You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરામાં સગીરા પર બળાત્કાર, ડ્રોન અને માઉન્ટેન પોલીસની મદદથી આરોપીની શોધખોળ
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
વડોદરામાં એક સગીરા પર બે શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના ઘટી છે. આ મામલે પોલીસે આરોપીના સ્કૅચ જાહેર કર્યા છે અને શોધખોળ ચાલી રહી છે.
ગુરૂવારે સાંજે સગીરા અને તેમના મંગેતર શહેરના નવલખી કંપાઉન્ડ પાસે આવેલા જીઈબી ક્વાર્ટર પાસે બેઠાં હતાં, ત્યારે આ ઘટના ઘટી હતી.
એ વખતે ઝાડીમાંથી આવેલા આરોપીઓએ મંગેતરને માર મારીને ભગાડી મૂક્યા, પીડિતાને ઝાડીઓમાં ઢસડી ગયા હતા. જ્યાં તેમનાં પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
પોલીસને આપેલી વિગતો અનુસાર મંગેતરને ભગાડી દીધા બાદ આરોપીઓએ સગીરાનું અપહરણ કરી લીધું હતું અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
પીડિતાના પરિવારે નોંધાવેલી પોલીસ ફરિયાદના આધારે પોલીસે આરોપીની શોધખોળ આદરી હતી.
સગીરાએ આરોપીઓનાં કરેલાં વર્ણનો અનુસાર આરોપીમાંથી એકની ઉંમર 25થી 30 વર્ષની હોવાનું મનાઈ રહ્યું છે. મધ્યમ બાંધો અને ઘઉંવર્ણો રંગ ધરાવતો આ આરોપી નાની-આછી દાઢી-મૂછ રાખે છે.
ઘટના વખતે તેણે વાદળી રંગનું ટી-શર્ટ તથા ભળતા રંગનું પૅન્ટ પહેર્યું હતું.
જ્યારે બીજા આરોપીની ઉંમર 23થી 25 વર્ષની હોવાનું મનાઈ રહ્યું છે. વાંકડિયા વાળ અને મોટી આંખો ધરાવતા આ આરોપીએ ઘટના વખતે ચોકડીવાળો શર્ટ અને પૅન્ટ પહેર્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુનેગારને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચની મદદ
વડોદરા શહેરના ઝોન-2ના ડીસીપી સંદીપ ચૌધરીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી.
વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ઘટના વખતે પીડિતાના મંગેતરે રસ્તા પર આવીને બૂમાબૂમ કરતાં ત્યાંથી પસાર થઈ રહેલી પોલીસની પી.સી.આર. વાન મદદે પહોંચી હતી.
પોલીસજવાનોએ પીડિતાની શોધખોળ કરી હતી. જે દરમિયાન ઝાડીની અંદર તેમની ભાળ લાગી હતી.
ઘટનાની ગંભીરતા જોતાં પોલીસ હાલમાં એફ.એસ.એલ. અને ડૉગ-સ્ક્વૉડની મદદ લઈ રહી છે. આ ઉપરાતં આરોપીઓને શોધી કાઢવા ડ્રોનનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદીપસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "આ મામલે સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. જોકે, આવા અધમ ગુનામાં આરોપીને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચ પણ મદદ કરી રહી છે."
"નવલખી મેદાનનો વિસ્તાર, વિશ્વામિત્રી નદીનો કાંઠો અને પાછળ લક્ષ્મીવિલાસ પૅલેસ આ બધુ મળીને ગીચ વિસ્તાર સર્જે છે."
ગીચ વિસ્તાર હોવાથી તપાસમાં મુશ્કેલી
જાડેજાએ જણાવ્યું, "વિસ્તાર એટલો ગીચ છે કે તમારી નજર સામેથી કોઈ વ્યક્તિ ઓઝલ થાય તો સરળતાથી એની શોધી શકાય એવું નથી. એટલે આરોપીને શોધી કાઢવા માટે માઉન્ટેન પોલીસ અને ડ્રોનની મદદ લેવાઈ રહી છે."
"વિસ્તારનો ઍરિયલ વ્યૂ મેળવવા માટે ડ્રોનનો ઉપયોગ કરાયો છે, જેથી એ જાણી શકાય કે એ આ વિસ્તારમાં ભાગી શકવાના માર્ગો કયા-કયા છે."
જોકે, ગીચ અને જંગલ જેવો વિસ્તાર હોવાને લીધે આ મામલે થોડી મુશ્કેલી નડી રહી હોવાનું પોલીસ સ્વીકારે છે.
ડીસીપી જાડેજાએ વધુમાં જણાવ્યું, "ગુનો આચરીને આરોપીઓ કયા વિસ્તારમાંથી ભાગી શકે એવા માર્ગોની ઓળખ કરાઈ છે. આરોપીના સ્કૅચ તૈયાર કરાયા છે અને અમુક શંકાસ્પદોની અટકાયત કરાઈ છે, જેમની પૂછપરછ ચાલી રહી છે."
"આ ઉપરાંત હ્મુમન ઇન્ટેલિજન્સ અને મોબાઇલ સર્વેલન્સના આધારે પણ તપાસ ચાલી રહી છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો