ટ્રમ્પ ભારત પર વરસી જાય એવી આશા રાખવી અસ્થાને

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાત માટે

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત અને ગુજરાતની મુલાકાત આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે.

ટ્રમ્પ આપણા મહેમાન છે અને 'અતિથિ દેવો ભવ' આપણી સંસ્કૃતિ છે. આ કારણથી આપણે તો શ્રીમાન ટ્રમ્પ અને તેમનાં પત્ની અમેરિકાનાં પ્રથમ સન્નારી મિલેનિયા અને એમનાં દીકરી-જમાઈને ઉત્તમમાં ઉત્તમ મહેમાનગતિ કરાવવા માટે થનગની રહ્યા છીએ.

અમદાવાદ ખાતે અતિ ભવ્ય 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ અને લાંબા રોડ શોનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી ટ્રમ્પ માટે આપણી આ ભાવનાઓનો કોઈ અગમ્ય કારણોસર એમના ઉચ્ચારણોમાં રતીભાર પડઘો પાડ્યો નથી.

પહેલાં ભારતને 'ટેરિફ કિંગ' કહ્યા પછી આપણે અણમાનિતા છીએ અને ટ્રમ્પ માત્ર નરેન્દ્ર મોદીને મળવા આવે છે અને બીજું એક માત્ર આકર્ષણ 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ છે.

News image

આમાં માણસોના આંકડા પણ ટ્રમ્પ બદલતા રહે છે.

પહેલાં તેએ સાત મિલિયન એટલે કે 70 લાખ લોકોની મેદની કહેતા હતા, બાદમાં આ આંકડો વધીને 10 મિલિયન એટલે કે એક કરોડે પહોંચ્યો હતો.

આ સામે અમેરિકાનું છાપું World Tribune એના 20મી તારીખનાં અહેવાલમાં નોંધે છે.

During next week's visit, Trump and Modi will address a large crowd (estimated to reach 125,000) in a cricket stadium in Ahmedabad. Playing off the Houston event's name, this rally has been baptized "Namaste Trump."

line

ચૂંટણી અને NRI મતદાતા

નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકા ભારત માટે અગત્યનું છે, કારણ કે એ દુનિયાની તાકાતવર લોકશાહી છે એ ઉપરાંત 2010માં અમેરિકામાં અંદાજે 17.8 લાખ ભારતીયો રહેતા હતા, જે સંખ્યા 2018માં વધીને 20.5 લાખ થઈ છે.

અમેરિકામાં જે મૂળ વિદેશી વસતિ રહે છે, તેમાં ભારતીયો 5.9 ટકા થાય, પણ અમેરિકાની વસતિનો માત્ર એક ટકા થાય. જો કે આર્થિક અને ટેકનૉલૉજીના ક્ષેત્ર પર અમેરિકામાં ભારતીયો અથવા ભારતીય મૂળના વ્યક્તિઓનું જે પ્રભુત્વ છે, એ નજરઅંદાજ કરી શકાય નહીં.

નવેમ્બરમાં અમેરિકાના પ્રમુખની ચૂંટણી થવાની છે, ત્યારે આ વસતિ બે રીતે મહત્વની છે, એક મતદાતાઓ અને ચૂંટણીફંડ ઊભી કરનારાઓ તરીકે અને બીજું ઇન્ફ્લૂઍન્સર એટલે કે અમેરિકન મતદારને અસર કરી શકે છે તે રીતે.

આ કારણથી અમેરિકામાં વસતા ભારતીયો અથવા ભારતીય મૂળની વ્યક્તિઓ ટ્રમ્પ માટે અગત્યતા ધરાવતા હોય તેવું બનવા સંભવ છે, પણ તેથી અગત્યનું અને ટ્રમ્પને ચિંતા કરાવે તેવું કારણ છે.

એશિયન અમેરિકન લીગલ ડિફેન્સ ઍન્ડ ઍજ્યુકેશન ફંડ નામની સંસ્થાનાં તારણો મુજબ 84 ટકા ઇન્ડિયન અમેરિકનોએ 2016માં હિલેરી ક્લિન્ટનને મત આપ્યો હતો, જ્યારે 14 ટકા મત ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં પડ્યા હતા.

2018માં જે ભારતીય અમેરિકનો મતદાતા તરીકે નોંધાયેલા છે, તેમાં એશિયન અમેરિકન વોટર સરવે મુજબ ટ્રમ્પનું અપ્રૂવલ રેટિંગ એટલે કે સ્વીકૃતિ આંક માત્ર 28 ટકા છે.

line

ભારતનો દરજ્જો બદલ્યો

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ટ્રમ્પે ભારત આવતા પહેલાં કેટલાંક પગલાં લીધા છે, જેમાં સૌથી મોટું પગલું ભારતને વિકાસશીલ દેશોમાંથી કાઢી નાખી વિકસિત દેશોની યાદીમાં મૂકી Generalized System of Preferences (GSP)ના લાભોથી મુક્ત કરી દેવાયું તે છે.

આનો અર્થ એ થાય કે અત્યાર સુધી આપણે ત્યાંથી અમેરિકામાં જે નિકાસ થતી તેને ટેરિફ ઍક્ઝેમશનને કારણે 26 કરોડ ડૉલર જેટલા લાભ પાછા ખેંચી લઈને ટ્રમ્પે ઘરેણાં, ચામડાનાં ઉત્પાદનો, ફાર્માસ્યૂટિકલ્સ, કેમિકલ્સ અને ખેતઉત્પાદન જેવી શ્રમપ્રચૂર ચીજોની નિકાસ કરતા ઍક્સપૉર્ટર્સ માટે મુશ્કેલી ઊભી કરી છે.

ગયા વર્ષે ભારતે તેની કુલ નિકાસનાં 16 ટકા એટલે કે 52.5 અબજ ડૉલરની નિકાસ કરી તે સામે 35.5 અબજ ડૉલર એટલે કે ભારતની કુલ આયાતના 6.9 ટકા આપણે અમેરિકા પાસેથી ખરીદ્યું

આમ બે વચ્ચેનું ટ્રૅડ બૅલેન્સ એટલે કે વેપાર તફાવત લગભગ 17 અબજ અમેરિકન ડૉલર જેટલો રહ્યો. અમેરિકાને આ ખૂંચે છે. એને પોતાના કૃષિ અને ડેરી ઉત્પાદનો માટે ભારતનું બજાર ખોલવું છે, જે હજી સુધી શક્ય બન્યુ નથી.

line

16 અબજ ડૉલરનો તર્ક

નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

બીજી એક મહત્ત્વની બાબત જાણવા જેવી છે કે ભારતમાંથી અમેરિકા જતાં પ્રવાસીઓ વર્ષે દહાડે લગભગ 16 અબજ ડૉલર જેટલો ખર્ચ અમેરિકામાં કરે છે.

ભારત સરકાર આને 'ટૂરિઝમ ઍક્સ્પૉર્ટ' ગણવા કહે છે, જે અમેરિકાને ગળે ઊતરતું નથી.

જો ભારતીય પ્રવાસીઓ અમેરિકામાં 16 અબજ ડૉલર જેટલો ખર્ચો કરે છે તેને ગણતરીમાં લઈએ તો ભારત-અમેરિકા વચ્ચેની વેપારખાધ લગભગ શૂન્ય થઈ જાય.

line

ભારત ગુમાવી રહ્યું છે વેપાર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતની અમેરિકાને કુલ નિકાસ 52.5 અબજ અમેરિકન ડૉલર હતી, તેમાંથી માત્ર 14 ટકા જેટલી નિકાસ GSPને પાત્ર હતી, એટલે કે લગભગ 7.5 અબજ ડૉલર જેટલી નિકાસ GSP હેઠળ લાભ મેળવવાને પાત્ર હતી.

જે આમ જોઈએ તો નગણ્ય ગણાય, પણ આ લાભ જેમની પાસેથી છીનવાઈ જવાનો છે એ ઘરેણાં, ચામડાના ઉત્પાદનો, ફાર્માસ્યૂટિકલ, કૅમિકલ અને કૃષિઉત્પાદન કરનારાઓ માટે આ નુકસાન પોતાની કિંમતોમાં સમાવી લેવાનું લગભગ અશક્ય છે.

આ કારણે ભારતીય નિકાસકારો અમેરિકામાં લગભગ 7.5 અબજ ડૉલર એટલે કે 52,500 કરોડ રૂપિયા જેટલો વ્યાપાર ગુમાવે, એટલે તેની અસર અહીંની શ્રમપ્રચુર ઉત્પાદનવ્યવસ્થા પર પડે એટલે વધુ બેરોજગારી સર્જાય.

આ ઉપરાંત ભારતીય વેપારને સતત નુકસાન કરે જતી ડોનાલ્ડ ટ્રમ્પ નીતિને કારણે નવેમ્બર 2018માં એક યા બીજા ફાલતું કારણોસર ભારતમાંથી અમેરિકામાં આયાત થતી 50 આઇટમોનું ડ્યૂટી ફ્રી સ્ટેટસ રદ કરવામાં આવ્યું હતું.

અમેરિકાએ આપણને 10 ફેબ્રુઆરી 2020થી GSPના સિસ્ટમમાંથી કાઢી નાખ્યા. ભારત અમેરિકા પાસેથી આ સિસ્ટમમાં ફાયદો મેળવનાર સૌથી મોટો દેશ હતો.

વિશ્વ બૅન્ક એવું કહે છે કે અમેરિકાએ ભારત અને બીજા કેટલાક દેશોને GSP લાભો મેળવવામાંથી બાદ કર્યા કારણ કે તેઓ જી-20ના સભ્યો છે.

આ દલીલ કેટલી તર્કહિન છે એ સમજવું હોય તો ભારતની GNI પ્રતિ વ્યક્તિ એટલે પ્રતિ વ્યક્તિ કૂલ રાષ્ટ્રીય આવક 12,375 ડૉલરના નિર્ધારિત આંકથી ઘણી નીચે એટલે કે માત્ર 2025 છે.

Per Capita GDPની દૃષ્ટિએ 2016 ડૉલરની રકમ સાથે દુનિયાના દેશોની યાદીમાં 146મા નંબરે છે. આમ વાસ્તવિક આંકડા જોઈએ તો કોઈ રીતે ભારત વિકસિત અથવા સમૃદ્ધ દેશ છે એવું માની લેવાનું કોઈ કારણ નથી.

line
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

આપણે વધુ પડતા ઉત્સાહમાં દુનિયા સામે ભારતની પ્રગતિ, સમૃદ્ધિ, વગેરેનો ઢોલ પીટીને કરેલી પ્રસિદ્ધિની કિંમત ઘણી મોટી ચૂકવવી પડી છે.

પેરિસ ખાતે મિનિસ્ટ્રિયલ કૉન્ફરન્સમાં અમેરિકાએ ભારત કે ચીન બેમાંથી એકેયને કોઈપણ પ્રકારના ટેરિફના લાભો આપવા ઇન્કાર કરી દીધો.

એને પગલે અમેરિકાએ આપણી GSP પાછી ખેંચી લીધી. એક બીજી હકીકત પણ ધ્યાન માગી લે એવી છે.

કેટલીક મેડિકલ પ્રોડક્ટસ જેવી કે સ્ટેન્ટની ઇમ્પ્લાન્ટ વિગેરે જે ભારતમાં બને છે તેથી ભારતે આ પ્રોડક્ટસને 'Essential Commodities'ના લિસ્ટમાં મૂકી દીધી જેને કારણે સરકાર વપરાશકારના હિતમાં આ ઉત્પાદનો ઉપર Price Cap એટલે કે મહત્તમ ભાવ બાંધી શકે.

આથી અમેરિકન મેડિકલ મૅન્યુફૅક્ચરર્સના ઉત્પાદનો આટલા નીચા ભાવે ભારતમાં આપવા ઇચ્છે નહીં, એટલે ઘર્ષણ ઊભું થયું.

પોતાના GSP અધિકારો ઉપર અમેરિકાએ તરાપ મારી એના વળતા પ્રહાર તરીકે ભારતે અમેરિકાથી આવતી 28 પ્રોડક્ટસ જેમાં અખરોટ, ચણા, કઠોળ અને જિંગાનો સમાવેશ થાય છે, તેના ઉપરની આયાત ડ્યૂટી વધારી દીધી.

ભારત એફ.ડી.આઈ. (ફોરેન ડાઇરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, સીધા વિદેશી મૂડી રોકાણ) દ્વારા શરૂ કરાયેલી ઈ-કૉમર્સ કંપનીઓને તેમનું 'Inventory - Based' એટલે કે ગોડાઉન આધારિત ધંધાના મૉડલને બંધ કરવા માટે દબાણ કરી રહી છે, જેની નાણાકીય અસરો અમેરિકાની મહાકાય કંપનીઓ એમેઝોન અને વૉલમાર્ટ (વાયા ફ્લિપકાર્ટ)ને પડે.

એપ્રિલ 2018માં ભારતીય રિઝર્વ બૅન્કે હુકમ બહાર પાડીને માસ્ટર કાર્ડ અને વિઝા જેવી પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઇડર કંપનીઓને પેમેન્ટ સાથે સંકળાયેલ બધો જ ડેટા માત્ર ભારતમાં જ રાખવા કહ્યું.

આની સીધી અસર વિઝા અને માસ્ટર કાર્ડને થઈ. તે ઉપરાંત ભારત હવે રૂપે (Rpay) પેમેન્ટ ગેટવેને આક્રમક રૂપે આગળ વધારી રહ્યું છે. આ બધા મુદ્દા સરવાળે ભારત અને અમેરિકા વચ્ચેના વેપારમાં મોટી આડખીલી અને ઘર્ષણનું કારણ બન્યા છે.

line

અમેરિકા ભારતને સંરક્ષણ ઉત્પાદન પૂરો પાડતો બીજો દેશ

ભારતે અગાઉ પણ અમેરિકા પાસેથી ચિનૂક હેલિકોપ્ટર ખરીદ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતે અગાઉ પણ અમેરિકા પાસેથી ચિનૂક હેલિકોપ્ટર ખરીદ્યા છે.

આપણે એ સમજવું કે અમેરિકા ભારતને સંરક્ષણ ઉત્પાદનો પૂરા પાડતો બીજા નંબરનો દેશ છે. ભારતનું સૈન્ય બીજા કોઈ દેશની સરખામણીમાં આ કારણથી અમેરિકા સાથે વધુમાં વધુ મિલિટરી એક્સર્સાઇઝ કરે છે.

2016થી ભારતને 'મેજર યુએસ ડિફેન્સ પાર્ટનર' એટલે કે સંરક્ષણ બાબતે મુખ્ય ભાગીદાર તરીકેનો દરજ્જો પ્રાપ્ત છે, જેને કારણે અમેરિકા દ્વારા રિઝર્વ રાખવામાં આવતી ટેકનૉલૉજી પણ મેળવી શકે છે.

વિમાનો, ડ્રોન્સ, મિસાઇલ્સ, ગનશિપ્સ અને નેવલ ગન્સ જેની અંદાજિત કિંમત લગભગ દસ અબજ ડૉલર થાય છે, તે અત્યારે પાઇપલાઇનમાં છે.

જ્યારે 2006થી 2019 વચ્ચે 15 અબજ ડૉલરની ડિલ થઈ છે. 2016માં આ અગત્યતાઓને લક્ષમાં લઈ વ્હાઇટ હાઉસ અને વડાપ્રધાનની ઑફિસ વચ્ચે હોટલાઇન અસ્તિત્વમાં આવી છે.

જાપાન અને સાઉથ કોરિયા પછી 2018માં અમેરિકા પાસે સ્ટ્રેટેજિક ટ્રૅડ ઑથૉરાઇઝેશન મેળવનાર ભારત ત્રીજો એશિયન દેશ બન્યું છે.

આમ એક કરતાં વધારે કારણોસર બંને દેશોને એકબીજાની ગરજ છે.

સંરક્ષણથી માંડી ટેકનૉલૉજીના અન્ય ક્ષેત્રે અમેરિકા સાથે સુમેળભર્યા સંબંધો જાળવવા એ ભારતના હિતમાં છે. એ જ રીતે ભારત સાથે સુમેળભર્યા સંબંધો જાળવવા અમેરિકાના હિતમાં છે.

શું ડોનાલ્ડ ટ્રમ્પ આ નથી જાણતા? તો પછી તેમની રાષ્ટ્રપતિપદ માટેની નવેમ્બર મહિનામાં થનારી ચૂંટણી પૂર્વે ભારતની આ મુલાકાત પહેલાં વાંધાજનક જણાય એવાં ઉચ્ચારણ શા માટે કરે છે?

એનાં બે કારણો હોઈ શકે, કાં તો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની સત્તાના મદમાં છે અથવા ભારતને ઓછું આંકી રહ્યા છે.

line

ટ્રમ્પનું વર્તન કોઈપણ ભારતીયને ન ગમે તેવું છે

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

વડાપ્રધાન મોદીએ ટ્રમ્પની આ મુલાકાત માટે એક સાચા મિત્રને શોભે એ રીતે ખૂબ મોટું સ્વાગત ગોઠવ્યું છે.

ટ્રમ્પ ભલે ગમે તે માનતા હોય, હોય પણ દુનિયાના બીજા કોઈ દેશમાં 'નમસ્તે ટ્રમ્પ' જેવું સ્વાગત ભારત સિવાય થાય તેમ નથી.

આમેય એક રાજનીતિજ્ઞ તરીકેની ખાનદાની એવું કહે છે કે આ મુલાકાત આડે જ્યારે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે આ જગત જમાદાર પ્રેસિડેન્ટ બધી જ મર્યાદાઓ છોડીને તક મળે ત્યાં ભારતને ટપલી મારવાનું કે ચૂંટલી ખણવાનું કેમ ચૂકતા નથી?

ટ્રમ્પ ખુલ્લેઆમ કહે છે કે, મને ભારત પસંદ નથી, હું તો માત્ર મિત્ર મોદીને મળવા જાઉં છું, 70 લાખ જેટલા લોકો (હવે એ આંકડો સુધરીને એક કરોડ કર્યો છે) મારું સ્વાગત કરવા ભેગા થવાના છે એનાથી હું ઉત્સાહિત છું.

ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ ભાઈ આવું બધું જાણી જોઈને બોલે છે કે અમેરિકન સિક્રેટ એજન્સીઓ પણ તેમને બ્રિફિંગ નથી કરતી? શું અહીંની જેમ જ અમેરિકાના અધિકારીઓ પણ એમના પ્રમુખને સાચું કહેતા ડરતા હશે?

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો