'હું આ દેશમાં સુરક્ષિત કેમ નથી અનુભવતી? જવાબ આપો' - #RIPHumanity સોશિયલ

તેલંગણાના હૈદરાબાદમાં 27 વર્ષનાં એક વેટરિનરી ડૉક્ટર યુવતી પર ગૅંગરેપ અને પછી જીવતાં સળગાવી દેવાની ઘટના પ્રત્યે માત્ર સ્થાનિક લોકોમાં જ નહીં પરંતુ દેશભરમાં અને સોશિયલ મીડિયા પર પણ લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે.

યુવતીને મદદ કરવાના નામે આ ઘટના ઘટી હતી. પોલીસને યુવતીનો અર્ધસળગેલો મૃતદેહ મળ્યો હતો અને આ કેસમાં શુક્રવારે ચાર લોકોની ધરપકડ કરી હતી.

હૈદરાબાદ શહેરની બહારના વિસ્તારમાં 27 વર્ષની એક ડૉક્ટર યુવતી પર ગૅંગરેપ અને બાદમાં જીવતા સળગાવી દેવાની ઘટનામાં પોલીસે ધકપકડ કરેલા 4 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

બીજી તરફ હૈદરાબાદમાં અને દેશમાં અન્ય સ્થળોએ પણ લોકો મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ પર આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. અનેક લોકો આરોપીઓને જાહેરમાં ફાંસીની માગ કરી રહ્યાં છે.

શમશાબાદમાં ઘટેલી આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકો પોલીસ સ્ટેશન પર ઊમટી પડ્યાં હતાં. લોકો કથિત દોષિતોને ફાંસી આપવાની માગ કરી રહ્યાં હતાં. તો હૈદરાબાદ- બેંગલુરુ હાઇવે પર પણ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

બીજી તરફ રાજધાની નવી દિલ્હીમાં પણ મહિલાઓ સાથે બનતાં આવા બનાવો સામે અવાજ ઉઠાવવાં સંસદ સામે અનુ દુબે નામનાં યુવતી ધરણા પર બેઠાં હતાં. તેઓ હાથમાં એક પ્લૅકાર્ડ લઈને ઘરણાં પર બેઠાં હતાં જેમાં લખ્યું હતું કે 'હું મારા ઘરમાં સુરક્ષિત કેમ નથી અનુભવી શકતી?'

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે સંસદ પાસે પ્રદર્શન કરવા બદલ પોલીસે તેમની અટકાયત કરી હતી. દિલ્હી મહિલા આયોગની એક ટીમે પોલીસ સ્ટેશન પહોંચી હતી. જોકે ત્યાર બાદ પોલીસે અનુ દુબેને છોડી દીધાં હતાં.

સોશિયલ મીડિયા પર લોકો અનુ દુબેની વાતમાં સૂર પૂરાવી રહ્યાં છે. અનેક લોકો ભોગ બનનાર યુવતીનાં નામ અને તસવીર સાથે પોસ્ટ કરી રહ્યાં છે. જેથી બીબીસી ગુજરાતી ઓળખ ગુપ્ત રહે તે હેતુસર એમની ટ્વિટ અહીં નથી મૂકી રહી.

અનુ દુબેનું કહેવું હતું, "મારે સરકારી અધિકારીઓ સાથે વાત કરવી છે કે મારી સુરક્ષાનું શું? આવતી કાલે ક્યાંક હું પણ ફેકાયેલી હાલતમાં નહીં મળી આવું? કેમ છોકરીઓએ ઇન્સ્ટાગ્રામ પર લખવું પડે છે કે તેમને ભારતની દીકરી હોવું ગંદું લાગે છે, આવું કેમ? મારે તેનો જવાબ જોઈએ છે."

એકતા નામનાં ટ્વિટર યૂઝરે લખ્યું છે કે વાહ અનુ દુબે, બધા લોકોએ મહિલાઓની સુરક્ષાની માગ સાથે આગળ આવવું જોઈએ. આપણે પૂછવું જોઈએ- 'મહિલાઓએ કેમ પોતાના જ દેશમાં પોતાની ડરવું પડે છે? બળાત્કારીના બદલે પીડિતે કેમ ડરમાં રહેવું પડે છે?

આનંદ નામના ટ્વિટર યૂઝરે લખ્યું છે કે રેપને રેપ જ કહેવાય, તે ભલે મહિલા, પુરુષ કે પછી ટ્રાન્સજેન્ડર હોય. અમે તમારી સાથે છીએ.

સોશિયલ મીડિયામાં રોષ

શનિવારે અખબારોમાં કથિત યૌન ઉત્પીડન અને હત્યાના સમાચાર આવ્યા ત્યારથી સોશિયલ મીડિયા પર પણ આ સમાચાર સતત ચર્ચામાં રહ્યા છે.

સોશિયલ મીડિયા પર શનિવારથી #HangHyderabadBrutes, #Telangana, #HangRapists, #RIPHumanity, #PunishRapistsInPublic જેવા ટ્રેન્ડ ચાલી રહ્યા છે.

ડીપસી લાયનેસ નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે લોકો ન્યાયની માગણી કરી રહ્યા છે, મારી સમજ પ્રમાણે તે બરાબર છે પરંતુ મહિલાઓને જોઈએ છે કે આ પ્રકારની ઘટનાને રોકી શકાય, અમે એક જગ્યાએ થોભી જવાં નથી માગતા, અમે નિડર જીવવાં માગીએ છીએ. અમે મૃત્યુ પામ્યાં પછી ટ્વિટર પર ટૉપ ટ્રેન્ડ નથી બનવાં માગતાં. અમે જીવવાં માગીએ છીએ.

શ્રીધર નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું કે ભારત સરકાર કેમ બળાત્કારીઓ વિરુદ્ધ કડક પગલાં નથી લઈ રહી?

પ્રભુ નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું કે આપણને કડક કાયદાની જરૂર છે અને વિચારસરણી પણ બદલવાની જરૂર છે. જે લોકો યૌનઉત્પીડન કરનારાઓ અને દોષિતોનાં નામ બહાર લાવે છે, તેમને જ પ્રશ્ન કરવામાં આવે છે અથવા ટ્રોલ કરવામાં આવે છે.

સુશી નામનાં ટ્વિટર યૂઝરે લખ્યું છે કે, હવે સમય આવી ગયો છે કે સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ.

'મારી બહેન સાથે જે થયું એવું કોઈ સાથે ન થાય'

બીબીસીએ ગૅંગરેપ અને હત્યાનાં ભોગ બનેલાં ડૉક્ટર યુવતીનાં બહેન સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું, "મારી બહેન સાથે જે થયું એવું કોઈ સાથે ન થવું જોઈએ. તેમણે બહુ ક્રૂરતાથી મારી બહેનને મારી હતી. આવું કોઈએ ક્યારેય જોવું ન પડે એવું હું ઇચ્છું છું."

તેમણે કહ્યું,"મેં આવી આશા નહોતી કરી કે દુનિયા આટલી ક્રૂર હશે. આનો અર્થ એ છે કે આપણાં શિક્ષણમાં ક્યાંક કોઈ ખામી છે. માત્ર જ્ઞાન લઈ લેવાથી શું થાય, વિવેકની કમી છે. જો તમે શિક્ષિત હો તો તમારામાં વિવેક હોવો જોઈએ. તમારામાં સારા અને ખરાબમાં ફેર કરવાની સમજ હોવી જોઈએ. શિક્ષણમાંથી નૈતિકતા ગાયબ થઈ ગઈ છે."

તેમણે મીડિયા વિશે કહ્યું, "પરિવારને મોટી ક્ષતિ થઈ છે પરંતુ આ ઘટનાને ભાવનાત્મક મુદ્દો બનાવીને પેશ કરવાને બદલે ઘટનાનાં કારણો વિશે વાત કરે, આ વિશે શું કરવાની જરૂર છે તેના વિશે વાત કરવી જોઈએ."

તેમણે મીડિયા વિશે કહ્યું, "મીડિયા એવા સવાલ કરે છે કે હું ભાવનામાં વહીને કૅમેરા સામે રડું. એ મારી બહેન હતી, તેની સાથે મારો સંબંધ હતો. અમે પહેલાંથી જ દુ:ખી છીએ. એ અમને છોડીને જતી રહી છે અને સવાલ કરીને અમારૂં દુખ ન વધારે. મીડિયા આવી બાબતો વિશે જાગરૂકતા ફેલાવે અને સમાજને જાગરૂક બનાવે. "

સડક પર વિરોધ

સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ સહિત પ્રદર્શનકારીઓએ હૈદરાબાદ-બેંગલુરુ હાઈવેને બંધ કરીને વેટરિનરી ડૉક્ટર પર સામૂહિક દુષ્કર્મ અને હત્યાનો વિરોધ કરી રહ્યાં છે.

નવી દિલ્હીમાં પણ વિદ્યાર્થીઓએ આ ઘટનાના વિરોધમાં માર્ચ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો