સ્વરા ભાસ્કરે કહ્યું, 'મને આ સરકારના કામ અને હરકતો પર ભરોસો નથી રહ્યો.' - TOP NEWS

દેશમાં CAA અને NRC અત્યારે સળગતા મુદ્દા છે, જેના પર અભિનેત્રી સ્વરા ભાસ્કરે પોતાનો મત વ્યક્ત કર્યો છે.

ABP ન્યૂઝના કાર્યક્રમ 'હિંદુસ્તાન શિખર સમાગમ'માં સ્વરા ભાસ્કરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને સરકારના કામ તેમજ હરકતો પર ભરોસો નથી.

સીએએ અને એનઆરસીનો વિરોધ કરી રહેલાં સ્વરા ભાસ્કરે આ કાર્યક્રમમાં કહ્યું કે તેમની જેમ તમામ લોકોએ વારંવાર આ મામલે સવાલ કરવા પડી રહ્યા છે, કેમ કે સરકાર સ્પષ્ટ જવાબ આપી રહી નથી.

NRCના વિવાદ પર જ્યારે સ્વરા ભાસ્કરને પૂછવામાં આવ્યું કે NRC હજુ લાગુ જ થયું નથી તો શા માટે તેનો વિરોધ? તેના જવાબમાં સ્વરા ભાસ્કરે કહ્યું કે NRC લાગુ થયું નથી એ વાત વડા પ્રધાન જનતાને નહીં, ગૃહમંત્રીને પહેલા સમજાવે.

તેમણે કહ્યું, "સરકારની પોતાની જ કોઈ તૈયારી નથી. સરકારે માત્ર વોટબૅન્ક મજબૂત કરવા માટે આ મુદ્દો ઉછાળી દીધો અને હવે સ્પષ્ટ વાત કરી શકતી નથી. સરકારને અનુમાન ન હતું કે આટલી મોટી સંખ્યામાં લોકો વિરોધ કરશે."

રાષ્ટ્રવાદના નામે સરકારને ઘેરવાના મુદ્દા પર તેમણે કહ્યું કે, રાષ્ટ્રવાદના નામે કોઈ ખોટા કામને પ્રોત્સાહન આપવું ખોટું છે.

મૅલેનિયા ટ્રમ્પની સ્કૂલ મુલાકાતના કાર્યક્રમમાં કેજરીવાલનું નામ નહીં

24 અને 25 તારીખે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની યાત્રાએ આવવાના છે.

આ યાત્રામાં તેમનાં પત્ની મૅલેનિયા ટ્રમ્પ પણ તેમની સાથે હશે. મૅલેનિયા ટ્રમ્પ ભારતયાત્રા દરમિયાન દિલ્હીની સરકારી સ્કૂલની મુલાકાત લેશે, પણ આ મુલાકાત દરમિયાન દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ કાર્યક્રમનો ભાગ નહીં બને.

ધ હિંદુમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે આમ આદમી તરફથી નિવેદન આવ્યું છે કે અરવિંદ કેજરીવાલની સાથે નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદીયા પણ કાર્યક્રમનો ભાગ હતા.

જોકે, શનિવારે અમેરિકી દુતાવાસે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ કે મનીષ સિસોદીયા પ્રોટોકોલ સંબંધિત કેટલાક મુદ્દાઓને કારણે મૅલેનિયા ટ્રમ્પના કાર્યક્રમનો ભાગ બની શકશે નહીં.

મહત્ત્વનું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં પત્ની 25 ફેબ્રુઆરીના રોજ દિલ્હી સરકારની એક સ્કૂલમાં હૅપ્પીનેસ ક્લાસ જોવા જશે.

કેજરીવાલ અને સિસોદિયાનું નામ રદ કરતા આપ પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે નામ કાઢી નાખવામાં ભાજપની સરકારનો હાથ છે. કોઈ પણ રાજ્યમાં મહેમાન આવે તો સંબધિત રાજયસરકારના નેતાઓ હાજરી આપે જ છે.

ભીમ આર્મીએ આજે ભારત બંધનું એલાન કર્યું

ચંદ્રશેખર આઝાદની આગેવાનીમાં ભીમ આર્મી અને તેની સાથે જોડાયેલા સંગઠનોએ રવિવારે ભારત બંધનું આહ્વાન કર્યું છે.

ચંદ્રશેખરે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અલ્પસંખ્યક વર્ગના નેતાઓને પણ ભારત બંધમાં સામેલ થવાની અપીલ કરી છે.

આ બંધ CAA, NPR પરત ખેંચવા અને પદોન્નતિમાં અનામત આપવા મુદ્દે પાળવામાં આવ્યો છે.

ભીમ આર્મીની માગ છે કે ખાનગી ક્ષેત્રમાં અનામત લાગુ કરવામાં આવે.

હાલ જ ભારતની સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડમાં એક મામલાની સુનાવણી કરતા એ કહ્યું હતું કે પદોન્નતિમાં અનામત કોઈ પણ મૌલિક અધિકારનો ભાગ નથી.

આ દરમિયાન બસપા ચીફ માયાવતીએ કહ્યું છે કે ભાજપ સરકાર અનામતને ધીમી મોતે મારી રહી છે.

ચીન બાદ દક્ષિણ કોરિયામાં કોરોના વાઇરસનો કેર

દક્ષિણ કોરિયામાં માત્ર એક દિવસમાં કોરોના વાઇરસના કેસમાં બમણો વધારો નોંધાયો છે.

અધિકારીઓની માહિતી પ્રમાણે શુક્રવારે દક્ષિણ કોરિયામાં કોરોના વાઇરસના કુલ 229 કેસ નોંધાયા હતા. દક્ષિણ કોરિયામાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા હવે 433 પર પહોંચી ગઈ છે.

દક્ષિણ કોરિયાના વડા પ્રધાન ચુંગ સી ક્યુને પરિસ્થિતિને ગંભીર ગણાવી છે.

મોટાભાગના નવા કેસ એક હૉસ્પિટલમાં અને ડિગુ નામના શહેર પાસે આવેલા એક ધાર્મિક સંગઠનના લોકોમાં જોવા મળ્યા છે.

અત્યાર સુધી દક્ષિણ કોરિયામાં બે લોકોનાં કોરોના વાઇરસના લીધે મૃત્યુ થયાં છે અને આ આંકડો હજુ વધી શકે છે.

ચીનમાં 76,288 કેસ કોરાના વાઇરસના નોંધાયા બાદ દક્ષિણ કોરિયામાં સૌથી વધારે કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા જોવા મળી છે.

ચીનમાં અત્યાર સુધી કુલ 2,345 લોકોનાં મૃત્યુ થયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો