You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદમાં કોરોનાના દર્દીની રઝળતી લાશનો વિવાદ શું છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
અમદાવાદમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીનો મૃતદેહ બીઆરટીએસના સ્ટેશનમાંથી મળી આવ્યા બાદ વિવાદ થયો છે.
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં કોરોના સંક્રમિત શખ્સનો મૃતદેહ પડેલો મળી આવ્યો હતો. આ વિસ્તાર અમદાવાદના હૉટસ્પૉટમાંનો એક વિસ્તાર છે.
આ મામલે હાલ ગુજરાત સરકારે તપાસના આદેશ આપ્યા છે અને મુખ્ય મંત્રીએ 24 કલાકમાં રિપોર્ટ સોંપવાના આદેશ કર્યા છે.
શું છે સમગ્ર ઘટના?
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આ મૃતકને કોરોનાનાં લક્ષણો જણાતાં તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જીએસટીવીના અહેવાલ અનુસાર આ મૃતકને 10 મેના રોજ સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી.
જે બાદ તેમનો મૃતદેહ દાણીલીમડા બીઆરટીએસ સ્ટેશનમાંથી મળી આવ્યો હતો. સ્થાનિક મીડિયામાં આ મામલેના અહેવાલ પ્રસારિત થયા બાદ તેના પર હોબાળો થયો હતો.
શનિવારે જ ગુજરાતમાં કોરોના વાઇરસના કેસનો આંકડો 10,000ને પાર થઈ ગયો હતો. ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાની સૌથી વધારે ગંભીર સ્થિતિ છે. એકલા અમદાવાદમાં જ 8,000 જેટલા કેસો છે.
મૃતદેહ મામલે તપાસના આદેશ
હવે આ મામલે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. પૂર્વ આરોગ્ય સચિવ જે. પી. ગુપ્તા આ ઘટનાની તપાસ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
24 કલાકમાં આ ઘટનાનો રિપોર્ટ સોંપવાના આદેશ કરવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે આ મામલે થયેલી બેદરકારીને સાંખી નહીં લેવાય અને જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવશે.
આ મામલે તપાસ કરી રહેલા એ.સી.પી. મિલાપ પટેલે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખને જણાવ્યું, "આ મામલે વહેલી સવારે પોલીસને જાણ કરવામાં આવી હતી અને જાણ થતાં જ પોલીસ બીઆરટીએસના બસસ્ટેશન પર પહોંચી ગઈ હતી."
"જે વ્યક્તિનું મૃત્યુ થયું છે, તેમને હોમ ક્વોરૅન્ટીન માટે સિવિલ હૉસ્પિટલમાંથી મોકલી દેવાયા હતા."
"પોસ્ટમૉર્ટમ કરીને મૃતદેહ પરિવારજનોને સોંપી દેવાયો છે અને તપાસનો રિપોર્ટ મુખ્ય મંત્રીને મોકલવામાં આવશે."
મૃતકના પુત્રે આ મામલે જણાવ્યું છે, "તબિયત સારી ન હોવાથી મારા પિતાને 10મી મેના રોજ સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. 15મી મેએ મોડી રાતે દાણીલિમડા પોલીસે જાણ કરીને જણાવ્યું કે એમનો મૃતદેહ મળી આવ્યો છે અને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવાયો છે."
મૃતકના પુત્રનો આરોપ છે કે સિવિલ હૉસ્પિટલના તબીબોએ તેમને કોઈ પણ પ્રકારની જાણ નહોતી કરી.
આ મામલે સિવિલ હૉસ્પિટલના ડીન એમ.એન. પ્રભાકરે ભાર્ગવ પરીખને જણાવ્યું, "મૃતક અસિમ્પૉમેટિક હતા અને નવી માર્ગદર્શિકા પ્રમાણે તેમને ઘરે મોકલીને હોમ ક્વોરૅન્ટિનમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી. તમામ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ એમને ખાસ આવી મુસાફરી માટે ફાળવાયેલી એએમટીએસની બસ મારફતે ઘરે મોકલાયા હતા. આ અંગેની જાણ જે-તે અધિકારીએ કરવામાં આવી હતી, જેથી તેમના પરિવારજનોને માહિતગાર કરી શકાય"
કોરોના વાઇરસના સંક્રમિતોના કેસમાં ગુજરાત રાજ્ય હાલ મહારાષ્ટ્ર બાદ દેશમાં બીજા ક્રમે છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 10,989 જેટલા કોરોનાના કેસો આવી ચૂક્યા છે.
કોરોનાને કારણે થયેલા મોતના આંકડામાં પણ ગુજરાત રાજ્ય બીજા ક્રમે છે, અત્યાર સુધીમાં કુલ 625 લોકોનાં મોત થયાં છે.
અમદાવાદમાં સૌથી ગંભીર સ્થિતિ
રાજ્યમાં સૌથી વધારે ગંભીર સ્થિતિ અમદાવાદ શહેરમાં છે. રાજ્યના કુલ 10, 989 કેસોમાં 8,144 કેસો તો માત્ર અમદાવાદમાં જ છે.
અમદાવાદ શહેરમાં કુલ 493 લોકોનાં મોત થયાં છે. હાલ જ અમદાવાદમાં 700 જેટલા સુપર સ્પ્રેડર પણ મળી આવ્યા છે.
અમદાવાદની સ્થિતિને વધારે ખરાબ થતી અટકાવવા માટે અહીં 7 મેથી 15 મે સુધી સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.
શાકભાજી, કરિયાણાની દુકાનો સહિતના વ્યવસાયો બંધ કરી દેવામાં આવ્યા હતા. માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રાખવામાં આવી હતી.
15 મે બાદ હવે શહેરમાં કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. અમદાવાદ દેશનાં એ શહેરોમાં છે જેને કોરોના હૉટસ્પૉટ જાહેર કરવામાં આવ્યાં છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો