રામમંદિર માટે ટ્રસ્ટની જાહેરાત બાદ પણ સંતો નારાજ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, લખનૌ, બીબીસી ગુજરાતી માટે
કેન્દ્ર સરકાર દ્વારા 'શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ'ની જાહેરાત કરાઈ છે, તેનાથી અયોધ્યાના સંત નારાજ છે. તેમને શાંત પાડવાનો પ્રયાસ થયો છે, પરંતુ તેમનો આક્રોશ કેટલા દિવસ સુધી દબાયેલો રહેશે, તે કહેવું મુશ્કેલ છે.
સંતોનું કહેવું છે કે ટ્રસ્ટના પંદર સભ્યમાંથી નવ સભ્યના નામની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ તેમાં અયોધ્યાના સંતસમાજમાંથી કોઈ નથી કે રામમંદિર માટેના આંદોલન સાથે જોડાયેલી કોઈ વ્યક્તિ નથી.
આ સિવાય સંતોને એ વાતનો પણ વાંધો છે કે અયોધ્યાના જે બે લોકોને ટ્રસ્ટમાં સ્થાન મળ્યું છે, તેમાંથી એક વ્યક્તિને કોઈ ઓળખતું પણ નથી.

નારાજ નૃત્યગોપાલ દાસ

ઇમેજ સ્રોત, Hindustan Times
અગાઉ એવી ચર્ચા હતી કે રામજન્મભૂમિ ન્યાસના વડા મહંત નૃત્યગોપાલ દાસને સમાવિષ્ટ કરાશે જ, પરંતુ તેમને ટ્રસ્ટમાં સ્થાન નથી મળ્યું.
આ અંગે નૃત્યગોપાલ દાસજીએ જાહેરમાં પોતાની નારાજગી પણ વ્યક્ત કરીને આંદોલન કરવાની ચીમકી આપી હતી.
તેમણે કહ્યું, "જેમણે આખી જિંદગીનો ભોગ આપ્યો છે, આજીવન મંદિર આંદોલન સાથે જોડાયેલા રહ્યા છે, તેમને ટ્રસ્ટમાં સ્થાન નથી અપાયું."
"જે ટ્રસ્ટ બન્યું છે, તેમાં અયોધ્યાના સંતોનું અપમાન થયું છે. સરકારે તેના નિર્ણય અંગે પુનર્વિચાર કરવો રહ્યો."
તેમના ઉત્તરાધિકારી કમલ નયન દાસે આ ટ્રસ્ટને માનવાનો ઇન્કાર કરી દીધો અને આંદોલનની ચેતવણી પણ આપી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

અમિત શાહે શાંત પાડ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
ગુરુવારે અયોધ્યાના સંતસમાજની એક બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ આ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહંત નૃત્યગોપાલ દાસજી સાથે ફોન ઉપર વાત કરી અને માહોલને શાંત કરવા પ્રયાસ કર્યો.
ભાજપ કે શાહ દ્વારા ઔપચારિક રીતે આ વાતચીતની પુષ્ટિ કરવામાં નથી આવી, પરંતુ કમલ નયન દાસે બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું કે નૃત્યગોપાલ દાસને ટ્રસ્ટમાં સામેલ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.
તેમણે કહ્યું, "મસ્જિદ તોડવાનો ફોજદારી કેસ ચાલી રહ્યો છે, એટલે મહંતજીનું નામ જાહેર નથી થઈ શક્યું, પરંતુ આગામી દિવસોમાં મહંત નૃત્યગોપાલ દાસ જ આ ટ્રસ્ટના અધ્યક્ષ તથા ચંપત રાય મહામંત્રી બનશે."
ઉપરોક્ત આશ્વાસન આપ્યું, તે અંગે કમલ નયન દાસે ગોળ-ગોળ જવાબ આપ્યો સાથે જ કહ્યું કે અમિત શાહ અને નૃત્યગોપાલ દાસજી વચ્ચેની વાતચીત બાદ જ સંતસમાજની બેઠક ટાળવામાં આવી છે.
તેમણે કહ્યું કે જો આશ્વાસનનો અમલ ન થયો તો સંત સમાજ દ્વારા આંદોલન હાથ ધરવામાં આવશે.

નૃત્યગોપાલ દાસને કેમ સ્થાન નહીં?

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
ગુરુવારે સંતસમાજની બેઠક પૂર્વે ભાજપના ધારાસભ્ય વેદ પ્રકાશ ગુપ્તા સહિત પાર્ટીના અનેક નેતા મહંત નૃત્યગોપાલ દાસને મળવા માટે મણીરામ છાવણી પહોંચ્યા હતા.
પરંતુ મહંતના સમર્થકોએ તેમને અટકાવી દીધા હતા. બાદમાં તેમના પ્રયાસ થકી જ અમિત શાહ અને નૃત્યગોપાલ દાસ વચ્ચે વાતચીત થઈ શકી.
ટ્રસ્ટની જાહેરાત થઈ તે પછી મહંત નૃત્યગોપાલ દાસની સુરક્ષા વધારી દેવામાં આવી હતી, જેથી એવું માનવામાં આવતું હતું કે તેમને ટ્રસ્ટમાં મહત્ત્વપૂર્ણ સ્થાન મળશે, પરંતુ ટ્રસ્ટની જાહેરાત થઈ, ત્યારે ટ્રસ્ટીઓની યાદીમાં તેમનું નામ ન હતું.
લખનૌના વરિષ્ઠ પત્રકાર યોગેશ મિશ્રના કહે છે, "નૃત્યગોપાલ દાસ સામે કેસ ચાલી રહ્યો છે, એ વાત તો બહાનું છે."
"કેસ ચાલતો હોય તો પણ અનેક લોકો ધારાસભ્ય, સંસદસભ્યથી લઈને મંત્રી કે મુખ્ય મંત્રી પણ બન્યા છે."
"આથી, જો ટ્રસ્ટી બની જાય તો કશું અનૈતિક ન થાય, તે નથી સમજાતું. જો નૃત્યગોપાલ દાસને સામેલ કરાયા હોત, તો પણ તેમનો કેસ બંધ થયો ન હોત."
"એવું લાગે છે કે આ વિવાદ તત્કાળ નહીં શમે."

SC અને OBCનો વિવાદ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
રામમંદિરના ટ્રસ્ટમાં નામ ન હોવાના મુદ્દે માત્ર સંત જ નહીં, પરંતુ આંદોલનમાં મુખ્ય ભૂમિકા નિભાવનરાઓએ પણ સવાલ ઉઠાવ્યા છે.
ઉત્તર પ્રદેશના પૂર્વમુખ્ય મંત્રી કલ્યાણસિંહ તથા મધ્ય પ્રદેશનાં પૂર્વમુખ્ય મંત્રી ઉમા ભારતીએ ટ્રસ્ટમાં પછાતવર્ગને પ્રતિનિધિત્વ આપવાની માગ કરી છે.
ઉમા ભારતીનું કહેવું છે, "મંદિર માટેના આંદોલનનું નેતૃત્વ પછાતવર્ગના લોકોએ જ કર્યું હતું, જેમાં કલ્યાણસિંહ, હું તથા વિનય કટિયાર સહિતના લોકો સામેલ હતાં."
"ટ્રસ્ટમાં દલિત સમુદાયને સ્થાન મળ્યું છે, ત્યારે પછાતવર્ગને પણ સ્થાન મળવું જોઈએ."

અયોધ્યાવાસી વિરુદ્ધ બહારના

રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ તથા દિગંબર અખાડાના મહંત સુરેશ દાસે પણ ટ્રસ્ટમાં સ્થાનિક સંતોને સામેલ ન કરવા સામે વાંધો ઉઠાવ્યો છે.
સત્યેન્દ્ર દાસ કહે છે, "સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટ સ્થાપવાની સત્તા સરકારને આપી છે, પરંતુ સરકારે વિચારવું જોઈએ કે અયોધ્યામાં જે મંદિરનું નિર્માણ થશે, તેના ટ્રસ્ટમાં અયોધ્યાના સંત ન હોય તો કોણ હોય?"
"સ્થાનિકસ્તરે જેમને સામેલ કરવામાં આવ્યા છે, તેમનો મંદિર માટેના આંદોલન સાથે કોઈ સંબંધ નથી."
અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિએ એક ગૃહસ્થને ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. હરિદ્વારમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું, "એક ગૃહસ્થની અધ્યક્ષતામાં સંતોએ બેસવું પડે, તે સંતસમાજનું અપમાન છે."
નરેન્દ્ર ગિરિને પણ ટ્રસ્ટમાં સ્થાન માટે દાવેદાર માનવામાં આવતા હતા અને તેમણે આ માટે પ્રયાસ પણ કર્યા હતા.

ક્યારસુધી શાંતિ?

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રસ્ટીઓનાં નામોની જાહેરાત સાથે સંતોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો, જે હાલમાં થોડો શાંત પડ્યો છે. જોકે, તે કેટલા દિવસ સુધી શાંત રહેશે, તે કહેવું મુશ્કેલ છે.
મહંત નૃત્યગોપાલ દાસ તથા ચંપત રાયને ટ્રસ્ટમાં સમાવિષ્ટ કરાશે એટલે સંતોનો આક્રોશ શાંત થઈ જશે કે કેમ, તે કહેવું મુશ્કેલ હશે.
પત્રકાર યોગેશ મિશ્રના કહેવા પ્રમાણે, "માત્ર એક વ્યક્તિનું નામ સામેલ કરવા પૂરતી નારાજગી નથી. નારાજગી તથા વિવાદના એટલાં બધાં પરિમાણો છે કે તે દરેકને ઉકેલવાં શક્ય નથી."
"બીજી બાજુ, નારાજ સંતોની દાવેદારી પાછળનાં કારણો અને આધાર પણ છે. રામમંદિર માટેના આંદોલન સમયે તેમણે પણ સંઘર્ષ કર્યો હતો."
"સરકાર કોઈની પણ દાવેદારી નકારી શકે તેમ નથી. આથી, સરકારે એકસાથે તમામની દાવેદારીને નકારી દીધી હતી."
"હવે જો નૃત્યગોપાલ દાસને સામેલ કરવામાં આવે તો ચોક્કસપણે વિવાદ વકરશે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













