ખંભાતમાં હિંસા બાદ મંગળવારે સજ્જડ બંધ, અશાંત ધારો લાગુ થશે

ઇમેજ સ્રોત, DAXSHESH SHAH
આણંદ જિલ્લાના ખંભાતમાં આજે ફરીથી આગચંપીની ઘટના ઘટી હતી. આ અગાઉ રવિવારે પણ બે જૂથ વચ્ચે કોમી અથડામણ થઈ હતી.
રવિવારે બનેલી ઘટનાના વિરોધમાં આજે ખંભાતમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
આજે સવારે ટાવર બજાર પાસે મામલતદાર અને ડીવાયએસપીને આવેદનપત્ર આપવાનું હતું. આવેદનપત્ર આપવા માટે હજારોની સંખ્યામાં હિંદુઓ ભેગા થયા હતા.
હિંસાની ઘટનામાં અત્યાર સુધીમાં 32 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
રેન્જ આઈજી એ. કે. જાડેજાએ બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર ભાર્ગવ પરીખને જણાવ્યું હતું કે એક મકાન અને એક કૅબિનમાં પણ આગ લગાવી દેવાઈ હતી.

'અશાંત ધારા લાગુ કરાશે'

ઇમેજ સ્રોત, Getty Images
ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારપરિષદમાં જણાવ્યું, "કાયદો અને વ્યવસ્થાને ડહોળનારા, પથ્થમારામાં સંકળાયેલા, આગ લગાડવામાં સંકળાયેલા લોકો સામે કડલ પગલાં લેવામાં આવશે."
જાડેજાનું કહેવું છે કે ઘટના બન્યા બાદ ત્વરાથી પોલીસે ઍક્શન લીધું છે.
તેમણે કહ્યું, "એ જિલ્લાના એસ.પી. હાલ રજા પર છે એટલે અમદાવાદના ટ્રાફિક એસ.પી.ની હંગામી ધોરણે ખંભાતમાં તહેનાતી કરવામાં આવી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાડેજાનું કહેવું છે, "ત્યાં ડેમોગ્રાફિકલ બદલાવના કારણે અવારનવાર આવી ઘટનાઓ બની છે."
"આ પરિસ્થિતિને જોતાં આ વિસ્તારને અશાંત ધારાની હેઠળ મૂકવામાં આવશે."
તેમણે કહ્યું, "સીસીટીવી ફુટેજ એકત્રિત કર્યાં છે, અત્યાર સુધી ચાર ગુના નોંધાયા છે અને 47 લોકોની ધરપકડ થઈ છે."
"મોટા પ્રમાણમાં કૉમ્બિંગ કરવામાં આવ્યું છે. કોણે આ પરિસ્થિતિ ઊભી કરી તેની તપાસ ચાલુ છે."

RAF તહેનાત

ઇમેજ સ્રોત, DAXSHESH SHAH
આગચંપીની ઘટના બાદ હાલ પોલીસ અને રેપિડ ઍક્શન ફોર્સની ટુકડીઓને તહેનાત કરવામાં આવી છે.
રેન્જ આઈ.જી. એ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે 200 જિલ્લા પોલીસ, 200 રેપિડ ઍક્શન ફોર્સના જવાનો અને 140 એસઆરપીના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.
પોલીસે હાલ તો સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે પણ પોલીસ આરોપીઓને પકડવા ગઈ ત્યારે પોલીસકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.
જોકે એવું પણ કહેવાય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં આયોજિત 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમના બંદોબસ્ત માટે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.
જે દરમિયાન ખંભાતમાં સ્થિતિ વધારે વણસી હતી.
મળી રહેલી માહિતી પ્રમાણે હાલ કોમ્બિંગ ચાલી રહ્યું છે અને રેપિડ ઍક્શન ફોર્સની ટુકડી પણ ઉતારવામાં આવી.

પોલીસ પર પથ્થરમારો
સોમવારે પોલીસ આરોપીઓ પકડવા ગઈ તો પોલીસકર્મીઓ પર પણ પથ્થરમારો થયો હતો.
પથ્થરમારામાં એક પોલીસ હેડ કૉન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસની બે ગાડીઓમાં પણ તોડફોડ કરવામાં આવી છે.
રવિવારે બપોરે તોફાનની શરૂઆત થઈ, જેમાં 20 મકાનો અને દુકાનોમાં આગ લગાવી દેવામાં આવી હતી. 15-20 વાહનોમાં આગ લગાવી દેવાઈ હતી. હિંસામાં 13 જેટલા લોકોને ઈજા થઈ હતી.
પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટિયરગેસના આઠ સેલ છોડ્યા હતા.
બંને જૂથ વચ્ચે જૂની અદાવત હતી અને રવિવારે લગ્નની જાન નીકળી તે દરમિયાન વીડિયો ઉતારવા મામલે તકરાર થતાં ઘર્ષણ થયું હતું.
એ. કે. જાડેજાએ જણાવ્યું હતુ કે ઘટના અંગે ચાળીસ લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી છે અને કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પહેલી ઘટના નથી
ખંભાતમાં તોફાનની આ પહેલી ઘટના નછી, અગાઉ ઉત્તરાયણ વખતે ખંભાતમાં તોફાન થયું હતું.
આ પછી 24 જાન્યુઆરીના રોજ બે ટોળાં વચ્ચે ઘર્ષણની ઘટના ઘટી હતી.
જેને કાબૂમાં લેવા માટે પોલીસે રબર બુલેટનો ઉપયોગ કર્યો હતો.
આ તોફાનમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું. જોકે, પોલીસનું કહેવું છે કે આ મોત પોલીસ ફાયરિંગમાં થયું નથી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












