અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે સેનેટમાં મહાઅભિયોગની કાર્યવાહી શરૂ

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાની સેનેટમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાઅભિયોગની કાર્યવાહી અંગે સુનાવણી શરૂ થઈ ગઈ છે.

રિપબ્લિકન પાર્ટીના નેતા મિચ મૈકકોનેલ મુખ્ય સાક્ષીઓ અને દસ્તાવેજોને અટકાવવા માગે છે, જ્યારે ડેમૉક્રેટ્સનું કહેવું છે કે જો તેવું થાય તો તે ઢાંકપીછાડા સમાન બની રહેશે.

ડેમૉક્રેટ્સ મહાઅભિયોગની સુનાવણી મુદ્દે નિયમોમાં ફેરફાર ઇચ્છે છે. સેનેટમાં રિપબ્લિકન પાર્ટીની બહુમતી છે.

સેનેટર્સે નિષ્પક્ષ ન્યાયાધીશની જેમ કાર્યવાહી કરવાના શપથ લીધા છે.

અમેરિકાના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ અઠવાડિયાના છ દિવસ દરરોજ છ કલાક સુનાવણી ચાલશે.

line

ટ્રમ્પના વકીલ

આ વકીલો ટ્રમ્પનો બચાવ કરશે

ઇમેજ સ્રોત, REUTERS/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, આ વકીલો ટ્રમ્પનો બચાવ કરશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાઅભિયોગની કાર્યવાહી શરૂ થઈ રહી છે. દેશના રાષ્ટ્રપતિ સામે મહાઅભિયોગની અમેરિકાની ઇતિહાસની આ ત્રીજી ઘટના છે.

મહાઅભિયોગના કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પનો બચાવ કરવા માટે વકીલોની એક મોટી ટીમ કામ કરશે. જે ટીમ સૅનેટમાં ટ્રમ્પનો બચાવ કરશે, એમાં વકીલો પણ હશે, જે પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન સામેના મહાઅભિયોગમાં સામેલ હતા.

સૅનેટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું પ્રતિનિધિત્વ કરનારી ટીમમાં કેન સ્ટાર અને રૉબર્ટ રે હશે. આ એ જ વકીલ છે જેમણે બિલ ક્લિન્ટનના મહાઅભિયોગ મામલે તપાસ કરી હતી.

આ સિવાય ટ્રમ્પના બચાવપક્ષમાં ઍલેન ડર્શોવિટ્સ જેવા ચર્ચિત વકીલ પણ છે. ઍલેન ડર્શોવિટ્સ અમેરિકાના પૂર્વ ફૂટબૉલર અને ઍક્ટર ઓજે સિમ્પસનનો કેસ લડી ચૂક્યા છે.

વ્હાઇટહાઉસના વકીલ પૈટ સિપલોની અને ટ્રમ્પના નિજી વકીલ જે સીકુલો બચાવપક્ષના વકીલોની ટીમનું નેતૃત્વ કરશે.

line
News image
line

ક્લિન્ટન-લેવિંસ્કી અફેરની તપાસ કરનાર વકીલ

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

કેન સ્ટાર એ વકીલ છે, જેઓએ 1980ના મધ્યમાં બિલ ક્લિન્ટન અને વ્હાઇટહાઉસનાં ઇન્ટર્ન મોનિકા લેવિંસ્કીના લવઅફેર મામલે તપાસ કરી હતી.

એ સમયે સ્ટાર અમેરિકાના ન્યાય મંત્રાલયમાં સ્વતંત્ર અધિવક્તા તરીકે કામ કરતા હતા. એ સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ ક્લિન્ટન અને મોનિકા લેવિંસ્કીની લવઅફેરની વાત સાચી સાબિત થઈ હતી.

1998માં બિલ ક્લિન્ટનને હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મહાઅભિયોગનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ સૅનેટમાં આવું ન થઈ શક્યું. એટલે કે ક્લિન્ટનને પદ ન છોડવું પડ્યું.

કેન સ્ટાર બાદ રૉબર્ટ રેએ ન્યાય મંત્રાલયમાં સ્વતંત્ર અધિવક્તાનું સ્થાન લીધું. ડોનાલ્ડ ટ્રમ્પની ટીમનું એલાન થયા બાદ મોનિકા લેવિંસ્કીએ શુક્રવારે ટ્વીટ કર્યું, "આ બિલકુલ એવું જ છે, શું મજાક ચાલી રહી છે!"

line

ઍલેન ડર્શોવિટ્સ કોણ છે?

ઍલેન ડર્શોવિટ્સ હાર્વર્ડ યુનિવર્સિટીમાં કાયદાના નિવૃત્તિ પ્રોફેસર છે. તેઓ અમેરિકાના બંધારણીય નિષ્ણાત છે. અમેરિકાના એકથી એક ચડિયાતા ચર્ચિત લોકો ડર્શોવિટ્સના ક્લાયન્ટ રહી ચૂક્યા છે.

તેઓએ અમેરિકામાં બીબીસીના સહયોગી સીબીએસ ન્યૂઝને જણાવ્યું કે તેઓએ મહાઅભિયોગ મામલે બુધવારે ટ્રમ્પ સાથે વાતચીત કરી હતી.

ડર્શોવિટ્સએ જણાવ્યું, "હું એક સ્વતંત્ર અધિવક્તા અને બંધારણીય નિષ્ણાત તરીકે આ મામલાને જોવા માટે રાજી થયો છું."

તેઓએ કહ્યું કે તેઓ આ મહાઅભિયોગ કેસનાં સંભવિત પરિણામને લઈને 'બહુ ચિંતિંત' છે.

ડર્શોવિટ્સે કહ્યું, "આનાથી રાષ્ટ્રપતિપદની તાકત નબળી પડી શકે છે. મહાઅભિયોગને રાજકીય હથિયાર અને પક્ષપાતપૂર્ણ રણનીતિ બનાવી શકાય છે."

ડર્શોવિટ્સે એક નિવેદનમાં એ પણ કહ્યું કે તેઓએ બિલ ક્લિન્ટનના મહાઅભિયોગનો વિરોધ કર્યો હતો અને 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટનને વોટ આપ્યો હતો.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અગાઉ પણ ડર્શોવિટ્સની મદદ લઈ ચૂક્યા છે. ટ્રમ્પે 2017-19માં અમેરિકાની ચૂંટણીમાં રશિયાની દખલગીરીની વિશેષ તપાસ માટે તેમની સલાહ લીધી હતી.

line

ટ્રમ્પની ટીમમાં અન્ય કોણ છે?

સેનેટની કાર્યવાહી

ઇમેજ સ્રોત, EPA

ઍલેન ડર્શોવિટ્સ અને કેન સ્ટાર બંને જેફરી એપ્સ્ટાઇનનો કેસ પણ લડી ચૂક્યા છે. એપ્સટાઇન એક અમેરિકન ફાઇનાન્સર છે, જેમને યૌન ઉત્પીડન મામલે દોષી જાહેર કરાયા હતા.

અમેરિકન સમાચાર વેબસાઇટ અક્સિયસના રિપોર્ટ અનુસાર વ્હાઇટહાઇસના કેટલાક અધિકારીઓ નથી ઇચ્છતા કે ડર્શોવિટ્સ ટ્રમ્પના વકીલોની ટીમમાં સામેલ થાય. તેનું કારણ યૌન ઉત્પીડનના દોષી જેફરી એપ્સ્ટાઇનનો કેસ ગણાવાઈ રહ્યું છે.

મળેલી જાણકારી પ્રમાણે ફ્લોરિડાનાં પૂર્વ ઍટૉર્ની જનરલ પૈમ બૉન્ડી પણ ટીમમાં સામેલ થઈ રહ્યાં છે.

બૉન્ડી લાંબા સમયથી રાષ્ટ્રપતિ ટ્રમ્પનાં સહયોગી રહ્યાં છે અને ગત નવેમ્બરમાં તેઓએ વ્હાઇટહાઉસની 'કૉમ્યુનિકેશન ટીમ'માં સામેલ થયાં હતાં.

line

મહાભિયોગ શું છે?

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, REUTERS

જ્યારે કોઈ રાષ્ટ્રપતિ પર ગંભીર આરોપ લાગે ત્યારે તેમના પર મહાઅભિયોગનો ખટલો ચલાવાય છે. મહાઅભિયોગમાં દોષિત ઠરનારે રાષ્ટ્રપતિને પદ છોડવું પડે છે.

અમેરિકાના બંધારણ પ્રમાણે રાષ્ટ્રપતિને દેશદ્રોહ, લાંચ અને અન્ય ઠોસ ગુનાઓમાં મહાઅભિયોગનો સામનો કરવો પડે છે.

અમેરિકામાં મહાઅભિયોગની પ્રક્રિયા હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સથી શરૂ થાય છે અને તેને પાસ કરાવવા માટે એક સામાન્ય બહુમતી જરૂરી હોય છે.

સૅનેટમાં તેના પર સુનાવણી થાય છે, પરંતુ અહીં મહાઅભિયોગને મંજૂરી આપવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર પડે છે. અમેરિકાના ઇતિહાસમાં આ માઇલસ્ટૉન સુધી હજુ પહોંચી શકાયું નથી.

line

ટ્રમ્પ પર કેમ ચલાવાઈ રહ્યો છે મહાભિયોગ?

મહાભિયોગની કાર્યવાહી

ઇમેજ સ્રોત, Getty Images

રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર આરોપ છે કે તેઓએ 2020માં રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષ ડેમૉક્રેટિક પાર્ટીના સંભવિત ઉમેદવાર જો બિદેન અને તેના પુત્ર સામે ભ્રષ્ટાચારની તપાસ માટે યુક્રેનના રાષ્ટ્રપતિ વૉલોદીમિર ઝેલેન્સ્કી પર દબાણ કર્યું હતું.

ડેમૉક્રેટિક પાર્ટીના સાંસદોનો આરોપ છે કે ટ્રમ્પે પોતાના રાજકીય લાભ મટે યુક્રેનને અપાનારી 31.9 કરોડ ડૉલરની સૈન્યમદદ રોકી દીધી હતી.

તેમના પર સત્તાનો દુરુપયોગ અને સંસદના કામમાં અડચણ નાખવાનો આરોપ છે અને એટલે તેમના પર મહાઅભિયોગની કાર્યવાહી ચાલી રહી છે. યુક્રેન આ મામલે એક અલગ તપાસ પણ કરી રહ્યું છે.

ટ્રમ્પ શરૂઆતથી જ આરોપોને ફગાવતા આવ્યા છે. તેઓ આરોપોને માત્ર 'અફવા' ગણાવે છે.

વિપક્ષ ડેમૉક્રેટિક પાર્ટીનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના મહાઅભિયોગનું સાંકેતિક મહત્ત્વ છે.

તો ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનું કહેવું છે કે આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી અગાઉ તેમની છબિ ખરડવાની કોશિશ થઈ રહી છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો