ભારતમાં નાગરિકતા કેવી રીતે મળે અને કેવી રીતે આંચકી લેવાય?

    • લેેખક, ટીમ બીબીસી
    • પદ, નવી દિલ્હી

નાગરિકતા કાયદામાં સુધારો કર્યા પછી આખા દેશમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે અને એ માગ ઊભી થઈ રહી છે કે 'સરકાર શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવાના આ નવા કાયદાને પરત લે કારણ કે એ બંધારણની ભાવનાની વિરુદ્ધ છે અને ભેદભાવપૂર્ણ છે.'

આને લઈને દેશનાં કેટલાંય શહેરોમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે. પ્રદર્શનોમાં થેયલી હિંસક ઘટનાઓમાં હાલ સુધીમાં 20થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે.

સોશિયલ મીડિયા પર પણ નવા નાગરિકતા કાયદાની ચર્ચા છે અને ગૂગલ પર લોકો "ભારતીય નાગરિકતા કાયદા" વિશે સતત ચર્ચા કરી રહ્યા છે.

શું છે નાગરિકતા કાયદો?

નાગરિકતા કાયદો, 1955માં બંધારણ લાગુ થયા પછી ભારતની નાગરિકતા મેળવવા, તેના નિર્ધારણ અને રદ્દ કરવાના સંબંધમાં એક વિસ્તૃત કાયદો છે. તેને સરળ ભાષામાં સમજવાના પ્રયત્નો.

આ કાયદો ભારતમાં એક નાગરિકતાની જોગવાઈ કરે છે એટલે ભારતનો નાગરિક કોઈ અન્ય દેશનો નાગરિક નહીં બની શકે.

આ કાયદામાં વર્ષ 2019થી પહેલાં પાંચ વખત સુધારો (વર્ષ 1986, 1992, 2003, 2005 અને 2015માં) કરવામાં આવ્યો છે.

નવીન સુધારાઓ પછી આ કાયદામાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના છ લઘુમતી સમુદાય (હિંદુ, બૌદ્ધ, જૈન, પારસી, ખ્રિસ્તી અને શીખ) સાથે સંબંધ રાખનારા લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ જ રીતે ગત સુધારાઓમાં પણ નાગરિકતા આપવાની શરતોમાં કેટલાંક સુક્ષ્મ પરિવર્તન કરવામાં આવ્યાં હતાં.

ભારતીય નાગરિકતા કાયદો, 1955 મુજબ કેટલીક જોગવાઈ હેઠળ ભારતની નાગરિકતા લઈ શકાય છે.

શું છે જોગવાઈ?

  • પહેલી જોગવાઈ જન્મથી નાગરિકતાનો છે.

ભારતનું બંધારણ લાગૂ થયા બાદ 26 જાન્યુઆરી, 1950 પછી ભારતમાં જન્મેલી કોઈ પણ વ્યક્તિ 'જન્મથી ભારતની નાગરિક' છે.

આ પછી એક બીજી જોગવાઈ હેઠળ 1 જુલાઈ 1987 પછી ભારતમાં જન્મેલી કોઈ પણ વ્યક્તિ ભારતની નાગરિક છે, જો તેના જન્મસમયે તેમનાં માતા અથવા પિતા (બંનેમાંથી એક) ભારતના નાગરિક હોય.

  • બીજી જોગવાઈ વંશાવળી અથવા લોહીના સંબંધના આધારે નાગરિકતા આપવાની છે.

આ જોગવાઈ હેઠળ એ શરત છે કે વ્યક્તિનો જન્મ જો ભારતની બહાર થયો હોય તો તેના જન્મના સમયે તેમનાં માતા અથવા પિતામાંથી કોઈ એક ભારતનાં નાગરિક હોવાં જોઈએ.

બીજી શરત છે કે વિદેશમાં જન્મેલાં એ બાળકોનું પંજીકરણ ભારતીય દૂતાવાસમાં એક વર્ષની સમયમર્યાદામાં કરાવવું અનિવાર્ય છે. જો તે એવું નહીં કરે તો એ પરિવારને અલગથી ભારત સરકારની પરવાનગી લેવી પડશે.

આ જોગવાઈમાં માતાની નાગરિકતાના આધારે વિદેશમાં જન્મેલી વ્યક્તિને નાગરિકતા આપવાની જોગવાઈ નાગરિકતા સુધારા કાયદા, 1992 દ્વારા કરવામાં આવી હતી.

  • ત્રીજી જોગવાઈ નામાંકન દ્વારા નાગરિકતા આપવાની છે.

ગેરપ્રવાસીઓને છોડીને જો કોઈ અન્ય વ્યક્તિ ભારત સરકારને આવેદન કરીને નાગરિકતા માગે તો એ કેટલીક પ્રક્રિયા છે જેના આધારે તેને નાગરિકતા આપી શકાય છે.

1.ભારતીય મૂળનો એ વ્યક્તિ જે દેશમાં નાગરિકતા માટે અરજી કરતાં પહેલાં ભારતમાં ઓછામાં ઓછાં સાત વર્ષ રહી હોય.

2.ભારતીય મૂળની એ વ્યક્તિ જે અવિભાજિત ભારતની બહાર કોઈ દેશની નાગરિક હોય. મતલબ કે વ્યક્તિ પાકિસ્તાન અને બાંગ્લાદેશની બહાર કોઈ અન્ય દેશની નાગરિક હોય, અને તે નાગરિકતાને છોડીને ભારતની નાગરિકતા ઇચ્છે છે.

3.એ વ્યક્તિ જેનાં લગ્ન કોઈ ભારતીય નાગરિક સાથે થયા હોય અને તે નાગરિકતા માટે અરજી કરતાં પહેલાં ઓછામાં ઓછાં સાત વર્ષ સુધી ભારતમાં રહી હોય

4.એવાં સગીર બાળકો જેમનાં માતા અને પિતા ભારતીય હોય.

5.કૉમનવેલ્થના સભ્ય દેશોના નાગરિક કે જે ભારતમાં રહેતા હોય અથવા ભારત સરકારની નોકરી કરી રહ્યા હોય, અરજી કરીને ભારતની નાગરિકતા મેળવી શકે છે.

  • ચોથી જોગવાઈ ભૂમિ વિસ્તાર દ્વારા નાગરિકતા આપવાની છે. જો કોઈ નવા જમીન વિસ્તારનો ભારતમાં સમાવેશ કરવામાં આવે, તો તે વિસ્તારમાં રહેનારી વ્યક્તિને ભારતની નાગરિકતા મળી જશે. ઉદાહરણ તરીકે 1961માં ગોવાને, 1962માં પોંડીચેરીને ભારતમાં સમાવવામાં આવ્યાં ત્યારે ત્યાંની વસતીને ભારતની નાગરિકતા મળી ગઈ હતી.
  • પાંચમી જોગવાઈ નેચરલાઈઝેશન દ્વારા નાગરિકતા આપવાની છે. એટલે દેશમાં રહેવાના આધારે કોઈ વ્યક્તિ ભારતમાં નાગરિકતા મેળવી શકે છે. શરત છે કે નાગરિકતા કાયદાની ત્રણ અનુસૂચિની તમામ યોગ્યતા પર તેમને ખરૂં ઊતરવું પડે.

સ્પષ્ટ છે, આ આખો કાયદો નથી, આખો કાયદો ઘણો લાંબો છે અને જેમાંથી મોટી મોટી વિગતો આપવામાં આવી છે. ઘણી શરત અને ડિસ્ક્લેમર છે જેના વિશે જાણવા માટે આખો કાયદો વાંચજો.

નાગરિકતા રદ થવી?

નાગરિકતા કાયદા, 1955ની કલમ-9માં કોઈ વ્યક્તિની નાગરિકતા પૂર્ણ કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ત્રણ રીત છે જેના દ્વારા કોઈ વ્યક્તિની ભારતીય નાગરિકતા પૂર્ણ થઈ શકે છે.

જો કોઈ ભારતીય નાગરિક સ્વેચ્છાએ કોઈ બીજા દેશની નાગરિકતા મેળવશે તો તેની ભારતીય નાગરિકતા સ્વયં જ સમાપ્ત થઈ જશે.

જો કોઈ ભારતીય નાગરિક સ્વેચ્છાએ પોતાની નાગરિકતાનો ત્યાગ કરી દેશે તો તેની ભારતીય નાગરિકતા પૂર્ણ થઈ જશે.

ભારત સરકારને પણ નીચેની શરતોના આધારે પોતાના નાગરિકોની નાગરિકતા પૂર્ણ કરવાનો અધિકાર છે.

  • નાગરિક 7 વર્ષ સુધી સતત ભારતની બહાર રહેતો હોય.
  • જો તે સાબિત કરવામાં આવે કે વ્યક્તિએ ખોટી રીતે ભારતની નાગરિકતા મેળવી છે.
  • જો કોઈ વ્યક્તિ દેશ વિરોધી પ્રવૃતિમાં શામેલ હોય.
  • જો વ્યક્તિ ભારતીય સંવિધાનનો અનાદર કરે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો