પુલવામા હુમલાનું એક વર્ષ : CRPFના કાફલા પરના હુમલાની તપાસ કેટલે પહોંચી?

    • લેેખક, જુગલ આર. પુરોહિત
    • પદ, બીબીસી સંવાદદાતા

14 ફેબ્રુઆરી, 2019 શુક્રવારના બપોરના 3:10 વાગ્યા સુધી દક્ષિણ કાશ્મીરનું લાડૂમોડે બહુ ઓછું જાણીતું સ્થળ હતું. એક જ મિનિટ પછી સ્થિતિ પલટાઈ ગઈ. કાયમ માટે.

લાડૂમોડે કેન્દ્રીય અનામત પોલીસ દળ (CRPF)ના 40 જવાનોનો ભોગ લેનારી જગ્યા બની ગઈ.

વિસ્ફોટકો ભરેલી મારુતિ ઇકો વાન આવી અને CRPFના કાફલા સાથે ટકરાઈ અને મોટો ધડાકો થયો હતો.

છેલ્લા ત્રણ દાયકાથી ચાલતા ઉદ્દામવાદમાં અગાઉ ક્યારેય આટલો મોટો આતંકી હુમલો થયો નહોતો.

CRPF માટે ભારતીય કબજાના કાશ્મીરમાં સંઘર્ષ કરવો પડે કે તેના કાફલા પર હુમલો થાય તે નવી વાત નહોતી.

સીઆરપીએફે શું કર્યું?

પરંતુ આ દુર્ઘટના પછી ફરી વાર આવું જોખમ ટાળવા માટે શું શું સુધારા કરાયા છે?

CRPFના ડિરેક્ટર જનરલ આનંદ પ્રકાશ માહેશ્વરીએ બીબીસીને જણાવ્યું કે, "CRPF પોતાની ક્ષમતાની બાબતમાં સતત સુધારા કરતું રહે છે."

"સાધન અને વ્યૂહ બંનેમાં સુધારા સાથે માત્ર દુશ્મનોની નાપાક હરકતોને અગાઉથી જ ડામી દેવા માટે પ્રયાસો ઉપરાંત આવા તત્ત્વો પેદા કરનારી સ્થિતિને પણ નાબુદ કરવા માટે પ્રયાસો થતા રહે છે".

જોકે ગયા વર્ષના હુમલા વિશે બેસાડાયેલી તપાસના અહેવાલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પ્રતિસાદ આપ્યો નહોતો.

ગયા વર્ષે ગુપ્તચર માહિતીના અભાવ ઉપરાંત આવા કાફલાને પૂરી પાડવામાં આવતી સલામતીના અભાવ સહિતના સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

CRPFનાં જુદાંજુદાં વર્તુળોએ બીબીસીને જણાવ્યું હતું કે તે આત્મઘાતી હુમલા પછી જવાબદાર ગણીને કોઈ પણ અધિકારી સામે કાર્યવાહી થઈ નથી.

'કારબૉમ્બ'નો ઉપયોગ થતો રહ્યો છે?

એક સિનિયર ઑફિસરે પોતાનું નામ ન આપવાની શરતે કહ્યું કે, "પુલવામા હુમલો કોઈ ખામીને કારણે નહોતો થયો. તેથી કોઈની સામે પગલાં લેવાનો સવાલ ઊભો થતો નથી."

"તે દિવસે અમે બીજા દરેક પ્રકારના હુમલાનો સામનો કરવા માટે તૈયાર હતા, પણ વાહનોમાં લાદેલા ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (VB-IED)થી હુમલો થશે તેની ગણતરી નહોતી. અભ્યાસક્રમની બહારનો સવાલ પરીક્ષામાં પુછાય તેના જેવી આ વાત છે."

જોકે એવું દર્શાવતા ડેટા છે કે ઉદ્દામવાદીઓએ વાહનોમાં વિસ્ફોટકો લાદીને હુમલો કર્યો હોય તેવો આ કંઈ પહેલો બનાવ નહોતો.

સાઉથ એશિયા ટેરરિઝમ પૉર્ટલ પર નોંધાયેલા હુમલાની યાદીમાં 2 નવેમ્બર, 2005માં થયેલો હુમલો પણ નોંધાયેલો છે.

નવગામમાં એક આત્મઘાતી બોમ્બરે પોતાની કાર ઘૂસાડી દઈને ત્રણ પોલીસ અને 6 નાગરિકોના જીવ લીધા હતા. બીજા કેટલાક સ્થળોએ પણ કાર બૉમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ વિશે બીબીસીએ CRPFના નિવૃત્ત ઇન્સ્પેક્ટર જનરલ વીપીએસ પવાર સાથે વાતચીત કરી હતી.

તેમણે જણાવ્યું કે, "CRPF હંમેશા લડવા માટે તૈયાર હોય છે અને એક સંઘર્ષમાંથી બીજા ઘર્ષણ વચ્ચે દોડતું રહે છે. મારી દૃષ્ટિએ પુલવામા એક મોટી ભૂલ હતી અને તેમાંથી કેટલો બોધપાઠ લેવામાં આવ્યો છે તે હું જાણતો નથી."

આ બાબતમાં કેટલાક નક્કર પગલાં લેવામાં આવ્યાં છે અને હવે સલામતી જવાનોનો કાફલો પસાર થતો હોય ત્યારે નાગરિક વાહનોને રસ્તા પરથી પસાર થવા દેવામાં આવતા નથી.

હુમલો થયો તે પછી સરકારની ટીકા પણ થઈ હતી કે આટલો મોટો કાફલો તંગદિલીભર્યા હાઈવે પર જમીન માર્ગે મોકલવાના બદલે તેને હવાઈ માર્ગે મોકલવાની જરૂર હતી.

હવે શું બદલાયું છે?

CRPFના એક સિનિયર ઑફિસરે નામ ના આપવાની શરતે જણાવ્યું હતું, "જમ્મુ અને શ્રીનગર વચ્ચે અમારા CRPF જવાનોની હેરફેર હવાઈ માર્ગે કરવા માટેની સુવિધામાં ઘણો વધારો કરવામાં આવ્યો છે. હવે જવાનો પોતાની રીતે પણ હવાઈ યાત્રા કરી શકે છે અને સરકાર તેમને વળતર ચૂકવી આપે છે."

જમ્મુથી શ્રીનગર સુધીના સમગ્ર હાઈવેને સીસીટીવી નેટવર્ક હેઠળ આવરી લેવા માટેનું કામ પણ ચાલી રહ્યું છે.

નેટવર્ક તૈયાર થઈ જાય તે પછી હાઈવે પરના વાહનવ્યવહાર પર જીવંત નજર રાખી શકશે. તેના કારણે વધારે સારી રીતે દેખરેખ રાખી શકાશે.

કાફલો પસાર થવાનો હોય ત્યારે રસ્તાની બાજુમાં પાર્ક કરવામાં આવેલા ટ્રક્સ સહિતના વાહનોને હઠાવી દેવા માટેની કાળજી પણ હવે લેવામાં આવે છે.

હુમલાની તપાસના સંદર્ભમાં તપાસ કરીને અદાલતમાં આરોપનામું દાખલ કરવાનું હોય તે હજી સુધી દાખલ કરવામાં આવ્યું નથી.

આ બનાવની તપાસ 20 ફેબ્રુઆરીએ જ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા હાથમાં લઈ લેવામાં આવી હતી. આરોપનામું દાખલ કરવામાં વિલંબ અંગે એજન્સીના પોતાનાં કારણો છે.

તપાસ પર એનઆઈએએ શું કહ્યું?

આ બાબતમાં કેટલાક પ્રશ્નો આ સંવાદદાતાએ NIAને આપ્યા હતા, તેના પ્રતિસાદમાં હુમલામાં ઉપયોગમાં લેવામાં આવેલા વાહનને ઓળખી કાઢવાથી માંડીને કેવા પ્રકારના વિસ્ફોટકો ઉપયોગમાં લેવાયા હતા અને 'હુમલાનું કાવતરું પણ શોધી કાઢવામાં' આવ્યું છે વગેરે વિગતો આપીને એજન્સીએ પોતાની તપાસ સફળ રહી હોવાનું જણાવ્યું હતું.

આ અંગે આપેલા નિવેદનમાં NIA દ્વારા વધુમાં જણાવાયું હતું કે, "હુમલા પછી તેની જવાબદારી લેવાના નિવેદનો JeMના પ્રવક્તા મોહમ્મદ હસને ઘણા મીડિયાને મોકલ્યા હતા."

"JeMના પ્રવક્તાએ આ નિવેદનો મોકલ્યા તેની તપાસ કરીને તેનું આઈપી એડ્રેસ પાકિસ્તાનમાં હોવાનું શોધી કાઢવામાં આવ્યું હતું. પુલવામાની તપાસ દરમિયાન JeMનું બીજું એક OGW (ઓવર ગ્રાઉન્ડ વર્કર) નેટવર્ક પણ પકડી પાડવામાં આવ્યું હતું."

"JeMના ઓવર ગ્રાઉન્ડ ટેકેદારો સામે બીજો પણ એક કેસ નોંધવામાં આવ્યો હતો. તેમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને UAPA હેઠળ તેમની સામે આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. આ પ્રયાસોને કારણે દક્ષિણ કાશ્મીરમાં JeMના નેટવર્કની કમર તોડી નાખવામાં આવી હતી."

શા માટે આરોપનામું દાખલ નથી થયું તે વિશે ખાસ પૂછવામાં આવેલા સવાલના જવાબમાં NIA દ્વારા જણાવાયું હતું કે, "ઉપર જણાવેલાં કારણસર કોઈ આરોપનામું દાખલ કરવામાં આવ્યું નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો