લોકવિરોધની વચ્ચે સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિકાસ સત્તામંડળ બિલ વિધાનસભામાં પસાર

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
સ્ટેચ્યૂ ઑફ યુનિટીના પરિસરને પ્રવાસન માટે વિકસાવવા માટે અલગ ઑથૉરિટીની રચના કરવાને મંજૂરી આપતું વિધયેક ગુજરાત વિધાનસભામાં મંજૂર કરી દેવાયું છે.
આ વિધેયક અનુસાર ગુજરાત સરકાર સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસ વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવાના હેતુસર સત્તામંડળની સ્થાપના કરશે.
આ વિસ્તારમાં પર્યટન અને વિકાસનાં કામોનું આયોજન અને તેને મંજૂરી આપવાની સત્તા આ ઑથોરિટી પાસે હશે.
આ સત્તામંડળમાં એક અધ્યક્ષ, ચાર ઉપાધ્યક્ષ અને 15 સભ્યોની ટીમનો સમાવેશ કરવામાં આવશે.
આ સત્તામંડળ નગરઆયોજન અને વિકાસનિયંત્રણ કરીને આંતર-માળખાકીય સુવિધાઓ વિકસાવશે અને તેનું સચાંલન પણ કરશે.
નાગરિક સુવિધા ઊભી કરવાની જવાબદારી પણ સત્તામંડળને સોંપવામાં આવી છે.
આ બિલના પડઘા કેવડિયા તથા આજુબાજુના વિસ્તારમાં પણ પડ્યા છે, લોકોને આશંકા છે કે વિકાસના નામે તેમને ખુદની જમીન ઉપરથી જ હાંકી કઢાશે.
બીબીસીના સંવાદદાતા તેજસ વૈદ્યે જણાવ્યું, "વિધેયક પર ચર્ચા દરમિયાન કૉંગ્રેસે આદિવાસીઓની દેખરેખ રાખવાની વાત કરી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પી.ડી. વસાવાએ કેવડિયા અને આસપાસના વિસ્તારોમાં આદિવાસીની કનડગતને લઈને ચિંતા વ્યક્ત કરી. જ્યારે અનિલ જોશિયારાએ રાજ્યમાં કાયદાના આધારે ક્યાંય પ્રવાસન વિકસ્યું ન હોવાની વાત કરી સંબંધિત વિધેયક પરત ખેંચી લેવાની માગ કરી."
આ દરમિયાન વડગામની બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ બિલને 'કાળો કાયદો' ગણાવી તેનું દહન કર્યું હતું. મહત્ત્વપૂર્ણ છે કે મેવાણીએ જ્યારે વિધેયકનું દહન કર્યું ત્યારે તેઓ સસ્પેન્ડ હતા.
સોમવારે શરૂ થયેલા ત્રણ દિવસીય સત્રની શરૂઆતમાં જ મેવાણીને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ગૃહમાં સંવિધાન દિવસની ઉજવણીનો પ્રસ્તાવ રજૂ કરાતાં મેવાણીએ ગુજરાતમાં દલિતો પર થઈ રહેલા કથિત અત્યાચારના મુદ્દે વિરોધ કર્યો હતો. જેને પગલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

બિલની જોગવાઈઓ
સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાને 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' નામ આપવામાં આવ્યું છે, તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
તા. 31 ઑક્ટોર 2018ના રોજ સરદાર પટેલની જયંતી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું લોકાર્પણ કર્યું હતું.
બિલની જોગવાઈઓ મુજબ આ સત્તામંડળને સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિસ્તારમાં જમીન અધિગ્રહિત કરવાની, તેનો વપરાશ કરવાની તથા દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવાની સત્તા મળશે.
સત્તામંડળમાં નર્મદા ડૅમ, નર્મદા જિલ્લા પંચાયત, વન અને પર્યાવરણવિભાગ, માર્ગ અને નિર્માણવિભાગના ઉચ્ચ અધિકારીઓને 'હોદ્દાની રુએ' સ્થાન આપવામાં આવશે.
આ સિવાય આ વિસ્તારમાં પર્યટનઉદ્યોગના વિકાસ માટે જરૂરી પગલાં લેવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે રૂપિયા દસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
એક અહેવાલ મુજબ સરેરાશ દરરોજ પંદર હજાર પર્યટકો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લે છે, જે સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીના દૈનિક મુલાકાતીઓની સંખ્યા કરતાં પણ વધારે છે.

વિરોધનો વંટોળ

ઇમેજ સ્રોત, AFP
વડગામની બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રસ્તાવિત બિલને 'કાળો કાયદો' ગણાવી તેનો વિરોધ કર્યો હતો અને પત્રકારપરિષદ દરમિયાન તેનું દહન કર્યું હતું.
મેવાણીએ તમામ પક્ષોના દલિત ધારાસભ્યોને બિલનો વિરોધ કરવા આહ્વાન કર્યું હતું.
કેટલાક અહેવાલો મુજબ, આ વિધેયક પસાર થતાં ત્યાં દારૂબંધી એકદમ હળવી થઈ જશે.
આ વિધેયકની જોગવાઈઓ મુજબ જો કોઈ દબાણ થયું હોય તો તેને દૂર કરવાનો ખર્ચ પણ દબાણકર્તા પાસેથી વસૂલવામાં આવશે.
દબાણકર્તાઓ સામે દંડાત્મક કાર્યવાહીની જોગવાઈ પણ કરવામાં આવી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












