કોરોના વાઇરસ : AMCની પહેલ, વૉટ્સઍપ કરો, ઘરઆંગણે શાકભાજી મેળવો

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ચારે તરફ કોરોના કોરોના થઈ રહ્યું છે. સરકારે સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લૉકડાઉન જાહેર કર્યું છે. આ સમયમાં વાઇરસના સંક્રમણને ટાળવા માટે અમદાવાદ કોર્પૉરેશને એક પહેલ કરી છે, જે અંતર્ગત શહેરીજનોને ઘરેબેઠાં શાકભાજી મળી રહેશે.

અમદાવાદ કોર્પૉરેશન દ્વારા 9408753064 વૉટ્સઍપ નંબર જાહેર કરાયો છે. સાથે એક ફોર્મ પણ સોશિયલ મીડિયામાં જાહેર થયું છે.

એ ફોર્મમાં દર્શાવેલી વિગતો ભરીને એ વૉટ્સઍપ કરવાનું રહેશે. વિગતોમાં સોસાયટી- મોહલ્લા - શેરીનું નામ, વિસ્તાર, ચૂંટણીવોર્ડ, ઝોન, વ્યક્તિની સંખ્યા, કેટલા કિલોગ્રામ શાકભાજી જોઇએ છે એનો અંદાજે જથ્થો વગેરે વિગતોનો સમાવેશ થાય છે.

ત્રણ તબક્કામાં કામકાજ

યોજના વિશે જણાવતાં કોર્પૉરેશનના નાયબ કમિશનર મુકેશ ગઢવીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે આ યોજના ત્રણ તબક્કામાં કામ કરી રહી છે.

વિગતે સમજાવતાં તેઓએ કહ્યું, "સામાન્ય રીતે અમદાવાદ જેવા શહેરમાં વિવિધ વિસ્તારમાં સોસાયટી કે ચાર રસ્તાના નાકે શાકભાજીવાળા લારી લઈને શાકભાજીનું વેચાણ કરતાં હોય છે. તો અમે એ લારીઓને જે તે નાકા કે ચાર રસ્તે ઊભા રહેવાને બદલે નજીકના વિસ્તારોમાં ફરવા મોકલી છે. જેથી લોકો બહાર ન નીકળે અને સોસાયટીને આંગણે જ તેમને શાકભાજી મળી રહે."

"શાકભાજી વેચનારા તો લારી લઈને જ જાય છે, પણ જો આવા કોઈ ફેરીવાળાને રિક્ષાની જરૂરિયાત વર્તાશે તો અમે એના વિશે પણ વિચારી રહ્યા છીએ. બીજી વ્યવસ્થા એ છે કે અમારી પાસે 10 ઈ-રિક્ષા છે. જે અમે સૅલ્ફ હેલ્પ ગ્રૂપ એટલે કે સ્વસહાય જૂથ સાથે સંકળાયેલી વ્યક્તિને આપી છે. એ વ્યક્તિ મંડીમાંથી શાકભાજી લઈને જે તે સોસાયટી કે મહોલ્લામાં જઈને શાકભાજી વેચશે."

"ત્રીજી વ્યવસ્થા એ છે કે કોઈ સોસાયટી કે મહોલ્લાને સામૂહિક રીતે શાકભાજી મગાવવી હોય તો અમને જાણ કરે છે. અમે સોસાયટીના પ્રતિનિધિને વાહન અને કર્ફ્યુ-પાસની જોગવાઈ કરી દઈએ છીએ. તેમને જથ્થાબંધ માર્કેટ સુધી લઈ જવામાં આવે છે અને પછી તેમને સોસાયટી સુધી પહોંચાડી દેવામાં આવે છે."

કોર્પૉરેશનની આ ઘરઆંગણે શાકભાજીવાળી યોજના શહેરના વિવિધ ઝોનના અલગઅલગ વૉર્ડમાં સંકલનકર્તા ગોઠવવામાં આવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો