મોદી સરકારના બજેટમાં યુવાનોનાં ભવિષ્ય સાથે છળકપટ કેમ?

    • લેેખક, આલોક જોશી
    • પદ, વરિષ્ઠ પત્રકાર

માગનું શું થશે, ગ્રોથનું શું થશે, રોજગારીનું શું થશે?

બજેટ પહેલાં સૌના મનમાં આ સવાલ હતો અને આશાઓ પણ હતી કે સ્પષ્ટ શબ્દોમાં જવાબ મળે. વધારે આશાવાદી લોકો કંઈક એવી ધમાકેદાર જાહેરાત સાંભળવાની તૈયારીમાં હતા જેનાથી અર્થવ્યવસ્થાની છબી જ બદલાઈ જાય.

બે કલાક 41 મિનિટના ભાષણમાં આ સવાલોનો કોઈ સ્પષ્ટ જવાબ ન મળ્યો. દીનાનાથ કૌલની કાશ્મીરી કવિતા અને તામિલમાં તિરુવલ્લુવર અને સંસ્કૃતમાં કાલિદાસના ઉદ્દરણ પણ સાંભળવા મળ્યા.

ઇતિહાસનું જ્ઞાન પણ મળ્યું અને એ પણ ખ્યાલ આવ્યો કે વેપાર કરવાની પ્રેરણા સિંધુ સભ્યતામાંથી પણ લઈ શકાય છે.

ઇન્કમટૅક્સમાં વિકલ્પ આપવામાં આવ્યો છે કે તમે ઇચ્છો તો ટૅક્સ પર મળનારી છૂટનો ત્યાગ કરી શકો છો અને તેની સામે પાંચ ટકા ટૅક્સ ઓછો ભરો.

આ પસંદગી તમારે જ કરવાની છે અને આ પસંદગી કોઈ પણ કરી શકે છે, પરંતુ પંદર લાખ રૂપિયાથી વધુની આવક પર ટૅક્સનો દર પણ નહીં બદલાય.

સૌથી વધારે દરે ટૅક્સ ભરનાર એટલે ટૉપ ટૅક્સ બ્રેકેટવાળા લોકો આ તરફ ઝૂકે તેવી આશા નથી.

બીજી તરફ દોઢથી પાંચ લાખ રૂપિયા કમાનારી વ્યક્તિ સરળતાથી આનો લાભ લઈ શકે છે.

ખાસકરીને જેમણે હાલમાં જ કમાવવાનું શરૂ કર્યું છે, જેમની પર ન તો હોમ લૉનનો બોજ છે, તેમણે ટૅક્સ બચાવવા ન તો કોઈ પ્રકારની ઇન્સ્યૉરન્સ પૉલિસી લીધી છે અથવા એવો કોઈ રસ્તો કરેલો છે, જેમાં તેમને દર વર્ષે પૈસા ભરવા પડતા હોય.

'એકદમ ફૂલપ્રૂફ ફૉર્મ્યુલા'

તેમના માટે આ નવી ફૉર્મ્યુલા પહેલી નજરમાં જ સારી દેખાઈ રહી છે. નાણામંત્રીએ તેમને લલચાવવા માટે પણ કહી દીધું કે 15 લાખ રૂપિયા કમાનાર આ રીતે 73 હજાર રૂપિયાની બચત કરી શકે છે.

એટલે આજથી રસ્તો પકડી લો તો કમાણી 15 લાખ સુધી થાય ત્યાં સુધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. રિટર્ન પણ પહેલાંથી ભરેલું મળશે તો મહેનત પણ બચી જશે.

હવે શું છે, ફોન ઉઠાવો સ્વિગીમાં ફોન કરો અથવા ઉબેર ઇટ્સ પર ઑર્ડર કરો.

આટલું બચેલું છે, ખર્ચ નહીં કરો? દેશમાં માગને વધારવી છે. ખર્ચ કરશો તો જ અર્થવ્યવસ્થામાં તેજી આવશે. એકદમ ફૂલ પ્રૂફ ફૉર્મ્યુલા છેને! તમારી બચત અને દેશનો વિકાસ એક સાથે, સ્વાદ ઉપરથી.

કદાચ એવું જ થતું... પરંતુ એવું નથી. આ બધાની વચ્ચે જે વાત કહેવામાં આવી નથી, પરંતુ થોડું વિચારતા સમજાય છે તે એ છે કે આ રસ્તો અંધકારમય ભવિષ્ય તરફ જાય છે.

ટૅક્સમાં આ છૂટ એટલે અપાય છે કે સરકાર બચતની આદતને વધારો આપવા માગતી હતી.

આના બે ફાયદા હતા. જેની બચત થતી હતી તેને આજે ટૅક્સમાં છૂટ અને ભવિષ્યમાં એક મોટી રકમ મળતી હતી અને સરકારને પણ આવી રકમ લૉન તરીકે મળી જતી હતી.

જેને પરત કરવાની તારીખ પણ નક્કી હતી અને જે બજારના દરની સરખામણીએ ઓછા વ્યાજ પર પણ મળતી.

જ્યારે જમા કરાવનાર માટે આ વ્યાજ પણ ઓછું ન હતું કારણ કે સાથે ટૅક્સ પર છૂટનો હિસાબ પણ જોડાઈ જતો હતો.

હવે આ છૂટ નહીં મળે તો લોકોની પાસે કોઈ આકર્ષણ નહીં રહે. ન કોઈ મજબૂરી અથવા આનાથી થનારું નુકસાન, જ્યારે સમજણમાં આવશે ત્યારે ઘણો સમય થઈ ગયો હશે.

ટૅક્સ એક્સ્પર્ટ શરદ કોહલીનું પણ કહેવું છે કે આ નિર્ણય અથવા આ રસ્તો ખાસ કરીને તે યુવાનોના ભવિષ્ય સાથે છેડછાડ કરશે જે હાલમાં જ પોતાની કમાણી શરૂ કરી રહ્યા છે. તેમણે એક રસપ્રદ આંકડો પણ આપ્યો.

કહ્યું કે જીવન વીમા અથવા લાઇફ ઇન્સ્યૉરન્સની સિત્તેર ટકા પૉલિસી જાન્યુઆરીથી માર્ચની વચ્ચે વેચાય છે.

આ એ જ સમય હોય છે જ્યારે શરદ જેવા સલાહકાર ટૅક્સ બચાવવા નવા રસ્તા શોધી આપતા હોય છે.

તેમનું કહેવું છે કે મોટાભાગના કિસ્સાઓમાં પંદર-વીસ વર્ષ પછી એમની સામે આવા લોકો જ આભાર માનતા હોય છે કે તમે આ કરાવ્યું ન હોત તો આજે આ પૈસા ન હોત.

આનાથી પણ વધારે આભાર પ્રગટ કરનાર એ દુર્ભાગ્યપૂર્ણ પરિવાર હોય છે, જેમની કમાનાર વ્યક્તિ પૉલિસી લીધા બાદ કોઈ દુર્ઘટનાનો શિકાર બની હોય.

એટલા માટે જરૂરી છે કે સરકાર આ અંગે ફરીથી વિચાર કરે અને પોતાની જાતને જ આ સવાલનો જવાબ પણ પૂછે કે એક તરફ તે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 100 ટકા વિદેશી ફંડનું રોકાણ કરનારને પૂર્ણ ટૅક્સ માફ કરવા તૈયાર છે તો ભારતના નવયુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરનાર આ રસ્તાને બંધ કરીને તેમની સાથે છળકપટ કેમ કરી રહી છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો