ગુજરાતના ફાર્માસિસ્ટો સોશિયલ મીડિયામાં આંદોલન કેમ ચલાવી રહ્યા છે?

ઇમેજ સ્રોત, APURV BAROT
- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ગુજરાતી
સમગ્ર વિશ્વ સહિત ગુજરાત પણ કોરોના વાઇરસને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. આ સમયે જે કર્મચારીઓ છે તેઓ આંદોલન માટે એકઠા થઈ શકતા નથી. આથી તેઓ હવે પોતાની પડતર માગો માટે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે. પહેલાં શિક્ષકો, પછી પોલીસ અને હવે ફાર્માસિસ્ટો.
એટલે કે ગુજરાતમાં સોશિયલ મીડિયા થકી વધુ એક આંદોલન ફાર્માસિસ્ટોનું ઉમેરાયું છે.
જુનિયર ફાર્માસિસ્ટો ટ્વિટર પર #4600 ગ્રેડ પે માટે આંદોલન કરી રહ્યા છે.
તેઓ #4600 સાથે મુખ્ય મંત્રી વિજય રૂપાણી, આરોગ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યકક્ષાના મંત્રી કુમાર કાનાણી વગેરેને ટૅગ કરીને પોતાની માગ મૂકી રહ્યા છે.
ફાર્માસિસ્ટોનું કહેવું છે તેમને લાયકાત કરતાં ઓછો પગાર આપવામાં આવે છે.
આ માટે વિવિધ યુનિયનો થકી સરકારને પણ અનેક વાર રજૂઆતો કરી છે, તેમ છતાં તેમની માગણી ન સંતોષાઈ હોવાનું ફાર્માસિસ્ટોનું કહેવું છે.
ફાર્માસિસ્ટોની માગ શું છે, સરકારે શું પ્રક્રિયા હાથ ધરી છે અને આખો વિવાદ શું છે એ માટે બીબીસી ગુજરાતીએ જુનિયર ફાર્માસિસ્ટો અને ઍસોસિયેશનના પ્રમુખ સાથે વાત કરી હતી.

4600નો ગ્રેડ પે આપવાની માગ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, APURV BAROT
જુનિયરો ફાર્માસિસ્ટોની મુખ્ય માગ છે કે તેમને 4600નો ગ્રેડ પે આપવામાં આવે, તેમજ તેમની એક કૅડર નક્કી કરવામાં આવે છે.
એટલે કે તેમને જુનિયરમાંથી સિનિયર કે અન્ય કોઈ પ્રમોશન મળતું નથી.
તેમનું કહેવું છે કે તેમને ટેકનિકલનો હાયરગ્રેડ મળતો નથી, જેવી રીતે એન્જિનિયરોને મળે છે.
'ગુજરાત રાજ્ય પંચાયત ફાર્માસિસ્ટ ઍસોસિયેશન'ના પ્રમુખ સુભાષ શાહ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે ગુજરાતમાં અને ખાસ કરીને પંચાયતમાં ફરજ બજાવતા જુનિયર ફાર્માસિસ્ટો છે, તેમની ઘણી બધી સમસ્યા છે.
તેઓ કહે છે, "અમારો મુખ્ય મુદ્દો ગ્રેડ પેનો છે. અત્યારે જુનિયરો ફાર્માસિસ્ટોને છઠ્ઠા પગારપંચ પ્રમાણે 2800નો ગ્રેડ પે આપવામાં આવે છે. અમે વારંવાર સરકારને રજૂઆતો કરી છે. પાંચ વરસથી રજૂઆત ચાલે છે. ગુજરાત સરકાર આ મુદ્દે કોઈ પૉઝિટિવ વલણ દર્શાવતી નથી."

નિવૃત્તિ સુધી જુનિયર ફાર્માસિસ્ટ જ

ઇમેજ સ્રોત, APURV BAROT
અપૂર્વ બારોટ 'બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ગર્વમેન્ટ ફાર્માસિસ્ટસ્ ઍસોસિયેશન'ના પ્રમુખ અને ફાર્માસિસ્ટ પણ છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે "જ્યારે સરકારી નોકરીની વાત આવે ત્યારે એન્જિનિયરોની જીપીએસસી દ્વારા સીધી ક્લાસ-2 તરીકે ભરતી થાય છે, તેમને હાયર પ્રમોશન મળે છે. જ્યારે અમારો પણ તેમની સમકક્ષ અને ટેકનિકલ કોર્સ છે, તેમ છતાં અમને સરકારી નોકરીમાં કોઈ પ્રમોશન મળતું નથી, અમને ક્લાસ-3માં ગણવામાં આવે છે અને ગ્રેડ પે ઓછો આપવામાં આવે છે."
સુભાષ શાહ પણ કહે છે, "પંજાબ, હરિયાણા, સાઉથનાં કેટલાંક રાજ્યોમાં ફાર્માસિસ્ટનાં પ્રમોશનની પ્રોપર લિંક છે. તેમને છેલ્લે ડેપ્યુટી ડાયરેક્ટર સુધીની પોસ્ટ પર પ્રમોશન મળે છે. જ્યારે ગુજરાતમાં એવું નથી. અહીં પંચાયત વિભાગમાં ફાર્માસિસ્ટ લાગે ત્યાંથી નિવૃત્ત પણ જુનિયર ફાર્માસિસ્ટ તરીકે જ થાય છે."

શું આખો વિવાદ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અપૂર્વ બારોટ આખા વિવાદને ટેકનિકલી રીતે વિસ્તારથી સમજાવે છે અને તેમની માગ વાજબી હોવાનું કહે છે.
તેઓ કહે છે, "ધોરણ બાર સાયન્સ પછી થતા એન્જિનિયરિંગ અને ફાર્મસી એ બંને ટેકનિકલ કોર્સ છે. બંનેનો બીફાર્મ અને બેચલર ઑફ એન્જિનિયરિંગના શિક્ષણનો સમયગાળો સરખો (ચાર વર્ષ) છે. પોસ્ટ ગ્રેજ્યુએટનો સમય પણ એમઈ, એમફાર્મ માટે બે વર્ષનો છે."
તેમનું કહેવું છે કે બીફાર્મ, એમફાર્મનું શિક્ષણ સરખું હોવા છતાં તેમને વહીવટ અપાતો નથી કે પ્રમોશન મળતું નથી.
તેમજ રાજ્યકક્ષાએ એડિશનલ ડાયરેક્ટર સુધીની પોસ્ટ પર તેઓને પ્રમોશન મળે તેવી તેમની માગ છે.
અપૂર્વ બારોટ વધુમાં કહે છે, "એન્જિનિયરોને 10મા ધોરણ પછી ડિપ્લોમા ત્રણ વર્ષનું હોય છે. જ્યારે અમારે બારમા પછી બે વર્ષ ડિપ્લમોમા હોય છે. નોકરીમાં એમનો (એન્જિનિયરો) 10+3 અને અમારો 12+2 અને બે વર્ષનો અનુભવ પણ માગે છે. તેમને 10+3 હોવા છતાં 4200નો ગ્રેડ પે છે અને અમને 12+2 હોવા છતાં 2800નો ગ્રેડ પે મળે છે."
ગ્રેજ્યુએશનની વાત કરતાં તેઓ કહે છે, "એન્જિનિયરોને બારમા પછી બીઈ થયા પછી 4600નો ગ્રેડ પે આપવામાં આવે છે. અને અમને 12 સાયન્સ પછી બીફાર્મ કર્યું હોવા છતાં, સરખું એજ્યુકેશન હોવા છતાં 2800નો ગ્રેડ પે આપવામાં આવે છે. આથી સરખું શિક્ષણ હોવાથી અમને પણ 4600નો ગ્રેડ મળવો જોઈએ."
'ગુજરાત રાજ્ય પંચાયત ફાર્માસિસ્ટ ઍસોસિયેશન'ના પ્રમુખ સુભાષ શાહ પણ કહે છે કે "ગુજરાત સરકાર બેચરલ ઑફ એન્જિનિયરો વગેરે 4600નો ગ્રેડ પે આપે છે. તેમની અને ફાર્માસિસ્ટોની લાયકાત સમકક્ષ કહેવાય. ફાર્મસી અને એન્જિનિયરિંગ બંને બેચરલ ડિગ્રી ધરાવતી શાખાઓ છે."

'વારંવાર રજૂઆત છતાં અમલ નહીં'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આ સમગ્ર મામલે સરકારને રજૂઆત પણ કરાઈ છે અને સંબંધિત વિભાગે તેમની માગોને યોગ્ય પણ ઠેરવી હોવાનું જાણવા મળ્યું છે.
સુભાષ શાહ કહે છે કે અમે લૉકડાઉન પહેલાંથી વિભાગ દ્વારા ફાઇલ મૂકી છે. આરોગ્ય વિભાગ અને પંચાયત વિભાગ આ માગણીને યોગ્ય ગણીને સહમતી પણ બતાવે છે.
"બંને વિભાગોએ ફાઇલ આગળ મોકલી છે, એનો સીધો અર્થ એ થાય કે એ લોકો આ માગ સાથે સહમત છે જ. પણ નાણાવિભાગમાંથી બે વાર આ ફાઇલ પરત આવી છે."
સુભાષ શાહના કહેવા અનુસાર પંજાબ, હરિયાણા સહિત દક્ષિણનાં બે-ત્રણ રાજ્યોએ કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે તેનો અમલ કરી દીધો છે, પણ ગુજરાત સરકારે વારંવાર રજૂઆત છતાં અમલ કર્યો નથી.
ફાર્માસિસ્ટોની માગ અને રજૂઆત મામલે સરકારમાં પ્રક્રિયા કેટલી આગળ વધી છે અને સરકારનું શું કહેવું એ મામલે બીબીસી ગુજરાતીએ આરોગ્ય વિભાગનાં અગ્રસચિવ જયંતી રવિ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમણે "આ મામલે મારે જોવું પડે" માત્ર એટલું કહીને આગળ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.
બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં રાજ્યના નાયબ મુખ્ય મંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે આ મામલે માત્ર એટલું જ જણાવ્યું કે "કોરોનાના કપરાકાળ અને વરસાદના સંકટ વચ્ચે અમે સારી કામગીરી કરી રહ્યા છે, એવા સમયે સોશિયલ મીડિયામાં આવી અફવાઓ ફેલાવાનો પ્રયાસ થઈ રહ્યો છે"



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












