ચીનની તૈયારીની જાસૂસી માહિતી ભારતને કેમ ન મળી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જુગલ પુરોહિત
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતના પૂર્વ સૈન્યજાસૂસી પ્રમુખ જનરલ (રિટાયર્ડ) અમરજિત બેદીનું કહેવું છે કે ભારતે પોતાની જાસૂસી એજન્સીઓની ભૂમિકાની સમીક્ષા કરવી જોઈએ અને ચીનસંકટ સમાપ્ત થયા બાદ એને દુરસ્ત કરવી જોઈએ.
જનરલ બેદીએ બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે જે ભારતીય સૈનિક ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે લડ્યા હતા, તેમની પાસે જાસૂસી ચેતવણી પહોંચવી જોઈતી હતી.
એમણે કહ્યું, "આપણા સૈનિકોને પહેલાંથી ચીની સૈનિકોની ગતિવિધિ વિશે જાણકારી મળવી જોઈતી હતી."
"મને લાગે છે કે આ સંકટ સમાપ્ત થયા પછી આ વિશે સંપૂર્ણ તપાસ થવી જોઈએ. આપણા સૈનિકોને આ વિશે અંદાજ પણ ન આવ્યો."
"ભવિષ્યમાં આપણી સિસ્ટમમાં સુધારવા માટે પણ એ જરૂરી છે. ફક્ત સેનાની અંદર જ નહીં, જાસૂસી એજન્સીઓ અને અન્ય તમામ સંસ્થાઓની અંદર પણ આ તપાસ થવી જોઈએ."
"આ પ્રકારની તપાસ અમે કારગિલ હુમલા પછી કરી હતી, જે માટે વિશેષ ટાસ્કફૉર્સ બનાવવામાં આવી હતી."

ઇમેજ સ્રોત, Tpg
જનરલ બેદીનું માનવું છે કે ચીને જેવું આક્રમક વલણ અપનાવ્યું અને હિંસક સંઘર્ષમાં જે રીતે ભારતીય સૈનિકો માર્યા ગયા, તેનાથી જાણ થાય છે કે ચીને ખૂબ જ યોજનાબદ્ધ રીતે આ તમામ બાબતો પર કામ કર્યું છે.
બેદી કહે છે, "મને લાગે છે કે ચીન લાંબા સમયથી આની ઉપર કામ કરી રહ્યું હતું. શક્ય છે કે એમણે માર્ચ-એપ્રિલથી જ આ બધી તૈયારીઓ શરૂ કરી દીધી હોય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગલવાન ઘાટીમાં હુમલા પછી ભારતીય વિદેશ મંત્રાલયે જાતે જ આને 'યોજનાબદ્ધ' અને 'પૂર્વાયોજિત' ગણાવ્યું હતું.
તો શું ભારતની જાસૂસી એજન્સીઓ પાસે એટલી ક્ષમતા નથી કે 'યોજનાબદ્ધ' અને 'પૂર્વાયોજિત' હુમલાઓ વિશે સેનાને ઍલર્ટ કરી શકે?
આ સવાલના જવાબમાં જનરલ બેદીએ કહ્યું, "હું એમ તો ન કહી શકું કે આ જાસૂસી અને મૉનિટરિંગ એજન્સીઓની નિષ્ફળતા છે."
"આપણે પણ પોતાને તૈયાર રાખ્યા હતા. પરંતુ આપણને લાગ્યું હતું કે ચીન સંધિઓની કલમો અનુસાર કામ કરશે, પણ એમ ન થયું."
જનરલ બેદી માર્ચ સુધી ભારતના સૈન્ય જાસૂસી પ્રમુખ હતા. શું ત્યાં સુધી ચીનની યોજનાઓ વિશે ભારતને કંઈક જાણકારી મળી શકી હતી.
આના જવાબમાં એમણે કહ્યું, "અમને ચીનની અંદર થનારી તમામ પ્રકારની ગતિવિધિ, જેમકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું, સૈન્ય અભ્યાસ હોય કે પછી કોઈ પ્રકારની અસામાન્ય ગતિવિધિ હોય તો એના વિશે જાણકારી મળતી હતી."
"માર્ચ સુધી અમને ચીની સૈનિકોના અભ્યાસ વિશે કંઈક સંકેતો મળ્યાં હતાં, જેની જાણકારી અમે આગળ પહોંચાડી હતી."
ચીનની જાસૂસી અને મોનિટરિંગ એજન્સીઓની ક્ષમતા વિશે જનરલ બેદીનો શું અભિપ્રાય છે?
જનરલ બેદી કહે છે, "ચીન પાસે સંસાધન નિ:શંકપણે વધારે રહ્યાં છે. સમયની સાથોસાથ ચીને પોતાની સૈન્ય ક્ષમતામાં સુધારો પણ કર્યો છે."
"ચીન પાસે ભારતની સરખામણીમાં ત્રણ-ચાર ગણા વધુ સેટેલાઈટ છે. એટલે એ સ્પષ્ટ છે કે તેની ક્ષમતા આ સમયે ઘણી વધારે છે."
સાથે જ તેઓ કહે છે કે "હું એમ નહીં કહું કે ચીનની તુલનામાં આપણે ઘણી અછતનો સામનો કરી રહ્યા છીએ. ભારતે પણ સમયની સાથે પોતાની કાબેલિયતમાં વધારો કર્યો છે."
હાલના સમયમાં જ્યારે ભારત અને ચીન વચ્ચે ભારે ઘર્ષણની સ્થિતિ છે તો શું ભારતનાં સેટેલાઇટ આપણને સરહદની સ્પષ્ટ તસવીર આપી શકવામાં સક્ષમ છે?
આ વિશે જનરલ બેદી કહે છે, "આપણા જિયો-સ્પેશિયલ સંસાધનોમાં પાછલાં આઠ થી નવ વર્ષોમાં ઘણો વધારો થયો છે. પરંતુ આપણે એ સ્તર પર નથી પહોંચ્યા, જ્યાં આપણે પહોંચવા ઇચ્છીએ છીએ."
"સેટેલાઇટ એવાં હોવાં જોઈએ, જે સારાં-ખરાબ તમામ વાતાવરણમાં આપણને જમીનની સ્થિતિ વિશે માહિતગાર કરી શકે."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














