You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉનાના અત્યાચાર પીડિત દલિતોએ રાષ્ટ્રપતિ સમક્ષ બીજા દેશમાં મોકલી દેવા માગ કરી - TOP NEWS
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર 2016માં બનેલી ઉના દલિત અત્યાચારની ઘટનાના પીડિતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી તેમને બીજા દેશમાં મોકલી દેવાની માગણી કરી છે.
ઘટનાના પીડિત વશરામ સરવૈયાએ આ પત્રમાં તેમને અને તેમના ભાઈઓને કોઈક એવા દેશમાં મોકલી આપવાની માગ કરી છે, જ્યાં તેમની સાથે ભેદભાવ ન આચરવામાં આવે.
આ પત્રમાં તેમને સરકાર દ્વારા ભારતના નાગરિક ન ગણવામાં આવતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
નોંધનીય છે કે 16 જુલાઈ, 2016ના રોજ ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં દલિત પરિવારના ચાર ભાઈઓને કથિત ગૌ-રક્ષકો દ્વારા ઢોરમાર મરાયો હતો.
મૃત ગાયનું ચામડું ઉતારવા બદલ તેમને કેટલાક લોકોએ મળીને જાહેરમાં માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
પત્રમાં તેમણે ઘટના બાદ સરકારે પીડીતોને ખેતી અને ઘર માટે જમીન આપવાની જાહેરાત કરી હતી, જે હજુ સુધી તેમને ન મળી હોવાનો આરોપ મુકાયો છે.
તેમજ ઘટના બાદ પીડિતોને વૈકલ્પિક રોજગાર મળી રહે તે માટેની વ્યવસ્થા કરી આપવાનો વાયદો પણ પૂર્ણ ન કરાયો હોવાનો આરોપ મૂક્યો છે.
'પાણીના ઝઘડામાં ગુજરાતમાં સૌથી વધુ હત્યાઓ'
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ભારતમાં પાણીના વિવાદમાં થયેલી હત્યાઓમાં સૌથી વધુ હત્યાઓ ગુજરાતમાં નોંધાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નેશનલ ક્રાઇમ રૅકર્ડ્સ બ્યુરો (NCRB)ના ડેટાના આધારે અખબાર જણાવે છે કે વર્ષ 2018માં દેશભરમાં પાણી સંબંધિત વિવાદમાં 91 હત્યાઓ થઈ. જેમાંથી 21 ટકા હત્યાઓ ગુજરાત એકલામાં થઈ હતી.
પાણી સંબંધિત વિવાદમાં થયેલી સૌથી વધુ હત્યાઓ ગુજરાત બાદ બિહારમાં (15 હત્યા), મહારાષ્ટ્રમાં (14 હત્યા), રાજસ્થાન અને ઝારખંડમાં (10-10 હત્યા)માં થઈ.
અખબારના જણાવ્યા અનુસાર વર્ષ 2017ના ડેટા અનુસાર આ મામલે ગુજરાત પાંચમા ક્રમે હતું. જોકે, એક જ વર્ષમાં રાજ્ય ચાર ક્રમ આગળ ધકેલાઈ ગયું હતું.
આ ઉપરાંત વર્ષ 2018માં રાજ્યમાં નજીવી બાબતે હત્યા કરી દેવાની 35 ઘટના ઘટી, જે વર્ષ 2017માં 19 જેટલી હતી. ડેટા અનુસાર રાજ્યમાં પાણીના વિવાદ બાદ પ્રેમસંબંધો અને અવૈધ સંબંધોમાં સૌથી વધુ હત્યાઓ નોંધાઈ હતી.
અધીર રંજનની સૈન્યવડા પર ટિપ્પણી- 'બોલો ઓછું, કામ વધુ કરો'
કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ભારતના નવા સૈન્યવડા જનરલ મનોજ મુકુંદ નરવણે પર ટિપ્પણી કરી છે.
પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરને લઈને સૈન્યવડાએ આપેલા નિવેદન મામલે કૉંગ્રેસના નેતાએ ટ્વિટર પર લખ્યું, "બોલો ઓછું, કામ વધુ કરો."
ચૌધરીએ ટ્વિટર પર લખ્યું, "નવા સૈન્યવડા, 'પીઓકે' અંગે 1994માં સંસંદમાં પહેલાંથી જ કેટલાય પ્રસ્તાવ પાસ કરી લેવાયા છે. સરકાર પાસે ઍક્શન લેવાની પહેલાંથી જ આઝાદી છે અને તે દિશા-નિર્દેશ પણ આપી શકે છે. જો તમે પીઓકે પર ઍકશન લેવા માટે આટલા જ ઇચ્છુક હો તો આપે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ અને વડા પ્રધાનકાર્યાલય સાથે વાતચીત કરવી જોઈએ. બોલો ઓછું, કામ વધુ કરો."
નોંધનીય છે કે સૈન્યવડા નરવણેએ શનિવારે દિલ્હીમાં પોતાની પ્રથમ પત્રકારપરિષદમાં કહ્યું હતું કે, "ભારતીય સંસદ જો ઇચ્છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતમાં હોવું જોઈએ, તો આ અંગે જ્યારે પણ કોઈ આદેશ મળશે, અમે યોગ્ય કાર્યવાહી કરીશું."
રામમંદિર મામલે અમિત શાહનો પડકાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કહ્યું કે 'ચાર મહિનામાં ગગનચુંબી રામમંદિરનું નિર્માણ થવાનું છે.'
તેમણે કહ્યું, "કૉંગ્રેસના વકીલ કપિલ સિબ્બલ કહે છે કે રામમંદિર ન બનવું જોઈએ. અરે સિબ્બલભાઈ, રોકી લો, ચાર મહિનામાં ગગનચુંબી રામમંદિરનું નિર્માણ થવાનું છે."
અમતિ શાહ મધ્ય પ્રદેશના જબલપુરમાં નાગરિકતા સંશોધન કાયદો(સીએએ)ને લઈને આયોજિત કરાયેલી 'જનજાગૃતિ રેલી'ને સંબોધિત કરી રહ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો