CAA - NRC : જેમની પાસે કોઈ દસ્તાવેજ ન હોય એની નાગરિકતાનું શું?

દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદા અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ ને લઈને વિરોધ ચાલી રહ્યો છે.

આજે ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત, પશ્ચિમ બંગાળ, આસામ અને અન્ય સ્થળોએ વિરોધ પ્રદર્શનો થયા છે.

લોકો નાગરિકતા સંશોધન કાયદાનો અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સનો વિરોધ કરે છે.

નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ - એનઆરસીને લઈને અનેક અસમંજસ છે ત્યારે ગૃહ મંત્રાલયે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે.

અનેક લોકો જેની પાસે કોઈ દસ્તાવેજ નહીં હોય એનું શું થશે એમ કહી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ બે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે ભારતનું નાગરિકત્વ જન્મ તારીખ કે જન્મ સ્થળ અથવા તો બેઉમાંથી કોઈ પણ દસ્તાવેજ આપીને સાબિત કરી શકાશે.

કોઈ પણ ભારતીય નાગરિક હેરાન ન થાય અને અસુવિધામાં ન મુકાય તે માટે આની સૂચિમાં અનેક સામાન્ય દસ્તાવેજોનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે.

પ્રવક્તાએ કહ્યું કે જે લોકો 1971 અગાઉથી ભારતના નાગરિક છે તેમણે એમનાં માતા-પિતા અથવા માતા-પિતાનું ઓળખપત્ર અથવા જન્મ પ્રમાણપત્ર વગેરે જેવા દસ્તાવેજો રજૂ કરી વંશાવલી સાબિત કરવાની જરૂર નહીં હોય.

એમણે કહ્યું કે જે નિરક્ષર નાગરિકો કે જેમની પાસે કોઈ દસ્તાવેજ નથી તેમને અધિકારી પુરાવા તરીકે સમુદાયના સભ્યો દ્વારા સમર્થન રજૂ કરવાની પરવાનગી આપી શકે છે. આવા કેસોમાં યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો