You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુલવામા હુમલો : જીવ ગુમાવનાર જવાનોના પરિવાર સરકારથી દુખી કેમ?
- લેેખક, નારાયણ બારેઠ
- પદ, જયપુરથી, બીબીસી ગુજરાતી માટે
એ વાતને લગભગ એક વર્ષ થયું જ્યારે પુલવામામાં ઉગ્રવાદી હુમલામાં મૃત્યુ પામેલા જવાનોના મૃતદેહ રાજસ્થાન પહોંચ્યા હતા, દરેકની આંખો નમ હતી.
એ વાતાવરણમાં જ સરકારે પીડિત પરિવારોને કેટલાક વાયદા કર્યા હતા. એ વાયદા, જે આજે પણ અધૂરા છે. ક્યારેક કેન્દ્ર સરકારે અવગણના કરી, તો ક્યારેક રાજ્ય સરકારે ઉપેક્ષા કરી.
પુલવામાના ઉગ્રવાદી હુમલામાં રાજસ્થાનના પાંચ જવાનોએ જીવ ગુમાવ્યો હતો. તેમાં જયપુર જિલ્લાના ગોવિંદપુર બાસડીના રોહિતાશ લાંબા અને ભરતપુર જિલ્લામાં સુંદરવાલીના જીતરામ ગુર્જરનું નામ પણ સામેલ હતું.
આ બન્ને જવાનોના પરિવારજનોએ બીબીસીને કહ્યું, "રાજ્ય સરકારે ઘરના એક સભ્યને નોકરી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ એ વાયદો, વાયદો જ રહી ગયો."
જીતરામ ગુર્જરના નાનાભાઈ વિક્રમ કહે છે કે રાજ્ય સરકાર એ સમયે કરેલા વાયદામાંથી થોડા જ પૂરા કરી શકી છે.
તેમણે કહ્યું, "સરકારે તે સમયે ઘોષિત પૅકેજમાંથી પરિવારદીઠ પચાસ લાખ રૂપિયા આપવાનો વાયદો પૂરો કર્યો. પરંતુ શહીદના નામે કોઈ શિક્ષણ સંસ્થાનું નામકરણ હજુ સુધી કરવામાં આવ્યું નથી."
જયપુર જિલ્લામાં ગુલ-ઓ-ગુલઝાર રાષ્ટ્રીય માર્ગથી અલગ પડીને એક રસ્તો ખેતરોમાંથી પસાર થઈને ગોવિંદપુર બાસડી પહોંચે છે, તો ત્યાં મોટાભાગે ખેડૂતો મળી આવે છે.
લીલા ખેતર એક મનમોહક તસવીર ઊભી કરે છે અને તેની જ વચ્ચે એક ભૂખંડ પર શહીદ સ્મારક બનાવવાનું કામ અધૂરું જોવા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગામના બહારના ભાગમાં રોહિતાશ લામ્બાનું મકાન છે. લામ્બાના નાનાભાઈ જીતેન્દ્ર સરકારના વલણથી નિરાશ છે.
તેઓ કહે છે, "તે સમયે દરેકે ઘરના એક સભ્યને નોકરી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ શહીદનાં વિધવા મંજુ ભણેલાં ન હોવાથી તેમને નોકરી માટે મારા નામ પર સહમતી સધાઈ હતી. પરંતુ ત્યારથી અમે મંત્રીઓના ચક્કર લગાવી રહ્યા છીએ."
"આ ખૂબ જ તકલીફદેહ બાબત છે."
પરિવારની સરકાર સમક્ષ ફરિયાદ તો છે જ, પણ સાથે સમાજ સામે પણ ફરિયાદ છે. રોહિતાશ લામ્બાનાં પત્ની મંજુ વાત કરતાં-કરતાં રડવા લાગે છે.
તેઓ કહે છે, "કોઈ પૂછતું નથી. તેઓ દોઢ મહિનાના બાળકને છોડીને ગયા હતા. તેમની ઉંમર માત્ર 22 વર્ષની હતી. જીવન તો અમારે વિતાવવાનું છે, સરકારને ક્યા કંઈ ખબર છે."
"જ્યાં તેઓ કામ કરતા હતા, ત્યાંથી કોઈએ આવીને પૂછ્યું નથી કે તમે કેમ છો. હા, અજમેરથી એક અધિકારી આવે છે અને સુખ-દુખ વિશે પૂછે છે."
મંજુ કહે છે, "અમારાં લગ્નને માત્ર દોઢ વર્ષ થયું હતું. પછી તેઓ શહીદ થઈ ગયા. તે સમયે બધા લોકો આશ્વાસન આપવા આવ્યા હતા. હવે અમને કોઈ પૂછતું નથી."
"હું ઇચ્છું છું કે મારા દિયર જીતેન્દ્રને સરકારી નોકરી મળી જાય. તેની માટે ઘણી વખત કાગળ પર દસ્તાવેજ કર્યા. ઘણી વાર હું જયપુર જઈને આવી છું. પરંતુ કંઈ નિરાકરણ ન મળ્યું. હવે શું કરવું?"
રોહિતાશના પિતા બાબુલાલ ખેતી કરે છે. પરંતુ જમીન ખૂબ ઓછી છે અને પાણી પણ નથી. તેઓ કહે છે કે અમારા પરિવારને રોહિતાશનો જ સહારો હતો. આ કેટલી દુઃખની વાત છે કે એક પિતાએ પોતાના દીકરાને કાંધ આપવી પડે.
બાબુલાલ કહે છે કે તે સમયે તો દરેકે કહ્યું હતું કે અમે તમારી સાથે છીએ પરંતુ હવે કોઈ પૂછવા આવતું નથી.
પરિવારના જણાવ્યા પ્રમાણે CRPFમાં વર્ષ 2011માં રોહિતાશ લામ્બાનું સિલેક્શન થયું હતું અને 2013માં તેઓ ફરજ બજાવવા હાજર થયા હતા.
જ્યારે મા ઘીસી દેવીએ પોતાના દીકરાને યુનિફોર્મમાં જોયો તો ખૂબ ખુશ થઈ ગયાં હતાં. પરંતુ હવે તેઓ પોતાના દીકરાને યાદ કરીને રડી ઊઠે છે.
ઘીસી દેવી કહે છે, "શહાદત વખતે દરેક વ્યક્તિ કહી રહી હતી કે અમે તમારી સાથે છીએ. પરંતુ હવે કોઈ પૂછતું નથી."
"તેના સંગઠનના લોકો આવીને હાલચાલ પૂછે છે અને સાંત્વના આપે છે. પરંતુ શું કોઈ નેતા કે સરકારે ખબર લીધા? કોઈ આવતું નથી. ક્યારેક-ક્યારેક અધિકારીઓ આવે છે."
હવે ઘરની જવાબદારી રોહિતાશ લામ્બાના નાના ભાઈ જીતેન્દ્રના માથે આવી છે. જીતેન્દ્ર કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્નેના વલણથી દુઃખી છે.
જીતેન્દ્રએ બીબીસીને કહ્યું, "એ સમયે કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારના મંત્રી અહીં આવ્યા હતા. પરંતુ હવે એક વર્ષ થઈ ગયું છે. તેમાંથી કોઈએ પણ હજુ અમારા ખબર અંતર મેળવ્યા નથી."
"એ સમયે અમારા પરિવારે કહ્યું હતું કે ઘર ચલાવવા માટે મને નોકરી મળવી જોઈએ. ત્યારે સરકારે હા કહ્યું હતું પરંતુ હવે અમે નેતાઓના ચક્કર લગાવી રહ્યા છીએ. કોઈ કંઈ જવાબ આપતું નથી."
રાજ્યના સૈનિક કલ્યાણ મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસ એ નેતાઓમાં સામેલ હતા, જેઓ લામ્બાના ઘરે સાંત્વના આપવા પહોંચ્યા હતા.
ખાચરિયાવાસે બીબીસીને કહ્યું, "રાજસ્થાને શહીદ પરિવારો માટે બાકી રાજ્યો કરતાં સારું પૅકેજ આપ્યું હતું."
"લામ્બાના પરિવારના એક સભ્યને નોકરી આપવામાં કેટલીક પ્રક્રિયાગત બાધા છે કેમ કે અત્યાર સુધી નિયમોમાં શહીદનાં વિધવા પત્ની કે પછી સંતાનને જ નોકરી આપવાની જોગવાઈ છે."
"એટલે જીતેન્દ્રને નોકરી આપવા માટે નિયમમા પરિવર્તનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે."
તેઓ કહે છે કે સરકાર પોતાનું વચન પૂરું કરશે.
ભરતપુર જિલ્લાના સુંદરવાલી ગામના જીતરામ ગુર્જર પણ એક વર્ષ પહેલાં ઉગ્રવાદી હુમલાનો શિકાર બન્યા હતા.
તેમના પિતા રાધેશ્યામ ખેતી કરે છે, પરંતુ પૂરતી જમીન નથી, પાણીની પણ સમસ્યા છે. જીતરામ બાદ તેમના નાના ભાઈ વિક્રમ જ બધું સંભાળે છે.
વિક્રમે બીબીસીને કહ્યું, "સરકારે ઘણા વાયદા પૂર્ણ કર્યા છે પરંતુ મારી નોકરીનું કામ હજુ પણ બાકી છે. અમે પોતાની રીતે જીતરામનું શહીદ સ્મારક બનાવી રહ્યા છીએ."
વિક્રમ કહે છે, "તે સમયે ઘણા લોકો આવ્યા હતા. ત્યારે ભરતપુરથી ભાજપ સાંસદ બહાદુરસિંહ કોલીએ સ્મારક માટે 10 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી આ રકમ મળી નથી. "
વિક્રમને એ વાતની જાણ નથી કે તેના માટે કોની પાસે અરજી કરે.
જીતરામની બે દીકરીઓ છે. મોટી દીકરી સુમનની ઉંમર ચાર વર્ષ છે, જ્યારે જીતરામના મૃત્યુ સમયે નાની દીકરી ઇચ્છાની ઉંમર માત્ર ચાર મહિનાની હતી.
જીતરામનાં વિધવા પત્ની સુંદરે બીબીસીને જણાવ્યું, "મારા પતિની શહાદત બાદ અમને કૃષિ કનેક્ષન આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી એ થયું નથી."
વિક્રમ કહે છે, "સરકારે સ્કૂલ કે કોઈ શિક્ષણ સંસ્થાના નામકરણનો વાયદો પણ પૂર્ણ કર્યો નથી."
દીકરા જીતરામ વિશે પૂછવા પર માતા ગોપાની આંખો છલકાઈ આવે છે. CRPFના જવાન જીતરામ ગત વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ ઉગ્રવાદી હુમલામાં મૃત્યુ પામ્યા હતા.
પરિવારજનોના પ્રમાણે ઘટના બાદ લોકોએ ઘણી હિંમત આપી હતી અને હજુ પણ સાંત્વના આપતા રહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો