કોરોના અર્થતંત્ર : ક્રૂડઑઇલમાં મંદી પૂરી થયા બાદ ફરી તેજીનો તોખાર દોડશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બી.બી.સી. ગુજરાતી માટે
છેલ્લા કેટલાક દિવસથી વૈશ્વિક ક્રૂડ બજારમાં જાણે કે અંધકારયુગ બેઠો છે. કોરોના વાઇરસને કારણે ક્રૂડ તથા એના અન્ય ઉત્પાદનોની ખપત એકદમ ઘટી ગઈ છે.
આની સરખામણીમાં ઉત્પાદન ઘટયું નથી એટલે કોરોનાની આ મહામારીના સમયમાં વિશ્વમાં ક્રૂડઑઇલના સ્ટૉકમાં ભરાવો થઈ ગયો છે. ક્રૂડઑઇલના સ્ટોરેજ માટેના ભંડારો તેમજ અન્ય શક્યતાઓ સંપૂર્ણપણે વપરાઈ ચૂકી છે.

શેલમાં 'સેલ'

ઇમેજ સ્રોત, Getty Images
આ કારણોસર ઇતિહાસમાં પહેલીવાર ક્રૂડઑઇલના ભાવ નકારાત્મક ઝોન સુધી પહોંચ્યા. ક્રૂડઑઇલના ઉત્પાદકો માટે આ પીડાદાયક સમય છે.
અમેરિકામાં શેલ (Shale) ઑઇલના ઉત્પાદકોમાંથી ઘણા બધાએ નવું ડ્રિલિંગ માંડી વાળ્યું છે, જ્યારે કેટલાકને તો એમના કાર્યરત કૂવાને પણ બંધ કરવાની ફરજ પડી છે.
આમાં નાના ઑઇલ ઉત્પાદકોનો તો ખુરદો બોલી જશે. જોકે આ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે વધારે પડતા નિરાશાજનક પ્રતિભાવને કારણે આજે જે પરિસ્થિતિ ઉભી થઈ છે તે જ પરિસ્થિતિ આવનાર સમયમાં ક્રૂડઑઇલના ભાવમાં બહુ મોટો ઉછાળો આવે તેવી શક્યતાનું સર્જન કરશે.
આ નિષ્ણાતો માને છે કે ક્રૂડઑઇલના ભાવ ઐતિહાસિક સપાટીએ નીચા ઉતરી ગયા છે, પણ આ પછીનું સ્ટેજ એ ક્રૂડઑઇલમાં તેજીનું સ્ટેજ હશે.
આજે અડધોથી પણ વધુ દુનિયામાં લૉકડાઉનનો છે. પેસેન્જર માટેની વિમાની સેવાઓ સ્થગિત છે, ફેક્ટરીઓ બંધ છે, રેલવે અને રોડ જેવી ટ્રાન્સપૉર્ટ સેવાઓ પણ કોરોનાની પરિસ્થિતિની અસરમાં લગભગ બંધ જેવી પડી છે. આ સ્થિતિમાં ક્રૂડઑઇલની માગ રોજના 92 લાખ બૅરલ જેટલી ઘટી જાય એવું ઇન્ટરનેશનલ ઍનર્જી એજન્સીનું માનવું છે, પણ આ કાયમી પરિસ્થિતિ નથી.
વિકાસની 'વાટ' વસમી
વિશ્વના કેટલાય દેશોની અર્થવ્યવસ્થા 2020માં નકારાત્મક વિકાસ દર્શાવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશ્વ વ્યાપારમાં લગભગ 40 ટકા જેટલી ઘટ આવશે પણ આ પરિસ્થિતિ ઘણા બધા નિષ્ણાતો અને ઇન્ટરનેશનલ મૉનિટરિંગ ફંડના અંદાજ મુજબ વર્ષ 2021-22માં ખૂબ મોટા પાયે બદલાશે.
2020-21ની મંદી પછી 2021માં વિકાસ પાછો આળસ મરડીને બેઠો થશે.
તે સમયગાળા દરમિયાન 2021-22માં ઇન્ટરનેશનલ મૉનિટરિંગ ફંડ દ્વારા જી.ડી.પી. (ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ, સકળ ઘરેલું ઉત્પાદન) વિકાસદરનો જે અંદાજ મૂકવામાં આવ્યો છે તે સરખામણી ઉપરના કોઠામાં આપી છે.
ઇન્ટરનેશનલ મૉનિટરિંગ ફંડના આ અંદાજ મુજબ જેવી પરિસ્થિતિ બદલાઈ અને દુનિયામાં સામાન્ય સ્થિતિ ફરીથી સ્થપાઈ એટલે ક્રૂડઑઇલની માગમાં એકદમ ઉછાળો આવશે.

ક્રૂડની 'કાલ'

ઇમેજ સ્રોત, Getty Images
આ સમયે એવું બનવાની પૂરેપૂરી સંભાવના છે કે અત્યારે ક્રૂડઑઇલના સ્ટૉકનો જે ભરાવો થયો છે અને નવી આવકોને સંઘરવા માટેની જગ્યા નથી તેનાથી બરાબર વિપરીત 2021નું વર્ષ ક્રૂડઑઇલની માગમાં એકદમ ઉછાળો અને ભાવોમાં પણ આગઝરતી તેજીનું હોઈ શકે.
મે-2020ની શરૂઆતથી ઑપેક, રશિયા અને ક્રૂડઑઇલનું ઉત્પાદન કરતાં બીજા કેટલાક દેશોએ રોજના એક કરોડ બૅરલનો ઉત્પાદન કાપ મૂકવાનું સ્વૈચ્છિક રીતે સ્વીકાર્યું છે.
હાલની બજારોની જે સ્થિતિ છે તે અમેરિકા જેવાં નૉન-ઑપેક ઉત્પાદકોને પણ ફરજિયાત ઉત્પાદનકાપ તરફ લઈ જઈ રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઑઇલ ફ્યૂચર્સમાં જે લોકો ધંધો કરે છે એ કૉન્ટ્રેક્ટની અવધિ પૂરી થાય એટલે ખરીદનારે એની ડિલિવરી લેવી ફરજીયાત છે, પણ મે મહિનાના કૉન્ટ્રેક્ટવાળા કોઈનેય ડિલિવરી લેવી નથી કારણ કે એને સંઘરવા માટેની સ્ટોરેજ ક્ષમતા ઉપલબ્ધ નથી.
જ્યાં થોડી ઘણી પણ આ સ્ટોરેજ ફૅસિલિટી ઉપલબ્ધ છે, ત્યાં સ્ટોરેજના ભાવ આકાશે આંબી રહ્યા છે અને આ કારણથી મે મહિનાનો કૉન્ટ્રેક્ટ કરીને બેઠેલા લોકો આવતા મહિને (મે 2020) ડિલિવરી કઈ રીતે નહીં લેવી એની ઝંઝટમાં પડ્યા છે.
શેલ ઑઇલ અને સંગ્રહ

ઇમેજ સ્રોત, Getty Images
આ પરિસ્થિતિમાં અમેરિકામાં ઑઇલ ફ્યૂચર્સમાં હજુ પણ કડાકો બોલી જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય.
આનું કારણ ક્રૂડઑઇલ ઝડપથી સળગી ઉઠે તેવું તેમજ હેરફેર કરવામાં મુશ્કેલી પ્રકારનું પ્રવાહી છે.
આ સિવાય તે પ્રદૂષણનો મોટું સ્ત્રોત છે અને રિફાઇનરી ન હોય તેના માટે તેનો કશો ખપ નથી.
અમેરિકાની શેલ ઑઇલ ફૅસિલિટી આને કારણે અત્યાર સુધી કોઈ પણ મહિનાનો મોટામાં મોટો ભાવઘટાડો જોશે, એવું રાયસ્ટાડ ઍનર્જીનું કહેવું છે.
ગયા વરસના ઉત્પાદન કરતાં આ કારણથી એપ્રિલ 2020માં શેલ ઑઇલનું ઉત્પાદન 60 ટકા ઘટી જાય એવી શક્યતા છે.
સ્ટોરેજ નહીં હોવાને કારણે ફરજિયાત રીતે ઉત્પાદકોએ પોતાનું ઉત્પાદન બહુ મોટા પાયે ઘટાડવું પડશે, જેથી બજારમાં સંતુલન જળવાઈ રહે.
બસ આ જ કારણ એક વખત માગમાં વધારો થવાનો શરૂ થયો એટલે ભવિષ્યની અભૂતપૂર્વ તેજીનો પાયો નાખનારું બનશે.
નિષ્ણાતોના મત પ્રમાણે, 2021માં બરાબર આ જ સમયે 60 ડૉલર પ્રતિબૅરલ કે એથી વધારે પ્રતિબૅરલની સપાટીએ ક્રૂડના ભાવ પહોંચશે.

કંપનીઓ 'કૂવો પૂરશે'?

ઇમેજ સ્રોત, Getty Images
ક્રૂડઑઇલના ઉત્પાદનમાં ઉત્પાદક કંપનીઓ બે રીતે કાર્યરત બની છે; પહેલું, નવા ડ્રિલિંગ ઉપર કાપ મૂકીને નવા તેમજ અડધે રસ્તે પહોંચેલા કૂવાનું કામ રોકવામાં આવી રહ્યું છે.
2020માં પશ્ચિમ ટેક્સાસમાં આવેલા શેલ ઑઇલફિલ્ડમાં Exon mobil કંપનીએ 30 ટકાનો કાપ મૂકયો છે જે એનું ઉદાહરણ છે.
બીજું અને ખૂબ અગત્યનું તારણ ઑઇલ ઉત્પાદકો અતિકષ્ટદાયક પ્રક્રિયાને અનુસરીને હાલ પૂરતું હયાત કૂવાના ઉત્પાદન બંધ કરવા ઉપર ધ્યાન આપી રહ્યા છે, જે વળી પાછી માગ ઊભી થાય ત્યારે પૂર્ણ ક્ષમતાએ ચાલુ કરી શકાય.
આ રીતે હયાત કૂવાને બંધ કરવાની પ્રક્રિયા આપણે વીજળીની સ્વિચ બંધ કરી દઈએ એટલી સરળ નથી. તેને બંધ કરતાં પણ સમય લાગે છે અને પાછું ચાલુ કરતાં પણ સમય લાગે છે.
કેટલાક નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે શેલ ઑઇલના કૂવા બંધ કરવાથી એને નુકસાન થશે, જે અમેરિકાની શેલ ઑઇલ કંપનીઓને ભવિષ્યમાં ઉત્પાદનના પાછા એ જ સ્તરે જતાં મુશ્કેલી કરશે.
ક્રૅકિંગએ નવી ટેકનૉલૉજી છે અને આ કૂવા બંધ કરવાથી ભવિષ્યમાં શું અસર થશે તેનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી.
બીજું એ કે ડ્રિલિંગ બંધ કરીને ગયેલી કંપનીઓમાંથી કેટલી પાછી ફરતી થઈ શકશે એ પણ એક અગત્યનો મુદ્દો છે.
એવું મનાય છે કે 20 ડૉલર પ્રતિબૅરલ ભાવની પરિસ્થિતિમાં 2021ના અંત સુધીમાં લગભગ 550 અમેરિકન ઑઇલ ઍક્સપ્લોરેશન કંપનીઓ નાદાર થઈ જશે, એવું રાયસ્ટાડ ઍનર્જીનું માનવું છે.
રાયસ્ટાડનું અનુમાન છે કે 30 ડૉલર પ્રતિબૅરલના બજારમાં પણ લગભગ 200 જેટલી કંપનીઓ નાદારી નોંધાવશે.
હિન લિયોંગ ટ્રૅડિંગ, જે સિંગાપોરની મોટામાં મોટી ખાનગી ઑઇલ કંપની છે, તેણે 17 એપ્રિલ 2020ના રોજ નાદારી નોંધાવી છે.
ભારતની એક બૅન્કનું પણ આમાં ખૂબ મોટું એક્સ્પોઝર હોવાનું મનાય છે. આ કારણથી જ્યારે ફરી પાછી માગ ઊભી થશે ત્યારે ઘણા બધા સપ્લાયર બજારમાં નહીં હોય.
'શે'લ ઑઇલ

ઇમેજ સ્રોત, Getty Images
શેલની કેટલીક કંપનીઓ જો બચી જાય અને પાછું ઉત્પાદન શરૂ કરે તો પણ એ કંપનીઓ આક્રમક રીતે ઉત્પાદન વધારવા માટે ઉત્સુક નહીં હોય.
આમ, માગ ઊભી થાય એટલે એને પૂરી કરવા માટે ઉત્પાદકો એકદમ મેદાનમાં કૂદી પડશે નહીં.
પ્રતિદિન 10 કરોડ બૅરલ જે આ કટોકટી પહેલા વૈશ્વિક વપરાશ હતો, તે પૂરેપૂરો પુર્નજીવિત થતા કેટલો સમય લાગશે કહેવું મુશ્કેલ છે.
જો મંદી લાંબી ચાલે તો ઑઇલના ભાવો વધુ લાંબો સમય સુધી દબાયેલા રહે તેમાં કોઈ શંકા નથી. આ આખીય પરિસ્થિતિ કોરોના વાઇરસના કારણે ઊભી થઈ.
આ ઉપરાંત બીજો એક મોટો યક્ષપ્રશ્ન કોરોના વાઇરસનો બીજો તબક્કો શરૂ થાય તો શું પરિસ્થિતિ થાય તેના પર પણ આધારિત છે.
2020ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં આવું બની શકે.

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રૉટેક્શન દ્વારા 'વૉશિંગ્ટન પોસ્ટ' સાથેના એક ઇન્ટરવ્યૂમાં એવી ચેતવણી ઉચ્ચારાઇ છે કે કોરોના વાઇરસનું બીજું મોજું વધુ ભયાનક અને નુકસાનકારક હશે, કારણ કે એ ફ્લૂની સિઝન સાથે જોડાશે.
આવું થાય તો કરી પાછું સોશિયલ ડિસ્ટન્સિંગ અને ઘરે રહીને કામ કરવું, જેણે અર્થવ્યવસ્થા અને ઑઇલ માર્કેટને તોડી પાડ્યું એ પરિસ્થિતિ ફરી આવશે.
માગનું ચિત્ર કેવું હશે અને લોકો એટલી ઝડપથી કોરોના વાઇરસની ક્રાઇસિસ સમય પહેલાંની આર્થિક પરિસ્થિતિએ પાછા ફરે છે કે નહીં એ આજની તારીખે કોઈને પણ ખ્યાલ નથી.
માણસ એક સામાજિક પ્રાણી છે. એને ઝડપથી પોતાની મૂળ પ્રવૃત્તિઓ તરફ પાછા વળવું છે.
1999 હોય કે 2008-09, અત્યાર સુધીની દરેક કટોકટીમાં આ બન્યું છે.
ત્યારે ક્રૂડઑઇલનું બજાર એક વખત પરિસ્થિતિ સાનુકૂળ બને એટલે ઝડપથી ઉચકાશે એમ માનવાને સબળ કારણો છે.
ભારતનો ભારબોજ હળવો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ભારતને માટે આ પરિસ્થિતિ બે રીતે લાભદાયી છે. પહેલું, નીચી કિંમતે આયાત થતું ક્રૂડઑઇલ વિદેશી હૂંડિયામણનો ખરચ ઘટાડે છે અને એ રીતે કરન્ટ એકાઉન્ટ ડૅફિસીટ ઘટાડવાનું કામ કરે છે.
સાથોસાથ ભારતની કુલ ઍનર્જી બાસ્કેટની કિંમત નીચી લઈ જાય છે જે ભારતીય અર્થવ્યવસ્થા માટે ઉપકારક છે.
બીજું, ક્રૂડઑઇલના ભાવ આટલા બધા ઘટ્યા તેનાથી પેટ્રોલ કે ડીઝલના ભાવમાં બહુ ઝાઝો ફરક પડ્યો નથી.
અગાઉ આંતરરાષ્ટ્રીય ક્રૂડઑઇલના બજારમાં જ્યારે ભાવ વધે ત્યારે લગભગ રોજબરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા હતા.

લોટરી લાગી
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જ્યારે 2020-21 માટેનું બજેટ રજૂ કર્યું, ત્યારે ક્રૂડઑઇલના સરેરાશ ભાવ 60 ડૉલર પ્રતિબૅરલ રહેશે તેવી અપેક્ષા હતી.
અત્યારે એ ભાવ અડધા કરતાં પણ ઓછા થઈ ગયા છે પણ એનો ફાયદો ભારતીય વપરાશકારોને મળ્યો નથી.
ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર વધારાની ડ્યૂટીનું ભારણ નાખી અબજો રૂપિયા પોતાની તિજોરીમાં ખેંચી લીધા છે.
આ રકમ લગભગ બે લાખ કરોડ કે તેથી વધારે થશે તેવો અંદાજ છે.
આમ આંતરરાષ્ટ્રીય ક્રૂડઑઇલના બજારમાં ભાવોનો જે કડાકો બોલ્યો તેની સૌથી મોટી લાભાર્થી ભારત સરકાર છે.

ઇમેજ સ્રોત, Getty Images
અંગ્રેજીમાં આને 'વિન્ડફૉલ ગેઇન' કહે છે. સાદી ભાષામાં 'લોટરી લાગી' કહેવાય છે.
આમ, પહેલાં પ્રાઇસ વૉર અને પછી કોરોના ઇફેક્ટને કારણે ક્રૂડઑઇલના ભાવમાં જે કડાકો બોલ્યો તેનાથી ભારતીય અર્થવ્યવસ્થા અને ભારત સરકાર બંનેને ફાયદો થશે.
આ રીતે નીચા ભાવે મળતું ઑઇલ ભારત સરકાર પોતાના રિઝર્વ ભંડારો ભરવામાં પણ કરશે એટલે ભલે અમેરિકા, ઑપેક કે રશિયાને નુકસાન જાય, આ આખીય ઘટનાના બે મોટા લાભાર્થી ભારત અને ચીન રહેશે એમાં કોઈ શંકા નથી.


- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












