મહાનગરપાલિકાએ ટૅક્સવસૂલી માટે કિન્નરોને આપ્યો કૉન્ટ્રેક્ટ, મળ્યું આવું પરિણામ

ભારતીય સમાજમાં કિન્નરોનો મુખ્યધારા સાથેનો સંબંધ પ્રેમ, નફરત, ધૃણા, ધર્મ, સૂગ કે પૈસા પડાવવા એમ અનેક પળોમાં વહેંચાયેલો છે, ત્યારે ભારતમાં એક મહાનગરપાલિકાએ ટૅક્સ વસૂલવા માટે કિન્નરોને કામે રાખ્યા છે.

ધ ટેલિગ્રાફ ઇન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, ઓરિસ્સાની રાજધાની એવા ભુવનેશ્વર શહેરની કૉર્પોરેશને ટૅક્સ-ડિફોલ્ટર પાસથી વસૂલી કરવાનું કામ 11 કિન્નરોને સોંપ્યું અને તેમને તેનું સરસ પરિણામ મળી રહ્યું છે.

15 દિવસ અગાઉ શરૂ કરવામાં આવેલી કિન્નરોની ટૅક્સકલેક્શન ડ્રાઇવથી અનેક ડિફોલ્ટરો ચૂકવણી કરવા આગળ આવ્યા છે.

કૉર્પોરેશનનું કહેવું છે કે આ પ્રયોગ ઉમદા હેતુથી કરવામાં આવ્યો છે. આનાથી કિન્નરોને રોજગારી મળશે અને તંત્રનું બાકી નીકળતું લેણું ચૂકવાતા આવક થશે.

જોકે, કિન્નરોના અધિકારો માટે કામ કરતા કર્મશીલો આને લીધે કિન્નરો પ્રત્યે પૂર્વગ્રહ વધી શકે છે એવી ચેતવણી પણ આપે છે.

ટૅક્સ આપો, આશીર્વાદ પામો

ટૅક્સ કલેક્ટ કરનાર કિન્નર મેઘના સાહુએ કહ્યું કે અમે એક જ ટૅગલાઇન સાથે કામ કરીએ છીએ. ટૅક્સ આપો અને આશીર્વાદ લો. અમે અમારા વર્તનમાં ખૂબ નમ્ર રહીએ છીએ.

એમણે કહ્યું, "અમે 15 દિવસથી કામ શરૂ કર્યું છે, પરંતુ 31 લાખ રૂપિયાનો ટૅક્સ ભેગો થયો છે."

ડૅપ્યુટી કમિશનર શ્રીમંત મિશ્રાએ કહ્યું, "લોકોનો પ્રતિભાવ સારો છે. આ પહેલથી અમે બે હેતુઓ સર કરીએ છીએ. એક તો, કિન્નરો માટે એક નવી બારી ખોલીએ છીએ અને તેનાથી ટૅક્સ મેળવવામાં પણ મદદ મળી રહી છે."

મેઘના સાહુએ કહ્યું, "કામ શરૂ કરતાં અગાઉ કૉર્પોરેશન સાથે કરાર કર્યો છે. અમને 11 કરોડનો કર વસૂલવાનો ટાર્ગેટ આપ્યો છે."

"30 લાખ સુધીની વસૂલી પર અમને 1 ટકો કમિશન, 40થી 60 લાખની વસૂલી પર 1.5 ટકા કમિશન અને 60 લાખથી વધારે ટૅક્સ વસૂલવા પર 2 ટકા કમિશન અમને મળશે."

મેઘના સાહુએ આ માટે એક સંસ્થા શરૂ કરી છે.

જોકે, કર્મશીલ અનિદ્ય હાજરા કહે છે કે તેમને આ કામ આપવામાં આવ્યું છે તેને કિન્નરોને સમાજમાં ખંડણી માગનારા તરીકે કે મુશ્કેલી-શરમ ઊભી કરનાર તરીકે જોવામાં આવે છે, તે સંદર્ભમાં જોવું જોઈએ. આનાથી કિન્નર સમુદાય અંગેનો આ પૂર્વગ્રહ વધશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો