવાય."
તેઓ કહે છે, "એ બહુ સ્વયંસ્પષ્ટ છે કે સંસદ છે એ ભારતની લોકશાહીનો પ્રાણ છે. જો સંસદ ન બોલાવી શકાતી હોય કે ન બોલાવાતી હોય તો વૈકલ્પિક માધ્યમો શોધી શકાય છે."
"ભારતના વડા પ્રધાન અને ભારતના રાષ્ટ્રપતિજીએ ખરેખર તો 15મી ઑગસ્ટે પોતાની મેળે સ્પષ્ટ કરવું જોઈતું હતું. કારણ કે ફેબ્રુઆરીથી છેક માર્ચ સુધી, એટલે કે માર્ચ 15થી ઑગસ્ટ 15 સુધી સંસદ બોલાવાઈ નથી. સામાન્ય રીતે આવું ક્યારેય બન્યું નથી."
તેઓ વધુમાં કહે છે, "સ્વાસ્થ્ય માપદંડોને ધ્યાનમાં રાખીને પણ સંસદીયપ્રણાલિ ચાલુ રાખવી જોઈએ, કેમ કે એ આપણી મૂળભૂત ફરજ છે. અને જો સરકાર પોતે જાણી જોઈને ન બોલાવે તો એવું કહી શકાય તે ચૂંટાયા પછી લોકશાહીમાં સરકારને રસ નથી."
તેઓ ભારપૂર્વક કહે છે કે જો સરકાર જાણીજોઈને ન બોલાવે તો જ.
સંસદ ન બોલાવાના કારણ પર વાત કરતાં યાજ્ઞિક કહે છે, "કોરોનામાં સરકારની નિષ્ફળતા-સફળતા, ચીનનું ભારતમાં પ્રવેશવું અને તેની નિષ્ફળતા-સફળતા, અને અન્ય એવા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સવાલો, જેનાથી સરકાર પોતે ભીંસમાં આવી શકે તેમ છે."

'સરકાર મનફાવે તેમ વર્તી રહી છે'

ઇમેજ સ્રોત, GETTY IMAGES
અમદાવાદની કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર હેમંતકુમાર શાહે સંસદ ન શરૂ થવા મામલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે.
આ પોસ્ટમાં શાહે સંસદ અને વિધાનસભા તત્કાળ બોલાવવાની માગ કરી છે.
તેમણે પોસ્ટમાં લખ્યું- "સંસદ અને વિધાનસભાઓ ભારતની લોકશાહીમાં સરકારનું ઉત્તરદાયિત્વ ઊભું કરનારી ખૂબ જ અગત્યની સંસ્થાઓ છે."
"અત્યારે ભારત સરકાર અને રાજ્ય સરકારો તદ્દન બેજવાબદાર બનીને વર્તી રહી છે અથવા હજુ વર્તી શકે છે, કારણ કે સત્તાધારી પક્ષના કે વિપક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારને સવાલો પૂછી શકતા નથી અને જવાબો આપવા માટે સરકાર મજબૂર બનતી નથી."
"ભારતમાં હાલ સરકારો વટહુકમો કે ઠરાવો કે પરિપત્રો બહાર પાડીને શાસન કરી રહી છે. પરિણામે સરકારો કોઈને જવાબદાર બનતી નથી."
તેઓ લખે છે, "જેમકે, ગઈ પાંચમી જૂને ભારત સરકારે કરારી ખેતી અને ખેતપેદાશોના વેચાણ અંગે બે વટહુકમો બહાર પાડીને રાજ્ય સરકારોની સત્તાઓ લગભગ છીનવી લીધી છે અને રાજ્ય સરકારોની ખેતીવિષયક સત્તાઓ પર મોટો કાપ આવ્યો છે."
"આ સારું થયું કે ખોટું થયું તે જુદો મુદ્દો છે પણ રાજ્ય સરકારો સાથે કોઈ પણ જાતની મસલતો કર્યા વિના જ આ વટહુકમો બહાર પાડવામાં આવ્યા છે અને એ રીતે દેશના સમવાયી માળખાને મોટી હાનિ પહોંચી છે. એવું કહી શકાય કેમકે, બંધારણની અનુસૂચિ-7 મુજબ ખેતપેદાશોનું વેચાણ એ રાજ્યોનો વિષય છે."
પ્રોફેસર હેમંતકુમાર શાહે એવો પણ સવાલ કર્યો કે કોરોના મહામારીના સંદર્ભમાં સરકારી સચિવાલયોમાં તો કામકાજ ચાલુ જ છે તો પછી સંસદ અને વિધાનસભાઓ શા માટે ચાલુ કરવામાં આવતી નથી?
રમેશ ઓઝા કહે છે કે "સંસદ શરૂ થાય તો ચર્ચા થાય એટલા એ કોઈ સરકારને ગમે નહીં. સંસદ એ ઓપન સમાજનું એક પ્રતીક છે. જોકે એ લોકોને ઓપન સોસાયટી પરવડતી નથી."
"આથી તેઓ મીડિયાના લોકોને ડરાવે છે, ધમકાવે છે, કેટલાકને હેરાન કરે છે. કેટલાકને ટ્રોલ કરે છે. કોઈ પણ સમજદાર નાગરિકે ઓપન સોસાયટીના પક્ષે ઊભા રહેવું જોઈએ.

સંસદમાં કેવી રીતે કાર્યવાહી થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
બંધારણીય તજજ્ઞ આનંદ યાજ્ઞિક સંસદસત્રમાં કામગીરી કેવી રીતે થતી હોય એની વિગતે વાત કરે છે.
બીબીસી સાથેની વાતમાં તેઓ કહે છે, "સંસદ તમે બોલાવો એટલે સાંસદોએ તેમના પ્રશ્નો ઝીરો અવરમાં મોકલવા પડે, અન્ય પ્રશ્નો અંગે ચર્ચા થાય, સંસદની તમે જાહેરાત કરો, એના પહેલાં 14 દિવસ કે 21 દિવસ પહેલાં સાંસદોએ તેમના પ્રશ્નો આપવા પડે, એ પ્રશ્નો તમે સ્પીકરનો પહોંચતા કરો. સ્પીકર એ પ્રશ્નો સરકારને આપે અને સરકારના વિભાગોએ એ પ્રશ્નો પર તૈયારીઓ કરવી પડે."
તેઓ આગળ જણાવે છે, "સંસદીય પેટાકમિટીઓ હોય છે. એ કમિટીઓ પણ મળવી જોઈએ. સરકારના દરેક વિભાગમાં એક મોટી કમિટીમાં હોય છે, જેમાં પક્ષ અને વિપક્ષ બંને હોય છે."
"સંસદ હોય કે ન હોય એનું કામ અવિરતપણે કર્યા જ કરવાનું હોય છે. કોઈ બિલ રજૂ કર્યું હોય અને મહદંશે લોકોનું એવું માનવું હોય કે બિલને કાયદામાં ફેરવતા પહેલાં ચર્ચાની જરૂર હોય તો સંસદીય કમિટી મળે, કમિટી છાપામાં જાહેરાત આપે. પછી લોકો પોતાની અરજી કરે. પછી સંસદીય કમિટી દેશમાં અને દિલ્હીમાં હિયરિંગ કરે. પછી સંસદને જાહેર કરે કે આ કાયદા કે બિલ વિશે લોકોનું આવું કહેવું છે."
જો સંસદ ન ચાલતી હોચ તો સાંસદોના પગારને કોઈ અસર થાય કે નહીં.
આ સવાલના જવાબમાં આનંદ યાજ્ઞિક કહે છે, "જો સરકાર કોરોના સમયમાં સંસદ બોલાવે અને સાંસદો કોઈ કારણસર હાજર ન રહે તો તેને તમે પગારથી વંચિત રાખી શકો."
"કોઈ સાંસદે એવું તો કહ્યું નથી કે તમે બોલાવશો તો પણ હું નહીં આવું. એટલે સાંસદોનો પગાર અને સંસદનું મળવું એ બંને વચ્ચે કોઈ તર્ક નથી."
નાગરિક સમાજ સંગઠન અને વિવિધ એકૅડેમિશિયન્સ દ્વારા જનતાસંસદ નામનો એક કાર્યક્રમ દિલ્હીમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
સોળ ઑગષ્ટથી છ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં લોકો ઑનલાઈન ભાગ લઈ શકે છે.
આયોજકોનું માનવું છે કે કોરોના મહામારીને લીધે સંસદ ચાલી નથી રહી, તેથી સરકારની જવાબદારીઓ પર જવાબ માગવો કઠિન થઈ રહ્યો છે.
આ કાર્યક્રમમાં સત્રમાં ન્યાયાધીશ એ.પી.શાહ, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, સઈદા હમીદ, સોની સોરી વગેરેએ ભાગ લીધો હતો.
જોકે હાલમાં આવેલા મીડિયા અહેવાલો અનુસાર સરકાર ચોમાસુ સત્રને લઈને તૈયારીઓ કરી રહી છે.
રાજ્યસભાના ચૅરમૅન વેંકૈયા નાયડુએ બધી તૈયારીઓ ઑગસ્ટના ત્રીજા અઠવાડિયા સુધીમાં પૂરી કરવાનો નિર્દેશ આપ્યો છે.
સંસદની કાર્યવાહી કોઈ રોક વિના ચાલી શકે તે માટે રાજ્યસભા ચેમ્બરમાં ચાર મોટી સ્ક્રીન અને રાજ્યસભા ગૅલરીમાં એક મોટી અને ચાર નાની સ્ક્રીન લગાવવાની કામગીરી ચાલી રહી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












