નમસ્તે ટ્રમ્પ : નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને કરેલા કથિત વાયદા મુજબ અમદાવાદમાં એક કરોડની મેદની એકઠી કરવી શક્ય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું લાગે છે કે અમદાવાદની તેમની મુલાકાત દરમિયાન 70 લાખ લોકો તેમનું અભિવાદન ઝિલવા હાજર રહેશે, જોકે આમ થતું નથી લાગી રહ્યું.
અમદાવાદના વહીવટીતંત્રના કહેવા પ્રમાણે બે લાખ લોકો રોડશોમાં હાજર રહશે અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને આ આંકડો સાંભળીને આંચકો લાગી શકે છે.
અમેરિકન મીડિયા સાથે વાત કરતી વેળાએ વાતચીત કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે ઍરપૉર્ટથી નવનિર્મિત સ્ટેડિયમ (મોટેરા સ્ટેડિયમ)ની વચ્ચે 10 મિલિયન યાને એક કરોડ લોકો તેમને આવકારશે.
ટ્રમ્પે એવું પણ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને આ આંકડો આપ્યો હતો.
અગાઉ ટ્રમ્પે 7 મિલિયન એટલે કે 70 લાખ લોકો તેમને આવકારશે એમ કહ્યું હતું અને તે વખતે પણ તેમણે મોદીએ કહ્યું હોવાનું જણાવ્યું હતું.
જોકે, ગુજરાત સરકાર અને ભાજપના કાર્યકરો સખત મહેનત કરે તો પણ કથિત રીતે મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને આપેલા આંકડાની સરખામણી નહીં કરી શકે

અમદાવાદમાં 70 લાખની મેદની
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ગુજરાત કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાના કહેવા પ્રમાણે, ભાજપના કાર્યકરો દિવસરાત મહેનત કરે તો પણ રાજ્યમાંથી આટલી મેદની એકઠી ન કરી શકે.
તેઓ કહે છે, "ભારતમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ મહાત્મા ગાંધી જેટલા લોકપ્રિય નથી કે આટલી મોટી સંખ્યામાં મેદની ઉમટી પડે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારે વિધાનસભામાં મોઢવાડિયા વિપક્ષના નેતા રહી ચૂક્યા છે.
68 લાખ : અમદાવાદની વસતિ

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના આંકડા પ્રમાણે, શહેરની વસતિ 68 લાખની છે, જો સમગ્ર શહેર ટ્રમ્પને આવકારવા રસ્તા ઉપર ઉતરે તો પણ 70 લાખ (સાત મિલિયન)ના આંકડાને આંબી ન શકાય અને ટ્રમ્પ 6-7 મિલિયનથી 10 મિલિયનનો આંકડો આપે છે.
અમદાવાદના કલેક્ટર કે. કે. નિરાલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે નવનિર્મિત મોટેરા સ્ટેડિયમની બેઠકક્ષમતા એક લાખ 10 હજાર પ્રેક્ષકોની છે. સ્ટેડિયમની બહાર પણ લોકોને સમાવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
નિરાલા કહે છે કે સ્ટેડિયમની બહાર કેટલા લોકો હાજર રહેશે તે અંગે ચોક્કસ આંકડો આપી નહીં શકાય.
તેઓ કહે છે "ચોક્કસ આંકડો આપી ન શકાય, પરંતુ 15થી 30 હજાર કે એથી વધુ લોકો સામેલ થશે. આ તબક્કે કશું ચોક્કસપણે ન કહી શકાય."
જોકે, બધા આંકડાનો સરવાળો કરવામાં આવે તો પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કથિત રીતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જે આંકડો કહ્યો છે, એટલો નહીં થાય.
રાજકીય વિશ્લેષક તથા સામાજિક કાર્યકર મનીષી જાની કહે છે કે, અમદાવાદના રસ્તાઓ ઉપર આટલો મોટો માનવમહેરામણ કલ્પી ન શકાય. તેઓ કહે છે, "હું નાનો હતો, ત્યારે પંડિત જવાહરલાલ નહેરુને જોવા માટે લોકોએ પડાપડી કરી હતી. હું પણ એ ભીડમાં સામેલ હતો. એવું દૃશ્ય ફરી ક્યારેય અમદાવાદમાં જોવા નહીં મળે."
ક્યાંથી આવશે મેદની?

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech
હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિને આવકારવા માટે અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઍરપૉર્ટથી ગાંધી આંશ્રમથી મોટેરા સ્ટેડિયમની વચ્ચેના રૂટ ઉપર રેલિંગ ઊભી કરી દેવામાં આવી છે.
ભીડ એકઠી કરવાનું કામ શાસક ભાજપ તથા રાજ્યસરકાર વચ્ચે વહેંચી દેવાયું છે. ગુજરાત ભાજપનું સંગઠન તથા ગુજરાત સરકારનું વહીવટીતંત્ર મોટેરા સ્ટેડિયમ સુધી ભીડને લાવવાનું કામ કરશે.
બીજી બાજુ, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન તથા સ્થાનિક નેતાઓને રોડ-શો દરમિયાન રસ્તાની બંને બાજુએ લોકોને એકઠાં કરશે.
અમદાવાદમાં વિધાનસભાની 16 તથા સંસદની ત્રણ બેઠક છે. એ.એમ.સી.ના મેયર બીજલ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "અમારા નેતાઓ રોડશોમાં સામેલ થવા માટે લોકોનો સંપર્ક કરી રહ્યા છે."
તેમણે કહ્યું કે "આજુબાજુની વિધાનસભા બેઠકોમાંથી સ્થાનિક કાર્યકરો દ્વારા ભીડ એકઠી કરવામાં આવશે, જેને અમદાવાદના સ્થાનિક કાર્યકરો રોડશો સુધી પહોંચવામાં મદદ કરશે."
"ભાજપના નેતાઓએ જિલ્લાસ્તરે પાર્ટીના નેતાઓ સાથે અનેક બેઠક કરી છે તેમ ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું.
તેમણે કહ્યું કે, "અમે જિલ્લાસ્તરના નેતાઓ સાથે બેઠક કરીને તેમને જણાવ્યું છે કે આપણાં રાજ્યમાં ઐતિહાસિક ઘટના ઘટી રહી છે, ત્યારે વધુ અને વધુ લોકોને આ કાર્યક્રમમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













