શું બબેસિયોસિસ વાઇરસને લીધે ગીરના સિંહોનાં મૃત્યુ થઈ રહ્યાં છે?

ઇમેજ સ્રોત, BHUSHAN PANDYA
- લેેખક, બ્રિજલ શાહ
- પદ, બીબીસી ગુજરાતી
બે મહિનામાં ગીર જંગલની ત્રણ રેન્જમાં 21 સિંહના મૃત્યુ થયાં છે. જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
આ અગાઉ વર્ષ 2018માં પણ CDV વાઇરસને લીધે સિંહોનાં મૃત્યુના મુદ્દે ચર્ચા છેડાઈ હતી.
માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં ગીરની ત્રણ રેન્જ તુલસીશ્યામ, જસધારા અને હડાળામાં 21 સિંહના મોત થયાં એટલે વન્યસંરક્ષકો અને પ્રાણીપ્રેમીઓ માટે તે ચિંતાનો વિષય બન્યો છે.
ગીરમાં દર પાંચ વર્ષે સિંહની ગણતરી કરવામાં આવે છે. 2015માં થયેલી ગણતરી પ્રમાણે સિંહની સંખ્યા 523 હતી. ત્યારબાદ વર્ષ 2018 સુધીમાં કુલ 184 સિંહનાં મૃત્યુ થયાં હતાં અને હવે ફરીથી મોત થયાં છે.

સિંહના મોતનું શું કારણ?

ઇમેજ સ્રોત, Getty Images
ગીર પૂર્વના વન વિભાગનું કહેવું છે કે સિંહમાં કોઈ પણ પ્રકારના રોગચાળાનાં લક્ષણો નથી જોવા મળ્યાં.
જૂનાગઢ વાઇલ્ડલાઇફ સર્કલના મુખ્ય વનસંરક્ષક ડી. ટી. વસાવડાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે 2018માં સિંહમાં જોવા મળેલા કેનાઇન ડિસ્ટેમપર વાઇરસ (CDV)નાં લક્ષણ હાલ મૃત્યુ પામેલા 21માંથી એકેય સિંહમાં નથી જોવા મળ્યાં અને જુદાં-જુદાં કારણસર આ સિંહોનાં મોત થાય છે.
મોતનાં કારણો વિશે વાત કરતાં તેઓ કહે છે કે કેટલાકનાં સાપ કરડવાને લીધે તો કેટલાકનાં મોત કૂવામાં પડી જવાથી થયાં છે.
તેઓ કહે છે કે મૃત્યુ પામનાર સિંહોમાં બાળ, મધ્યમ વય અને વૃધ્ધનો પણ સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૃત્યુ પામેલા સિંહ સિવાય હાલ ઘણા સિંહ અને સિંહબાળ સારવાર હેઠળ છે એવા પણ અહેવાલો આવ્યા હતા.
તે મુદ્દે વસાવડા તેમની પ્રતિક્રિયા જણાવતાં કહે છે કે એકાએક મૃતકાંક વધવાથી વનવિભાગ પણ ચિંતામાં છે એટલે હાલ વધુ તપાસ ચાલી રહી છે.
દસેક જેટલા સિંહની સારવાર જસધારા અને અન્ય રેસ્ક્યુ સેન્ટર ખાતે કરવામાં આવી રહી છે.
વસાવડા કહે છે કે એકાદ સપ્તાહમાં સારવાર પૂરી થઈ જશે અને જો તેમનું સ્વાસ્થ્ય સારું હશે તો તેમને પરત જંગલમાં ખુલ્લા મૂકી દેવામાં આવશે.
છેલ્લા ત્રણ માસ દરમિયાન બબેસિયોસિસ (બબેશિયા)ને લીધે આ સિંહોનાં મૃત્યુ થયાં છે તેવા અહેવાલને રદિયો આપતા વસાવડા કહે છે, "સાતથી આઠ સિંહમાં જ બબેશિયાનાં લક્ષણ જોવાં મળ્યાં હતાં. એટલે એમ ન કહી શકાય કે બબેશિયાના લીધે બધા સિંહ મૃત્યુને ભેટ્યા કે પછી બબેશિયા જ તેનું મુખ્ય કારણ છે."

બબેસિયોસિસ (બબેશિયા) શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
બબેસિયોસિસ એટલે ઝીણી જીવાત કે જેને 'ટીક્સ' અથવા 'લોહી પીતી જીવાત'ના નામે પણ ઓળખવામાં આવે છે.
તેના દ્વારા થતો રોગ જે લાલ રક્તકોશિકાઓને સંક્રમિત કરે છે અને ચોક્કસ બગાઈઓ દ્વારા ફેલાય છે.
પ્રાણીઓ સિવાય માનવીને પણ આ રોગ થઈ શકે છે. ફ્લુ કે તાવ આવવો આ રોગનાં સામાન્ય લક્ષણ છે.
ઘણી વખત લક્ષણ ન હોય તો આ રોગની હાજરી જોવા મળે છે. જોકે તેનો ઇલાજ પણ શક્ય છે, એવી માહિતી અમેરિકા સરકારના સેન્ટર ફૉર ડિઝીસ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન વિભાગની વેબસાઇટ પર આપેલી છે.
2018માં જ્યારે સપ્ટેમ્બરથી ઑક્ટોબરના એક જ મહિનાના સમયગાળામાં 23 સિંહનાં મૃત્યુ થયાં ત્યારે બીબીસી સાથેની વાતચીતમાં વસાવડાએ પણ છ સિંહના શરીરમાં ટીક્સ (લોહી પીતી જીવાત)ના પ્રોટોઝોઆ ઇન્ફૅક્શનનું પ્રમાણ જોવા મળ્યું હોવાની વાત સ્વીકારી હતી.
સરકારે પણ ત્યારબાદ પ્રેસ-કૉન્ફરન્સ કરીને આ અંગે વધુ માહિતી જાહેર કરી હતી. તેમજ અમેરિકાથી તેની દવા મંગાવીની અસરગ્રસ્ત સિંહની સારવાર કરવામાં આવી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં ગુજરાત વનવિભાગના ઉચ્ચ અધિકારીને ટાંકીને લખવામાં આવ્યું છે કે 'લોહીની એક બીમારી જેને બબેશિયા તરીકે ઓળખવામાં આવે છે તેને લીધે છેલ્લા બે મહિનામાં ઘણાં પ્રાણીઓએ જીવ ગુમાવ્યા છે.'
'જોકે આ પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.'

બે માસમાં 21 સિંહનાં કુદરતી મોત?
ગુજરાત વન્યજીવન બોર્ડના સભ્ય ભૂષણ પંડ્યા આ પ્રશ્નનો જવાબ આપતાં કહે છે કે સિંહનાં 10 બચ્ચાં જન્મે તેમાંથી યુવા વયના થાય ત્યાં સુધીમાં અંદાજે ત્રણ જ બચે છે.
તેઓ કહે છે, "કોઈકને કોઈ રીતે એટલે કે આંતરિક લડાઈમાં અથવા અન્ય કોઈ કુદરતી રીતે સાત બચ્ચાં મોતને ભેટે છે. વૃદ્ધ સિંહ હોય તો પણ વાત ગળે ઊતરે, પણ જ્યારે ટપોટપ સિંહનાં મૃત્યુ થવાં લાગે તો તે વાત અવશ્ય સંશોધનનો વિષય બને છે."
વન્યજીવોના સંરક્ષણ માટે કાર્યરત બાયૉલૉજિસ્ટ અને મેટાસ્ટ્રિંગ ફાઉન્ડેશનના CEO ડૉ. રવિ ચેલ્લમ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે સિંહોનું નિયમિતરૂપે મૃત્યુ થવું સ્વાભાવિક છે.
"યુવાન બચ્ચાં કે નબળાં અથવા રોગગ્રસ્ત વૃદ્ધ પ્રાણીઓ અવાર-નવાર મૃત્યુ પામતાં હોય છે. અંદરોઅંદર લડવાથી પણ ઘણી વખત તેઓ મોતને ભેટે છે. એટલે અહીં પ્રશ્ન એ નથી કે આટલા સમયમાં આટલા સિંહ કેમ મરી ગયાં, પણ મુખ્ય પ્રશ્ન એ છે કે સિંહો કયા સંજોગોમાં મૃત્યુ પામ્યા?"
"મૃત્યુ પામેલા જીવોની વય અને લિંગ શું હતાં? તેઓ કયા વિસ્તારમાં અંતિમ શ્વાસ લઈ રહ્યા છે? મોતનું વાસ્તિવક કારણ શું છે?"
"દુર્ભાગ્યે આ પ્રશ્નોના લગભગ ક્યારેય યોગ્ય જવાબ નથી મળતાં. પરિણામે ગીર અને આજુબાજુના વિસ્તારના સિંહ સાથે શું થઈ રહ્યું છે તે જાણવા માટે આપણી પાસે પૂરતી માહિતી પણ નથી."

ચિંતાનો વિષય કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
જો સિંહોમાં કૅનિન ડિસ્ટેમ્પર વાઇરસનાં (CDV) લક્ષણ ન હોય અને બબેશિયાની દવા અને સારવાર હોય તો સિંહનો મૃતકાંક કેમ વધી રહ્યો છે?
ડૉ. ચેલ્લમ જણાવે છે કે "વનવિભાગ કહે છે કે હાલ મૃત્યુ પામેલા સિંહોમાં CDVનાં કોઈ લક્ષણ નથી જોવાં મળ્યાં તો ટેસ્ટના રિપોર્ટ ક્યાં છે કે જેને લીધે સિંહોનાં મૃત્યુ થયાં છે?"
તેઓ કહે છે, "મારી જાણ મુજબ પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજી (NIV)માં હજી તો સૅમ્પલ્સ મોકલવામાં આવ્યાં છે અને પરિણામની રાહ જોવાઈ રહી છે."
"2018માં પણ જ્યારે એક માસમાં 23 સિંહ મૃત્યુ પામ્યાં હતાં ત્યારે પણ ટેસ્ટનાં પરિણામ જાહેરમાં આવ્યાં ત્યાં સુધી વનવિભાગ કોઈ જ વાઇરસનું સંક્રમણ નથી એવી વાત કરતું હતું."
2018માં મૃત્યુ પામેલા કેટલાક સિંહમાં CDVનાં લક્ષણ મળી આવ્યાં હતાં તો કેટલાકમાં બબેસિયોસિસનાં લક્ષણ દેખાતાં હતાં.
એ વાતની પુષ્ટિ કરતા હોય તેમ ઇન્ડિયન એક્સપ્રેસમાં રજૂ થયેલા એ જ અહેવાલમાં અધિકારી વધુ માહિતી આપતા જણાવે છે કે '2018માં એ વાત નોંધવામાં આવી હતી કે CDV અને બબેસિયોસિસ એક કૉમ્બિનેશન જેવા છે.'
'કોરોના વાઇરસ જેવા એટલે કે બે જુદી બીમારીઓનો એક ભાગ સમાન. જે એકલા હોય ત્યારે એટલાં જોખમી નથી હોતાં, પણ બંનેમાંથી એકેય બીમારી જો કોઈને થઈ હોય અને બીજી લાગુ પડે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે.'
આ બંને બાબતો સિવાય ત્રીજું પાસું, તે જણાવતાં ભૂષણ પંડ્યા કહે છે કે "2018માં CDVની ઘટના બાદ ગીરની સરસિયા રેન્જમાં 33 સિંહના સમૂહને સાવચેતીના ભાગરૂપે પકડવામાં આવ્યા હતા અને CDVની વૅક્સિન આપવામાં આવી હતી."
"જેમાં 21-21 દિવસના અંતરે દવામાં આપવામાં આવે અને સારવાર બાદ સાજા થયેલા સિંહને ફરી જંગલમાં છોડવાની વાત કરવામાં આવી હતી. પણ આજ સુધી તેમને છોડવામાં નથી આવ્યા."
"દર વખતે બોર્ડની મિટિંગમાં આ પ્રશ્ન ઉદભવતો કે એ 33 સિંહોને ક્યારે છોડવામાં આવશે? તો આજે કે કાલે, એકસાથે છોડીશું કે એક-એક એમ વિચાર-વિર્મશ કરતાં-કરતાં એક વર્ષ નીકળી ગયું."
"ત્યારબાદ જણાવવામાં આવ્યું કે હવે એક વર્ષ થઈ ગયું છે તો કોઈ પણ નિષ્ણાત તેમને મુક્ત કરવાના પક્ષમાં નથી. ફરી જો તેમનામાં કદાચ CDVનાં લક્ષણ દેખાય તો અન્ય મુક્ત સિંહોના જીવ પર જોખમ તોળાશે. એટલે આ પુરાયેલા સિંહોને બ્રિડિંગ યોજના (પ્રજનન) હેઠળ મોકલાશે."
રવિ ચેલ્લમ પણ આ ઘટનાની નોંધ લેતા કહે છે કે "આટલા સિંહને બચાવ્યા એમ કહેવામાં આવે છે એટલે તેનો અર્થ શું છે? આ જંગલી સિંહ છે કે નહીં?"
"એક વખત જંગલી પ્રાણીઓને કેદ કરવામાં આવે, ત્યારબાદ જો થોડા દિવસની અંદર તેમને પાછા જંગલમાં ન મૂકવામાં આવે તો એ નૈસર્ગિક વાતાવરણમાં તેમના માટે પણ પરત ફરવું મુશ્કેલ થઈ જાય છે."
તેઓ કહે છે, "વનવિભાગ સિંહની સારસંભાળ કેવી રીતે લે છે તે મહત્ત્વનું છે, કેમ કે તેઓ માત્ર લોકટીકાનો ભોગ ન બને એટલે સિંહના મૃત્યુને રોકી રહ્યા છે જે તદ્દન સ્વાભાવિક છે, પણ જંગલી સિંહોને કેદમાં રાખીને તેઓ સંપૂર્ણપણે તેમની વર્તણૂક બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે."
"આ પ્રયાસ પ્રાણીઓ પર માનસિક તાણ ઊભી કરે છે. કેદમાં રહેલા સિંહની અછત નથી પણ વનવિભાગ જે કરી રહ્યું છે તે જંગલી સિંહ માટે અનૈતિક અને ક્રૂર છે."


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

શું આ બબેશિયાથી બચવાનો કોઈ ઉપાય ખરો?

ઇમેજ સ્રોત, Getty Images
બબેશિયા થયા બાદ પાંચ દિવસની ટ્રીટમેન્ટની પ્રક્રિયા પ્રમાણે સિંહોની સારવાર કરવામાં આવે છે.
પ્રોટોઝોઆ ઇન્ફૅક્શન કે બબેશિયા ઘાસમાં જે જીવાત હોય છે તેના લીધે થાય છે. તેથી જંગલમાં તળાવની ચારેકોર થતાં ઘાસને બાળી નાખવામાં આવે છે.
ભૂષણ પંડ્યાનું આ મામલે માનવું છે કે જેવી રીતે આપણે 'વાઇલ્ડલાઇફ મૅનેજમૅન્ટ' કરીએ છીએ તેવી રીતે 'હેબિટૅટ મૅનેજમૅન્ટ' એટલે કે રહેઠાણ વ્યવસ્થાપન પણ કરવું જોઈએ.
"જ્યાં વધુ પડતું ઘાસ ઊગતું હોય ત્યાંથી ઘાસ કાપીને જ્યાં ઓછું ઊગતું હોય કે વધુ ઘાસની જરૂર હોય (દાખલા તરીકે કચ્છ જેવા વિસ્તારમાં) ત્યાં મોકલી શકાય. ગીરમાં ઘણી જગ્યાએ વર્ષોથી આવી રીતે કામકાજ ચાલે છે."
"એટલે જગંલના સિંહોના રક્ષણ માટે સમસ્યા વધે ત્યારબાદ ઘાસ બાળવા કરતાં પહેલેથી સમયાંતરે કાપણી કરીને જરૂરિયાતવાળા વિસ્તારમાં ગાય-ભેંસના ચારા માટે મોકલાવી શકાય."
ચેલ્લમ કહે છે કે આ સમસ્યા ગુજરાત વનવિભાગ અને રાજ્ય સરકારની પારદર્શિતાના અભાવને લીધે વધુ મોટી બની છે.
તેઓ કહે છે, "સિંહોને રોગથી બચાવવા માટે ટ્રાન્સલોકેશન એટલે કે કેટલાક સિંહોનું બીજે સ્થળાંતર એ તેમના સંરક્ષણની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે."
"કોરોના વાઇરસથી બચવા હાલ જે આપણે કરી રહ્યા છે તે 'સોશિયલ ડિસ્ટન્સિંગ' પણ સિંહો માટે જરૂરી છે."
ચેલ્લમ કહે છે કે "આપણે ક્યારેય ન ભૂલવું જોઈએ કે ભારતની સુપ્રીમ કોર્ટે 15મી એપ્રિલ, 2013ના રોજ આદેશ આપ્યો હતો કે છ મહિનાની અંદર સિંહોનું ટ્રાન્સલોકેશન કરવામાં આવે."
"આજે સાત વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે અને ગુજરાત સરકાર કે ભારત સરકારે બંનેએ આ આદેશનું પાલન કરવા માટે કોઈ ગંભીર પ્રયાસ નથી કર્યો જે ખરેખર શરમજનક બાબત છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














