રાઠવા-કોળી વિવાદ : છોટાઉદેપુરમાં આદિવાસી સમાજનો સજ્જડ બંધ, રેલવ્યવહાર અટકાવાયો

છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા પાળવામાં આવેલા બંધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું

જેમાં થોડો સમય રેલવ્યવહાર અટકાવવામાં આવ્યો હતો તથા રસ્તા ઉપર ટાયર સળગાવવાયાં હતાં, જેના કારણે માર્ગવ્યવહારને અસર પહોંચી હતી.

રાઠવા, રાઠવા-કોળી સહિત આદિવાસી સમાજે ત્રણ માગ સાથે સવારથી જ સજ્જડ બંધ પાળ્યો હતો, કેટલીક જગ્યાએ યુવાનોએ બંધ પાળવા ફરજ પાડી હતી.

રાઠવા સમાજનું કહેવું છે કે તાજેતરની લોકરક્ષકની ભરતીમાં પણ તેમને અન્યાય થયો છે.

ઉલ્લેખનીય છે કે એલઆરડી ભરતી મામલે સરકારે કરેલા પરિપત્રને લઈને ગાંધીનગરમાં મહિલાઓનું આંદોલન પણ છેલ્લા 17 દિવસથી ચાલી રહ્યું છે અને મહિલાઓ આમરણાંત અનશન પર છે.

આદિવાસી સમાજની માગો

છેલ્લા કેટલાક મહિનાથી આદિવાસી સમાજનું આંદોલન ચાલી રહ્યું છે. તેમનું કહેવું છે કે 'રાઠવા'ની સાથે ખોટી રીતે 'કોળી' શબ્દ લગાવવામાં આવ્યો છે, જેના કારણે આદિવાસી સમાજના યુવાનોને અન્યાય થાય છે.

સ્થાનિક પત્રકાર રાજીવ પરમારના જણાવ્યા પ્રમાણે, "રાઠવા સમાજના ઉમેદવારોના જાતિના દાખલાની પુનઃતપાસ, રેવન્યૂ રેકર્ડમાંથી 'કોળી' શબ્દ દૂર કરીને તેમની જમીનોને 73-એ તથા 73-એએ હેઠળ સંરક્ષિત કરવાની માગ થઈ રહી છે."

રાઠવા અને રાઠવા-કોળીનો વિવાદ

ઑક્ટોબર-2019માં ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં એવી માગ કરી હતી કે 'રાઠવા' અને 'રાઠવા-કોળી' બે અલગ-અલગ સમુદાય છે.આથી, રાઠવા-કોળી સમાજને આદિવાસી તરીકે મળતા લાભ ગેરકાયદેસર છે.

જોકે, સામે રાઠવા અને રાઠવા-કોળી એક જ છે એવી દલીલ કરાય છે.

ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકારે મતલક્ષી લાભ મેળવવા તેમને આદિવાસી ગણાવ્યા છે અને સરકારને આવું કરવાનો અધિકાર નથી

ગુજરાત સરકારે સમયાંતરે જાહેર કરેલાં વિવિધ જાહેરનામાં પ્રમાણે રાઠવા-કોળીને અને રાઠવા એક જ આદિવાસી સમુદાય ગણાય છે.

જોકે અરજી કરનારનું કહેવું છે કે સરકારી જાહેરનામું ખરેખર તો 1950માં જાહેર કરાયેલા પ્રૅસિડેન્સિયલ ઑર્ડરમાં ફેરફાર છે અને તે ગેરબંધારણીય છે.

હાઈકોર્ટમાં આ અરજી નરસિંહ મહીડા, કનુભાઈ ડામોર, ગૌતમ વાળવી અને દિનેશ કટારા દ્વારા એમના વકીલ રાહુલ શર્મા થકી દાખલ કરાઈ છે.

1950માં ભારતના રાષ્ટ્રપતિએ કૉન્સ્ટિટ્યૂશન (શિડ્યુલ ટ્રાઇબ્સ) ઑર્ડર 1950 જાહેર કર્યો, રાઠવા સમુદાય આદિવાસી જનજાતિ તરીકે આ યાદીના ત્રીજા ભાગમાં 20મા ક્રમાંકે છે.

1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ 1946માં રાષ્ટ્રપતિના તે ઑર્ડરને ફરીથી 1976ના ઑર્ડર તરીકે પસાર કરવામાં આવ્યો.

આ યાદીના ચોથા ભાગમાં 25મા ક્રમાંકે રાઠવા સમુદાયનું નામ છે.

જોકે ત્યારબાદ 1982માં ગુજરાત સરકારે એક જાહેરનામું બહાર પાડીને કહ્યું કે રાઠવા-કોળી અને રાઠવા એક જ સમુદાય છે. માટે રાઠવા કોળીને પણ તે તમામ લાભો મળવાપાત્ર છે જે રાઠવાને મળે છે.

આ જાહેરનામાને ક્યારેય પડકાર ફેંકાયો નથી. રાઠવા-કોળીનો વિવાદ આશરે 15 વર્ષ અગાઉ શરૂ થયો હતો.

2001ની વસતીગણતરી મુજબ ગુજરાતમાં રાઠવા સમુદાયની વસતી 5.35 લાખની હતી.

હાલમાં આ સમુદાયના લોકો મોટા ભાગે છોટાઉદેપુર જિલ્લામાં રહે છે. ઉપરાંત પંચમહાલના ઘોઘંબા અને દાહોદના દેવગઢ બારિયા તાલુકામાં પણ તેમની વસતિ છે.

રાઠવા સમુદાયના લોકો રાઠવા-કોળી, ઉપરાંત રાઠવા-ભીલ, રાઠવા-હિંદુ તરીકે પણ ઓળખાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો